અમદાવાદમાં કોરોના વોરિયર્સનો પીવાના પાણી માટે જંગ - Top News

અમદાવાદના સોલા ખાતે આવેલી જીએમઇઆરએસ હૉસ્પિટલમાં કામ કરતાં અને મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડૉક્ટરોને પીવાલાયક ચોખ્ખું પાણી મળી રહ્યું નથી.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓએ પીવાનું પાણી દરરોજ બહારથી ખરીદવું પડે છે.

ભવદીપ ખિમાણી નામના વિદ્યાર્થીએ કહ્યું કે અમે છેલ્લાં ત્રણ વર્ષથી અહીં રહીએ છીએ. પાણીનો કોઈ સ્વાદ હોતો નથી પરંતુ આ પાણીમાં ગંદો સ્વાદ આવે છે. અમે બીમાર ન પડીએ તેથી બહારથી પાણી મંગાવીએ છીએ.

એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું, "આ પ્રશ્ન છેલ્લાં એક વર્ષથી ચાલી રહ્યો છે. અમારા સિનિયરોએ પણ ફરિયાદ કરી હતી કે ખારું પાણી આવે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓને કિડનીમાં પથરી થઈ હતી. આ કારણે વિદ્યાર્થીઓ ખાનગી સપ્લાયર્સ પાસેથી પૈસા ખર્ચી પાણી મંગાવે છે."

કૉલેજના ડીને કહ્યું કે અમે અમારા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન વિભાગને આની જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે તૂટી પડેલા વૉટર કૂલર અને વૉટર પ્યૉરિફાયરને સાફ કરી રિપેર કરી દેવામાં આવે.

કચ્છમાં એક વ્યક્તિએ ત્રણ બાળકી અને પત્નીની હત્યા કરી

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર 35 વર્ષના એક વ્યક્તિ પર આરોપ છે કે તેમણે પોતાની પત્ની અને ત્રણ બાળકીઓની આર્થિક સંકડામણને કારણે હત્યા કરી નાખી છે.

કચ્છ પશ્ચિમના સુપરિડેન્ડેન્ટ ઑફ પોલીસ સૌરભસિંઘે કહ્યું, "કચ્છના માંડવી તાલુકાના જાખણિયા ગામે વ્યક્તિએ પોતાની પત્નીને ઝેર પીવડાવી દીધું હતું, ત્યારબાદ ધારદાર વસ્તુથી તેણે પોતાની છોકરીઓ પર હુમલો કર્યો."

તેમણે વધુમાં કહ્યું, "આરોપીની પત્ની સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મૃત્યુ પામી. એક છોકરીની ઉંમર બે વર્ષ, બીજીની સાત વર્ષ અને ત્રીજીની ઉંમર 10 વર્ષ હતી."

પોલીસનું કહેવું છે કે "પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો છે કે આરોપી આર્થિક સંકડામણ અને દીકરીઓની લાંબી માંદગીને કારણે ચિંતામાં હતો. હાલ આરોપીને પકડવાની કામગીરી ચાલુ છે."

આ ઘટનામાં સૌપ્રથમ પતિએ પત્નીને ઝેર પીવડાવી દીધું હતું. ગામલોકોને ખબર પડતાં તેઓ એમને દવાખાને લઈ ગયા અને એ દરમિયાન ઘરમાં પતિએ ત્રણ દીકરીઓની હત્યા કરી.

સીબીઆઈએ મહારાષ્ટ્રમાં તાપસ કરવા માટે ઉદ્ધવ સરકારની મંજૂરી લેવી પડશે

મહારાષ્ટ્રમાં કોઈ પણ કેસની તપાસ કરતાં પહેલાં રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. જોકે આ નિર્ણયની પહેલાંથી ચાલી રહેલી તપાસ પર કોઈ અસર નહીં પડે.

ઉદ્ધવ સરકારના આ પગલાંથી કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રની વચ્ચે એક નવો વિવાદ થઈ શકે છે.

મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સીબીઆઈએ ઉત્તર પ્રદેશની સરકારની ભલામણથી ટીઆરપીમાં કથિત છેડછાડ કેસને લઈને ફરિયાદ નોંધાવી છે.

અધિકારીઓ પ્રમાણે, આ કેસ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક ઍડવર્ટાઇઝ કંપનીના પ્રમોટરની ફરિયાદના આધારે નોંધાયો છે.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે જાહેર કરેલાં આદેશમાં બુધવારે કહેવામાં આવ્યું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ ઍસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ આપેલાં અધિકારનો ઉપયોગ કરતાં મહારાષ્ટ્રની સરકારે આ નિર્ણય લીધો છે.

આ પહેલાં નવેમ્બર 2018માં આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડૂ સરકારે સીબીઆઈ માટે પોતાના રાજ્યના દરવાજા બંધ કર્યા હતા. ત્યારપછી પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ સીબીઆઈને પોતાના રાજ્યમાં તપાસની આગોતરી પરવાનગી પરત લીધી હતી.

પેટાચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભાજપના ત્રણ સભ્યો સસ્પેન્ડ

ભારતીય જનતા પાર્ટીએ પેટાચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત ભાજપે જાહેર કરેલી પ્રેસ રીલિઝમાં કહ્યું છે કે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની સૂચના પ્રમાણે, જ્યોત્સાના ભિમાણી, ભુપત ઉનાવા અને શાંતિલાલ રાણવાને પેટાચૂંટણીમાં ભાગ લઈ રહ્યા હોવાથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે.

જ્યોત્સા બહેન ભિમાણી મોરબી મ્યુનિસિપાલિટીના વોર્ડ નં 9ના ભાજપના કાઉન્સિલર છે. ભૂપત ઉનાવા ભારતીય જનતા પાર્ટીની બગસરા યુનિટના ઑફિસ બેરર છે, જ્યારે રાનવા અમરેલી જિલ્લાના એસસી સેલના પ્રમુખ છે.

જ્યોત્સના બહેને મોરબી, ઉનાવાએ ધારી અને રાનવાએ ગઢડા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.

કૉંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારી બેઠક પરથી જેવી કાકડિયા અને ગઢડા બેઠક પરથી પ્રવીણ મારુએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપતા પેટાંચૂંટણી થઈ રહી છે.

બ્રિજેશ મેરજા અને જેવી કાકડિયા પોતે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ગઢડાથી આત્મારામ પરમાર લડી રહ્યા છે.

ગુજરાતમાં કુલ આઠ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ 10 નવેમ્બરે આવશે.

'આ રિયાલીટી શો નથી... ટ્રમ્પે પોતાની જોબને સિરીયસલી લેવામાં અસમર્થ છે' : ઓબામા

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ બુધવારે કહ્યું કે ટ્રમ્પ પોતાની જોબને સીરિયસલી લેવામાં અસમર્થ છે.

3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલાં ઓબામાએ જો બાઇડન માટે સૌ પ્રથમ કોઈ પ્રચાર રેલીને સંબોધી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું, "આ રિયાલીટી શો નથી...આ રિયાલીટી છે."

તેમણે વધુમાં કહ્યું કે "પોતાનું કામ ગંભીરતાથી લેવામાં અસમર્થ સાબિત થયા હોવાના કારણે આપણે આવેલા પરિણામને જીવવું રહ્યું."

તેમણે વધુમાં કહ્યું કે, "નેતાઓ દરરોજ જૂઠ બોલે તો લોકશાહી કામ કરી શકશે નહીં."

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખે ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનીયા ખાતે ડ્રાઇવ-ઇન કાર રેલીમાં આ ટીકાઓ કરી હતી.

અમેરિકાના ઇલેક્શન પ્રૉજેક્ટના અહેવાલ અનુસાર અંદાજે 40 મિલિયન અમેરિકાના લોકોએ હાલ સુધીમાં મતદાન કરી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો-