ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર શિયાળામાં આવશે? - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
'નીતિ આયોગ'ના સભ્ય વી. કે. પૉલનું કહેવું છે કે દેશમાં ગત ત્રણ સપ્તાહથી કોરોના વાઇરસના સંક્રમણના નવા મામલા અને એના લીધે થનારાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ મોટાં ભાગનાં રાજ્યોમાં ચેપનો ફેલાવો સ્થિર થયો છે. જોકે, તેમણે શિયાળામાં સંક્રમણની બીજી લહેરની આશંકાનો ઇન્કાર નથી કર્યો.
સમાચાર સંસ્થા પીટીઆઈને તેમણે આ વાત કરી છે.
તેમને પૂછવામાં આવ્યું કે શું શિયાળામાં ભારતમાં સંક્રમણની બીજી લહેર આવી શકે?
પૉલે જણાવ્યું, "શિયાળો શરૂ થતાં જ યુરોપનાં રાષ્ટ્રોમાં સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે."
તેમણે કહ્યું, "આપણે પણ આનાથી (ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર)થી ઇન્કાર કરી શકી નહીં."
વી. કે. પૉલ કોવિડ-19 મહામારીને પહોંચી વળવાના પ્રયાસોમાં ''સમન્વયન માટે રચિત વિશેષ પૅનલ'ના પ્રમુખ પણ છે.
જોકે, તેમણે એવું પણ કહ્યું છે કે 'એક વાર કોવિડ-19ની રસી આવી જાય તો તેને નાગરિકોને ઉપલબ્ધ કરાવવા માટેના પૂરતાં સંસાધનો છે.'

'પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું'

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો છે. બીએસએફે આના જવાબમાં વળતી કાર્યવાહી કરી હોવાનું પણ પીટીઆઈ જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની રૅન્જર્સે હીરાનગર સૅક્ટરના પંસાર-મનયારી વિસ્તારમાં શનિવારની રાતે 9.45 વાગ્યે ગોળીબાર શરૂ કર્યો હતો.
જે બાદ બન્ને તરફથી સવારના 5.10 વાગ્યા સુધી ગોળીબાર થતો રહ્યો. જેને પગલે સરહદ પાસેનાં ગામોમાં રહેતા લોકોને બંકરમાં સંતાઈને રાત વિતાવવાની ફરજ પડી હતી.
જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે આ દરમિયાન જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.

ભારતને કોરોનાની રસી ડિસેમ્બર સુધીમાં મળશે, બજારમાં ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે કોરોનાની ઑક્સફર્ડ રસીના ભારતને 60-70 મિલિયન ડૉઝ ડિસેમ્બર સુધીમાં મળશે.
જોકે તેમણે એવું પણ જણાવ્યું છે કે આ રસીને બજારમાં આવતાં માર્ચ 2021 સુધીનો સમય લાગી શકે છે.
અહેવાલમાં ઇન્સ્ટિટ્યૂટના ઍક્ઝિક્યૂટીવ ડિરેક્ટર ડૉ સુરેશ જાદવને ટાંકીને લખ્યું છે કે ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન લાઇસન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
ડૉ. જાદવે આ અંગે એક એનજીઓ દ્વારા આયોજિત ઇન્ડિયા વૅક્સિન ઍસેસિબિલિટી ઈ-સમીટમાં વાત કરી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કોરોના વાઇરસની રસી વિકસાવાઈ રહી છે, જે ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કામાં છે.

ભારતની એક ઇંચ ભૂમિ પણ કોઈ નહીં લઈ શકે : અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે ભારતની એક ઇંચ ભૂમિ પણ કોઈ નહીં લઈ શકે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ અંગે શાહે વધુ વાત કરતાં કહ્યું હતું કે, “લાઇન ઑફ કંટ્રોલ અને લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પર જે કાંઈ પણ થઈ રહ્યું છે તેનો રાજદ્વારી અને સૈનિક પગલાં દ્વારા જવાબ આપવામાં આવશે.”
અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહે વડા પ્રધાન મોદીની વાતનો ફરી ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “ઘર્ષણવાળાં સ્થળોએ સૈન્ય અને રાજદ્વારી સ્તરની વાતચીત ચાલી રહી છે. હું તેના વિશે વધુ વાત નથી કરવા માગતો. પરંતુ હું વડા પ્રધાન મોદીના શબ્દો ફરી વાર જરૂર કહેવા માગીશ કે અમે અમારી ભૂમિના એક-એક ઇંચ બાબતે જાગૃત છીએ અને તે અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે.”
ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણ અંગે તેઓ કહે છે કે, “જો આપણી સેના તૈયાર ન હોત, એ દિવસે તે સ્થળે ઘર્ષણ સર્જાયું જ ન હોત.”

યોગી આદિત્યનાથે ‘મિશન શક્તિ’ લૉન્ચ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશમાં નોંધાઈ રહેલી બળાત્કારની ઘટનાઓ બાદ ટીકાનું પાત્ર બનેલા રાજ્યના મુંખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ‘મિશન શક્તિ’ લૉન્ચ કર્યું હતું. જે રાજ્યમાં મહિલાની સુરક્ષા અને તેમના આત્મસન્માનની રક્ષા સુનિશ્ચિત કરશે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પ્રસંગ નિમિત્તે તેમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે મહિલા વિરુદ્ધના ગુનાઓમાં અપરાધીઓ સામે કડક કાર્યવહી કરવામાં આવશે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “નવરાત્રિના પ્રથમ દિવસે લૉન્ચ કરાયેલ આ કેમ્પેન બલરામપુરમાં કથિતપણે બે વ્યક્તિઓ દ્વારા બળાત્કાર બાદ હત્યા કરી દેવાયેલ યુવતીને એક શ્રદ્ધાંજલિ છે.“
તેમજ તેમણે કહ્યું હતું કે તેમની સરકારમાં મહિલા વિરુદ્ધ ગુનો આચરનાર અપરાધીઓ મામલે ઝીરો ટૉલરન્સ છે.

ચીનની જેમ ભારતે પણ બૉર્ડર પર રોડ તૈયાર કરવો જોઈએ : કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર લેહના ખારદુંગલા પાસ ખાતે રસ્તાનિર્માણના કામમાં લાગેલા મજૂરો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે ચીનની જેમ ભારતે પણ લેહ નજીક બૉર્ડર પર રસ્તો તૈયાર કરવો જોઈએ.
નોંધનીય છે કે તેઓ લેહમાં લદ્દાખ પરિષદની ચૂંટણી માટે કેમ્પેનિગ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમણે ખારદુંગલા પાસ નજીકના ખારદુંગ ગામે રોકાઈને રસ્તાનિર્માણની કામગીરીમાં લાગેલા મજૂરો સાથે વાતચીત કરી હતી.
તેમણે આ વાતચીતમાં કહ્યું હતું કે, “મારી યાત્રા દરમિયાન મને 18,600 ફૂટની ઉંચાઈએ કામ કરી રહેલા મજૂરો સાથે વાતચીત કરવાની તક મળી હતી.”
તેમણે મજૂરોને કહ્યું કે, “ચીન બૉર્ડર નજીક રસ્તાનું નિર્માણ કરી રહ્યું છે, આપણે પણ તેવું જ કરવું જોઈએ.”

ગુજરાતમાં કોરોનાના 1161 નવા કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી કોરોનાના 1161 નવા કેસો નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 1.58 લાખ પર પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે અહેવાલ પ્રમાણે રાજ્યમાં સતત સાતમા દિવસે 1200 કરતાં ઓછા કેસો નોંધાયા છે.
નવા કેસોમાં 239 કેસ સુરત, 183 કેસ અમદાવાદ, 116 વડોદરા, રાજકોટમાં 108 અને જામનગરમાં 74 કેસો નોંધાયા છે.
આ સાથે જ ગુજરાતમાં શનિવારે કોરોનાના કારણે નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 3,629 થઈ ગઈ છે. શનિવારે થયેલ મૃત્યુમાં ત્રણ રાજકોટ, અમદાવાદ અને સુરતમાં બબ્બે, વડોદરા અને ગીર સોમનાથમાં એક-એક મૃત્યુ નોંધાયાં છે.

બ્રાહ્મણવિરોધી પોસ્ટને કારણે દલિત વકીલ દેવજી મહેશ્વરીની હત્યા થઈ : SIT

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પહેલાં કચ્છના રાપર જિલ્લામાં દલિત વકીલ દેવજી મહેશ્વરીની ધોળા દહાડે થયેલી હત્યાના મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમે (SIT) સોશિયલ મીડિયા પર કરેલી બ્રાહ્મણવિરોધી પોસ્ટને કારણે થઈ હોવાનું જણાવ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના અહેવાલ અનુસાર પોલીસે આ કેસમાં હત્યાનું કારણ દર્શાવતાં કહ્યું હતું કે, “વકીલ દેવજી મહેશ્વરી દ્વારા કરાયેલ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આ મામલાના મુખ્ય આરોપી 22 વર્ષીય ભરત રાવલની હત્યાના એક દિવસ અગાઉ ફોન પર ભારે બોલાચાલી થઈ હતી. જે બાદ 25 સપ્ટેમ્બરના રોજ રાપર ખાતે તેમની દેવજીભાઈની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી દેવાઈ હતી.”
અહેવાલ અનુસાર રાવલ પોતે પણ બ્રાહ્મણ હોવાને કારણે આ પોસ્ટથી તેઓ નારાજ થયા હતા. જોકે, દેવજીભાઈના પત્ની દ્વારા FIRમાં નોંધાવવામાં આવેલ અન્ય આઠ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસને કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.
નોંધનીય છે કે બૉર્ડર રૅન્જના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ જે. આર. મોથલીયાના વડપણમાં આ કેસની તપાસ માટે સાત સભ્યોની SIT નીમવામાં આવી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












