અમેરિકા ચૂંટણી પરિણામ: શું પોસ્ટલ બૅલેટથી મતદાનમાં છેતરપિંડી થઈ શકે?

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વધારે પડતા પોસ્ટલ વોટિંગની ટીકા કરીને કહ્યું છે કે 'તેનાથી મતદાનમાં મોટા પાયે ગરબડ થઈ શકે છે.' પરંતુ શું આ વાતના કોઈ પુરાવા છે?

રાષ્ટ્રપતિપદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી શકાય કે અમેરિકા અત્યારે અભૂતપૂર્વ પરિસ્થિતિમાં મૂકાયું છે.

કોરોના વાઇરસના કારણે આ વખતની અમેરિકન ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદારોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ટ્રમ્પે અનેક વખત ચૂંટણીમાં ગરબડની વાત કરી છે, પરંતુ રિપબ્લિકન પાર્ટી તરફથી કોઈ છેતરપિંડી, ગોટાળા કે મતની હેરાફેરીની વાત કરવામાં નથી આવી.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોસ્ટલ વોટિંગ એટલે કે ટપાલ દ્વારા મતદાનને ખતરનાક માને છે. તેમને લાગે છે કે તેના દ્વારા મતદાનમાં 'ગરબડ' થવાની શક્યતા રહેલી છે.

આ કારણથી અમેરિકાના ચૂંટણી અધિકારીઓ અને ટપાલ સેવા સાથે સંકળાયેલા લોકો દબાણ હેઠળ છે. કારણ કે તેમણે ટપાલથી મળેલા લાખો મતપત્રકોને મતગણતરીની પ્રક્રિયામાં સામેલ કરવાના હોય છે.

તેના કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રક્રિયા સુરક્ષિત નથી અને તેમાં ચેડાં થવાની શક્યતા રહે છે.

ગઈ ચૂંટણીમાં સમસ્યાઓ પેદા થઈ?

કેટલાક રાષ્ટ્રીય અને પ્રાદેશિક અભ્યાસમાં એ બાબત જાણવા મળી છે કે અમુક અપવાદને બાદ કરતા ઇલેક્ટોરલ ફ્રૉડ એટલે કે ચૂંટણીમાં ગરબડની શક્યતા લગભગ નહીંવત્ છે.

એવા કેટલાક કિસ્સા છે જેના અંગે મીડિયામાં ઘણા અહેવાલ આવ્યા છે.

તેમાં વર્ષ 2018માં ઉત્તર કેરોલિના પ્રાઇમરીનો મામલો સામેલ છે, જેમાં રિપબ્લિકન ઉમેદવારના એક કન્સલ્ટન્ટે મતપત્રકો સાથે ચેડાં કર્યા હતા. ત્યાર પછી આ ચૂંટણી નવેસરથી યોજવી પડી હતી.

પરંતુ વર્ષ 2017માં બ્રેનન સેન્ટર ફૉર જસ્ટિસ તરફથી થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે અમેરિકામાં ચૂંટણીમાં છેતરપિંડીનો દર 0.0009% છે.

ફેડરલ ચૂંટણી પંચના વડા એલન વેઇનટ્રોબ જણાવે છે કે આ 'ષડયંત્રની થિયરી' નિરાધાર છે. પોસ્ટલ વોટિંગમાં ગરબડ થાય છે તેવું દર્શાવતા કોઈ પૂરાવા નથી.

પરંતુ આ પ્રક્રિયામાં એવા કેટલાક મામલા છે જેમાં ઇલેક્ટોરલ છેતરપિંડી થયાનો દાવો કરવામાં આવ્યો છે.

વર્જિનિયા

ઑક્ટોબર મહિનાના મધ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલીમાં જણાવ્યું હતું, "વર્જિનિયામાં પાંચ લાખ આવેદન કરવામાં આવ્યા હતા જે બનાવટી હતા."

આ તમામ આવેદન એક એબ્સન્ટી ફોર્મ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાં રવાનગીનું સરનામું ખોટું હતું.

પરંતુ વર્જિનિયામાં ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે આમાં છેતરપિંડીની કોઈ યોજના ન હતી અને ભૂલોને સુધારી લેવામાં આવી હતી.

વર્જિનિયા સેન્ટર ફૉર વોટર ઇન્ફોર્મેશન જણાવે છે કે, "અમે કેટલાય અઠવાડિયાં સુધી કામ કર્યું જેથી પ્રિન્ટિંગમાં થયેલી કોઈ ભૂલના કારણે વર્જિનિયાના કોઈ મતદારને તકલીફ ન પડે."

19 ઓક્ટોબર સુધી ત્રણ લાખ રજિસ્ટર્ડ મતદારોએ એબ્સન્ટી બૅલેટના આવેદન પરત મોકલી દીધા હતા.

ઓહાયો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીઃ "ઓહાયોમાં પચાસ હજાર વોટ ખોટા હતા, બનાવટી હતા."

ઓહાયોમાં ઑક્ટોબરની શરૂઆતમાં ફ્રેન્કલિન કાઉન્ટીમાં લગભગ પચાસ હજાર મતદારોને ટપાલ દ્વારા ખોટા મતપત્રક મળ્યા હતા.

પરંતુ એ વાતના કોઈ પુરાવા નથી કે તેમાં છેતરપિંડી થઈ હતી. સ્થાનિક ચૂંટણી બોર્ડ કહે છે કે જે મતદારોને ખોટી સ્લીપ મળી હતી તેમને ખરી વોટર સ્લીપ મોકલી દેવાઈ છે. કોઈ વ્યક્તિ બે વખત મતદાન ન કરી શકે તે માટે તમામ પગલાં લેવાયા છે.

ચૂંટણી બોર્ડનું કહેવું છે કે મતપત્રકોમાં ખામી રહી ગઈ તે એક "ગંભીર ભૂલ" હતી.

પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વીટના જવાબમાં બોર્ડે જવાબ આપ્યો કે, "અમારું બોર્ડ દ્વિપક્ષીય છે અને ચૂંટણી તટસ્થ છે. તમામ મતની ગણતરી કરવામાં આવશે."

ન્યૂયોર્કમાં લગભગ એક લાખ મતદારોને તેમના મતપત્રક ફરી મોકલવામાં આવ્યા હતા. કારણ કે કેટલાક નામ અને સરનામાના પ્રિન્ટિંગમાં ભૂલો રહી ગઈ હતી.

મિશિગનમાં 400 પોસ્ટલ બૅલેટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિપદ માટે લડી રહેલા માઇક પેન્સની જગ્યાએ લિબર્ટેરિયન પાર્ટીના જેરેમી કોહેનનું નામ છપાયું હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સપ્ટેમ્બર મહિનામાં દાવો કર્યો કે તે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. પરંતુ મિશિગન પ્રાંતના સેક્રેટરી ઑફ સ્ટેટે જણાવ્યું કે તે એક ભૂલ હતી અને "અસરગ્રસ્ત મતદારોને તાત્કાલિક યોગ્ય મતપત્રક અને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેથી તેમના મતોની ગણતરી કરી શકાય."

વિસ્કોન્સિનમાં ગ્રીનવિલે વિસ્તાર નજીક એક ખાડામાંથી અમુક એબ્સન્ટી મતપત્રક મળ્યા હતા. આ મામલાની તપાસ થયા પછી પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બધું કેવી રીતે થયું.

વ્હાઇટ હાઉસે આરોપ લગાવીને દાવો કર્યો હતો કે આ મામલામાં છેતરપિંડી થઈ છે.

પેન્સિલ્વેનિયામાં ફેંકી દેવાયેલા નવ સૈન્ય મતપત્રક મળ્યા હતા.

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે તેમાંથી સાત મતપત્રક "રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને અપાયા હતા"

ન્યૂજર્સીમાં ટપાલ પહોંચાડતી એક એજન્સી સામે સેંકડો ટપાલો કચરામાં નાખી દેવાનો આરોપ લગાવાયો છે. તેમાં 100 ચૂંટણી મતપત્રકો હતા. ત્યાર પછી આ મતપત્રકો તેમના સત્તાવાર મતદારોને પરત મોકલી દેવાયા હતા.

આ અમુક કિસ્સા છે. અને એ વાતના પણ પૂરતા પૂરાવા છે કે ટપાલ દ્વારા મતદાન એ એક સુરક્ષિત પદ્ધતિ છે.

મતપત્રકોની ચોરીથી લઈને બનાવટી વોટિંગને રોકવા માટે આવશ્યક પગલાં લેવાતા રહે છે.

ઉદાહરણ તરીકે અધિકારીઓ એ વાતની ચકાસણી કરે છે કે મતપત્રકો મતદારોના રજિસ્ટર્ડ સરનામેથી જ આવ્યા છે કે નહીં. તથા તેઓ પરબીડિયા પર તેમની સહી ચકાસે છે.

બૅલેટ હાર્વેસ્ટિંગ શું છે?

અમેરિકાના 26 રાજ્યોમાં એક નિયમ એવો છે કે કોઇ વ્યક્તિ કોઈ જૂથમાં બીમાર અથવા અશક્ત લોકો હોય તો તેમના મત એકત્ર કરીને જમા કરાવી શકે છે.

પરંતુ એક વ્યક્તિ કોઈ જૂથ તરફથી કેટલા મત જમા કરાવી શકે તેની મર્યાદા છે. ઉદાહરણ તરીકે મિનેસોટામાં એક વ્યક્તિ માત્ર ત્રણ મતપત્રક મેળવીને જમા કરાવી શકે છે.

આ કામ જ્યારે મોટા પાયે અને ગેરકાયદે રીતે કરવામાં આવે ત્યારે તેને બૅલેટ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે.

ટેક્સાસ અને મિનેસોટામાં બૅલેટ હાર્વેસ્ટિંગ છેતરપિંડીના આરોપો લાગતા રહ્યા છે, પરંતુ તેને સાબિત કરી શકાયા નથી.

મતદાન પ્રક્રિયામાં છેતરપિંડીના પૂરાવા બહુ ઓછા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં પોસ્ટલ વોટિંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે જેના કારણે આગામી સમયમાં મતગણતરી અંગે ગંભીર સવાલ પેદા થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો