ખેડૂત આંદોલન : RSS સાથે સંકળાયેલાં સંગઠનો એમએસપી પર શું કહે છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

નવા કૃષિકાયદાઓ પર કેન્દ્ર સરકાર પોતાના સહયોગી અકાલી દળને મનાવી શકી નથી. તેના કારણે અકાલી દળે એનડીએથી છૂટા થવાનો નિર્ણય લીધો છે.

બાદમાં એનડીએના બીજા ઘટક દળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારને ધમકી આપી છે.

રાજસ્થાનથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલેએ એનડીએ છોડવાની ધમકી આપતાં કહ્યું, "આરએલપી એનડીએનું ઘટક દળ છે, પરંતુ તેની તાકાત ખેડૂતો અને સૈનિક છે. જો મોદી સરકાર કોઈ તત્કાલિક કાર્યવાહી નહીં કરે તો મારે એનડીએના સહયોગી હોવા પર વિચાર કરવો પડી શકે છે."

દરમિયાન સમાચાર છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલાં બે મોટાં સંગઠન ભારતીય કિસાન સઘં અને સ્વદેશી જાગરણ મંચ પણ નવા કૃષિકાયદાથી પૂરી રીતે સંતુષ્ટ નથી.

સ્વેદશી જાગરણ મંચની સુધારાની માગ

આ બંને સંગઠનોને પણ નવા કૃષિકાયદામાં કેટલીક ખામીઓ દેખાઈ રહી છે અને તેમને લાગે છે કે તેમાં સુધારો કરવો જોઈએ.

'ખેડૂત આંદોલનનું સમાધાન કેવી રીતે થશે?' આ વિષય પર બીબીસીએ મંગળવારે એક વેબિનારના માધ્યમથી ચર્ચાનું આયોજન કર્યું હતું. ચર્ચામાં સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહસંયોજક અશ્વિની મહાજને ભાગ લીધો હતો.

તેઓએ નવા કૃષિકાયદા પર કહ્યું, "આ નવા કાયદો ખેડૂતોના હિતમાં છે, પણ કોઈ પણ નવો કાયદો આવે ત્યારે તેમાં સુધારાને અવકાશ રહે છે."

કાયદામાં કયા સુધારાની જરૂર છે? આ સંબંધમાં તેઓ ચાર સુધારા ગણાવે છે:

સુધારો 1: જો સરકાર ખેડૂતોને અનાજમંડીથી વિમુખ કરી રહી છે તો નવા પ્રાઇવેટ વેપારી, જે ખેડૂતોની ઉપજ ખરીદશે, તેઓ પોતાના કાર્ટલ ન બનાવી લે, તેને રોકવા માટે નવા કાયદામાં વ્યવસ્થા હોવી જોઈએ.

સુધારો 2: ભારતની ખાદ્યસુરક્ષાને સુનિશ્ચિત કરવાની હો તો સરકારે ખેડૂતોને પણ સુરક્ષિત કરવા પડશે. માટે ખેડૂતોને પોતાની ઉપજનો ખર્ચ 20થી 30 ટકા ઊંચી કિંમતે મળે એ સરકારે નક્કી કરવું જોઈએ.

આ વ્યવસ્થા કાયદાથી થવી જોઈએ. કેન્દ્ર સરકારે એ માટે 'ફ્લોર પ્રાઇઝ' નક્કી કરવી જોઈએ.

સુધારો 3: નવા કૃષિકાયદામાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની વ્યવસ્થા કરાઈ છે. ખેડૂતો કોઈ પણ વિવાદ સમયે મામલાને એસડીએમ પાસે લઈ જઈ શકે છે.

અશ્વિની મહાજનના મતે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં જો કોઈ વિવાદ થાય તો એસડીએસ પાસે જવા સિવાય અલગથી 'ખેડૂત કોર્ટ'ની વ્યવસ્થા કરવી જોઈએ.

તેની પાછળ તેઓ કારણ પણ જણાવે છે. તેમના અનુસાર સામાન્ય ખેડૂતોની એસડીએમ સુધી પહોંચ હોતી નથી.

સુધારો 4: કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને પોતાની ઉપજની કિંમત ત્યારે મળે જ્યારે પાકની કાપણી પૂરી થઈ જાય.

કેન્દ્ર સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે સમયાંતરે હપ્તા પર કુલ નક્કી કિંમતની ચુકવણી ખેડૂતોને થતી રહે.

એટલા માટે કે એક વાર ખેડૂત અને પ્રાઇવેટ પાર્ટી વચ્ચે કૉન્ટ્રેક્ટ થઈ જાય ત્યારે બીજ રોપવા, કીટનાશક છંટકાવ અને સિંચાઈ સુધી ખેડૂતોને બહુ પૈસા ખર્ચવા પડે છે.

સાથે જ નવીમાં વ્યવસ્થા હવે 'વચેટિયા' બચ્યા નથી, જેને ખુદ ભાજપના નેતાઓ ખેડૂતોનું 'એટીએમ' કહેતા આવ્યા છે. તો સરકારે તેમના માટે નવા એટીએમની વ્યવસ્થા નક્કી કરવી જોઈએ.

એમએસપી પર કોઈ ફોર્મ્યૂલા કાઢી શકે છે સરકાર

અશ્વિની મહાજને સુધારા-2માં જે 'ફ્લોર પ્રાઇઝ'ની વાત કરી એને હકીકતમાં ખેડૂતો 'લઘુતમ સમર્થન મૂલ્ય' કહી રહ્યા છે.

ખેડૂતોની માગ છે કે સરકાર લેખિતમાં તેમને આશ્વાસન આપે કે એમએસપી ચાલુ રહેશે અને સરકારી ખરીદી પણ.

આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સૌથી વધુ મતભેદ પણ છે.

આરએસએસ અને વર્તમાન સરકાર વચ્ચેનો સંબંધ છૂપ્યો નથી. કેન્દ્ર સરકાર તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે સરકાર આ મામલે કોઈ ફોર્મ્યૂલા કાઢવા માટે તૈયાર હોઈ શકે છે.

સરકાર તરફથી વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે કહ્યું કે પાકનું લઘુતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપીને લઈને સરકાર બહુ સ્પષ્ટ છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તેઓએ કહ્યું, "એમએસપી હતી, છે અને રહેશે. તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સરકાર તેના માટે પ્રતિબદ્ધ છે. લેખિતમાં આપવા માટે તૈયાર છે."

આ સુધારાઓની સાથે અશ્વિની મહાજને ખેડૂતો સાથે જોડાયેલી સરકારની કેટલીક નીતિઓનાં વખાણ પણ કર્યાં. તેમના અનુસાર કેન્દ્ર સરકારે ન માત્ર લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારી, ખરીદી પણ વધુ કરી છે.

'આ વેપારીઓનો કાયદો છે'

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલી બીજી સંસ્થા છે, ભારતીય કિસાન સંઘ. 'કૃષિ મિત્ કૃષત્વ' એટલે કે 'ખેતી કરો' એ જ તેમનું ધ્યેયવાક્ય છે.

એક ઇન્ટરવ્યૂમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય સચિવ મોહિની મોહન મિશ્રા કહે છે, "આ ત્રણેય કાયદા જ્યારે અધ્યાદેશના રૂપમાં પાંચ જૂને આવ્યા હતા ત્યારે અમે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. 25 હજાર ગામોમાંથી અમારા ખેડૂતભાઈઓએ આ કાયદા સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને લેખિતમાં ફરિયાદ કરી છે."

"આ ત્રણેય બિલ વેપારીઓનાં બિલ છે. સરકારનું કહેવું છે કે વેપારીઓનો સારો વેપાર ચાલશે તો ખેડૂતોને લાભ થશે. 90ના દશકથી ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે 'એક દેશ એક માર્કેટ'ની વાત કરી રહ્યો છે. સરકાર એ જ ઉદ્દેશને પૂરો કરવા માટે આ કાયદો લાવી હોય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ. પણ આ બિલમાં ઘણી સમસ્યાઓ છે."

ભારતીય કિસાન સંઘની કેટલીક માગ પણ સ્વદેશી જાગરણ મંચ જેવી જ છે.

પોતાની માગો અંગે મોહિની મોહન મિશ્રા કહે છે:

માગ 1 : જો નવા કાયદામાં કેન્દ્ર સરકારે એ જોગવાઈ જોડી દે કે મંડીમાં અને મંડી બહાર એમએસપીની નીચે ઉપજની ખરીદી નહીં થાય તો આ કાયદો ઐતિહાસિક બની જશે.

માગ 2 : ખેડૂતોની ઉપજ ખરીદનારા વેપારીઓ કોણ હશે? તેના માટે એક પોર્ટલ બનાવીને સરકાર તેમનાં નામ સાર્વજનિક કરી દે તો સારું. દૂરસુદૂર ગામમાં રહેતા ખેડૂતોને આ રીતે કોઈ વેપારી છેતરી નહીં શકે.

માગ 3 : ઉપજની ખરીદીના સમયે ખેડૂતોને વેપારીઓ બૅન્ક ગૅરંટી ચોક્કસ આપે, એ જોગવાઈ પણ આ નવા કાયદામાં જોડવી જોઈએ. જો શરૂઆતમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનો વાયદો કરીને બાદમાં વેપારી ફરી જાય તો બૅન્ક ગૅરંટીથી એ નક્કી થઈ જશે કે ખેડૂતોને પોતાની ઉપજની કિંમત મળી જ જશે.

માગ 4 : કોઈ વિવાદનું સમાધાન જિલ્લાસ્તરે થવું જોઈએ, નવા કૃષિકાયદામાં તેની પણ જોગવાઈ કરવી જોઈએ.

ભારતીય કિસાન સંઘની આ માગો અધ્યાદેશ લાવ્યાના સમયથી થઈ રહી છે.

બીબીસી સાથેની વાતચીતમાં ભારતીય કિસાન સંઘના પંજાબ રાજ્યના અધ્યક્ષ સંજીવ કુમારે કહ્યું કે અમારી માગો પંજાબના અન્ય ખેડૂતોથી અલગ નથી, પણ અમે ધરણાં પર બેઠા નથી.

અમારું માનવું છે કે વાતચીતથી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. અમને કેટલાક સકારાત્મક સંકેત પણ મળી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છ