શિક્ષણનીતિ: 'સા વિદ્યા યા વિમુક્તયે' સૂત્ર તો છે પણ વિદ્યા પોતે મુક્ત છે ખરી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ. જ્ઞાનની મહત્તા તો પહેલાં પણ એટલી જ પ્રબર હતી જેટલી આજે છે. ભણેલગણેલ માણસોનું સમાજમાં વજન પડતું અને એટલે જ કહેવત પડી હશે "ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે."

રાજા માત્ર પોતાના રાજ્યમાં જ માનપાન પામે છે અથવા પૂજાય છે પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે. વિદ્યાથી માણસ શોભે છે, અધિકાર ભોગવે છે અને એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

દરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. એટલે જ કહેવાયું છે "સા વિદ્યા યા વિમુક્તયે" વિદ્યા એટલે જ્ઞાન.

આજના જમાનામાં એક "ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી"ના નામે ઓળખાતી સંપત્તિ ગણાય છે. જેની પાસે જ્ઞાન છે તે જ હવે પછી આવનાર સમયમાં દુનિયા પર રાજ કરશે. વિદ્યા માટે કહેવાયું છે –

न चोराहार्यम् न च राजहार्यम्, न भ्रातृभाज्यं न च भारकारि ।

व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥

આમ, વિદ્યા એક એવું સાધન છે કે જેને ચોર ચોરી જઈ શકતો નથી, ભાઈએ ભાગ પડતા નથી કે રાજા (સરકાર) હરી શકતો નથી.

line

શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં આપણે ક્યાં છીએ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના આશ્રમ ગુરુકુલ અથવા તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો થકી જ્ઞાન અપાતું. આજે વિદ્યાપીઠોના નામ બદલાયા છે.

ક્યાંક એ સ્ટેનફર્ડ ક્યાંક ઑક્સફોર્ડ ને ક્યાંક લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના નામે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ કેળવણી આ સંસ્થાઓ આપી રહી છે. એમનો અને એમના વિદ્યાર્થીઓનો દુનિયામાં દબદબો છે.

ભારતની વાત કરીએ તો વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીના લિસ્ટમાં 150માં તો આપણે ખાતું જ નથી ખોલાવ્યું. ત્યારબાદની છેલ્લી 50માં આપણી 3 યુનિવર્સિટીઓ, જેમાં બે આઈ.આઈ. ટી. અને એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ આવે છે.

આપણા દેશમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થાનો આથી મોટો પુરાવો ભાગ્યે જ હોઈ શકે.

આ સંદર્ભમાં ખાસ્સાં 38 વરસ બાદ ભારત સરકારે આ દેશની શિક્ષણનીતિ જાહેર કરી. કમસે કમ આ દેશ શિક્ષણક્ષેત્રે શું કરવા માગે છે અને કઈ દિશામાં જવા માગે છે એની વાત તો મુકાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શિક્ષણનીતિ એ "ડૉક્યુમેન્ટ ઑફ ઇન્ટેન્ટ" એટલે કે સરકારનો ઇરાદો દર્શાવતું એક જાહેરનામું છે. આ શિક્ષણનીતિ કોઈ એક્ઝિક્યુટિવ ઑર્ડર એટલે કે ચોક્કસ આયોજન સાથેની અમલવારીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર હોય એવું નથી.

સાદા દાખલાથી સમજાવવું હોય તો આ એક કાચું સીધું છે, તેમાં ચોખા ઘઉં, કઠોળ, મસાલા, તેલ, ઘી, ગોળ બધું જ છે પણ એમાંથી વાનગી કેવી તૈયાર થશે એનો આધાર તો રસોઈયા કેવા છે તેના પર જ રહેને?

એટલે આ શિક્ષણનીતિમાંથી કંસાર નીપજશે કે થૂલી એનો આધાર આ અને આવતી સરકારોની શિક્ષણ વિશેની સમજ દુનિયાના બદલાતા જતા પ્રવાહોનો અંદાજ તેમજ જેમને આમાં લાગેવળગે છે એવા શિક્ષણવિદો, વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથોસાથ નોકરીદાતાઓ ઉપર પણ છે. આ પરિબળો આવનાર વરસોમાં આ શિક્ષણનીતિને ઉપયોગી અથવા પછી અર્થહીન પુરવાર કરશે.

આ શિક્ષણનીતિમાં શિક્ષક વિશે બહુ ઝાઝું કહેવાયું નથી. ખાસ કરીને સરકારી શાળાઓના પ્રાથમિક શિક્ષકો જેમનો દાઢીની દાઢીને સાવરણીની સાવરણી તરીકે મતગણતરીથી માંડીને મતદારયાદી તૈયાર કરવી અને કોવિડથી માંડી કૃષિ સુધીના (ક્યાંક મગફળી વેચવા સમેત) શિક્ષકોનો જે સદુપયોગ કે દુરુપયોગ થાય છે.

તેમની મુખ્ય કામગીરી એટલે કે બાળકોને ભણાવવાનું કામ જો તેમને કરવાનું હોય તો કોઈ પણ શિક્ષણનીતિ ઝાઝું કરી શકશે નહીં એ વાત આપણે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કરવી પડશે.

line

નવી શિક્ષણનીતિમાં શું સામેલ છે?

નિશંક

ઉપરોક્ત પરિસ્થિતિમાં હવે તાજેતરમાં જાહેર થયેલ શિક્ષણનીતિના કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈએ.

આડત્રીસ વરસ બાદ ભારતની નવી શિક્ષણનીતિ ઘડાઈ છે. શિક્ષણ પાછળ સરકારે GDPના 6 ટકા ખર્ચો કરવાની વાત કરી છે.

આ નવી શિક્ષણનીતિમાં સુધારા થયા એ સારી વાત છે, જેમાં ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું, મધ્યાહન ભોજન સિવાય એક ટાઇમ પોષણક્ષમ ખોરાક બાળકોને આપવો.

અર્લી ચાઇલ્ડ હૂડ એજ્યુકેશન (ECCE) કે જેમાં બાળકને આંગણવાડી કે નર્સરીથી શિક્ષણ (3થી 4 વરસના બાળકને) આપવું જોઈએ, જેથી બાળકનો માનસિક વિકાસ થઈ શકે.

વળી બાળકો માટે મ્યુઝિક કે શારીરિક શિક્ષણ વ્યવસ્થા માટેનાં સંકુલો હોવાં જોઈએ, જેથી બાળકો શિક્ષણની સાથે સાથે વ્યાયામ અને સંગીત જેવા અન્ય વિષયો પણ શીખી શકે.

સ્કિલ બેઝ્ડ ટ્રેનિંગ, શિક્ષકોને તાલીમ, કૉલેજોને રેટિંગ અપાશે અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી માટે ક્રૅડિટ સિસ્ટમ વગેરે ફેરફારોનો નવી શિક્ષણનીતિમાં સામેલ કરવામાં આવેલ છે.

વળી લિબરલ એજ્યુકેશન હેઠળ IIT જેવી સંસ્થાઓમાં ઇતિહાસ, સમાજશાસ્ત્ર કે સાહિત્ય જેવા વિષયો શીખવાડાશે. વિશ્વના દેશોમાં છે તેવી વ્યવસ્થા અહીં ઊભી કરવાની વાત છે.

ઇરાદો સારો છે પણ નવી શિક્ષણનીતિની સફળતા માટે જે પાયાની જરૂરિયાત છે તેવા શિક્ષકો વિષે ખાસ વાત કરી નથી.

આજે તમે કોઈ પણ રાજ્યની પ્રાથમિક શાળામાં જઈને બાળકને વાંચવા ઊભો કરો તો એ માતૃભાષા પણ સરળતાથી બોલી શકશે નહીં.

ગણિતના ઘડિયા હોય, સરવાળા હોય કે બાદબાકી હોય પણ અમુક ટકા વિદ્યાર્થીઓને બાદ કરતાં બાકીના બધા વિદ્યાર્થીઓમાં કચાશ જોવા મળશે.

આવું અન્ય વિષયોમાં પણ જોવા મળે છે, જેમાં વિજ્ઞાન હોય કે ભૂગોળ કે ઇતિહાસનો સમાવેશ કરી શકાય.

પ્રાથમિક શિક્ષણ એ પાયો છે પરંતુ તેમનો પાયો કાચો રહ્યો છે અને નબળા પાયા ઉપર મજબૂત ઇમારત ન બાંધી શકાય.

શાળાના વર્ગખંડોમાં હજુ આજે પણ એક ભીંત સૂત્ર દેખાય છે – "શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા જ્યાં વહે." પણ આવું થાય છે ખરું? એ તીર્થભૂમિ અને ગંગાની પવિત્રતા આજે શાળામાં જોવા મળે છે ખરી?

