IPL 2020 CSKvKKR : રવીન્દ્ર જાડેજાની એ બે સિક્સર જેનાથી કોલકાતાની ટીમ પરાસ્ત થઈ

ઇમેજ સ્રોત, BCCI/IPL
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઋતુરાજ ગાયકવાડ અને રવીન્દ્ર જાડેજાની બેટિંગના જોરે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લે-છેલ્લે પોતાનો દમ દાખવી રહી છે, તેમણે અત્યંત રોમાંચક બનેલી મૅચના છેલ્લા બૉલે વિજય હાંસલ કર્યો હતો.
આઈપીએલમાં આ વખતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બહાર થઈ ગઈ છે અને તેના માટે કોઈ શક્યતા રહી નથી.
કહેવત છે ને 'સ્પોઇલ ધ પાર્ટી', બરાબર એમ જ ચેન્નાઈની ટીમ અન્ય ટીમની યોજનાઓને ધૂળમાં મેળવી રહી છે.
બે દિવસ અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોરને આઠ વિકેટે હરાવ્યા પછી ગુરુવારે ચેન્નાઈએ કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું.
બૅંગલોરને તો કદાચ પરાજયની ખાસ અસર ન થઈ પણ કોલકાતાને આ પરાજય ભારે પડી શકે છે.
આ પરાજય બાદ હવે બાકી રહેલી એક મૅચમાં તેમણે જીતવું તો પડશે જ પરંતુ સાથે-સાથે તેમણે અન્ય ટીમોના નેટ રનરેટ પર પણ આધાર રાખવો પડશે.

જાડેજાએ છેલ્લા બે બૉલમાં બે સિક્સ મારી જીત અપાવી

ઇમેજ સ્રોત, Bcci/ipl
ગુરુવારની અત્યંત રોમાંચક મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો છેલ્લા બૉલે છ વિકેટે વિજય થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવીન્દ્ર જાડેજા એ છેલ્લા બે બૉલમાં બે સિક્સર ફટકારીને ચેન્નાઈને વિજય અપાવ્યો હતો. જાડેજાએ 11 બોલમાં ત્રણ સિક્સર સાથે 31 રન ફટકાર્યા હતા.
કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટે 172 રનનો સ્કોર નોંધાવ્યો, જેની સામે ભારે રસાકસી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 178 રન ફટકાર્યા હતા.
173 રનનો ટાર્ગેટ સાવ આસાન કહી ન શકાય અને તેમાંય ચેન્નાઈની ટીમનું વર્તમાન ફૉર્મ જોતાં એમ લાગતું કે કોલકાતા નાઇટ રાઇડર્સ આ મૅચ જીતીને 14 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં આગળ રહેશે તથા પ્લે-ઑફમાં પ્રવેશની આશા જીવંત રાખી શકશે.
જોકે હવે હાલત એ થઈ છે કે તેમણે રાજસ્થાન રૉયલ્સ સામેની પહેલી નવેમ્બરની મૅચ જીતવી જ પડશે અને જીત્યા બાદ પણ નેટ રનરેટ બહેતર રહે એ માટે અન્ય ટીમના પરિણામ પર આધાર રાખવો પડશે.

ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગ

ઇમેજ સ્રોત, BCCI/IPL
ઋતુરાજ ગાયકવાડ અને શેન વોટ્સને ચેન્નાઈને પર્ફૅક્ટ પ્રારંભ કરાવી આપ્યો હતો.બંનેએ આઠમી ઓવર સુધી રમતાં સ્કોર 50 સુધી પહોંચાડી દીધો હતો.
વોટ્સનનું યોગદાન તેમાં 14 રનનું જ રહ્યું, ત્યાર બાદ રમવા આવેલા અંબાતી રાયડુએ વધારે મજબૂત બેટિંગ કરી હતી. તેમણે ગાયકવાડ સાથે માંડ છ ઓવર બેટિંગ કરી અને 36 બૉલમાં બંનેએ 68 રન ફટકારી દીધા હતા. રાયડુએ 20 બૉલમાં 38 રન ફટકાર્યા હતા.
ચેન્નાઈની ટીમને ડેડીઝ આર્મી કહેવામાં આવે છે. તેઓ યુવાનને નહીં પરંતુ અનુભવને મહત્ત્વ આપે છે અને કદાચ આ જ કારણોસર આ વખતે માર ખાઈ ગયા છે તેનું ઉદાહરણ ધોની અને સેમ કરનની નિષ્ફળતા હતી.
ધોની માત્ર એક રન કરી શક્યો હતો. જોકે ટીમને અંતિમ ઓવરોમાં રનની જરૂર હતી, ત્યારે રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.
તેમણે કમલેશ નાગરકોટીએ ફેંકેલી છેલ્લી ઓવરમાં તો ભારે આક્રમક બેટિંગ કરી હતી. છેલ્લા બે બૉલમાં તેમણે બે સિક્સર ફટકારી અને આમ જાડેજાએ 11 જ બૉલમાં 31 રન કરી દીધા હતા.
ઋતુરાજ ગાયકવાડ ટીમ માટે સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. 53 બૉલની ઇનિંગ્સમાં તેમણે બે સિકસર અને છ બાઉન્ડરી ફટકારી હતી.
પેટ કમિન્સ અને વરુણ ચક્રવર્તીએ કોલકાતા માટે બે-બે વિકેટ લીધી હતી પરંતુ તેમને સામે છેડેથી યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો.

નીતીશ રાણાએ કોલકાતાની ઇનિંગ્સને ટકાવી

ઇમેજ સ્રોત, BCCI/IPL
અગાઉ નીતીશ રાણાએ શાનદાર 87 રન ફટકારતાં કોલકાતા નાઇટ રાઇડર્સે મજબૂત સ્કોર રજૂ કર્યો હતો.
કોલકાતા માટે આ મૅચ અત્યંત જરૂરી હતી કેમકે તેમને પ્લેઑફમાં સ્થાન હાંસલ કરવું જરૂરી હતું, જ્યારે બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સને આ મૅચના પરિણામથી ખાસ ફરક પડવાનો ન હતો.
રાણાએ આક્રમક બેટિંગ કરીને 61 બૉલમાં ચાર સિક્સર અને દસ બાઉન્ડરી સાથે 87 રન ફટકાર્યા હતા.
રાણા અને શુભમન ગિલે ટીમ માટે મજબૂત પ્રારંભ કરાવી આપ્યો હતો. ચેન્નાઈને છેક આઠમી ઓવરમાં પહેલી સફળતા મળી હતી, જ્યારે કર્ણ શર્માએ ઓપનર ગિલને બૉલ્ડ કર્યા હતા.
શુભમન ગિલે 17 બૉલમાં 26 રન ફટકાર્યા હતા. ઇનિંગ્સના અંત ભાગમાં દિનેશ કાર્તિકે દસ બૉલમાં 21 રન ફટકાર્યા હતા, તો કૅપ્ટન ઓઇન મોર્ગને 15 અને રિંકુ સિંઘે 11 રનનું યોગદાન આપ્યું હતું.
ચેન્નાઈ માટે લુંગી એંગિડીએ ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી તો સેન્ટનર, કર્ણ શર્મા અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












