મંદિર ગયેલાં મહિલાની ગૅંગરેપ બાદ હત્યા, મંદિરના પૂજારી જ મુખ્ય આરોપી

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી માટે, બદાયુંથી

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના ઉધૈતીમાં 50 વર્ષીય એક મહિલાનાં ગૅંગરેપ બાદ હત્યા કરી દેવાઈ છે.

આ ઘટના એ વખતે ઘટી, જ્યારે મહિલા મંદિરમાં રવિવારે સાંજે પૂજા કરવા માટે ગયાં હતાં.

મંદિરના પૂજારી અને એમના બે સાથીઓ પર ગૅંગરેપનો આરોપ છે.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી એટલે કે મંદિરના પૂજારી હજી પોલીસની પકડમાં આવ્યા નથી.

ઘટના વિશે બદાયુંના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંકલ્પ શર્માએ બીબીસીને જણાવ્યું છે કે "ઉધૈતી પોલીસસ્ટેશનની હદમાં 50 વર્ષીય મહિલાનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું."

તેઓ ઉમેરે છે, "પરિવારના નિવેદન અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટના આધારે આપીસીની કલમ 302 અને 376ડી અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ હતી."

શર્મા કહે છે, "બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. સંબંધિત કેસની પ્રારંભિક તપાસમાં લાપરવાહી દાખવવા બદલ પોલીસસ્ટેશનના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરાયા છે."

પૂજારીના નિવેદને ગુમરાહ કર્યા

પરિવારના કહેવા પ્રમાણે, સોમવારે ફરિયાદ આપવા છતાં એફઆઈઆર નોંધવામાં ન આવી. એફઆઈઆર ત્યારે નોંધાઈ જ્યારે પોસ્ટમૉર્ટમ થયું.

સ્થાનિક પત્રકાર ચિતરંજન સિંહ કહે છે કે મુખ્ય આરોપી મંદિરના પૂજારી સત્યનારાયણ બે દિવસ સુધી મીડિયામાં નિવેદન આપતા રહ્યા કે મહિલાનું મૃત્યુ કૂવામાં પડવાથી થયું છે.

તેમના કહેવા પ્રમાણે, પોલીસે પહેલાં પૂજારી સત્યનારાયણના જ નિવેદનના આધારે કાર્યવાહી કરી, જ્યારે પરિવારે પોતાની ફરિયાદમાં ગૅંગરેપ અને હત્યાનો આરોપ મૂક્યો હતો.

ઘટના પછી મીડિયા સાથેની વાતચીતમાં પૂજારીએ કહ્યું હતું, "મહિલા કૂવામાં પડી ગઈ હતી. મેં વેદરામ અને જસપાલને મદદ માટે બોલાવ્યા તે લોકોની મદદથી જ્યારે બહાર કાઢ્યાં, તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પછી અમે લોકો તેમના ઘરે પહોંચ્યા."

સ્થાનિક પોલીસ પોસ્ટમૉર્ટમ રીપોર્ટ ન આવ્યો ત્યાં સુધી પૂજારી સત્યનારાયણના નિવેદનનો આધાર માનીને ચાલતી રહી કે તે યોગ્ય કરી રહ્યા છે.

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, જે કૂવામાં પડવાની પૂજારી વાત કરી રહ્યા છે, ત્યાં પહોંચવું અઘરું છે. એવામાં પડવાની વાત ગળે નથી ઊતરતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો