ભીમા કોરેગાંવ કેસ : રોના વિલ્સનના લેપટોપમાં ધરપકડના 22 મહિના અગાઉ પુરાવા પ્લાન્ટ કરાયા - વોશિંગ્ટન પોસ્ટ

    • લેેખક, મયુરેશ કન્નૂર
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રના પૂણેમાં 2018માં થયેલી ભીમા કોરેગાંવ હિંસા અંગેની તપાસ અને ધરપકડો અંગે નવા સવાલ પેદા થયા છે. આ વિશે એક નવો અહેવાલ આવ્યા પછી આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે.

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'એ એક અમેરિકન સાયબર ફોરેન્સિક લૅબની તપાસના આધારે દાવો કર્યો છે કે આ કેસમાં ધરપકડ કરાયેલી કમસે કમ એક વ્યક્તિ સામે પુરાવા પ્લાન્ટ કરાયેલા હતા, એટલે કે જાણી જોઈને ગોઠવવામાં આવ્યા હતા.

પૂણેમાં થયેલી હિંસા પછી કેટલાક ડાબેરી કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવમાં અંગ્રેજોની મહાર રેજિમેન્ટ અને પેશ્વાની સેના વચ્ચે થયેલી લડાઈમાં મહાર રેજિમેન્ટનો વિજય થયો હતો. દલિત બહુમતી ધરાવતી સેનાએ જીત મેળવી તેના 200 વર્ષની ઉજવણીના પ્રસંગે હિંસા થઈ હતી.

આ વર્ષગાંઠના કાર્યક્રમોનું આયોજન કરનાર સંગઠન એલ્ગાર પરિષદના કેટલાક સભ્યો, જાણીતા દલિત અધિકાર અને માનવાધિકાર કાર્યકરોને જુદા જુદા સમયે દેશના વિભિન્ન ભાગોમાંથી પકડવામાં આવ્યા છે. તેમની સામે 'વડાપ્રધાનની હત્યાનું ષડયંત્ર' રચવાના અને 'દેશની એકતા અને અખંડતાને તોડવાના પ્રયાસ' જેવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. આ તમામ લોકો અત્યારે જેલમાં છે.

'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ મુજબ મેસેચ્યુસેટ્સ સ્થિત લેબ આર્સનલ કન્સલ્ટિંગ કંપનીએ પોતાની તપાસ પછી એવું તારણ કાઢ્યું છે કે દલિત અધિકાર કાર્યકર રોના વિલ્સનના લેપટોપ પર સાયબર ઍટેક કરવામાં આવ્યો હતો.

લૅબ રિપોર્ટ પ્રમાણે એક મેલવેર (વાઇરસ) દ્વારા આ લેપટોપમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મૂકવામાં આવ્યા હતા. તેમાં એ વિવાદાસ્પદ પત્ર પણ છે જેમાં કથિત રીતે રોના વિલ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર માટે હથિયારો એકઠાં કરવાની ચર્ચા કરી છે.

જોકે, ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના પ્રવક્તાએ 'વોશિંગ્ટન પોસ્ટ'ને જણાવ્યું છે કે એજન્સી દ્વારા વિલ્સનના લેપટોપની જે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે તેમાં કોઈ વાઇરસ હોવાના પુરાવા નથી મળ્યા.

એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે આ મામલામાં જે લોકોને આરોપી બનાવાયા છે તેમની સામે પૂરતા પ્રમાણમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે.

વિવાદમાં નવો કાનૂની વળાંક

'વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ પછી રોના વિલ્સન અને બીજા આરોપીઓના વકીલોએ મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને તમામ આરોપો રદ કરવાની તથા તેમને મુક્ત કરવાની માગ કરી છે.

આ મામલામાં પાંચ આરોપીઓના વકીલ મિહિર દેસાઈએ બીબીસીને જણાવ્યું કે, "અમે આ સમગ્ર કાર્યવાહીને જ રદ કરાવવા માંગીએ છીએ કારણ કે જે મુખ્ય પુરાવાના આધારે આ કેસ ચાલે છે તે પુરાવો જ પ્લાન્ટેડ હોવાનું સાબિત થયું છે. અમે દસ્વાવેજો પ્લાન્ટ કરવામાં આવ્યા તેની પણ સ્વતંત્ર તપાસ ઇચ્છીએ છીએ. અમારે એ પણ જાણવું છે કે સમગ્ર તપાસપ્રક્રિયા દરમિયાન દસ્તાવેજ પ્લાન્ટ કરવા અંગેની તપાસ કેમ કરવામાં ન આવી અને ફરિયાદપક્ષે તેના પર ધ્યાન શા માટે ન આપ્યું."

રોના વિલ્સન પાસેથી જપ્ત કરવામાં આવેલી હાર્ડ ડિસ્કની કોપી મેળવવામાં મિહિર દેસાઈ સફળ રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, "અમે ડિસેમ્બર 2019માં કોર્ટમાં અરજી કરીને આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી તમામ ચીજોની ક્લોન કોપી માંગી હતી. કોર્ટના આદેશ બાદ અમને તે આપવામાં આવી હતી."

હાઈકોર્ટમાં દાખલ અરજી પ્રમાણે રોના વિલ્સનના વકીલોએ જપ્ત કરવામાં આવેલા સામાનની ફોરેન્સિક તપાસ માટે અમેરિકાના બાર એસોસિયેશનની મદદ માંગી હતી.

બાર એસોસિયેશને આર્સનલ કન્સલ્ટિંગની સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો. આ કંપની વીસ વર્ષથી ફોરેન્સિક તપાસ સાથે સંકળાયેલી છે અને દુનિયાભરની તપાસ એજન્સીઓ સાથે મળીને કામ કરે છે.

રિપોર્ટ, દાવો અને અરજી

આર્સનલ કન્સલ્ટિંગના રિપોર્ટને ટાંકીને અરજીમાં જણાવાયું છે કે રોના વિલ્સનના લેપટોપમાં પ્રથમ દસ્તાવેજ તેમની ધરપકડથી 22 મહિના અગાઉ પ્લાન્ટ કરાયો હતો.

અરજીમાં જણાવાયું છે કે, "એક સાયબર હુમલાખોરે નેટવાયર નામના મેલવેર (વાઇરસ)નો ઉપયોગ કર્યો. તેના દ્વારા સૌથી પહેલા અરજીકર્તા (વિલ્સન)ની જાસૂસી કરવામાં આવી અને ત્યાર પછી મેલવેર દ્વારા દૂરથી જ તેમના લેપટોપમાં કેટલીક ફાઇલો મૂકવામાં આવી. તેમાં પુરાવા તરીકે રજુ કરાયેલા 10 દસ્તાવેજ પણ સામેલ છે. આ વિગતો એક ફોલ્ડરમાં રાખવામાં આવી હતી, જેને હિડન મોડ (છુપાયેલું)માં બનાવવામાં આવ્યું હતું અને 22 મહિના દરમિયાન સમયાંતરે અરજીકર્તાને ખબર ન પડે તે રીતે તેમના લેપટોપમાં બાબતો પ્લાન્ટ કરવામાં આવી"

રિપોર્ટને ટાંકીને અરજીમાં જણાવાયું કે વિલ્સનના લેપટોપને ઘણી વખત રિમોટલી નિયંત્રિત કરવામાં આવ્યું હતું. જોકે, આર્સનલ કન્સલ્ટિંગના રિપોર્ટમાં એ નથી જણાવાયું કે સાયબર હુમલાખોરો કોણ હતા અને કોઈ સંગઠન અથવા વિભાગ સાથે તેનો સંબંધ હતો કે નહીં.

'વોશિંગ્ટન પોસ્ટ'એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે તેમણે ઉત્તર અમેરિકામાં મેલવેરના ત્રણ સ્વતંત્ર નિષ્ણાતો પાસે આ રિપોર્ટની તપાસ કરાવી અને તે તમામે આ રિપોર્ટને વિશ્વસનીય ગણાવ્યો છે.

'વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ અનુસાર વર્ષ 2016માં આતંકવાદના આરોપોમાં પકડાયેલા તુર્કીના એક પત્રકારને આર્સનલ કન્સલ્ટિંગના અહેવાલ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સાથે પકડવામાં આવેલા બીજા ઘણા આરોપીઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.

2018માં ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા પછી પૂણે પોલીસે કેટલાક ડાબેરી કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓના ઘર અને ઑફિસ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી તેમના લેપટોપ, હાર્ડડિસ્ક અને બીજા દસ્તાવેજ જપ્ત કર્યા હતા.

તેમાંથી મળેલા દસ્તાવેજોને અદાલતમાં પુરાવા તરીકે રજુ કરીને પોલીસે દાવો કર્યો હતો કે તેની પાછળ પ્રતિબંધિત માઓવાદી સંગઠનોનો હાથ હતો.

રોના વિલ્સન, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા સહિત 14થી વધારે સામાજિક કાર્યકરોની આ મામલામાં ધરપકડ થઈ ચૂકી છે. શરૂઆતમાં આ મામલાની તપાસ પૂણે પોલીસે કરી હતી. હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આ કેસની તપાસ કરે છે.

'વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ બાદ બીબીસીએ NIAનો પક્ષ જાણવા માટે NIAના પ્રવકતા અને સરકારી વકીલનો સંપર્ક કર્યો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેમની પ્રતિક્રિયા મળશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

ભીમા કોરેગાંવ વિવાદની તવારીખ

31 ડિસેમ્બર 2017: પૂણેના ઐતિહાસિક શનિવારવાડામાં એલ્ગાર પરિષદની બેઠક મળી. આ બેઠકમાં પ્રકાશ આંબેડકર, જિગ્નેશ મેવાણી, ઉમર ખાલીદ, સોની સોરી અને બીજી કોલસે પાટીલ સહિત કેટલાક લોકોએ ભાગ લીધો

1 જાન્યુઆરી 2018: પૂણે જિલ્લાના ભીમા કોરેગાંવમાં હિંસા થઈ. ત્યાં યુદ્ધ સ્મારક પાસે હજારો દલિતો એકઠા થયા. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠાઓ વચ્ચે થયેલી લડાઈની યાદમાં દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં ભારે પથ્થરમારો થયો. કેટલાક વાહનો અને દુકાનોને નુકસાન થયું. એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું.

2 જાન્યુઆરી 2018: પિંપરી પોલીસ સ્ટેશનમાં હિંદુત્વવાદી નેતાઓ સંભાજી ભિડે, મિલિંદ એકબોટે અને ત્રણ અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થઈ. આ મામલો આગળ તપાસ માટે પૂણે ગ્રામીણ પોલીસને સોંપવામાં આવ્યો.

8 જાન્યુઆરી 2018: પૂણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં તુષાર દામગુડે નામની એક વ્યક્તિએ એફઆઈઆર દાખલ કરાવી. તેમાં જણાવાયું કે શનિવારવાડામાં એલ્ગાર પરિષદ સાથે સંકળાયેલા લોકોએ જે ભાષણ આપ્યા હતા, તેના કારણે જ બીજા દિવસે હિંસા થઈ હતી. આ એફઆઈઆરના આધારે જ ત્યાર પછીના મહિનાઓમાં દેશભરમાં અનેક રાજકીય-સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો