બનાસકાંઠામાં કિશોરી પર દુષ્કર્મ આચરી માથું કાપી નાખનાર કેવી રીતે ઝડપાયો?

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
બનાસકાંઠાનાં દાંતીવાડામાં શનિવારે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બાર વર્ષની મૂકબધિર કિશોરી સાથે કથિત દુષ્કર્મ આચરીને તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.
આ બનાવને લઈને રવિવારે લોકોએ વિરોધપ્રદર્શન કરી કૅન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી.
ઘટના અંગે શનિવારે ડીસાના ડીવાયએસપી કુશલ ઓઝાએ બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "પ્રાથમિક દૃષ્ટિએ આ રેપ વિથ મર્ડરની ઘટના છે. તીક્ષ્ણ હથિયારથી કિશોરીનું માથું ધડથી અલગ કરી દેવાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ ચાલુ છે. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી(એફએસએલ)માં નમૂના મોકલી દેવાયા છે. તપાસ માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે."
પોલીસે એમ પણ કહ્યું હતું કે આરોપી કિશોરીનો સંબંધી છે.

આરોપી ભાણેજ નીકળ્યો

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
જે કિશોરીની હત્યા થઈ છે એ ડીસામાં રહેતી હતી. તેના પિતા શાકભાજીનો વ્યવસાય કરતા હતા. પિતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "મારી દીકરી સાથે અત્યાચાર ગુજારનારો મારો ભાણેજ જ હતો. મને ખબર નહોતી કે મારી દીકરી સાથે ફોઈનો દીકરો જ આવું કૃત્ય કરશે. તેમનું ઘર અમારાથી દોઢેક કિલોમિટર દૂર છે. ભાણેજ પણ અમારા ઘરે અવારનવાર પરિવાર સાથે આવતો હતો. કોઈને અંદાજ ક્યાંથી હોય કે એ આવું કરશે?"
ડીસાના શિવનગર વિસ્તાર પાસે કંકાવટી સોસાયટીમાં રહેતી મૂકબધિર કિશોરી તેનાં મહોલ્લામાં ખૂબ લાડકવાયી હતી.

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
તેના પિતા કહે છે કે "પડોશમાં કોઈ નાનુંમોટું કામ સોંપે તો તરત કરી આપતી. છોકરાંવ ક્રિકેટ રમતાં હોય અને પીવા માટે પાણી માગે તો તરત ઘરમાં દોડીને પાણી લઈ આવતી. શુક્રવારે સાંજે સાત-સાડા સાત વાગ્યે જ્યારે મારી દીકરી જ્યારે શેરીમાં રમતી હતી ત્યારે ફોઈનો દીકરો આવ્યો હતો. ઇશારાથી આઇસક્રીમની લાલચ આપીને તેને સ્કૂટર પર બેસાડીને લઈ ગયો હતો."
તમને કઈ રીતે આ ઘટનાક્રમની ખબર પડી? એ સવાલના જવાબમાં કિશોરીનાં પિતા કહે છે કે "આરોપીએ પોલીસ પાસે આ ઘટના કબૂલી છે અને પોલીસ દ્વારા જ અમને તેની જાણ થઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગેરહાજરીથી શંકા પ્રબળ બની

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
શુક્રવારે સાંજે કિશોરી ગાયબ થઈ ત્યારે તેના પરિવાર સહિત સમગ્ર મહોલ્લાના લોકોએ શોધખોળ આદરી હતી.
સીસીટીવીના આધારે તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે ફોઈનો દીકરો તેને ઉઠાવી ગયો છે.
કિશોરીના પિતા જણાવે છે કે "પાંચસો લોકોએ મારી દીકરી માટે આખી રાત શોધખોળ આદરી હતી. આસપાસના ત્રીસેક કિલોમિટર સુધી ગાડીઓ દોડાવી હતી. રસ્તા પર લગાવવામાં આવેલા અલગ અલગ સીસીટીવી(ક્લોઝ્ડ સરકિટ ટીવી) કૅમેરા ચેક કરાવડાવ્યા હતા."
"અમે ડીસા સુધરાઈના જાહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી તો ચેક કરાવડાવ્યા જ હતા, કેટલીક દુકાનોના પ્રાઇવેટ સીસીટીવી પણ ચેક કર્યા હતા. જેમાં હાઈવે પર પેટ્રોલ પમ્પ પાસે લગાવવામાં આવેલા કૅમેરામાં જોવા મળ્યું કે ભાણેજ મારી દીકરીને બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે. આને આધારે અમે તારણ પર પહોંચ્યા કે તેણે જ મારી દીકરીની હત્યા કરી હશે."
"આનો બીજો એક તાળો એ રીતે પણ મળે છે કે જ્યારે તમામ લોકો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે દોઢેક કિલોમિટર ઘર દૂર હોવા છતાં મારો ભાણેજ શોધવામાં સામેલ નહતો. તેથી પણ શંકા વધુ ઘેરી બની હતી."

મને છોડાવો...

ઇમેજ સ્રોત, Inpho
કિશોરીના કાકાએ પણ બીબીસી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે "સીસીટીવીમાં બંને બાઇક પર જતા હતા એવા દૃશ્યોને આધારે વહેમ પડતાં એ રાત્રે જ એક વાગ્યે અમે ભાણેજના ઘરે ગયા હતા. તેને પૂછ્યું હતું કે તેં જે કર્યું હોય તે બોલી જા. એ વખતે તેણે એક જ વાતનું રટણ કર્યું કે મને કંઈ ખબર જ નથી. પછી અમે પોલીસને જણાવ્યું કે અમને ભાણેજ પર શંકા છે. પોલીસે તેની પૂછપરછ કરી અને તેણે ઘટના કબૂલી લીધી.
એમણે કહ્યું કે, "શનિવારે સાંજે અમે દાંતીવાડા પોલીસ સ્ટેશન ગયા હતા. એ વખતે ભાણેજ મારી પાસે આવીને પગ પકડીને રોવા લાગ્યો હતો. મને કરગરવા લાગ્યો કે મને છોડાવો. મેં તે વખતે રાત્રે તમને ના કહી હતી પણ મારી ભૂલ થઈ ગઈ. એ પછી તેણે ઘટનાક્રમ કહ્યો કે કઈ રીતે તે બાઇક પર બેસાડીને લઈ ગયો હતો, પછી દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી."
રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્ય ડૉ. રાજુલ દેસાઈએ જ્યાંથી કિશોરીની લાશ મળી હતી એ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું હતું કે "આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને સમાજ માટે આ એક ચિંતાનો વિષય છે."
આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી લખ્યું, "ભારતમાતાનું ગુજરાતમાં ગળું કાપી નાખ્યું. અમે વારંવાર કહી રહ્યા હતા કે મોદીજી હાથરસ વિશે કંઈક બોલો, પરંતુ તેમણે એક શબ્દ ન બોલ્યો. હવે જુઓ દાંતીવાડામાં એક માસૂમ બાળકીનું ગળું કાપી હત્યા કરી દીધી. આ કેવો વિકાસ છે? કાયદો અને વ્યવસ્થા તથા બંધારણના તો ધજાગરા ઊડી રહ્યા છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