ઉચ્ચ શિક્ષણ ખરા અર્થમાં આપણને ઉચ્ચ બનાવે તેવું હોવું જોઈએ. કેવળ ડિગ્રી અને ટકાથી જ જીવન બનતું નથી. આપણું શિક્ષણ કમભાગ્યે સ્પર્ધા અને ઈર્ષા શીખવે છે. દેશમાં 'સા વિદ્યા યા વિમુક્તયે' એવું રૂપાળું સૂત્ર તો આપણે આપ્યું, પણ વિદ્યા પોતે મુક્ત છે ખરી?

line

શિક્ષણ એ પ્રયોગશાળા નથી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એક સાહિત્યકારે મજાકમાં કહ્યું હતું કે વિદ્યાપીઠ એટલે કે જેના તરફ વિદ્યાએ પીઠ કરી લીધી છેતે. મજાકમાં ભલે આ કહેવાયું હોય પણ મજાક નથી ભારોભાર સત્ય છે.

માત્ર અક્ષર જ્ઞાન આપવું એ શિક્ષણ નથી. શિક્ષણ દ્વારા માણસનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. આ વાતમાં આપણે ક્યાંકને ક્યાંક ઊણા ઉતાર્યા છીએ.

સરકારી શાળાઓમાં દિવસે દિવસે શિક્ષકોની ગુણવત્તા કથળતી ગઈ છે, જેમાં શિક્ષકોની ભરતી પારદર્શક હોવી જોઈએ તેવું કહેવાયું છે પણ એનો અમલ યોગ્ય રીતે થશે કે કેમ એ શંકાનો વિષય છે. વળી, શું આજે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પારદર્શક નથી? એનો આ એકરાર છે.

વળી આપણે ત્યાં તો જે ક્યાંય ન ચાલે તે શિક્ષણમાં ચાલે એવી માન્યતા છે અને આવા લોકો શિક્ષણમાં ચાલે પણ છે. શિક્ષક માટે શિક્ષણ એ પસંદગીનો વિષય હોવો જોઈએ નહીં કે મજબૂરીનો વિષય.

આપણે અગાઉ વાત કરી ગયા તે પ્રમાણે સરકારી પ્રાથમિક શિક્ષકોને સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ઢસેડવાનું કામ વરસોથી થતું આવ્યું છે. વસતિગણતરી, ચૂંટણી, સરકારી કાર્યક્રમો, મેળાવડાઓથી લઈને કોરોના મહામારી એમ દરેક જગ્યા એ પ્રાથમિક શિક્ષકને જોતરવામાં આવે છે.

આ સંજોગોમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સો ટકા કથળે એમાં નવાઈ નથી, કારણ કે સરકારી કામમાંથી મુક્ત થઈ શિક્ષક શાળામાં આવે છે ત્યારે તેને ભણાવવામાં રસ રહેતો નથી. શિક્ષકને પોતાનું શોષણ થતું લાગે છે તેથી તે બાળકોને ભણાવવામાં રસ લેતો નથી.

અંતે ભોગવવાનું બાળકોનાં માથે જ હોય છે, કારણ કે શિક્ષક ને તો તેનો પગાર મળવાનો જ છે અને આ બાજુ સરકારી કામ પતે એટલે સરકારી બાબુ ખુશ. પણ આ બન્ને વચ્ચે પીસાતા ભારતના ભવિષ્યનું શું? આ સંદર્ભે કેગનો રિપોર્ટ લાલબત્તી સમાન છે.

line

શાળા અને શિક્ષકોની સ્થિતિ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આનાથી વિપરીત સ્થિતિ ખાનગી પ્રાથમિક શિક્ષણની છે. શાળાસંચાલક શિક્ષકોને ઓછા પગારે રાખી શિક્ષણકાર્ય કરાવે ત્યારે જે તે શિક્ષક ઉત્સાહથી ભણાવતો નથી. વળી તેને ઓછો પગાર મળે છે તેથી તે વધુને વધુ ખાનગી ટ્યુશન કરવામાં રસ ધરાવે છે.

બીજી બાજુ શાળાસંચાલક તગડી ફી લઈ નફો ઘરભેગો કરે છે. આ સ્થિતિમાં બાળક અને વાલીઓનો સંચાલક અને શિક્ષક વચ્ચે પિસાય છે, કારણકે વાલીઓ એ શાળા ઉપરાંત ટ્યુશન એમ ડબલ રૂપિયા ખર્ચવા પડે છે.

આમ અમુક અપવાદરૂપ શાળાઓને બાદ કરતાં ખાનગી શાળાઓમાં પણ પ્રાથમિક શિક્ષણનું સ્તર સારું નથી.

હવે નવી શિક્ષણનીતિનો અમલ કેવી રીતે થાય છે અને તેના વડે પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરે છે કે કેમ એ તો સમય જ બતાવશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો