IND Vs WI : રોહિત અને રાહુલે તોડ્યો ગાંગુલી અને સેહવાગનો 17 વર્ષ જૂનો રેકર્ડ

વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં ભારતનો 107 રને વિજય થયો.

ભારત તરફથી ઓપનિંગ જોડી રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલે (102) 227 રનની ભાગીદારીથી 387 રન બનાવ્યા હતા.

કુલદીપ યાદવે હૅટ્રિક લેતાં વિન્ડીઝ ટીમ 278 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.

કુલદીપ યાદવ ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં બે વખત હૅટ્રિક લેનાર પહેલા ખેલાડી બન્યા છે.

લોકેશ રાહુલ અને રોહિત શર્માએ બુધવારે વિન્ડીઝ સામે નોંધાવેલી 227 રનની ઓપનિંગ જોડીએ સૌરવ ગાંગુલી અને સેહવાગનાં 17 વર્ષ જૂના રેકર્ડને તોડ્યો છે.

વિન્ડીઝની સામે રાજકોટ ખાતે રમાયેલી મૅચમાં ગાંગુલી અને સેહવાગે 196 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

ત્યારબાદ વિન્ડીઝ સામે રમાયેલી મૅચમાં કોઈ પણ ઓપનિંગ જોડી આ રેકર્ડ તોડી શકી નહોતી.

વિશાખાપટ્ટનમ ખાતેની મૅચમાં ભારત તરફથી શ્રેયસ ઐયરે 53 રન બનાવ્યા હતા, જ્યારે મૅચના હીરો કુલદીપ યાદવે હૅટ્રિક લઈને ટીમને ઘર ભેગી કરી હતી.

બે હૅટ્રિક લેનાર ખેલાડી

કુલદીપ યાદવે વિન્ડીઝ સામેની મૅચમાં 33મી ઓવરમાં સાઈ હોપ (78), જેશન હૉલ્ડર (11) અને અલ્ઝારી જોસેફને (0) આઉટ કર્યા હતા. યાદવે મૅચમાં 52 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

વિન્ડીઝની ઇનિંગ્ઝમાં 33મી ઓવરના ચોથા બૉલે સાઇ હોપને આઉટ કર્યા હતા, જેનો કૅચ વિરોટ કોહલીએ લીધો હતો.

હૉલ્ડરને આઉટસાઈડ બૉલ નાખતાં તેઓ હિટ કરવા જતાં રિષભ પંતે સ્ટમ્પિંગ કર્યું હતું.

જ્યારે ત્રીજી વિકેટ માટે સ્લિપમાં બે ખેલાડી ગોઠવ્યા અને સફળતા મળી હતી.

ભારત માટે સાઈ હોપની વિકેટ મહત્ત્વની હતી, જે કુલદીપ યાદવે લીધી હતી.

કુલદીપ યાદવે આ હૅટ્રિક લીધાની સાથે વન-ડે ક્રિકેટમાં બે હૅટ્રિક લેનાર પહેલા ભારતીય ખેલાડી બન્યા હતા.

કુલદીપ યાદવે પહેલી હૅટ્રિક ઑસ્ટ્રેલિયાની સામે 2017માં કોલકાતા ખાતે લીધી હતી.

રોહિત શર્માની રેકર્ડની વણજાર

2019માં રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયા છે.

ઉપરાંત રોહિત શર્માએ આ વર્ષે સાતમી સદી નોંધાવીને વિરાટ કોહલીને પાછળ રાખી દીધા છે.

આ સિવાય રોહિત શર્માએ 2019માં બનાવેલા રનની બાબતમાં કોહલીને પાછળ છોડી દીધા છે.

એવો રેકર્ડ જેમાં રોહિત-રાહુલનું યોગદાન નહીં

આ મેચમાં એક એવો રેકર્ડ બન્યો જે રોહિત શર્મા અને લોકેશ રાહુલના નામે નથી, પરંતુ શ્રેયસ ઐયર અને રિષભ પંતના નામે છે.

મૅચની 47મી ઓવરમાં બંને બૅટ્સમૅને મળીને એક ઓવરમાં 31 રન બનાવ્યા હતા.

એક મૅચમાં એક ઓવરમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકર્ડ સચીન તેંડુલકર અને અજય જાડેજાના નામે હતો.

આ બંને ખેલાડીઓએ 1999માં ન્યૂઝીલૅન્ડની સામે એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. તે સમયે ન્યૂઝીલૅન્ડના બૉલર હતા સીજે ડ્રમ.

પરંતુ પંત અને ઐય્યરે 31 રન બનાવીને એક રેકર્ડ પોતાના નામે કરી લીધો છે.

વિન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝ 47મી ઓવર નાખી રહ્યા હતા. ચેઝે પહેલો બૉલ નો બૉલ નાંખ્યો, જેના પર ઐય્યરે એક રન લીધો અને એક રન નો બૉલનો મળ્યો.

પછીના બૉલે રિષભ પંતે એક રન લીધો, જ્યારે બીજા અને ત્રીજા બૉલે શ્રેયસ ઐય્યરે સિક્સર મારી.

ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા બૉલે પણ ઐય્યરે સતત બે સતત સિક્સર ફટકારી હતી.

એટલે ચેઝની ઑવરમાં આ રન બન્યા. 2 (નો બૉલ), 1, 6, 6, 4, 6, 6.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો