CAA દ્વારા નરેન્દ્ર મોદીએ પોતાની ધર્માંધતા વધુ સ્પષ્ટ કરી : ન્યૂયૉર્ક ટાઇમ્સ

અમેરિકાના અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ'એ પોતાના તંત્રીલેખમાં ભારતના નાગરિક સંશોધન કાયદા અંગે ચિંતા વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સહિષ્ણુતા પર સવાલ ઉઠાવ્યા છે.

'મોદીએ પોતાની ધર્માંધતા વધુ સ્પષ્ટ કરી' એ મતલબના શિર્ષક હેઠળ લખાયેલા તંત્રીલેખમાં જણાવાયું છે કે આ નવો કાયદો નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાના અભિયાનને આગળ ધપાવે છે.'

'મોદીએ એ પ્રક્રિયાને આગળ ધપાવવાની ટેક લીધી છે, જેમાં ભારતીયોને પોતાની ભારતીયતા સાબિત કરવી પડશે. સાબિત ન કરી શકનારાઓ માટે દેશમાં મોટાં ડિટેન્શન સેન્ટરો બનાવાઈ રહ્યાં છે.'

'સરકારે કેટલાય પ્રાંતમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. વિશ્વની સરમુખત્યારશાહી તરફી ઝુકાવ ધરાવતી વિશ્વની કોઈ પણ સરકાર કરતાં ભારતમાં વિરોધને દાબી દેવા માટે આ રણનીતિનો સૌથી વધુ ઉપયોગ કરાય છે.'

'હિંસા અને અફવાને રોકવા માટે આ જરૂરી હોવાનો દાવો કરાય છે. કાશ્મીરમાં છેક ઑગસ્ટથી ઇન્ટરનેટ બંધ છે. ઇન્ટનેટ બંધ કરતાં રાષ્ટ્રોમાં ભારત બહુ આગળ પડતું છે.'

અખબાર જણાવે છે કે 'મુસ્લિમોનો તિરસ્કાર કરીને મોદીને સત્તા હાંસલ થઈ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે રાજ્યમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસામાં હજારો લોકો માર્યા ગયા હતા અને પીડિતોમાં મોટા ભાગના મુસ્લિમો હતા.'

'ભારતની સ્થાપના આ માટે નહોતી થઈ. મોહનદાસ ગાંધી (જેમની હત્યા એક હિંદુ રાષ્ટ્રવાદીએ કરી હતી) અને જવાહરલાલ નહેરુનું દર્શન ભારતને એક બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાનું હતું. એક એવું રાષ્ટ્ર કે જ્યાં તમામ ધર્મોને માનનારાઓને નાગરિક સ્વતંત્રતા મળતી હોય.'

નોંધનીય છે કે આ તંત્રીલેખના ત્રણ દિવસ પહેલાં જ અખબારે 'ભારત હિંદુરાષ્ટ્ર બનવા તરફ આગળ ધપી રહ્યું' હોવાના સમાચાર છાપ્યા હતા.

'પાકિસ્તાન ટુડે'માં તંત્રીલેખ

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર 'પાકિસ્તાન ટુડે' દ્વારા ભારતના નાગરિક સંશોધન બિલ મામલે તંત્રીલેખ લખાયો છે.

જેમાં મોદી સરકારના આ પગલાની મુસોલિની અને હિટલર સાથે સરખામણી કરાઈ છે.

આ ઉપરાંત અખબારમાં પાકિસ્તાની હિંદુઓ દ્વારા નાગરિકતા આપવાના ભારતના પ્રસ્તાવને પણ ફગાવી દેવાયો હોવાની નોંધ લેવાઈ છે.

પોલીસનું નિષ્ઠુર પગલું : ધ ગાર્જિયન

બ્રિટિશ અખબાર 'ધ ગાર્જિયન'માં પોલીસ અને જામિય મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ સાથે થયેલા ઘર્ષણની વાતને મહત્ત્વ અપાયું છે.

અખબારે આ અંગે વીડિયો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં પોલીસના પગલાને 'નિષ્ઠુર' ગણાવાયું છે. ભારતના પૂર્વોત્તરમાં સંબંધિત કાયદા વિરુદ્ધ સૌ પ્રથમ ફેલાયેલી હિંસાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દિલ્હી અને દેશનાં અન્ય શહેરોમાં પણ આ મામલે થયેલા વિરોધને અહેવાલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો