TRP કૌભાંડમાં રિપબ્લિક ટીવી ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટની મુંબઈ પોલીસે ધરપકડ કરી

રિપબ્લિક મીડિયા નેટવર્કના વાઇસ પ્રેસિડેન્ટ ઘનશ્યામસિંહની ફેક ટીઆરપી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.

ઘનશ્યામસિંહ રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ પણ છે.

ઉલ્લેખનીય છે કે હાલ રિપબ્લિક ટીવીના ઍડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અન્વય નાઇક આત્મહત્યા કેસમાં કથિત સંડોવણીને લઈને જેલમાં છે અને બૉમ્બે હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે એમની ધરપકડ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ(ટીઆરપી) કૌભાંડની તપાસ કરી રહેલા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે કરી છે.

અગાઇ પણ આ જ કેસમાં એમની અનેકવાર પૂછપરછ થઈ ચૂકી હતી.

ટીઆરપી કૌભાંડને મામલે અત્યાર સુધી થયેલી આ બારમી ધરપકડ છે.

ઉલ્લેખનીય છે કે પૈસા લઈને ટીઆરપી ઊભી કરવાનો મામલો સામે આવ્યા પછી ટીઆરપીના આંકડા જાહેર કરનાર સંસ્થા બ્રોડકાસ્ટ રિસર્ચ કાઉન્સિલે મુખ્ય એજન્સી હંસા રિસર્ચ ગ્રૂપ સામે ફરિયાદ દાખલ કરી હતી.

Pfizer કોરોના વૅક્સિન : ટ્રમ્પે કહ્યું 'ચૂંટણીના પાંચ દિવસ પછી જ રસીની જાહેરાત?'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની પહેલી 90% કરતાં વધારે અસરકારક એવી વૅક્સિનની જાહેરાતના સામે પર પ્રશ્ન કર્યો છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, "જેમ હું કહેતો આવ્યો છું... યુએસ ફુડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન અને ડેમૉક્રેટ્સ નહોતા ઇચ્છતા કે ચૂંટણી પહેલાં મારા કાર્યકાળમાં વૅક્સીન મળે, એટલે પાંચ દિવસ પછી આ સમાચાર આવ્યા છે."

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કોરોના વાઇરસની પહેલી અસરકારક વૅક્સિને 90% કરતાં વધારે લોકોને કોરોના વાઇરસથી રક્ષણ આપ્યું છે.

ઉત્પાદક પીફાઇઝર અને બાયૉએનટેકે આને "વિજ્ઞાન અને માનવતા માટે મહાન દિવસ ગણાવ્યો હતો."

તેમની વૅક્સિનનું પરીક્ષણ છ દેશના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું હાલ સુધી સુરક્ષાને લઈને કોઈ પણ પ્રશ્ન ઊઠ્યો નથી. કંપની આ મહિના અંત સુધીમાં ઇમર્જન્સી પરવાનગી માટે અરજી કરી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં જ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા અને તેની પાછળ કોરોના મહામારી સામે તેમના પ્રશાસનની નબળી કામગીરીને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં હજી પણ દુનિયામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

દુનિયામાં હાલ કોરોના વાઇરસ સંક્રમણના પાંચ કરોડ કેસ છે અને 12 લાખથી વધારે લોકોનું મૃત્યુ થયાં છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભાવિ નક્કી થશે

મંગળવારે બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતગણતરી થવાની છે ત્યારે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર માટે પણ પરીક્ષાનો દિવસ છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઍક્ઝિટ પોલમાં ભાજપને કૉંગ્રેસની સામે સરસાઈ મળતી બતાવવામાં આવી હતી.

આ પેટાચૂંટણી પર શિવરાજસિંહ ચૌહાણની સરકારનું ભવિષ્ય ટકેલું છે. શિવરાજસિંહ ચૌહાણની કૅબિનેટના 12 મંત્રીઓનું ભવિષ્ય મંગળવારની મતગણરીમાં નક્કી થશે.

મધ્ય પ્રદેશના બે પૂર્વ મંત્રીઓ ગોવિંદસિંહ રાજપૂત અને તુલસી સિલાવત મહત્ત્વપૂર્ણ રહેશે કારણકે ચૂંટણી લડવા માટે તેમને 10 માર્ચે રાજીનામું આપવું પડ્યું હતું.

તેમના રાજીનામાંથી કૉંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ અને ભાજપને ફરીથી સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. ત્યાર બાદ ત્રણ કૉંગ્રેસ ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યાં હતાં.

જ્યારે એનડીટીવી પ્રમાણે કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે.

માર્ચમાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે તેમની સાથે 22 ધારાસભ્યો પણ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

હવે પેટાચૂંટણીમાં આ ધારાસભ્યો ફરી જીતીને આવે તે જ્યોતિરાદિત્ય સિંધિયાના માથે છે.

લદ્દાખમાં તણાવ પછી નરેન્દ્ર મોદી અને જિનપિંગ પ્રથમ વખત એક મંચ પર

મે મહિનાથી ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં એલએસી પર તણાવ પછી પ્રથમ વખત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક જ મંચ પર સાથે આવશે.

મંગળવારે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ભાગ લેવાના છે.

એનડીટીવી પ્રમાણે એ સિવાય નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે નવેમ્બર 17ના રોજ બ્રિક્સની વર્ચુઅલ બેઠકમાં પણ સામેલ થશે અને નવેમ્બર 21-22 એ જી-20 સમિટમાં બંને નેતાઓ ભાગ લેશે.

છેલ્લાં છ વર્ષમાં બંને નેતાઓની 18 વખત મુલાકાત થઈ અને છેલ્લે 26 માર્ચના સાઉદી અરેબિયા દ્વારા આયોજિત વર્ચ્યુઅલ જી-20 બેઠકમાં ભાગ લીધો હતો, જે કોરોના મહામારી પર ચર્ચા માટે બોલાવવામાં આવી હતી.

અધિકારીઓનું કહેવું છે કે શાંઘાઈ બેઠકમાં એલએસી પરના તણાવ વિશે કોઈ રાહત ભર્યા સમાચાર આવે તેની શક્યતા ઓછી છે. પહેલાંની જેમ એસસીઓ, બ્રિક્સ અને જી-20 સમિટમાં નેતાઓ વચ્ચે મુક્ત મુલાકાતનો મોકો આ વખતે નહીં મળે કારણકે આ બેઠક વર્ચ્યુઅલ હશે.

મુંબઈ ડ્રગ કેસમાં અર્જુન રામપાલને સમન્

બોલીવૂડ અભિનેતા અર્જુન રામપાલના મુંબઈસ્થિત ઘર પર એનસીબી(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ સોમવારે ડ્રગ્સના મામલામાં છાપો માર્યો હતી. એનસીબી દ્વારા હાજર લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયું ત્યાર પછી શરૂ થયેલી તપાસમાં કેટલાક સેલેબ્રિટીઝનો ડ્રગ્સ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે, ત્યાર પછી એનસીબી આ અંગે તપાસ કરી રહી છે.

એનસીબીના આધિકારિક સૂત્રોએ બીબીસીને કહ્યું કે સોમવારે અર્જુન રામપાલના ઘરે આઠ કલાક સુધી તપાસ અને પૂછપરછ દરમિયાન ઇલેક્ટ્રૉનિક ગૅઝેટ્સ કબજે કરવામાં આવ્યા હતા.

તેમણે 11 નવેમ્બરના એનસીબી સમક્ષ હાજર રહેવાના સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે. આ પહેલાં અભિનેત્રી રકુલપ્રીત, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

બોલીવૂડ નિર્માતાઓની અરજી પર બે ન્યૂઝ ચેનલોને નોટિસ

એનડીટીવીના એક અહેવાલ મુજબ બોલીવૂડના સભ્યોના એક સમૂહની માનહાનિની અરજી પર દિલ્હી હાઈકોર્ટે રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉ ટીવી ચેનલોને નોટિસ આપી છે.

હાઈકોર્ટે કહ્યું છે કે આ ચેનલો આખા બોલીવૂડ પર આરોપો મૂકનારા, ગેરજવાબદાર, અપમાનજનક અને માનહાનિસમાન કન્ટેન્ટથી દૂર રહે. બોલીવૂડ સેલેબ્રિટીની વિરુદ્ધ પણ કોઈ મીડિયા ટ્રાયલ ન કરે.

બોલીવૂડના 34 નિર્માતાઓએ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કેટલાક યુનિયન અને પ્રોડક્શન હાઉસ પણ સામેલ હતા.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલીવૂડમાં ડ્રગ્સના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય લોકો પર કેસ દાખલ થયા છે અને અનેક ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે.

ટીવી ચેનલો પર બોલીવૂડમાં કથિત ડ્રગ કાર્ટલ અંગેના સમાચારોને લઈને બોલીવૂડના નિર્માતાઓએ વાંધો ઉઠાવતી એક અરજી કોર્ટમાં દાખલ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો