You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકે અને યુરોપિયન યુનિયન 'પોસ્ટ-બ્રેક્સિટ ડીલ' પર સહમત - TOP News
યુરોપિયન યુનિયનથી બ્રિટનથી અલગ થયા બાદ બંને પક્ષો વચ્ચે આખરે 'પોસ્ટ-બ્રેક્સિટ ડીલ' થઈ ગઈ છે.
આ સાથે જ બંને પક્ષો વચ્ચેની માછલી પકડવા અંગેની તથા ભવિષ્યના વેપાર સંબંધેના નિયમો અંગે સર્જાયેલી અસહમતિ પણ ખતમ થઈ ગઈ છે.
બંને પક્ષ ઘણા મહિનાઓથી ચાલેલી રસાકસી બાદ આ પરિણામ સુધી પહોંચ્યા છે.
યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉરસુલા વૉન ડેર લાયને કહ્યું, "આ એક લાંબો સફર હતો, પણ અમે સારી સમજૂતી કરી, જે નિષ્પક્ષ અને સંતુલિત છે."
"બંને પક્ષો માટે આ જ સારું હતું અને આ જ જવાબદારી હતી."
IPLમાં ગુજરાતની ટીમને પણ સ્થાન? 2022માં 10 ટીમ રમશે
બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ની 89મી એજીએમ બેઠક મળી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 2022માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આઠના બદલે દસ ટીમો રમશે.
આ અહેવાલમાં સૂત્રોના હવાલાથી ટાંકીને લખ્યું છે કે ગુજરાત પાસે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ છે, જેથી ગુજરાતની ટીમને સ્થાન મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ આદમી પાર્ટીની ઑફિસ પર હુમલો, ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની ઑફિસમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ આ મામલે ટ્વીટ પર વીડિયો અપલોડ કર્યો હતો અને લખ્યું કે "મારી આખી ઑફિસમાં તોડફોડ કરવામાં આવી છે અને સ્ટાફને પણ ધમકી આપી."
તો દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો.
તેઓએ લખ્યું કે "ભાજપવાળા ખુલ્લેઆમ ગુંડાગીરી કરીને ઘરો અને ઑફિસોમાં ઘૂસી રહ્યા છે. ગુંડાગીરીનું બીજું નામ ભાજપ."
આપના નેતા સંજય સિંહે ભાજપ પર આરોપ મૂકીને ટ્વીટ કરીને લખ્યું કે "પહેલાં અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ, પછી મનીષ સિસોદિયાના પરિવાર પર હુમલો અને હવે રાઘવ ચઢ્ઢા પર જીવલેણ હુમલો."
"અમિત શાહજી ચૂંટણીની હાર હજુ સુધી ભૂલી શકતા નથી અને તમે લોકો ખૂનખરાબા પર ઊતરી આવ્યા છો."
યુકેની કંપનીને 10 હજાર કરોડ ચૂકવવા ભારત સરકારને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલનો આદેશ
આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે ભારત સરકારને યુકેની કૅર્ન ઍનર્જી કંપનીને 1.4 અબજ ડોલર્સ પાછા ચૂકવી દેવા આદેશ આપ્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર ભારત સરકારે આ કંપની પાસેથી પાછલી અસરથી ટૅક્સની માગણી કરી હતી. પણ કોર્ટે તેને ફગાવી દીધી અને કંપનીની તરફેણમાં નિર્ણય આપ્યો છે.
ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે સર્વાનુમતે આ નિર્ણય આપ્યો હતો. જેમાં ભારતની પણ એક નૉમિની હતી.
નિર્ણય અનુસાર ભારતે કૅર્નને 20 કરોડ ડોલર્સનું વ્યાજ ચૂકવવાનું છે. આ ઉપરાંત 2.20 કરોડની આર્બિટ્રેશન કોસ્ટ પણ આપવાની છે. આ બધું જોતાં ભારત સરકારે કૅર્નને કુલ રૂપિયા 10,500 કરોડ ચૂકવવા પડશે. જોકે ભારત સરકારે નિર્ણય સામે અપીલ કરવાની વાત પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વોડાફોન કંપની સાથેના આ પ્રકારના જ એક કેસમાં ભારત સરકારની હાર થઈ હતી.
ડીટીએચમાં 100 ટકા એફડીઆઈ
કેન્દ્રીય કૅબિનેટે દેશમાં ડાયરેક્ટ ટુ હોમ એટલે કે ડીટીએચ સેવાઓ પૂરી પાડવા માટેની માર્ગદર્શિકામાં સમીક્ષાને મંજૂરી આપી દીધી છે.
'એનડીટીવી'ના રિપોર્ટ મુજબ આ માટે 20 વર્ષના લાયસન્સ ઇસ્યૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ડીટીએચ બ્રૉડકાસ્ટ સેવાઓના ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈ એટલે કે વિદેશી રોકાણને બહાલી આપી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ડીટીએસ સેક્ટરે 100 ટકા એફડીઆઈ મંજૂરી માટે રજૂઆત કરી હતી પરંતુ તે માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અને નીતિમાં ફેરફાર કરવો પડે એવું હતું.
ભારતમાં 6 કરોડથી વધુ ઘરોમાં ડીટીએચ સેવાઓ છે. વાણિજ્ય મંત્રાલય પણ અગાઉ 100 ટકા એફડીઆઈ માટે મંજૂરી આપી ચૂક્યુ છે. અત્યાર સુધી આ મર્યાદા 49 ટકા જ હતી.
ખેડૂત આંદોલન :રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને 2 કરોડ સહીવાળું મેમોરેન્ડમ આપશે
દિલ્હી સરહદે વિવિધ રાજ્યોના ખેડૂતો નવા કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 25થી વધુ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે.
હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે ન સમાધાન થયું છે ન તો કોઈ ઉકેલ આવ્યો છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિને મળીને તેમને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરશે.
તેઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. તેઓ આ સાથે જ બે કરોડ સહીવાળું મેમોરેન્ડમ પણ આપશે.
દરમિયાન ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી શરતોની પુનઃસમીક્ષા નહીં કરશે ત્યાં સુધી તેઓ વાતચીત માટેની તારીખ નક્કી નહીં કરે.
બુધવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે કહ્યું હતું કે ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ અને કડકડતી ઠંડીમાં સંખ્યાબંધ ખેડૂતો બહાર સૂઈ રહ્યાં છે જેનાથી સરકારને ઘણી ચિંતા છે.
સોહરાબુદ્દીન બનાવટી ઍન્કાઉન્ટર કેસના સાક્ષી સામે 4 કેસ
સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસના સીબીઆઈ સાક્ષી રહી ચૂકેલા અમદાવાદના બિલ્ડર સામે 4 કેસ દાખલ થયા છે. હાલ તેઓ જેલમાં છે. તેમાં જમીન પચાવી પાડવાથી લઈને હત્યાના પ્રયાસ સુધીના કેસ સામેલ છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ અમદાવાદના બિલ્ડર રમણ પટેલ સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઈ તપાસમાં સાક્ષી રહી ચૂક્યા છે. તેમની સામે 1977ના જમીનના કેસ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે.
સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર કેસમાં એ સમયના ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ, ભાજપ નેતા અને રાજસ્થાનના ગૃહરાજ્ય મંત્રી ગુલાબચંદ કટારિયા સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ આરોપી હતા. 2010માં અમિત શાહની આ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી. 2014માં પૂરાવાઓના અભાવને કારણે શાહને આ કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.
એ પછી 2018માં સુપ્રીમ કોર્ટે તમામ 22 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.
અહેવાલ મુજબ અમદાવાદના બિલ્ડર રમણ પટેલ સામે 16 ઑગસ્ટથી 11 ડિસેમ્બર સુધીમાં કુલ 4 ફરિયાદ થઈ છે જે જમીનને મામલે છે.
2010માં સુરતમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો એક કેસ પણ તેમની સામે થયેલો છે.
ઉલ્લેખનીય છે ગુજરાત સરકારે તાજેતરમાં નવો લૅન્ડ ઍક્ટ પસાર કર્યો અને તે મુજબ તેમની સામે પગલાં લેવાઈ શકે છે.
ઇન્ડિયન ટીમમાં ખેલાડીઓ સાથે બેવડા ધોરણો અપનાવાય છે : સુનીલ ગાવસ્કર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ઇન્ડિયન ટીમમાં જૂથબાજી ચાલી રહી હોવાની વાત કહી છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર આર.અશ્વિન સાથે બેવડા ધોરણો અપનાવાય છે. કેમ કે અશ્વિન અન્ય ટીમ સભ્યો કપ્તાન સાથે સંમત ન હોય તો પણ હા માં હા કરી દે છે એવું નથી કરતા.
તેમણે કહ્યું, "આર. અશ્વિન પોતાનો અભિપ્રાય મુક્તપણે મુકે છે અને અસંમતિ પ્રગટ કરતા ખચકાતા નથી.. એટલે તેમણે કેટલાક અદૃશ્ય અણગમાનો શિકાર બનવું પડ્યું છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "કેટલાક બેટ્સમેન એક મેચમાં રન ન બનાવે તો તેમને બીજી મેચમાં તક અપાય છે. પણ અશ્વિન એક મેચમાં ઓછી વિકેટ મેળવે તો તેને તક નથી મળતી. નટરાજન આઈપીએલ ચાલે છે ત્યારથી પોતાની નવજાત દીકરીને મળી નથી શક્યો અને કોહલી ઓસ્ટ્રેલિયા ટુર વચ્ચે બાળકના જન્મ માટે ટૂર અધુરૂ મૂકી આવ્યો. આ બેવડા ધોરણોવાળી નીતિ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો