CAAના સમર્થનમાં ઊતર્યા 1100થી વધારે બુદ્ધિજીવી

દેશના આશરે 1100 બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, રિસર્ચ સ્કૉલરો વગેરેએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો સામનો કરનાર લઘુમતીઓને આપણા દેશમાં શરણ આપવાની લાંબા અરસાથી અધૂરી માગને પૂરી કરે છે."

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યારે બુદ્ધિજીવીઓને એક મોટો વર્ગ આ કાયદાના સમર્થનમાં આગળ આવ્યો છે.

શું કહેવામાં આવ્યું છે નિવેદનમાં

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "1950ની લિયાકત-નહેરુ સમજૂતીની નિષ્ફળતા પછી અનેક નેતાઓ અને રાજકીય પક્ષો જેમ કે કૉંગ્રેસ, સીપીઆઈ (એમ) વગેરેએ વૈચારિક મતભેદોને ભૂલાવીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની માગ કરી છે. આમાં મોટા ભાગના લોકો દલિત જ્ઞાતિઓમાંથી છે."

"અમે લઘુમતીઓને ટેકો આપવા બદલ અને ધાર્મિક અત્યાચારને કારણે વિસ્થાપિત થનાર લોકોને આશ્રય આપવા માટે અને ભારતનો સામાજિક સ્વભાવ જાળવી રાખવા બદલ અમે ભારતની સંસદ અને સરકારને અભિનંદન આપીએ છીએ. અમે એ વાતે પણ સંતોષ પ્રગટ કરીએ છીએ કે પૂર્વોત્તર રાજ્યોની ચિંતાઓ યોગ્ય રીતે સાંભળવામાં આવી છે."

"અમારું માનવું છે કે નાગરિકતા સંશોધ કાયદો ભારતના ધર્મનિરપેક્ષ બંધારણ સાથે યોગ્ય અનુકૂલન સાધે છે, કેમ કે તે કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિને ભારતનું નાગરિકત્વ મેળવતા રોકતો નથી. ન તો તે કોઈ નાગરિકત્વના માપદંડોને બદલે છે."

"તે ફક્ત ત્રણ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે વિસ્થાપિત કરનારા લઘુમતીઓને ખાસ પરિસ્થિતિમાં ત્વરિત સમાધાન આપે છે. તે કોઈ રીતે આ ત્રણ દેશોના અહમદિયા, હજારા, બલૂચ અથવા અન્ય સંપ્રદાયો કે જાતિઓને નિયમિત પ્રક્રિયા હેઠળ નાગરિકત્વ પ્રાપ્ત કરવાથી રોકતો નથી."

"અમે ખૂબ દુખ સાથે એ વાત પર ધ્યાન દોરવા માગીએ છીએ કે ગભરાટ અને ભયની અફવાઓ ફેલાવીને જાણીજોઈને દેશમાં ડર અને ઉન્માદનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે અને તેને કારણે દેશમાં અનેક ભાગમાં હિંસા થઈ રહી છે."

આ સંયુક્ત નિવદેનમાં લોકોએ સમાજના દરેક વર્ગને સંયમ રાખવાની અને સાંપ્રદાયિકતા અને અરાકતાને વધારાનાર દુષ્પ્રચારમાં સામેલ ન ફસાવાની અપીલ કરાઈ છે.

કોણે કોણે કરી છે સહી?

આ સંયુક્ત નિવેદન પર રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા, આઈઆઈએમ શિલોંગના પ્રમુખ શિશિર બજોરિયા, નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ સુનૈના સિંહ, જવાહરલાલ યુનિવર્સિટીના ડીન એનુલ હસન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ સ્ટડીઝના પ્રોફેસર પ્રકાશ સિંહ, ડૉ. સ્વદેશ સિંહ, ડૉ. તરુણ કુમાર, ડૉ. પંકજ મિશ્રા, જેએનયુના ડૉ. પ્રમોદ કુમાર, પ્રો. અશ્વિની મહાપાત્રા, પ્રો. અઝહર આસિફ, સુશાંત સરીન, આઈઆઈટી ચેન્નાઈના ડૉ. ઈ. કિશોર, ડૉ. રામ તુરે, આઈઆઈટી દિલ્હીના પ્રસનજિત દાસ, અયાન બેનરજી, વિશ્વભારતી શાંતિ નિકેતનના પ્રો. રામેશ્વર મિશ્રા, પ્રો, સ્વપ્નકુમાર મંડલ, પ્રો. દેબાશિષ ભટ્ટાચાર્ય વગેરેએ સહી કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો