IPL 2020 : ધોનીની તમામ યોજના એકલા શિખર ધવને જ ઊંધી વાળી દીધી

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

શિખર ધવન એવા આક્રમક અને સાતત્ય ધરાવતા બૅટ્સમૅન છે કે જેમણે ટેસ્ટ ક્રિકેટની પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારી હતી, એ જ ધવનને IPLમાં સદી ફટકારવા માટે એક-બે નહીં પણ 168 મૅચ સુધી રાહ જોવી પડે તે અજૂગતું લાગે પણ આ હકીકત છે.

શનિવારે તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અણનમ 101 રન ફટકાર્યા તે IPLમાં પહેલી વાર તેમના બૅટમાંથી નીકળેલી સદી હતી. જોકે ભલે મોડેથી સદી આવી પરંતુ તેમની બેટિંગ ટીમને લાભ કરાવી ગઈ.

વર્તમાન ટુર્નામેન્ટમાં ધવને સળંગ ત્રીજી મૅચમાં 50થી વધુનો સ્કોર નોંધાવ્યો અનેસાથે જ ટીમને વિજય અપાવ્યો હતો.

શનિવારની મૅચમાં શિખર ધવને શાનદાર સદી ફટકારતાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સનો પાંચ વિકેટે ભવ્ય વિજય થયો હતો.

શિખર ધવનની શાનદાર બેટિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટે 179 રન ફટકાર્યા, જ્યારે દિલ્હી કૅપિટલ્સે 19.5 ઓવરમાં પાંચ વિકેટે 185 રન કરીને મૅચ જીતી લીધી હતી. આ સાથે દિલ્હી કૅપિટલ્સ ફરીથી મોખરે પહોંચી ગયું હતું.

નવ મૅચમાંથી સાત મૅચ જીતીને તેઓ હાલમાં 14 પૉઇન્ટ ધરાવે છે. આમ કમસે કમ હાલ તો તેઓ મોખરે છે.

રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ તેમની મૅચ જીતીને 14 પૉઇન્ટ પર પહોંચી જાય તો વાત અલગ છે.

શનિવારની મૅચમાં શિખર ધવને તો એકલા હાથે શાનદાર બેટિંગ કરીને ટીમને કિનારે લાવી દીધી હતી.

જોકે આ સમયે હરીફ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જે રીતે બૉલિંગમાં પરિવર્તન કર્યાં તે સમજની બહાર હતા અને પરિસ્થિતિ એકદંરે દિલ્હીના અંકુશમાં જ રહી હતી.

19મી ઓવરમાં ઍલેક્સ કેરી આઉટ થયા, જ્યારે ધવનને પણ 99 રનના સ્કોરે આઉટ આપી દેવાયા હતા.

જોકે રિવ્યૂમાં તેઓ નોટ આઉટ જાહેર થયા. હવે છેલ્લી ઓવરમાં 17 રન કરવાના હતા. આટલે સુધી પહોંચ્યા બાદ દિલ્હી હારી જશે, ચેન્નાઈ બાજી મારી જશે તેમ લાગતું હતું પણ અક્ષર પટેલે છેલ્લો પ્રહાર કરી દીધો.

અક્ષર પટેલની કમાલ

રવીન્દ્ર જાડેજાને બૉલિંગ અપાઈ હતી. વાઇડ બાદ પહેલા બૉલે ધવને એક રન લઈ લીધો અને અક્ષર પટેલ સ્ટ્રાઇકમાં આવ્યા.

તેમણે સળંગ બે બૉલમાં બે સિક્સર ફટકારીને તણાવ હળવો કરી નાખ્યો. ચોથા બોલે બે રન લીધા અને પાંચમા બોલે ફરીથી એક સિક્સર ફટકારી દીધી.

આમ અક્ષર પટેલે પાંચ જ બૉલમાં ત્રણ સિક્સર સાથે 21 રન ફટકારી દીધા.

IPLમાં પ્રથમ સદી ફટકારતાં ધવને 58 બૉલમાં અણનમ 101 રન નોંધાવ્યા, જેમાં 14 બાઉન્ડરી અને એક સિક્સરનો સમાવેશ થતો હતો.

ધોની ફરી ફ્લૉપ

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાફ ડુ પ્લેસિસે 47 બૉલમાં બે સિક્સર સાથે 58 રન ફટકાર્યા હતા.

અંગ્રેજ બૅટ્સમૅન સેમ કરન મૅચના ત્રીજા જ બૉલે શૂન્ય પર આઉટ થઈ ગયા ત્યારે એમ લાગતું હતું કે ચેન્નાઈને આ બાબત ભારે પડી જશે, પરંતુ બાકીના બૅટ્સમૅને બાજી સંભાળી લીધી હતી.

પ્લેસિસની સાથે તેમના એક સમયના ઓપનિંગ જોડીદાર શેન વૉટ્સન રમવા આવ્યા હતા. બંનેએ ટીમનો સ્કોર 87 રન સુધી પહોંચાડી દીધો હતો.

વૉટ્સને 36 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડુએ પણ શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 179 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

રાયડુએ 25 બૉલમાં ચાર સિક્સર ફટકારી પરંતુ ટીમની સૌથી આકર્ષક બેટિંગ રવીન્દ્ર જાડેજાએ કરી હતી.

કૅપ્ટન ધોની માત્ર ત્રણ રન કરીને આઉટ થયા ત્યારે જાડેજા 17મી ઓવરમાં રમવા આવ્યા અને ફક્ત 13 જ બૉલ રમ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના આ ડાબોડી બૅટ્સમૅને ચાર સિક્સર સાથે 33 રન ફકારી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો