You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મન કી બાતમાં નરેન્દ્ર મોદીએ શીખ ગુરુઓનું બલિદાન યાદ કર્યું, ખેડૂતોએ વિરોધમાં થાળી વગાડી
વડા પ્રધાન મોદીએ આ વખત 'મન કી બાત' કાર્યક્રમમાં શીખ ગુરુ ગોવિંદ સિંહ અને ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં કહ્યું કે, "આ મહાન લોકોનાં બલિદાનથી આપણી સંસ્કૃતિને સુરક્ષિત રાખવામાં મદદ મળી."
ત્રણ કૃષિકાયદાઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમણે મન કી બાત દરમિયાન થાળી વગાડીને વિરોધ કર્યો હતો.
'મન કી બાત' એક માસિક કાર્યક્રમ છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના નામે સંદેશ આપે છે.
હાલનો કાર્યક્રમ આ વર્ષનો અંતિમ રેડિયો કાર્યક્રમ હતો જેમાં વડા પ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સહિત શીખ સંતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં કહ્યું કે, "અમે તેમનાં બલિદાનો અને તેમની દયાની ભાવના માટે તેમાં ઋણી છીએ."
મોદીએ કહ્યું, "ઉગ્રવાદીઓથી, અત્યાચારીઓથી, દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત-રિવાજોને બચાવવા માટે કેટલાં મોટાં બલિદાન આપવામાં આવ્યાં છે. આજે તેમને યાદ કરવાનો પણ દિવસ છે. આજના દિવસે ગુરુ ગોવિંદ સિંહ જીના પુત્રો, સાહિબજાદે જોરાવર સિંહ અને ફતેહ સિંહને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. અત્યાચારી ઇચ્છતા હતા કે સાહિબજાદા પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શીખ છોડી દે. પરંતુ આપણા સાહિબજાદાઓએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઇચ્છાશક્તિ દેખાડી. દીવાલમાં ચણાતી વખતે પથ્થર લાગતા રહ્યા, દીવાલ ઊંચી થતી રહી, મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું, તેમ છતાં તેઓ અડગ રહ્યા."
PM મોદીએ એ પણ કહ્યું કે, "લોકો ગુરુ ગોવિંદ સિંહના પરિવારના લોકો દ્વારા અપાયેલી શહીદીને અત્યંત ભાવપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. તેમની શહીદીએ સંપૂર્ણ માનવતાને, દેશને, નવી શીખ આપી. આ શહીદીએ આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું. આપણે તેમની શહીદીના ઋણી છીએ."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને ફટકો, BTPએ છેડો ફાડ્યો
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ (BTP) શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલિમીન (AIMIM) સાથે ગઠબંધન કરશે.
અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસનો સાથ ન મળતાં 12 ડિસેમ્બરના રોજ BTP દ્વારા નર્મદા અને ભરૂચની જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
BTPના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે, "અમારો કૉંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો. કૉંગ્રેસે અમને ડુંગરપુર જિલ્લા પંચાયત અને રાજસ્થાનની નવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટેકો નહોતો આપ્યો."
"રાજસ્થાનના આ અનુભવ બાદ મારી ઓવૈસી સાથે ચાર દિવસ પહેલાં વાત થઈ હતી. તે દરમિયાના મેં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમના પક્ષ AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે તેમણે સ્વીકારી લીધો હતો."
નોંધનીય છે કે ગુજરાતમાં આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે.
પ્રથમ તબક્કામાં અમદાવાદથી વાપી સુધી બુલેટ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ભારતીય રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન સર્વિસ પ્રથમ તબક્કામાં અમદાવાદથી વાપી વચ્ચે દોડાવાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
જો મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે જમીન મેળવવામાં મોડું થાય તો બુલેટ ટ્રેનસેવા પ્રથમ તબક્કે અમદાવાદથી વાપી વચ્ચે પણ શરૂ થઈ શકે છે.
બુલેટ ટ્રેનસેવા બે તબક્કામાં શરૂ થશે કે કેમ તે પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરતા રેલવે બૉર્ડના CEO અને ચૅરમૅન, વી. કે. યાદવે કહ્યું કે, તેઓ સમગ્ર રૂટ પર સેવા શરૂ થઈ જાય તેવું ઇચ્છે છે.
તેમણે આગળ કહ્યું કે, "મહારાષ્ટ્ર સરકારે અમને આવનારા ચાર માસમાં પ્રોજેક્ટ માટે 80 ટકા જમીન મેળવી આપવાની વાત કરી છે. જો મહારાષ્ટ્રમાં કોઈ કારણસર જમીન મેળવવામાં મોડું થશે તો તેવી પરિસ્થિતિમાં અમે અમદાવાદથી વાપી (325 કિમિ)સુધી પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. પરંતુ આ અંગેનો નિર્ણય મહારાષ્ટ્રમાં જમીનની ઉપલબ્ધતા સ્પષ્ટત થયા બાદ લઈ શકાશે."
ગુજરાત : સોનાના ભાવમાં સ્થિરતાને કારણે બુલિયન માગમાં વધારો
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર સોનાના ભાવમાં સ્થિરતાના પરિણામે સોનાની માગમાં વધારો જોવા મળી રહ્યો છે.
અહેવાલ અનુસાર શનિવારે અમદાવાદના બજારમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 51,800 હતો. પાછલાં બે અઠવાડિયાંથી પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 51,000થી 52,000 વચ્ચે રહ્યો હતો.
વિશ્લેષકોના મતે આવનારા દિવસોમાં સોનાનો ભાવ વધવાની શક્યતા છે.
એક વેપારીએ અખબારને પોતાનું નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, "અર્થતંત્રમાં ધીમી ગતિએ સુધારો થવાની સંભાવનાને કારણે રિસ્ક પ્રિમિયમ વધુ છે. જેને પગલે રોકાણ માટે સારા વિકલ્પ તરીકે સોનાની માગમાં વધારો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં સોનાનો ભાવ વધવાની સંભાવનાને કારણે ઘણા રોકાણકારો સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષાયા છે."
બુલિયન ખરીદીમાં વધારાને પગલે પ્રાદેશિક માર્કેટમાં જ્વેલરીના વેચાણમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
ગુજરાત : દીપડાના વધુ એક હુમલામાં 17 વર્ષીય કિશોરીનું મૃત્યુ
'ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર ગુજરાતના જુનાગઢ જિલ્લાના શેત્રુંજી વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં આવેલ કાસન ગામની એક 17 વર્ષીય કિશોરીનું દીપડાના હુમલામાં મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક આરતી મકવાણા જ્યારે ખેતરમાં કપડાં ધોઈ રહ્યાં હતાં તે સમયે દીપડાએ હુમલો કર્યો હોવાનું સ્થાનિક અધિકારીઓ જણાવે છે.
વનવિભાગના અધિકારીઓ દ્વારા અપાયેલ માહિતી અનુસાર હુમલા બાદ મહુવા ખાતે એક હૉસિપટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ગુજરાતના વનક્ષેત્રોની આસપાસના વિસ્તારોમાં માનવ અને પ્રાણી વચ્ચે ઘર્ષણના ઘણા બનાવો બન્યા છે.
આ બનાવોમાં દીપડા જેવા માનવવસતિની નજીક રહેતા પ્રાણીઓ દ્વારા અવારનવાર નાનાં બાળકો પર જીવલેણ હુમલા થયાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે.
દીપડા દ્વારા થતા હુમલાઓને પગલે સ્થાનિક વનવિભાગ દ્વારા ઘણા માનવભક્ષી દીપડાઓને પકડી માનવવસતિથી દૂર લઈ જવાનું કામ પણ સમયાંતરે થયા કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો