6000 વર્ષ પહેલાંની મહિલા 'લોલા' કોણ હતી?

    • લેેખક, હેલેન બ્રિગ્ઝટ
    • પદ, બીબીસી ન્યૂઝ

આ ચહેરો ઉત્તર-પૂર્વ યુરોપના મોટા દ્વીપકલ્પ સ્કેન્ડેનેવિયામાં 6,000 વર્ષ પહેલાં રહેતી એક મહિલાનો છે.

પ્રાચીન 'ચ્યૂઇંગ ગમ'માં રહી ગયેલા આ મહિલાના દાંતનાં નિશાનને કારણે વિજ્ઞાનીઓ તેનું ડીએનએ મેળવી શક્યા છે.

વિજ્ઞાનીઓએ એ ડીએનએનો ઉપયોગ મહિલાના જિનેટિક કોડને ઉકેલવા માટે કર્યો હતો.

સંશોધકોએ જણાવ્યું હતું કે માનવહાડકાં સિવાયની કોઈ વસ્તુમાંથી પ્રાચીન માનવનું સંપૂર્ણ વંશસૂત્ર મેળવવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે.

પ્રાચીન મહિલાની ચામડીનો રંગ ઘેરો હોવાની અને એ ઘેરા તામ્રવર્ણી વાળ તથા બ્લ્યૂ રંગની આંખોવાળી હોવાની શક્યતા છે.

યુનિવર્સિટી ઑફ કૉપનહેગનના ડૉ. હાન્સ શ્રોડરે જણાવ્યું હતું કે ખાસ કરીને માનવ અસ્તિત્વનો કોઈ પુરાવો જ ન હોય એવા સમયગાળા સંબંધે 'ચ્યૂઈંગ ગમ' (જે વાસ્તવમાં વૃક્ષમાંથી મળેલો કાળા ગુંદર જેવો ગઠ્ઠો છે) પ્રાચીન ડીએનએનો સૌથી મૂલ્યવાન સ્રોત છે.

તેમણે કહ્યું હતું, "માનવહાડકાં સિવાયની ચીજમાંથી પ્રાચીન માનવનું સંપૂર્ણ વંશસૂત્ર મળી આવે એ અદભુત વાત છે."

કેવી હતી એ સ્ત્રી લોલા?

એ સ્ત્રીના સંપૂર્ણ વંશસૂત્ર અથવા જિનેટિક કોડ ઉકેલવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ એ મહિલાનો દેખાવ કેવો હશે એ જાણવા માટે કરવામાં આવ્યો હતો.

એ મહિલા આનુવાંશિક રીતે 6,000 વર્ષ પૂર્વે મધ્ય સ્કેન્ડેનેવિયામાં રહેતા લોકોને બદલે મેઇનલૅન્ડ યુરોપમાં રહેતા હન્ટર ગેધરર્સ એટલે કે શિકાર કરીને પોતાનું પેટ ભરતા લોકો જેવી વધારે લાગતી હતી.

મેઇનલૅન્ડ યુરોપના લોકોની માફક એ સ્ત્રીની ચામડીનો રંગ ઘેરો હતો અને તેના વાળ ઘેરા તામ્રવર્ણી તથા આંખો બ્લ્યૂ રંગની હતી.

એ મહિલા હિમશીલાઓ પાછી હઠ્યા બાદ વૅસ્ટર્ન યુરોપમાંથી આગળ વધેલા વસાહતીઓ પૈકીની એક હોવાની શક્યતા છે.

એ કઈ રીતે જીવતી હતી?

ડીએનએના બીજા અંશોમાંથી બાલ્ટિક સમુદ્રમાંના ડેન્માર્કના સિલ્થોમ નામના એક ટાપુ પરના જીવન વિશેની કડીઓ મળી હતી.

ઉત્તર ગોળાર્ધમાં વસતાં માલાર્ડ બતકો અને સોપારીની ડીએનએ સિગ્નેચર પણ શોધી કાઢવામાં આવી હતી, જે દર્શાવે છે કે માલાર્ડ બતકો અને સોપારી એ સમયે લોકોના ભોજનનો હિસ્સો હતાં.

યુનિવર્સિટી ઑફ કૉપનહેગનના થેઈસ જેન્સેને કહ્યું હતું, "એ ડૅન્માર્કમાંની પાષાણયુગની સૌથી મોટી સાઇટ છે અને પુરાતત્ત્વીય શોધ સૂચવે છે કે આ સ્થળે રહેતા લોકો ઉત્તર પાષાણયુગમાં પણ વનસ્રોતોનો વ્યાપકપણે ઉપયોગ કરતા હતા."

"આ એ સમયની વાત છે, જ્યારે દક્ષિણ સ્કેન્ડેનેવિયામાં ખેતી અને પશુપાલનનું કામકાજ સૌપ્રથમ વાર શરૂ થયું હતું."

સંશોધકોએ 'ચ્યૂઈંગ ગમ' ફસાયેલા માઇક્રોબ્ઝમાંથી પણ ડીએનએ મેળવ્યું હતું. તેમાંથી તાવ અને ન્યૂમોનિયા માટે કારણભૂત વાઇરસ મળી આવ્યા હતા.

માણસના મોંમાં હોય પણ રોગનું કારણ ન બનતા હોય એવા બીજા વાઇરસ અને જીવાણુઓ પણ તેમાંથી મળી આવ્યા હતા.

ડીએનએ ક્યાંથી મળ્યું?

વૃક્ષ ગરમીમાં તપવાને કારણે સર્જાયેલા કાળા ગુંદર જેવા ગઠ્ઠામાં ડીએનએ ફસાયેલું હતું. એ કાળા ગુંદર જેવા પદાર્થનો ઉપયોગ તે સમયે પાષાણનાં આયુધોને જોડવા માટે થતો હતો.

એ ગઠ્ઠા પરના દાંતના નિશાન સૂચવે છે કે તે પદાર્થને સંભવતઃ વધારે નરમ બનાવવા કે દાંતના દુખાવા કે અન્ય રોગમાંથી મુક્તિ મેળવવા માટે, ચાવવામાં આવ્યો હશે.

આ માહિતીનો આપણા માટે શું અર્થ?

સંશોધકોએ જણાવ્યું હતું કે આ પ્રકારે સચવાયેલી માહિતી લોકોના જીવન, વંશવેલા, આજીવિકાનાં સાધન અને આરોગ્યનો આછેરો ખ્યાલ આપે છે.

ચ્યૂંઇગ ગમમાંથી મેળવવામાં આવેલું ડીએનએ, પાછલી સદીઓમાં એકકોશી જીવાણુઓ કઈ રીતે વિકસ્યા હશે તેનો ખ્યાલ પણ આપે છે.

ડૉ. શ્રોડરે બીબીસીને જણાવ્યું હતું, "આ પ્રકારની સામગ્રીમાંથી પ્રાચીન એકકોશી જીવાણુનાં વંશસૂત્ર ખોળી કાઢવાં એ ઘણું ઉત્તેજનાભર્યું છે."

"તેને લીધે અમે એ અભ્યાસ કરી શકીશું કે એકકોશી જીવાણુઓ કઈ રીતે વિકસ્યા હતા અને હાલના જીવાણુ કરતાં એ કઈ રીતે અલગ છે. એકકોશી જીવાણુઓ કઈ રીતે વિસ્તર્યા એ પણ જાણી શકાશે."

આ સંશોધનની માહિતી નેચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો