કેશુભાઈ પટેલને પદ્મભૂષણ તો મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી સન્માન, બીજા કોનો થયો સમાવેશ?

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પુરસ્કારના વિજેતાઓમાં કેટલાંક ગુજરાતી નામો પણ સામેલ છે.

કળા, સાહિત્ય, શિક્ષણ અને જુદી જુદી પ્રવૃત્તિઓ અને ક્ષેત્રોમાં યોગદાન બદલ ભારત સરકાર દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે.

નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા આ વખત પદ્મવિભૂષણ માટે સાત, પદ્મભૂષણ માટે દસ અને પદ્મશ્રી માટે 102 લોકોનાં નામ પસંદ કરવામાં આવ્યાં છે.

કયા કયા ગુજરાતીઓને મળ્યાં પુરસ્કાર?

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ગત વર્ષે તેમના મૃત્યુ બાદ મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમજ ગુજરાતી ફિલ્મોનાં જાણીતાં નામો મહેશ અને નરેશ કનોડિયા, જેઓ ગત વર્ષે મૃત્યુ પામ્યા હતા, ને પણ મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. કળા ક્ષેત્રે આ બંને ગુજરાતી ભાઈઓની જોડીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

તેમજ પદ્મશ્રી પુરસ્કૃતોની યાદીમાં વધુ ત્રણ ગુજરાતી નામોને સામેલ કરવામાં આવ્યાં. કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ ચંદ્રકાંત મહેતા, દાદુદાન ગઢવી અને ફાધર વાલેસને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે મૂળ સ્પેનના ફાધર વાલેસ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા હતા. તેમનું હાલમાં જ અવસાન થયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો