You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2020 : એ પાંચ આંદોલનો જેનાથી નરેન્દ્ર મોદી સરકારની ચિંતા વધી ગઈ
2020નું વર્ષ પૂરું થયું અને 2021નું વર્ષ શરૂ થયું એ વખતે દિલ્હીની સરહદે કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનાં વિરોધપ્રદર્શન યથાવત્ હતાં.
ખેડૂત આંદોલને કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ચિંતા વધારી દીધી છે અને હજી સુધી ઉકેલાઈ નથી.
વિરોધ કરી રહેલાં 40થી વધુ ખેડૂતસંગઠનોએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી ત્રણેય કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.
2020નું વર્ષ વીતી ગયું છે અને એ એક વર્ષ દરમિયાન ઘણાં એવાં આંદોલનો થયાં, જેનાથી મોદી સરકારની ચિંતા વધી ગઈ હતી.
આ વિરોધપ્રદર્શનોમાં દરેક વર્ગના લોકોએ ભાગ લીધો હતો. વિરોધપ્રદર્શનના કારણે સરકાર પણ ભીંસમાં મુકાઈ હતી અને વડા પ્રધાન સહિતના નેતાઓએ સમજાવટ માટે સામે આવવું પડ્યું હતું.
JNUનું ફી-વધારા સામેનું આંદોલન
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અનેક વખત વિવાદોમાં ઘેરાઈ છે. અહીં હૉસ્ટલની ફીમાં વધારો કરવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનો અને જેએનયુના વિદ્યાર્થીઓ આંદોલન કરવા ઊતર્યા હતા.
આ આંદોલનની શરૂઆત 2019ના વર્ષમાં થઈ હતી પણ વર્ષ 2020ની શરૂઆતમાં આ આંદોલન અને તેની આસપાસ ઘણું બધું ઘટ્યું હતું.
આ દરમિયાન કૅમ્પસમાં કેટલીક હિંસક અથડામણો પણ થઈ હતી, જેમાં એબીવીપી અને ડાબેરી સંગઠનોએ સામસામે આક્ષેપો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરોધ બાદ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા હતા અને 12000થી ઓછી પારિવારિક આવક ધરાવતા વિદ્યાર્થીઓની હૉસ્ટેલનો ખર્ચ અડધો કરવામાં આવ્યો હતો.
સરકારે તેને 'મેજર રોલબૅક' એટલે કે 'ભારે કાપ' તરીકે રજૂ કર્યું છે.
5 જાન્યુઆરી 2020ની સાંજે જેએનયુ ફરી એક વખત સમાચારોમાં ચમકી, કેટલાક બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નિશાન બનાવી હિંસા આચરી હતી અને ભારે તોડફોડ કરી હતી.
ઘટના બાદ જેએનયુ કૅમ્પસમાં, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અને દેશના અલગ-અલગ પ્રદેશોમાં આ ઘટનાને વખોડતાં પ્રદર્શનો યોજાયાં હતાં.
આ વચ્ચે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે હુમલાનો શિકાર બનેલાં વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ દીપિકા પાદુકોણ ટ્વિટર પર અને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થયાં હતાં.
CAA - નાગરિકતા કાયદા વિરુદ્ધનું આંદોલન
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઈને વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં ત્યારે 10 જાન્યુઆરીથી કાયદો લાગુ થઈ ગયો.
આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના બિનમુસ્લિમ એટલે કે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મળશે, એવો દાવો સરકાર દ્વારા કરાયો હતો.
કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં દેખાવો અને વિરોધપ્રદર્શન થયાં હતાં. વિદ્યાર્થીઓ, કર્મશીલો સહિત મોટી સંખ્યામાં સામાન્ય લોકો વિરોધપ્રદર્શનોમાં સામેલ થયા હતા.
વિરોધ વચ્ચે દેશના આશરે 1100 બુદ્ધિજીવી, શિક્ષણવિદો વગેરેએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે "આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો સામનો કરનાર લઘુમતીઓને આપણા દેશમાં શરણ આપવાની લાંબા અરસાથી અધૂરી માગને પૂરી કરે છે."
જોકે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ 2019 સંસદમાં પસાર થયું ત્યાર પહેલાંથી આસામમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં. સ્થાનિકોને આશંકા છે કે બાંગ્લાદેશમાંથી આવેલા 'બિનમુસ્લિમ હિંદુઓ'ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની 'ઓળખ અને અસ્મિતા' પર સંકટ ઊભું થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહથી લઈને કેન્દ્ર સરકારના મંત્રીઓ ભાષણોમાં આ કાયદાના ફાયદા ગણાવવા લાગ્યા હતા.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી આ કાયદાનો સખત રીતે વિરોધ કર્યો હતો. કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, રાજસ્થાન, બિહાર, તેલંગણા જેવાં રાજ્યો અને પુડ્ડુચેરી સંઘપ્રદેશે CAA અને NRC લાગુ કરવા માટે સહમતિ આપી ન હતી.
આ દરમિયાન દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે પણ પ્રદર્શનો થયાં હતાં, જેમાં કેટલીક હિંસક ઘટનાઓ ઘટી હતી.
બીજી તરફ વિદ્યાર્થીઓએ પોલીસ અને તંત્ર પર બળપ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને અનેક દિવસ સુધી યુનિવર્સિટી બહાર પ્રદર્શનો થયાં હતાં.
શાહીનબાગ આંદોલન
નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં થયેલા પ્રદર્શનોમાંથી શાહીનબાગમાં થયેલાં ધરણાં-પ્રદર્શનની દેશભરમાં ચર્ચા થઈ હતી. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શનમાં જોડાઈ હતી અને અઠવાડિયાઓ સુધી અહીં દિવસ-રાત પ્રદર્શન ચાલુ રહ્યાં હતાં.
101 દિવસ સુધી ચાલેલા આ આંદોલનમાં ઘણા વળાંક આવ્યા હતા. પ્રદર્શનના સ્થળ પર ચાર મહિનાના નવજાત બાળકનું મૃત્યુ નીપજ્યું અને ગોળીબરની ઘટના પણ ઘટી.
આ ઉપરાંત પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સામે ઘણા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોના વાઇરસના કેસો વધતાં 24 માર્ચ 2020ના દિવસે શાહીનબાગ પ્રદર્શનસ્થળેથી લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા.
હાથરસ કેસ
14 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતિ સાથે કથિત ગૅંગરેપ થયો હતો, જેમાં પોલીસે માત્ર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને પછી ગૅંગરેપની કલમો ઉમેરવામાં આવી હતી.
દિલ્હીની હૉસ્પિટલમાં 29 સપ્ટેમ્બરના રોજ પીડિતાનું મૃત્યુ થયા બાદ પોલીસે હત્યાની કલમો પણ ઉમેરી અને આ બાદ આ ઘટના અંગે દેશભરમાં ચર્ચા થવા લાગી.
એ પછી પરિવારજનોએ આક્ષેપ કર્યો કે તેમને ઘરમાં બંધ કરીને પોલીસે બળજબરીપૂર્વક પીડિતાના અંતિમસંસ્કાર કરી દીધા હતા, જે બાદ આ મામલો મીડિયામાં છવાઈ ગયો અને પોલીસની નિંદા થવા લાગી.
જોકે પોલીસ જણાવ્યું હતું કે પરિવારજનોની હાજરીમાં અંતિમસંસ્કાર કરાયા હતા.
આ ઘટના મામલે ગુજરાત સહિત દેશભરમાં ઘટના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સંબંધિત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યાં હતાં.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસ જતાં અટકાવવામાં આવ્યાં અને આ દરમિયાન રાજકરણ ગરમાયું હતું.
ઉત્તર પ્રદેશ સરકાર પર દબાણ વધતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પીડિતાના પરિવાર સાથે મુલાકાત માટે પરવાનગી આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને લીધે સમગ્ર દેશમાં જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે કેસની તપાસ માટે એસાઈટીની રચના કરી હતી, પરંતુ પછી યોગી સરકારે સીબીઆઈ તપાસ માટે કેન્દ્રને ભલામણ કરી હતી.
ખેડૂતોનું કૃષિ કાયદા સામેનું આંદોલન
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો 36 દિવસથી દિલ્હીની સરહદે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદા પાછા લે.
પ્રદર્શનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બીજાં રાજ્યોના ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.
બુધવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે છઠ્ઠા રાઉન્ડની બેઠક યોજાઈ હતી, જેમાં બે મુદ્દા પર બંને પક્ષો સહમત થયા છે.
મહિલાઓ પણ મોટી સંખ્યામાં વિરોધપ્રદર્શમાં ભાગ લઈ રહ્યાં છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ખેડૂતોના સમર્થનમાં વાત કરી હતી.
બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદો પણ ખેડૂતોને ટેકો જાહેર કરી ચૂક્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી એનડીએથી અલગ થઈ ચૂક્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો