અમેરિકા ચૂંટણી પરિણામ : ભારતીય મૂળના 'સમોસા કૉકસ' ફરી જીત મેળવી

    • લેેખક, તારેન્દ્ર કિશોર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના ચાર નેતાઓએ ફરીથી જીત મેળવી છે. આ ચાર નેતાઓ છે - ડૉક્ટર એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ.

બીજી તરફ મુંબઈમાં જન્મેલાં 52 વર્ષનાં ડૉક્ટર હીરલ તિપિર્નેની અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડેબી સેલ્કો વચ્ચે એરિઝોનામાં રસાકસીનો જંગ ચાલે છે. અહીં હજુ મતગણતરી ચાલુ છે. તેઓ ચૂંટણી જીતી જશે તો તેઓ પ્રમિલા જયપાલ પછી બીજા ભારતીય-અમેરિકન મહિલા હશે જેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) એટલે કે અમેરિકન સંસદના નીચલા ગૃહ માટે ચૂંટાશે.

આ અગાઉ પ્રમિલા જયપાલ 2016માં એવા પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં જેમને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટવામાં આવ્યાં હતાં.

અમેરિકામાં 6 નવેમ્બર, 2018ના રોજ કેટલીક બેઠકો માટે મધ્યસત્ર ચૂંટણી થઈ હતી. તે સમયે પણ એરિઝોનામાં હીરલ તિપિર્નેની ડિસ્ટ્રિક્ટ આઠમાંથી ડેમૉક્રેટિક પક્ષનાં ઉમેદવાર હતાં અને રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સાંસદ ડેબી સેલ્કોને જોરદાર ટક્કર આપી હતી. જોકે, તેઓ ચૂંટણી હારી ગયાં હતાં.

આ અગાઉ ભારતીય મૂળના વિક્રમજનક પાંચ નેતાઓએ અમેરિકન કૉંગ્રેસ (જેમાં સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ બંને સામેલ છે)માં સભ્ય તરીકે જાન્યુઆરી 2017માં શપથ લીધાં હતાં.

સમયે આ ચાર ઉપરાંત કમલા હેરિસ સેનેટ સભ્ય તરીકે ચૂંટાયાં હતાં, જ્યારે બાકીના ચારેયે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. આ વખતે પણ આ ચારેય નેતાઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે જ ચૂંટાયાં છે.

'સમોસા કૉકસ'ના સભ્યો

રાજા કૃષ્ણમૂર્તિએ આ પાંચ સભ્યોનાં દળને અનૌપચારિક રીતે 'સમોસા કોક્સ' નામ આપ્યું છે.

અમેરિકન સંસદમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) નીચેનું ગૃહ ગણાય છે જ્યારે સેનેટને ઉપરનું ગૃહ કહેવામાં આવે છે.

કમલા હેરિસ આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર છે. તેઓ ભારતીય-આફ્રિકન મૂળની પ્રથમ વ્યક્તિ છે જેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બન્યાં છે.

આ વખતની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન મતદારોની ભૂમિકા મહત્ત્વની ગણવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડેમૉક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષ ભારતીય મતદારોને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરતા હતા.

જોકે, પરંપરાગત રીતે ભારતીય-અમેરિકનો ડેમૉક્રેટ્સને જ ટેકો આપતા રહ્યા છે. 2016માં માત્ર 16 ટકા ભારતીય-અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો.

ભારતીય મૂળના લગભગ 45 લાખ લોકો અમેરિકામાં રહે છે. દલિપ સિંહ સૌંધ આઠ વર્ષ અમેરિકામાં સાંસદ તરીકે ચૂંટાનારા થનારા પ્રથમ ભારતીય-અમેરિકન હતા.

હવે આપણે જાણીએ આ વખતે ફરીથી વિજય મેળવનારા ભારતીય-અમેરિકન મૂળનાં આ ચાર હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સનાં સભ્યોનાં વ્યક્તિગત રાજકીય જીવન અને તેમનાં ચૂંટણી પ્રદર્શન વિશે.

ડૉક્ટર એમી બેરા

55 વર્ષીય એમી બેરાએ કેલિફોર્નિયાના સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી પાંચમી વખત જીત મેળવીને રેકર્ડ બનાવ્યો છે.

ભારતીય સાંસદોમાં તેઓ સૌથી સિનિયર છે. આ વખતે તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બજ પેટર્સનને હરાવ્યા છે. આ વખતે તેમને કુલ મતમાંથી 61 ટકા મત મળ્યા છે.

2016માં તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સ્કોટ જોન્સને હરાવ્યા હતા.

તેમણે જ્યારે ત્રીજી વખત વિજય મેળવ્યો, ત્યારે તેમણે દલિપ સિંહ સૌંધના વિક્રમની બરાબરી કરી હતી.

એમી બેરા વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ 2012માં પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

રાજા કૃષ્ણમૂર્તિ

47 વર્ષના રાજા કૃષ્ણમૂર્તિએ આ વખતની ચૂંટણીમાં લિબર્ટેરિયન પાર્ટીના પ્રિસ્ટન નીલ્સનને ઇલિનોઈસમાં સરળતાથી હરાવી દીધા છે. તેમને કુલ મતના લગભગ 71 ટકા મત મળ્યા છે.

2016માં તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પીટર ડિકિનાનીને પરાસ્ત કર્યા હતા.

ગયા વખતની ચૂંટણીમાં તેઓ જીત્યા ત્યારે તેમણે ગીતાના શપથ લઈને અમેરિકન સંસદમાં સભ્યપદ મેળવ્યું હતું. તેઓ તુલસી ગબાર્ડ પછી ભગવદ્ ગીતાના શપથ લેનારા બીજા સાંસદ છે. તુલસી ગબાર્ડ અમેરિકામાં સાંસદ બનનારા પ્રથમ હિંદુ છે.

1973માં દિલ્હીમાં જન્મેલા રાજા કૃષ્ણમૂર્તિ માત્ર ત્રણ મહિનાના હતા ત્યારે જ તેમના માતાપિતા ન્યૂયોર્કમાં રહેવા આવી ગયા હતા.

રો ખન્ના

44 વર્ષીય રો ખન્નાએ કેલિફોર્નિયાના સત્તરમાં કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી સતત ત્રીજી વખત જીત મેળવી છે. તેમણે અન્ય એક ભારતીય- અમેરિકન 48 વર્ષના રિતેશ ટંડનને સરળતાથી હરાવ્યા છે. તેમને લગભગ 74 ટકા મત મળ્યા છે.

તેમણે 2016માં આઠ વખત અમેરિકન સંસદ રહી ચૂકેલા માઇક હોન્ડાને હરાવ્યા હતા. માઇક હોન્ડાએ 15 વર્ષ કરતા વધુ સમયથી કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે.

2018માં થયેલી મધ્યસત્ર ચૂંટણીમાં તેમણે રિપબ્લિકન ઉમેદવાર રોન કોહેનને હરાવ્યા હતા. રો ખન્નાના માતાપિતા પંજાબથી અમેરિકાના ફિલાડેલ્ફિયા પહોંચ્યા હતા. રો ખન્ના સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેઓ ઓબામા વહીવટીતંત્રમાં અધિકારી રહ્યા છે.

પ્રમિલા જયપાલ

55 વર્ષનાં પ્રમિલા જયપાલે રિપબ્લિકન ઉમેદવાર ક્રેગ કેલરને વોશિંગ્ટનમાં મોટા તફાવતથી હરાવ્યા છે. તેમને કુલ મતના 84 ટકા મત મળ્યાં છે. તેમણે 2016ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બ્રેડી વોલ્કિનશોને હરાવ્યા હતા.

તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા છે જેમણે અમેરિકન સંસદમાં સ્થાન મેળવ્યું હતું. ગયા વખતે તેમના 78 વર્ષીય માતા તેમનો શપથ ગ્રહણ સમારોહ જોવા માટે ખાસ અમેરિકા પહોંચ્યાં હતાં.

પ્રમિલાનો જન્મ ચેન્નાઈમાં થયો છે અને તેઓ 16 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા માટે અમેરિકા પહોંચ્યાં હતાં. વર્ષ 2000માં તેમણે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું. તેમણે એક અમેરિકન સ્ટીવ વિલિયમ્સન સાથે લગ્ન કર્યાં છે.

આ વખતે આ ઉપરાંત બીજા કેટલાક ભારતીયો પણ છે જેમના વિજયની આશા હતી અને 'સમોસા કોકસ'ની સંખ્યા વધવાની શક્યતા હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા છે.

તેમાં સૌથી જાણીતું નામ 42 વર્ષીય શ્રી પ્રેસ્ટન કુલકર્ણીનું છે. તેમનું આખું નામ શ્રીનિવાસ રાવ પ્રેસ્ટન કુલકર્ણી છે. તેઓ ભૂતપૂર્વ ડિપ્લોમેટ રહી ચૂક્યા છે, પરંતુ તેઓ ટેક્સાસમાં બીજી વખત ચૂંટણી હારી ગયા છે.

આ વખતે તેમણે રિપબ્લિકન પાર્ટીના ટ્રૉય નેહલ્સ સામે હારનો સામનો કર્યો છે. જ્યારે 2018ની મધ્યસત્ર ચૂંટણીમાં તેઓ પીટ ઓલ્સનની સામે બહુ રસાકસીની હરિફાઈમાં હારી ગયા હતા.

આ વખતે તેમને 44 ટકા વોટ મળ્યા છે જ્યારે તેમના હરીફ ટ્રૉય નેહલ્સને 52 ટકા મત પ્રાપ્ત થયા છે. ટેક્સાસને રિપબ્લિકનોનો ગઢ ગણવામાં આવે છે.

આ ઉપરાંત ભારતીય મૂળના 48 વર્ષીય સારા ગિડન પણ અમેરિકન પ્રાંત મેનમાં રિપબ્લિકન ઉમેદવાર સુસાન કોલિન્સની સામે હારી ગયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો