You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : સાતમી બેઠકમાં પણ ન આવ્યો ઉકેલ, ખેડૂતોએ કહ્યું, 'કાનૂનવાપસી નહીં, ત્યાં સુધી ઘરવાપસી નહી'
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સમાચાર એજન્સી ANIએ કહ્યું કે, "MSP અને કૃષિકાયદાઓ પાછા ખેંચવા અંગેની અમારી માગો પર ચર્ચા થઈ. જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચાય, ખેડૂતો ઘરે નહીં જાય."
ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મુલ્લાહે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે "સરકાર પર ઘણું દબાણ છે. અમે સ્પષ્ટ કરી દીધું કે કાયદાને પાછા ખેંચી લેવાની અમારી માગ છે."
"અમને આ મુદ્દા સિવાય અન્ય કોઈ મુદ્દે વાતચીત મંજૂર નથી. જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે."
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના પ્રતિનિધિઓ અને મોદી સરકાર વચ્ચે આજે સાતમી બેઠક હતી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે "આઠ તારીખે સરકાર સાથે ફરીથી મુલાકાત થશે. ત્રણેય કાયદા પાછા ખેંચવા અને MSPના મુદ્દા પર આઠ તારીખે ફરીથી વાત થશે. અમે જણાવી દીધું કે કાનૂનવાપસી નહીં ત્યાં સુધી ઘરવાપસી નહી."
સોનિયા ગાંધીની કાયદો પાછા ખેંચવાની માગ
દિલ્હીની સરહદો પર ખેડૂતો મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે 40 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આજે ખેડૂતો અને સરકાર વચ્ચે સાતમી વાતચીત થવા જઈ રહી છે ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકારને કાયદા પાછા ખેંચવા અપીલ કરી છે.
કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીનું નિવેદન રજૂ કર્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે યાદ રાખવું જોઈએ કે લોકશાહીનો અર્થ લોકોના હિતોનું રક્ષણ, ખેડૂતો અને મજૂરોનું રક્ષણ થાય છે. સરકારે તાત્કાલિક ત્રણ કાયદા પાછા લેવા જોઈએ અને આંદોલન સમાપ્ત કરાવવું જોઈએ. આ સાચો રાજધર્મ છે અને મૃત ખેડૂતોને શ્રદ્ધાંજલિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતો અને સરકાર વચ્ચે આજે સાતમી વાતચીતમાં શું સંભાવનાઓ?
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લાં 40 દિવસથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે.
શનિવારે અને રવિવારે દિલ્હીની સરહદ પાસેના વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો ત્યારે નવા કૃષિ કાયદાને લઈને દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે સાતમાં તબક્કાની મીટિંગ યોજાઈ રહી છે.
સમાચાર સંસ્થા એએઆઈ મુજબ ખેડૂત પ્રતિનિધિઓ વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે.
આ મીટિંગને નિર્ણાયક માનવામાં આવી રહી છે. તેમાંથી સમાધાન નીકળવાની શક્યતા જોવામાં આવી રહી છે. જોકે ખેડૂતો કાયદા પાછા ખેંચવાની માગ પર અડગ છે.
ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકેતે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે ઘણા બધા વિષયો પર ચર્ચા કરવાની જરૂર છે. સરકારે સમજવાની જરૂર છે, ખેડૂતો કાયદાઓને હઠાવવા સિવાય કશું માગતા નથી. સરકારે સ્વામિનાથન કમિટીના રિપોર્ટને લાગુ કરવો જોઈએ અને એમએસપી પર કાયદો બનાવવો જોઈએ.
પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન (ઉગરહાં) (બીકેયૂ-યૂ)ના અધ્યક્ષ જોગિંદર સિંહ કહ્યું કે ભાજપ સરકારના જિદ્દી સ્વભાવને જોઈને કૃષિ કાયદાઓને રદ કરવાને લઈને કોઈ રસ્તો કાઢવામાં આવશે તેની આશા ખૂબ જ ઓછી છે.
તેમણે રવિવારે અંગ્રેજી અખબાર ધ હિંદુને કહ્યું, “જે પ્રકારે સરકારમાં હાજર નેતા નવા કૃષિ કાયદાઓના સમર્થનમાં નિવેદન આપી રહ્યા છે અને તે ખેડૂતો માટે ફાયદાકારક કહી રહ્યા છે તો મને 4 જાન્યુઆરની વાતચીતથી કોઈ હકારાત્મક પરિણામ આવવાની આશા ઘણી ઓછી છે. અમારું સ્ટેન્ડ બિલકુલ સાફ છે – અમે ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવા ઉપરાંત ટેકાના ભાવની કાયદાકીય ગૅરંટીની માગ કરીએ છીએ. જો અમારી માગ નહીં માનવામાં આવે તો અમે અમારો વિરોધ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રાખીશું.”
“અડધી વાત તો બની ગઈ છે”
30 ડિસેમ્બરે ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથેની સાતમા તબક્કાની બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક દરમિયાન બંને પક્ષો પરથી કહેવામાં આવ્યું હતું કે અડધી વાત તો બની ગઈ છે.
જોગિંદર સિંહે કહ્યું કે ”ગત બેઠકમાં કેન્દ્ર સરકારે વીજળીનો કાયદો અને પરાળી સળગાવવાના કાયદાને લઈને દંડ ભરવાની બાબતમાં ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. પરંતુ, જ્યાં સુધી અમારી મુખ્ય માગ નહીં માનવામાં આવતી ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને અમે તેને વધારે વેગવંતો બનાવીશું.”
જોગિંદર સિંહે કહ્યું કે ”સરકારે સમજવાની જરૂરિયાત છે કે પંજાબ અને હરિયાણામાં એપીએમસી હેઠળ હાલની મંડી સિસ્ટમ ઘણી સારી રીતે કામ કરી રહી છે અને તેને ચાલુ રાખવી જોઈએ.”
”સરકાર એમ કહીને નવા કૃષિ કાયદાઓને યોગ્ય કહી રહી છે કે અનેક ખેડૂત સંગઠન આનું સમર્થન કર્યું છે. પરંતુ આ માત્ર અમારા આંદોલનને નબળું પાડવાના પ્રયત્ન છે.”
”જે સંગઠન કૃષિ કાયદાનું સમર્થન કરી રહ્યા છે તે માત્ર કાગળ પર છે. ખરેખર તો તેમનું કોઈ વજૂદ નથી. સરકાર માત્ર એક સમાંતર મંચ બનાવીને હાલના વિરોધપ્રદર્શનને નબળું બનાવી રહી છે.”
બેઠક પહેલાં કૃષિ મંત્રી મળ્યા રાજનાથ સિંહને
સોમવારે યોજાનારી બેઠક પહેલાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી તેમણે જ આ બેઠકમાં આગળની રણનીતિને લઈને ચર્ચા કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી લખ્યું છે કે નરેન્દ્રસિંહ તોમરે રાજનાથસિંહ સાથે એ વિષય પર ચર્ચા કરી કે ખેડૂતોની વચ્ચેની વાતચીતમાં રસ્તો શું હોઈ શકે છે અને ક્યા વિકલ્પો પર આગળ વધારી શકાય છે.
અટલ બિહારી વાજપેયીની સરકારમાં રાજનાથસિંહ કૃષિમંત્રી રહ્યા હતા અને માનવામાં આવી રહ્યું છે કે તે જ આ વાતચીતની પાછળની રણનીતિનું મુખ્ય રૂપ સંભાળી રહ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો