US ચૂંટણી પરિણામ : એ રાજ્યો, જ્યાંનાં પરિણામો પર ટકેલી છે સૌની નજર

અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેની મતગણતરી ચાલુ છે અને કોઈ વિજેતા હજુ સુધી જાહેર થયા નથી.

ચૂંટણી પછી વ્હાઇટ હાઉસમાં કોન રહેશે એ નક્કી કરવા માટે 270 ઇલેક્ટર્સ વોટની જરૂર છે.

ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને કહ્યું કે સ્પષ્ટ છે કે તેમની પાસે અમેરિકન રાષ્ટ્રપતિપદ જીતવા માટે પર્યાપ્ત રાજ્ય છે.

ઍરિઝોના, જ્યૉર્જિયા, નૅવાડા, પેન્સિલ્વેનિયા, નોર્થ કૅરોલાઈના અને વિસ્કૉન્સિન એ રાજ્ય છે જેના હાથમાં હવે રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટેની ચાવી છે. કોણ જીતશે અને કોણ છૂટી જશે એ આ જ રાજ્યો પર આધાર રાખે છે.

બાઇડન પેન્સિલ્વેનિયા સિવાય પણ જીત મેળવી શકે છે. જોકે અહીં પરિણામ હાલ આવી રહ્યાં નથી.

પરંતુ તેમણે ઍરિઝોના, જ્યૉર્જિયા અને નૅવાડામાં જીતવું પડશે. કેટલીક સમાચાર સંસ્થાઓએ વિસ્કૉન્સિન અને ઍરિઝોનામાં બાઇડનની જીતનો અંદાજ લગાવ્યો છે પરંતુ બીબીસીનું માનવું છે કે આ અંગે કોઈ પણ મત બનાવવો ઉતાવળ ગણાશે.

જો બાઇડન વિસ્કૉન્સિન જીતી જાય છે તો તેમણે ઍરિઝોના અને નૅવાડામાં જીતવું જરૂરી હશે. મતની ગણતરી ચાલુ છે અને આશા છે કે અધિકારી મોડી રાત્રે (ભારતીય સમય અનુસાર) આના પર અપડેટ જાહેર કરશે.

અધિકારીઓનું કહેવું છે કે જ્યૉર્જિયામાં ટ્રમ્પની લીડ ધીમેધીમે ઘટી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી લીડ અંદાજે 18,590 મતની જ રહી ગઈ હતી.

બાઇડન વિસ્કૉન્સિન જીતી ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

તેમને વિસ્કૉન્સિન જીતવાના કારણે 10 વોટ વધારે મળી ગયા છે અને તેઓ લીડમાં ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે.

ટ્રમ્પના કૅમ્પેને ફિલાડેલ્ફિયા કાઉન્ટિંગને જોવાની માગ કરી

કૉરી લેવાન્ડોવ્સકી અને પામ બૉન્ડી નામના ટ્રમ્પનાં બે કૅમ્પેન અધિકારીઓએ મેઇલ-ઇન મત જ્યાં ગણાઈ રહ્યા છે તે ફિલાડેલ્ફિયા કન્વેશન સેન્ટરમાં જઈને કહ્યું કે તેમની પાસે અંદર જવાનો કોર્ટનો ઑર્ડર છે.

બૉન્ડીએ કહ્યું, "અમે હાલમાં તે બિલ્ડિંગમાં પ્રવેશવાની અને મતદાન પ્રક્રિયાનું કાયદેસર રીતે નિરીક્ષણ કરવાની યોજના બનાવીએ છીએ"

તેમણે વધુમાં કહ્યું, "ટ્રમ્પના પ્રતિનિધિઓને બંદૂક અને બેજવાળા વ્યક્તિ દ્વારા ગણતરી પ્રક્રિયાથી 100 ફૂટ પાછળ રાખવામાં આવ્યા હતા, જે પોલીસઅધિકારી નહોતા."

દરમિયાન, ટ્રમ્પ કૅમ્પેનના મૅનેજર બિલ સ્ટેપિયને પત્રકારોને ફોન પર જણાવ્યું હતું કે ડેમૉક્રેટ "જૂઠું બોલે છે, છેતરપિંડી કરે છે અને ચોરી કરે છે અને ગેરકાયદેસર વર્તન બેફામ ચાલી રહ્યું છે."

ખોટા દાવાઓથી દૂષિત અમેરિકાની ચૂંટણી : આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝર

એક આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝર મિશને કહ્યું છે કે અમેરિકાની ચૂંટણી 'કાયદાકીય અનિશ્ચિતતા અને લોકોના વિશ્વાસને ઘટાડવાના પ્રયત્નોથી દૂષિત' હતી.

ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યૉરિટી ઍન્ડ કૉઓપરેશન ઇન યુરોપ (OSCE)એ કહ્યું કે કોરોના વાઇરસના પડકારો છતાં ચૂંટણી 'સ્પર્ધાત્મક અને વ્યવસ્થિત' હતી.

આની સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ આખું અભિયાન આકરા રાજકીય ધ્રુવીકરણથી ઘેરાયેલું હતું અને વારંવાર આમાં વ્યાપક નીતિગત ચર્ચાઓની ઊણપ દેખાઈ હતી.

જોકે, આમાં વ્યવસ્થિત છેતરપિંડીના પુરાવા વિનાના આરોપ સામેલ રહ્યા હતા.

મંગળવારના મતદાન પહેલાં, પોસ્ટલ બૅલેટ અને અર્લી વોટને લઈને આ કેસ કરવામાં આવ્યા જે મતપત્રોને પોસ્ટ કરવા અને તેમના પ્રાપ્ત થવાની સમયમર્યાદા અને તેના પર સાક્ષીની સહી જેવા મુદ્દા આધારિત હતા.

રિપબ્લિકન પાર્ટીના રાજ્યોનું કહેવું છે કે મતની છેતરપિંડી અટકાવવા માટે પ્રતિબંધોની જરૂર હતી. જ્યારે આ મુદ્દે ડેમૉક્રેટિક પાર્ટીનું કહેવું છે કે લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાથી રોકવાનો આ પ્રયાસ હતો.

ચૂંટણીની રાત્રે પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આવા મતોને "અમેરિકન જનતા સાથેનો દગો" ગણાવ્યા હતા.

ટ્રમ્પની કૅમ્પેન ટીમ પેન્સિલ્વેનિયા, વિસ્કૉન્સિન, જ્યૉર્જિયા અને મિશિગનમાં મતની છેતરપિંડી થઈ હોવાનો દાવો કરીને મતની ગણતરી અટકાવવા માગે છે. જોકે આના કોઈ પુરાવા નથી.

રિપબ્લિકન 'મતદારોની છેતરપિંડી'નો કેસ દાખલ કરશે

રિપબ્લિકન પાર્ટીએ કહ્યું છે કે તે નૅવાડામાં કેસ દાખલ કરવાનું વિચારી રહી છે. તેણે દાવો કર્યો છે કે 10 હજાર મત એવા લોકોએ નાખ્યા છે જેઓ રાજ્યમાં હવે રહેતા નથી.

નૅવાડા એવાં રાજ્યોમાંથી એક છે જે નોંધાયેલા તમામ પુખ્તવયના મતદારોને મતપત્ર મોકલે છે.

ટ્રમ્પે તેમના પ્રચાર દરમિયાન 'સાર્વત્રિક મેઇલ-ઇન બૅલેટ' સિસ્ટમના નિર્ણયની વિરુદ્ધમાં છેતરપિંડી થવાનો દાવો કરીને રેલી કરી હતી.

ટ્રમ્પના વારંવાર દાવા છતાં, અમેરિકાની કોઈ પણ મોટી ચૂંટણીમાં મોટા પાયે મતદાતાઓની છેતરપિંડીના પુરાવા મળ્યા નથી.

ટ્રમ્પની વિજેતા બનવાની આગાહી પર સોશિયલ મીડિયામાં ચર્ચા

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક જ્યોતિષીની આગાહીને ટ્વિટર શૅર કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રમુખ ટ્રમ્પ જો બાઇડનને હરાવીને ચૂંટણી જીતશે.

ભારતમાં સોશિયલ મીડિયામાં તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.

મહિન્દ્રા ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ જે જ્યોતિષીની આગાહીને શૅર કરી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે બંને એકબીજાને કાંટાની ટક્કર આપશે. પણ છેવટે ટ્રમ્પ વિજેતા બનશે.

સૂર્યની વર્તમાન સ્થિતિ અને ટ્રમ્પની જન્મનિશાની પરથી જ્યોતિષીએ આ આગાહી કરી છે.

મહિન્દ્રાએ જ્યોતિષીનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ જો આગાહી સાચી પડે તો તેમની લોકપ્રિયતામાં વધારો થવાની આગાહી કરી છે.

આ ટ્વીટને 7 હજાર લાઇક મળી છે, જ્યારે અનેક લોકોએ રીટ્વીટ કર્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો