જુનૈદ હફીઝ : પાકિસ્તાનમાં ઈશનિંદાનો વધુ એક કેસ, લેક્ચરરને મોતની સજા

પાકિસ્તાનના શહેર મુલતાનમાં બહાઉદ્દીન ઝકારિયા વિશ્વવિદ્યાલયના એક લેક્ચરર જુનૈદ હફીઝને ઈશનિંદાના આરોપમાં અદાલતે મૃત્યુદંડ આપ્યો છે.

33 વર્ષીય જુનૈદની માર્ચ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. જુનૈદ પર સોશિયલ મીડિયામાં મોહમ્મદ પયંગબર વિશે અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ હતો.

અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશે જુનૈદ હફીઝને મૃત્યુદંડ ઉપરાંત 5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈશનિંદાના આરોપોને પાકિસ્તાનમાં ખૂબ ગંભીર રીતે લેવામાં આવે છે.

ઘણી વાર આવા આરોપ ફક્ત કટ્ટરપંથીઓને નિશાન બનાવવા માટે પૂરતા થઈ પડે છે.

2014માં વકીલ રાશિદ રહેમાન જુનૈદ હફીઝનો કેસ લડવા માટે પહેલા તૈયાર થયા હતા, પરંતુ એમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

એ પછી જુનૈદ હફીઝનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર ન થયા. એ પછી એક વકીલ તૈયાર થયા તો તેમને ધમકીઓ આપવામાં આવી હતી.

આ કેસની સુનાવણી 2014માં શરૂ થઈ હતી જેમાં 13 લોકો સાક્ષી બન્યા હતા. લેક્ચરર જુનૈદ હફીઝની સામે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસવાળાઓએ જુબાની આપી હતી.

કેસ ચાલતો હતો એ દરમિયાન જુનૈદ પર જેલની અંદર કેદીઓએ અનેક વાર હુમલો પણ કર્યો હતો.

હાલ મુલતાન સેન્ટ્રલ જેલમાં કેદી એવા જુનૈદ હફીઝે ફૂલબ્રાઇટ સ્કૉલરશિપ હેઠળ અમેરિકામાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે. એમની વિશેષતા અમેરિકન સાહિત્ય, ફોટોગ્રાફી અને થિયેટર છે.

અમેરિકાથી પાકિસ્તાન પરત ફરીને તેઓ મુલતાનમાં બહાઉદ્દીન ઝકારિયા વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર બન્યા હતા.

જુનૈદ હફીઝના વકીલનું કહેવું છે કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે અને અમે તેની સામે અપીલ કરીશું.

આ દરમિયાન ફરિયાદી પક્ષે સહયોગીઓને મીઠાઈ વહેંચી અને 'અલ્લાહ હો અકબર' તેમજ 'ઈશનિંદકો માટે મોત'ના નારા પોકાર્યા હતા.

માનવાધિકાર સંસ્થા ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ બાબતને ખૂબ જ નિરાશાજનક અને આશ્ચર્યજનક ગણાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો