You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
US ચૂંટણી પરિણામ : ટ્રમ્પે જે પોસ્ટલ મત પર સવાલ ઉઠાવ્યા તે મત સમગ્ર તસવીર બદલી શકે છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામ વચ્ચે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ગોટાળાનો આરોપ લગાવ્યો છે અને પોસ્ટલ (પોસ્ટથી મોકલેલા મત) પર સવાલ ઉઠાવ્યા છે.
બંને પાર્ટીઓનું કહેવું છે કે તેઓ કોઈ પણ રીતના કાયદાકીય વિવાદ માટે પહેલેથી તૈયારી કરી રહી છે.
ચૂંટણી પરિણામોથી સંતુષ્ટ ન હોવાની સ્થિતિમાં બંને ઉમેદવારો પાસે ચૂંટણી પરિણામને પડકારવાનો વિકલ્પ શું છે?
આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જોડાયેલા અન્ય સવાલ પણ છે જે આ ચૂંટણીને સમજવા માટે જરૂરી છે.
ચૂંટણીપરિણામને પડકારવાની સ્થિતિમાં બંને પક્ષ પાસે ઘણાં રાજ્યોમાં ફરીથી મતગણતરી કરાવવાની માગનો અધિકાર છે. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં પરિણામમાં રસાકસી છે.
આ વર્ષે પોસ્ટલ બૅલેટમાં વધારો થયો છે અને એ વાતની શક્યતા છે કે આ મતપત્રોની યોગ્યતાને કોર્ટમાં પડકારી શકાય તેમ છે.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જઈ શકાય છે, અને ટ્રમ્પની ચૂંટણી અભિયાનની ટીમે તેની શરૂઆત પણ કરી દીધી છે.
આવું વર્ષ 2000ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે રિપબ્લિકન ઉમેદવાર જ્યૉર્જ ડબલ્યુ બુશના પક્ષમાં નિર્ણય સંભળાવતા ફ્લોરિડામાં ફરીથી મતગણતરી પર રોક લગાવી દીધી હતી. ત્યારે બુશ ચૂંટણી જીતી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ વોટનો ઇલેક્ટોરલ કૉલેજના વોટ પર શું પ્રભાવ પડે છે?
અમેરિકન રાષ્ટ્રપતિનો નિર્ણય આખા દેશમાં પડેલા મતોના આધારે થતો નથી. ઉમેદવારોએ તેના માટે રાજ્યોમાં જીતવું જરૂરી હોય છે.
જો ઉમેદવાર રાજ્યોમાં ઇલેક્ટોરલ કૉલેજ મતોમાં બહુમતી હાંસલ કરે તો તેઓ અમેરિકાના રાષ્ટ્રપિત બને છે. ઇલેક્ટોરલ મત મોટા ભાગે જે તે રાજ્યની જનસંખ્યાના આધારે હોય છે.
આ ઇલેક્ટોરલ મત મતદાનનાં કેટલાંક અઠવાડિયાં બાદ મળે છે અને આગામી રાષ્ટ્રપતિને સત્તાવાર રીતે નામાંકિત કરવા માટે એક ઇલેક્ટોરલ કૉલેજ બનાવે છે.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270 ઇલેક્ટોરલ મત મેળવવા જરૂરી હોય છે.
કેટલાંક રાજ્યોના મત અન્ય રાજ્યો કરતાં વધુ કેમ ગણાય છે?
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર એ રાજ્યોમાં ચૂંટણીપ્રચાર પર વધુ ભાર આપે છે જ્યાં પરિણામમાં અનિશ્ચિતતા હોય છે. આથી લોકો કહે છે કે આ રાજ્યોના મત વધુ ગણવામાં આવે છે.
એટલા માટે આ રાજ્યોના મત મહત્ત્વના માનવામાં આવે છે.
આ રાજ્યોને 'બેટલગ્રાઉન્ડ્સ' કે 'સ્વિંગ સ્ટેટ' પણ કહેવાય છે.
જે રાજ્યોમાં મતદાતા કોઈ એક પાર્ટીને મત આપતા આવ્યા હોય ત્યાં ઉમેદવારો વધુ ચૂંટણીપ્રચાર કરતા નથી. જેમ કે કેલિફોર્નિયામાં ડેમૉક્રેટ અને અલબામામાં રિપબ્લિકનને સમર્થન મળતું રહ્યું છે.
ઉમેદવારો કસોકસની હરીફાઈવાળાં રાજ્યોમાં વધુ ભાર આપે છે, જેમ કે ફ્લોરિડા અને પેન્સિલ્વેનિયા. અહીંના મતદારો ગમે તો પક્ષમાં જઈ શકે છે.
નૅબ્રાસ્કા અને મૅનમાં ઇલેક્ટોરલ કૉલેજ અલગ રીતે કેમ કામ કરે?
અમેરિકામાં બે રાજ્યોને છોડીને અન્ય રાજ્યોમાં જીતનું અંતર મહત્ત્વનું નથી હોતું, કેમ કે જેને પણ વધુ મત મળે એ બધા ઇલેક્ટોરલ મત જીતી જાય છે.
નૅબ્રાસ્કા અને મૅન જ એવાં બે રાજ્ય છે જેના ઇલેક્ટોરલ મત વહેંચાયેલા હોય છે.
અન્ય રાજ્યોમાં જીતનું અંતર 10 કે 10 લાખ, કોઈ મહત્ત્વનું નથી, કેમ કે સામાન્ય રીતે રાજ્ય પોતાના બધા ઇલેક્ટોરલ કૉલેજ મત એને આપી દે છે જેને રાજ્યોમાં સામાન્ય મતદારોને જિતાડ્યા હોય છે.
ઉદાહરણ તરીકે, જો રિપબ્લિકન ઉમેદવાર ટેક્સાસમાં 50.1 ટકા મત સાથે જીત મેળવે તો તેમને રાજ્યના બધા 38 ઇલેક્ટોરલ કૉલેજ મત આપી દેવાશે.
મૅન અને નૅબ્રાસ્કા એવાં રાજ્યો છે જે પોતાના ઇલેક્ટોરલ કૉલેજને પોતાના મતદારો દ્વારા દરેક ઉમેદવારને આપેલા મતોના હિસાબે વહેંચે છે. મૅનમાં ચાર અને નૅબ્રાસ્કામાં પાંચ ઇલેક્ટોરલ મત છે.
આ રાજ્ય બે મત રાજ્યભરમાં જીત મેળવનારા ઉમેદવારને આપે છે અને એક મત દરેક કૉંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટને આપે છે (બે મૅનમાં અને ત્રણ નૅબ્રાસ્કામાં).
જો પોસ્ટલ મતથી કોઈ રાજ્યનાં પરિણામ બદલાઈ જાય એટલે કે કોઈ ઉમેદવારની જીત હારમાં બદલી જાય તો પછી વિજેતાની જાહેરાત કરવા માટે શું નિયમ છે?
મતદાનવાળી રાતે જ વિજેતા જાહેર કરવાનો કોઈ કાયદાકીય બાધ નથી. એ રાતમાં બધા મતની ગણતરી ન થઈ શકે. પણ એટલા મતની ગણતરી ચોક્કસ થઈ જાય કે વિજેતાનો અંદાજ લગાવી શકાય.
આ બિનસત્તાવાર પરિણામ હોય છે, જેના પર રાજ્યોમાંથી સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ એક અઠવાડિયા બાદ મહોર મારવામાં આવે છે.
આ વર્ષે અમેરિકન મીડિયાએ વિજેતાની જાહેરાત કરતાં પહેલાં વધુ સાવધાની રાખી છે, કેમ કે આ વખતે વધુ પોસ્ટલ મત નાખવામાં આવ્યા છે, જેને ગણવામાં સમય લાગે છે.
તેનો મતલબ કે મતગણતરીની રાતે જે ઉમેદવાર કેટલાંક રાજ્યોમાં આગળ જોવા મળે તે પોસ્ટલ બૅલેટ મતોથી લઈને બધા મતની ગણતરી બાદ પાછળ પણ રહી શકે છે.
રાષ્ટ્રપતિ ચૂંટ્યા વિના અમેરિકામાં કેટલા દિવસ પ્રશાસન ચાલી શકે છે?
આગામી રાષ્ટ્રપતિના નામાંકન માટે આ વખતે ઇલેક્ટોરલ કૉલેજ 14 ડિસેમ્બરે મળશે.
દરેક રાજ્યોમાંથી ઇલેક્ટોરલ્સ પોતાના વિજેતા ઉમેદવારને ચૂંટવા માટે આવશે.
જોકે કેટલાંક રાજ્યોમાં પરિણામમાં ત્યારે વિવાદ હશે અને ઇલેક્ટોરલ્સનો નિર્ણય ન થઈ શકે તો અંતિમ નિર્ણય અમેરિકન કૉંગ્રેસે કરવાનો હોય છે.
અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની સમયસીમા નક્કી કરાઈ છે. આ સમયસીમા 20 જાન્યુઆરીએ ખતમ થઈ રહી છે.
જો અમેરિકન સંસદ ત્યાં સુધી રાષ્ટ્રપતિ નહીં ચૂંટી શકે તો તેમના ઉત્તરાધિકારી પહેલાંથી નક્કી કરેલા હોય છે.
તેમાં સૌથી પહેલા હાઉસ ઑફ રિપ્રેઝેન્ટટિવ્સના સ્પીકરનું નામ છે, જે આ સમયે નૅન્સી પૅલોસી છે. બીજા નંબરે સૅનેટના સર્વોચ્ચ રેન્કિંગવાળા સભ્ય આવે છે, જે આ સમયે ચાર્લ્સ ગ્રૅસલી છે.
અમેરિકામાં આવું પહેલા ક્યારેય થયું નથી, એટલા માટે એ કહેવું મુશ્કેલ છે કે આવી અસાધારણ પ્રક્રિયામાં શું પ્રક્રિયા અપનાવી શકાય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો