રિંકુ શર્માની દિલ્હીમાં ધોળે દિવસે કયા કારણોસર હત્યા થઈ?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રિંકુ શર્મા નામના એક યુવકની હત્યા થઈ એ પછી આ ઘટના કેમ બની એના ચર્ચા છેડાઈ છે.

સોશિયલ મીડિયા પર અનેક લોકો લખી રહ્યા છે કે, રિંકુ શર્મા હિંદુ હતા અને તેમનો સંબંધ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે હતો એટલે તેમની હત્યા કરી દેવામાં આવી છે.

દિલ્હીની પોલીસનું કહેવું છે કે આ કોમી હિંસાનો મામલો નથી પરંતુ અંગત દુશ્મનીનો મામલો છે અને તેના કારણે આ હત્યા થઈ છે.

પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને વિસ્તારમાં તણાવને લીધે અર્ધસૈનિક દળ અને બીએસએફને તહેનાત કરવામાં આવી છે.

બપોરે શું થયું?

શુક્રવારે બપોરે રિંકુ શર્માના મહોલ્લા મંગોલપુરી પહોંચતા અગાઉ આ બીબીસી સંવાદદાતાએ દિલ્હીના એડિશનલ ડીસીપી સુધાંશુ ઘામા સાથે વાત કરી.

ઘામાએ કહ્યું કે, "પરમ દિવસે રાતે કેટલાંક યુવકો બર્થડે પાર્ટી માટે મંગોલપુરી વિસ્તારમાં ભેગા થયા હતા. આ પાર્ટી દરમિયાન આ લોકો વચ્ચે એક રેસ્ટોરાંને લઈને ઝઘડો થયો. બેઉ પક્ષોની અલગ અલગ રેસ્ટોરાંમાં ભાગીદારી હતી. મૃતકનો કોઈ હિસ્સો ન હતો પણ એમના મિત્ર સચીન અને આકાશ છે જેમની રેસ્ટોરાં હતી. આ સાથે જ ચિંગુ ઉર્ફ જાહિદે પણ રોહિણીમાં એક રેસ્ટોરાં ખોલી હતી."

એડિશનલ ડીસીપીએ કહ્યું કે મૃતક રિંકુ શર્માના મિત્રનું રેસ્ટોરાં લૉકડાઉનને કારણે બંધ થઈ ગયું હતું. આ મામલે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો વધ્યો અને ચિંગુ ઉર્ફ જાહિદ ત્યાંથી નીકળી ગયા. એ પછી તેઓ પોતાના મામા અને ત્રણ-ચાર સંબંધીઓ સાથે રિંકુના ઘરે પહોંચ્યા. જાહિદના મામા દાનિશ ઉર્ફ લાલીનું ઘર મૃતકના ઘરની ગલીમાં જ હતું. અહીં એ લોકો વચ્ચે ફરી ઝઘડો થયો જે દરમિયાન રિંકુને ચાકુ મારી દેવામાં આવ્યું. આ પછી રિંકુને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં સારવાર દરમિયાન રિંકુનું મૃત્યુ થયું.

ઘામાએ કહ્યું, "આ કેસમાં સામેલ લોકોની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. એ ચાર લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. હજી સુધી આ કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ સામે આવ્યો નથી. આ પૂરી રીતે એક વેપારી દુશ્મનાવટનો મામલો છે. આ લોકો એકબીજાની પડોશમાં રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા, આવામાં તે સાંપ્રદાયિક દુશ્મનીનો મામલો હોય એવી કોઈ વાત નથી."

જોકે, રિંકુ શર્માના પરિવારના કેટલાક લોકોએ મીડિયાને કહ્યું કે, હત્યાનું કારણ એમનું હિંદુ હોવું હતું, તે બજરંગ દળના કાર્યકર્તા હતા અને રામમંદિર માટે ફાળો ઉઘરાવી રહ્યા હતા. આવું કહેનારામાં રિંકુના નાના ભાઈ પણ સામેલ છે.

વિસ્તારના લોકો શું કહે છે?

દિલ્હી પોલીસ પાસે જાણકારી મળ્યા પછી બીબીસી સંવાદદાતા મૃતકને ઘરે પહોંચ્યા. ત્યાં રાજકીય હસ્તીઓની અવરજવર થઈ રહી હતી. ભાજપ સાંસદ હંસરાજ હંસ, આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય રાખી બિડલા અને દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તની હાજરી જોવા મળી.

બીબીસી સંવાદદાતાએ મૃતક રિંકુ શર્માના ઘરે પહોંચવાની કોશિશ કરી પરંતુ રાજનેતાઓની અવરજવરને કારણે ઘણી ભીડ થઈ હતી તેથી પહેલાં સ્થાનિક લોકો સાથે વાત કરવાની કોશિશ કરી.

લોકો સાથે વાત કરી એ સમજવાની કોશિશ કરી કે શું આ મહોલ્લામાં અગાઉ કદી પણ બે સમુદાય વચ્ચે કોમી અશાંતિનો માહોલ બન્યો હતો.

મૃતક રિંકુના ઘરની પાસે રહેનારી એક વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, "આને હિંદુ-મુસ્લિમ રંગ આપવામાં આવી રહ્યો છે. અહીં ઘણા મુસલમાન રહે છે. હું અહીં 40-45 વર્ષથી રહું છું પણ આવું કદી નથી થયું."

આ જ મહોલ્લામાં આગળ અમારી વાત એક 50 વર્ષીય મહિલા સાથે થઈ. એમણે કહ્યું કે, "રિંકુ ખૂબ સારો છોકરો હતો. પંડિત પરિવારમાંથી હતો. મંદિરમાં આવીને પૂજા-પાઠ કરતો હતો. ક્યારેક ધ્વજ લગાવી દેતો હતો અને જ્યારે દેખાય ત્યારે હાલચાલ પૂછતો હતો. એના પરિવારજનો પણ સારા છે. એ સીધો છોકરો હતો. આ ખૂબ ખરાબ થયું છે."

બીબીસી સંવાદદાતાએ જ્યારે ધરપકડ કરાઈ એ આરોપી અને એમના પરિવાર વિશે પૂછ્યું તો મહિલાએ કહ્યું "અમે કાયસ્થ છીએ. એ લોકોથી મતલબ નથી રાખતા. એ નીચી જાતિના છે. અમારી ગલીમાં પણ એમના બે ઘર છે. અમે કોઈ મતલબ નથી રાખતા. આ લોકોના આ મહોલ્લામાં એક નહીં અનેક ઘરો છે. એક એક ઘરમાં ચાર-ચાર છોકરાઓ છે અને બધા લડાઈ-ઝઘડો કરવામાં આગળ છે."

આ જ મહિલાએ અમને ધરપકડ કરવામાં આવી છે એ લોકોના ઘરનો રસ્તો બતાવ્યો.

મંદિરથી લગભગ પચાસ ડગલા દૂર ગુલાબી રંગથી રંગાયેલું એ એક જુનું ઘર હતું જે હવે ખાલી પડ્યું છે. આસપાસના લોકોએ કહ્યું કે તે તમામ લોકો ભાગી ગયા છે.

ત્યાં જ રહેનારા મહતાબના પડોશીએ સાથએ વાત કરવાની કોશિસ કરી તો અનેક મહિલાઓએ કહ્યું કે હવે ખૂબ ડર લાગે છે કે ભગવાનનું નામ લેવામાં પણ મારી નાખવામાં આવશે. મહતાબના ઘરની જમણી બાજુએ રહેતાં લગભગ પચાસ વર્ષીય લલિતાએ પણ આવી જ વાત કરી.

પરંતુ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું કોઈ ધાર્મિક આયોજન પર એમને એમના પડોશી(મહતાબનો પરિવાર) તરફથી કોઈ અડચણનો સામનો કરવો પડ્યો છે તો એમણે કહ્યું કે એમની સાથે એવું કદી નથી થયું.

બીબીસી સંવાદદાતાએ મહતાબના ઘરની સામે રહેતા અનેક લોકો સાથે વાત કરી. હાજર બે લોકોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે તેઓ જાગરણ વગેરેનું આયોજન કરતાં હતા. રસ્તા પર જ જમવાનું બનતું પરંતુ વ્યવસાયે દરજી એવા મહતાબના પિતા કે ખુદ મહતાબે કદી કોઈ અડચણ નથી કરી.

આ લોકોએ એમ પણ કહ્યું કે આ ઘટનામાં જે ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મૃતક રિંકુ શર્માનું હતું. આ કહેતી વખતે હત્યાને સમયે રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોનો હવાલો આપવામાં આવ્યો.

નારાજ ભીડનો હુમલો

મહતાબના ઘરની બહાર પડોશીઓ સાથે વાતચીત થઈ રહી હતી ત્યારે જ લાલ અને ગ્રે રંગના સ્વેટર પહેરેલી બે વ્યક્તિઓએ બીબીસી સંવાદદાતાને ઘેરવાનું શરૂ કર્યું.

સૌથી પહેલાં ઊંચા અવાજે ધક્કામુક્કી કરીને આક્રમક રીતે ધમકાવવાની કોશિશ કરવામાં આવી. આ પછી એ લોકોએ અન્ય લોકોને બોલાવવાનું શરૂ કર્યું અને ભીડ વધવા લાગી.

આ લોકોએ ધમકી આપી કે હાથ-પગ તોડી નાખવામાં આવશે, અહીં જ કચુંબર કાઢી નાખીશું, જતા રહે અહીંથી એમ કહેવામાં આવ્યું. માગવા પર પ્રેસ કાર્ડ બતાવવામાં આવ્યું તો બીબીસીનું નામ જોઈને એ લોકો વધારે ક્રોધિત થયા.

આ બધું જ મુખ્ય માર્ગથી ફક્ત 15 મીટર દૂર થઈ રહ્યું હતું પરંતુ મુખ્ય સડક તરફનું દરેક કદમ ભારે પડી રહ્યું હતું. બહાર જવાની કોશિશ કરતાં ગાળો આપતી ભીડ પાછળથી આવવા લાગતી હતી.

ગલીમાંથી બહાર નીકળતા પીઠ પર મુક્કાઓથી વાર પણ કરવામાં આવ્યો. જેમ તેમ કરીને 15 મીટરનું અંતર કાપ્યું તો બીએસએફના બે જવાનો જોવા મળ્યા. એમને જોઈને બીબીસી સંવાદદાતાએ રાહતનો દમ લીધો.

મુખ્ય સડક પર હાજર બીએસએફના જવાનોને જોઈને જ એમને આઈ કાર્ડ બતાવી મદદ માગવામાં આવી પણ એ જવાનોએ હુમલો કરી રહેલા લોકોને કંઈ ન કહ્યું. આ પછી સંવાદદાતાએ મુખ્ય માર્ગે આગળ ચાલતા પોતાને બચાવવાની કોશિશ કરી પણ એ વખતે જ બે હુમલાખોર પોતાની સાથે ભીડને લઈને સડક સુધી આવ્યા અને ફરી એક વાર હાથ પકડીને ગલીમાં અંદર લઈ જવાની કોશિશ કરી. આ દરમિયાન એક ટીવી પત્રકારે બીબીસી સંવાદદાતાનો હાથ પકડ્યો અને ત્યાંથી કાઢ્યા.

હુમલાખોર ભીડે સામાન્ય લોકોનો એમનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છીનવી લીધો. અફસોસની વાત એ પણ છે કે બેઉ પક્ષોથી પરિચિત લોકો હુમલાખોર ભીડની સામે બેહદ અસહાય બનીને એક પત્રકારને જીવ બચાવીને નીકળી જવાની સલાહ આપતા જોવા મળ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો