ભુતાનની પ્રવાસન પૉલિસી બદલાવાથી ભારતીય પ્રવાસીઓને શું ફરક પડશે?

    • લેેખક, અસ્મિતા દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પોતાને 'ગરજતાં ડ્રેગનની ભૂમિ' તરીકે ઓળખાવતો ભુતાન દેશ આજે પણ વિમાન, મોબાઇલ અને ટીવી જેવી આધુનિક સેવાઓથી દૂર રહીને પોતાના કુદરતી સૌંદર્ય અને જાળવણીને પ્રાધાન્ય આપી રહ્યો છે.

એક તરફ દુનિયાના અન્ય દેશો વૈશ્વિકરણ અને વ્યાપારીકરણના કારણે પોતાની આગવી ઓળખના ભોગે પણ પ્રવાસનને પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે ભુતાન પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવા માટે નવી પ્રવાસન પૉલિસી પર કામ કરી રહ્યું છે.

ટૂરિઝમ કાઉન્સિલ ઑફ ભુતાન દ્વારા જે નવી પૉલિસી પર કામ થઈ રહ્યું છે, તેના ભાગરૂપે હવે ભારતીય પ્રવાસીઓ માટે ભુતાનનો પ્રવાસ વધુ ખર્ચાળ બની જશે.

અત્યાર સુધી ભુતાનમાં ભારત, બાંગ્લાદેશ અને માલદિવ્ઝ જેવા પડોશી દેશોના પ્રવાસીઓને વિવિધ પ્રકારની ફીમાંથી છૂટ મળતી હતી.

પરંતુ આગામી સમયમાં પસાર થનારી નવી પર્યટન નીતિમાં આ છૂટ દૂર થઈ જાય તેવી શક્યતા છે.

તાજેતરમાં જ ભુતાનના વિદેશમંત્રી તાંદી દોર્જી દિલ્હી ખાતે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મળ્યા હતા, ત્યારે આ મુદ્દે ચર્ચા થઈ હતી.

હાલ વિવિધ દેશોમાંથી ભુતાનની મુલાકાત લેનાર પ્રવાસીઓએ એક વ્યક્તિદીઠ એક દિવસના લગભગ 250 ડૉલર ચૂકવવાના હોય છે.

તે ઉપરાંત 65 ડૉલરની સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ ફી ચૂકવવાની હોય છે.

જ્યારે ભારત, બાંગ્લાદેશ તેમજ માલદિવ્ઝના પ્રવાસીઓને આ ફી તેમજ વિઝામાંથી છૂટ મળતી હતી.

તાજેતરના અખબારી અહેવાલો મુજબ વર્ષ 2018માં દુનિયામાંથી 2,74,000 પ્રવાસીઓએ ભુતાનની મુલાકાત લીધી, જેમાંથી લગભગ 2,02,290 પ્રવાસીઓ આ ત્રણ દેશમાંથી આવ્યા હતા, તેમાંથી લગભગ 1,80,000 પ્રવાસી ભારતના હતા.

ભુતાન આ તેજ ગતિએ વધતી પ્રવાસીઓની સંખ્યા પર નિયંત્રણ લાવવા માગે છે અને તેમજ ભુતાનમાં વધી રહેલા અસંગઠિત હોમ-સ્ટે અને ગેસ્ટ હાઉસના વેપારને નિયંત્રણમાં લાવવા માગે છે.

કેટલાક અહેવાલ મુજબ, દિલ્હી ખાતે આવેલા પ્રતિનિધિમંડળમાંથી ટુરીઝમ કાઉન્સિલ ઑફ ભુતાનના ડિરેક્ટર જનરલ દોર્જી ધ્રધુલે કહ્યું: "ભુતાનની 'ઉચ્ચ મૂલ્યો, ઓછી અસર' યોજના અંતર્ગત આ નિર્ણય લેવાયો છે."

"છેલ્લાં ચાર વર્ષથી આ ડ્રાફ્ટ પર કામ થઈ રહ્યું હતું, જે આગામી ડિસેમ્બર મહિનામાં પાસ થાય તેવી શક્યતા છે."

ઇકૉનૉમિક્સ ટાઇમ્સના અહેવાલમાં હિમાલયન હૉસ્પિટાલિટી ઍન્ડ ટુરિઝમ ડેવલપમૅન્ટ નેટવર્કના જનરલ સેક્રેટરી સમ્રાટ સન્યાલના જણાવ્યા મુજબ: "એક પાંચ વ્યક્તિના પરિવારને માત્ર સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ ફી પેટે જ લગભગ 22,000 વધારે ચૂકવવા પડશે.""તેથી જે લોકો એક ચોક્કસ બજેટ સાથે પ્રવાસ કરે છે, તેમના માટે આ નોંધપાત્ર વધારો છે, જે તેમના ખર્ચમાં 65-70 ટકા વધારો કરશે."

ગુજરાતી પ્રવાસીઓને ફરક નહીં પડે

અમદાવાદની એક જાણીતી ટ્રાવેલ્સ કંપનીના મનીષ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું:

"અમદાવાદમાંથી દર વર્ષે લગભગ 10 હજાર લોકો ભુતાન જાય છે. ભુતાન લોકો શાંતિ મેળવવા માટે જાય છે."

"ત્યાં જનારા ગુજરાતીઓમાં મોટા ભાગે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો હોય છે. તેમના માટે મનની શાંતિ અગત્યની છે."

"ત્યાં આજે પણ ટીવી,મોબાઈલ, લિફ્ટ, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્ઝ જેવી વૈશ્વિકરણની અસરોમાંથી બાકાત છે અને કુદરત સાથે કોઈ છેડછાડ થઈ નથી."

"પ્રવાસીઓ વધ્યા છે પણ પ્રવાસીઓ માટે ભૌતિકવાદને પ્રોત્સાહન આપતા નથી. ત્યાં જનારા લોકોને કુદરતના સાંનિધ્યમાં રહેવું છે."

"તેથી તેમના માટે ફી વધારા કે ખર્ચ વધવાથી કોઈ ખાસ પરક નહીં પડે. તેથી બજેટ સમસ્યા નહીં આવે. ત્યાં ખરા અર્થમાં પ્રવાસન થઈ રહ્યું છે."

જ્યારે અન્ય એક ટ્રાવેલ્સ કંપનીનાં ઇન્ચાર્જ પ્રિયંકા મોદી જણાવે છે, "જે રીતે દેશની પૉલિસી મુજબ પ્રવાસીનું વર્તન બદલાશે."

"જો આ પૉલિસી મુજબ ચાર્જ વધે તેમ છતાં કોઈ પણ સ્થળની પસંદગીનો આધાર પ્રવાસી પર હોય છે."

"બની શકે કે બજેટ મુજબ કદાચ દિવસના કે પૅકેજના સ્તરમાં વધારો કે ઘટાડો થઈ શકે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા કોઈ પૉલિસી બદલાવાથી વધશે કે ઘટશે એવું સ્પષ્ટ કહી શકાતું નથી."

ભુતાન ફેવરિટ કેમ?

ભુતાનમાં આજે પણ રાજાશાહી છે. તેણે પોતાને સંસ્થાન બનવાથી હંમેશાં બચાવી રાખ્યું છે. તેમજ ત્યાંના રાજાઓ જનતામાં લોકપ્રિય પણ છે.

વર્ષ 1974 સુધી દુનિયાના મોટાભાગના લોકો ભુતાન દેશ વિશે અજાણ હતા, પરંતુ ભુતાનની સરકારે 1974માં તેની સંસ્કૃતિ અને સૌંદર્યના પ્રચાર-પ્રસાર તેમજ દેશની આવક વધારવા માટે પ્રવાસન શરૂ કર્યું.

તે વર્ષે ભુતાનમાં 287 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે ભુતાનની મુલાકાત લેતા પ્રવાસીઓ પારો, પુનાખા, થિમ્પુ અને કાહની વધુ મુલાકાત લે છે.

થીંપુ ભુતાનની રાજધાની છે, તેમજ ફૂનશોલિંગ તેનું આર્થિક કેન્દ્ર છે. આ પહાડી પ્રદેશો કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ છે.

ભુતાન દક્ષિણ એશિયાના હિમાલયના પૂર્વ ભાગમાં આવેલા તિબેટ તેમજ ભારતનાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ રાજ્યો સાથે સંકળાયેલો છે. ત્યાં હવાઈમાર્ગે અને સડકમાર્ગે સરળતાથી પહોંચી શકાય છે.

તેમજ સમગ્ર દેશના લોકો આજે પણ તેમના પરંપરાગત પોશાક પહેરવાનું પસંદ કરે છે.

ભારતીય પ્રવાસીઓની સંખ્યા કેટલા વર્ષમાં કેટલી વધી?

આ આંકડા દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભુતાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે બમણાથી પણ વધુ ગતિએ વધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો