બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષઃ ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ડિસેમ્બર 6, 1992ના રોજ કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે દેશભરમાં કોમવાદની ભરતી ચઢી હોય એવું લાગતું હતું. છતાં, વર્તમાન સંદર્ભમાં દેશની જે સ્થિતિ છે, તેની સરખામણીમાં 1992નો માહોલ કોઈને હળવો લાગી શકે. કેમ કે, હિંદુ-મુસલમાન ધ્રુવીકરણને મોટું બળ આપનાર બાબરીકાંડ પછી પણ ઘણા લોકો એવા હતા, જેમને એ ઘટનાની આંચ સ્પર્શી ન હતી. કોમી ધ્રુવીકરણના મામલે તે 'નિર્દોષ' હતા.
રામમંદિરના આંદોલનના નામે કોમી ધ્રુવીકરણ પેદા કરવાની પ્રવૃત્તિ ત્યારે પૂરબહારમાં હતી. રામશિલાયાત્રા નિમિત્તે ઠેરઠેર કોમી તોફાનો થયાં હતાં. ભાજપી નેતાઓની રાજકીય ગણતરી સ્પષ્ટ અને ઉઘાડી હતી. પરિણામે, ધ્રુવીકરણનું વલોણું વેગથી ફરવા લાગ્યું. છતાં, બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાની છાયા દેશની દરેક સમસ્યા કે તેની ચર્ચા પર પડી નહીં.
કોમવાદી રાજકારણની તવારીખમાં તે સંદર્ભબિંદુ ચોક્કસ બની, પણ રોજેરોજની ચર્ચામાં સામાન્ય લોકોને વહેંચી દેનાર પરિબળ બનવા જેટલી હદે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહ્યો નહીં. થોડાં વર્ષોમાં તે ઓસરવા લાગ્યો.
રાજકીય હિંદુત્વની અંતિમવાદી વિચારધારાના લોકોએ ગાંધીજીની હત્યા કરી અને તેને 'ગાંધીવધ' તરીકે ઓળખાવી—કેમ જાણે, ગાંધીજી કોઈ અસુર હોય અને તેમનો વધ એ ધર્મકાર્ય હોય. એ જ રીત પ્રમાણે, ભાજપ અને તેનાં સાથી સંગઠનો દ્વારા સીધી અને આડકતરી રીતે ઉશ્કેરવામાં આવેલા લોકોએ બાબરી મસ્જિદ તોડી પાડી, ત્યાર પછી તેને 'બાબરીધ્વંસ' જેવું સાફસૂથરું લેબલ આપવામાં આવ્યું. ત્યાર પહેલાં વાતાવરણ જમાવવા માટે તો ભાજપ સમર્થકોમાં 'બાબરી મસ્જિદ' પણ નહીં, 'વિવાદી ઢાંચા' બોલવાનો રિવાજ હતો.
બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી, એ રાજકીય ઝુંબેશનું પરિણામ હતું. પરંતુ તેને ધાર્મિક ઘટના તરીકે રજૂ કરવામાં આવી. રામમંદિરનાં દ્વાર ખોલવાની પરવાનગી આપીને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આફતોનો કરંડિયો ખોલી નાખ્યો. તેમણે પણ રાજકીય દાવ ખેલ્યો હતો. પરંતુ કોમવાદના રાજકીય દાવમાં ભાજપની ફાવટ વધારે હતી.

ઇમેજ સ્રોત, AFP
કૉંગ્રેસી નેતાગીરીની ઘણી નીતિઓ કોમવાદી હોવા છતાં અને તેનાથી થયેલું નુકસાન પણ નોંધપાત્ર હોવા છતાં, કૉંગ્રેસની મુખ્ય ધરી કોમવાદ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કૉંગ્રેસના નેતાઓનો કોમવાદ રાજકીય તકવાદનું પરિણામ રહ્યો છે, જ્યારે ભાજપી નેતાઓ માટે કોમવાદ એ મૂળભૂત-આધારરૂપ વિચારસરણી છે. અલબત્ત, બંને પક્ષે નેતાઓના વલણમાં અપવાદ હોઈ શકે.
રામજન્મભૂમિ આંદોલનના પગલે કોમી ધ્રુવીકરણ થયું, પરંતુ તે એટલું મોટું ન હતું કે ભાજપને એકલપંડે કેન્દ્રમાં સત્તા અપાવી શકે. તે માટે બીજા લગભગ અઢી દાયકા સુધી રાહ જોવી પડી. દરમિયાન, બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના અંગે તપાસપંચોનો ટાઇમપાસ ખેલ ખેલાતો રહ્યો.
અટલબિહારી વાજપેયીની આગેવાની હેઠળ એનડીએની પહેલી સરકાર બની ત્યારે તેની પાયાની ઇંટોમાં બાબરી મસ્જિદનો કાટમાળ પણ હતો. છતાં, કોમી ધ્રુવીકરણ એ તેનો મુખ્ય એજેન્ડા ન રહ્યો. ઉલટું, પાંચ વર્ષની પૂરી મુદત વખતે વાજપેયીએ ભારતીય મુસલમાનોને શત્રુ તરીકે ચિતરવા માટે છાશવારે ખપમાં લેવાતા પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો. તેમાં ફક્ત મોરચાના રાજકારણની મજબૂરી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રામજન્મભૂમિ આંદોલન સમયે તેનો પ્રમુખ ચહેરો બનેલા રથયાત્રી અડવાણીએ 2005માં પાકિસ્તાનની મુલાકાત વખતે ઝીણાની મઝાર પર તેમના વિશે બે સારા શબ્દો પણ કહ્યા (જે ઝીણાના કોમવાદી બન્યા પહેલાંના જીવન વિશે હતા.)

ઇમેજ સ્રોત, Getty Images
આ જ સમયગાળામાં ગુજરાતીમાં 2001ના ભૂકંપ પછીની વહીવટી નિષ્ફળતાઓને આગળ કરીને એક પણ ચૂંટણી લડવાનો અનુભવ ન ધરાવતા નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી તરીકે મુકવામાં આવ્યા. પછીના થોડા મહિનામાં ગોધરામાં કારસેવકોને જીવતા સળગાવી નાખવાની ભયંકર ઘટના અને તેના પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલી ભયંકર મુસ્લિમવિરોધી હિંસા એક રીતે બાબરી મસ્જિદથી જન્મેલા કોમવાદનાં મોજાનો વિસ્તાર અને બીજી તરફ કોમી ધ્રુવીકરણનું નવું અને ઘણી રીતે બાબરીકાંડ કરતાં નવું શિખર બની. કેમ કે, તેમાં સક્રિય કાર્યવાહી કે નિષ્ક્રિયતાથી રાજ્યનું મેળાપીપણું સામે આવ્યું.
વર્તમાનમાં જોવા મળતા સંપૂર્ણ ધ્રુવીકરણનું બીજ બાબરીકાંડમાં હશે, પરંતુ 2002ની કોમી હિંસામાં તે સીધું વટવૃક્ષ બની ગયું. હિંદુ-મુસલમાન તણાવ, મુસ્લિમો પ્રત્યે ભાજપનું વલણ અને રાજ્યના આશીર્વાદ કે ઉપેક્ષા ધરાવતી કોમી હિંસા-મુસલમાનો પ્રત્યેની શત્રુવટ માટે ગુજરાત-2002 નવું મૉડેલ બન્યું.
2002ની કોમી હિંસા કાબૂમાં લેવામાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અહેતુક નિષ્ફળ નીવડ્યા હોત તો એ તેમની માંડ શરૂ થયેલી મુખ્ય મંત્રી તરીકેની કારકિર્દીની કચડી નાખનારી નિષ્ફળતા બની રહેત. પરંતુ તેમના વિશે એવી છાપ ઊભી થઈ કે સરકારની નિષ્ફળતા અહેતુક નથી અને જે થયું તેમાં અફસોસ કરવા જેવું, માફી માગવા જેવું કે પશ્ચાતાપ અનુભવવા જેવું કશું નથી.

ઇમેજ સ્રોત, Ami Vitale via getty images
ધોળે દહાડે તોડી પડાયેલી બાબરી મસ્જિદના કાવતરા અંગેના કોઈ પુરાવા સીબીઆઈ કોર્ટને ન મળતા હોય, ત્યારે 2002ની હિંસામાં ગુજરાત સરકારના હેતુનો પુરાવો હોય, એવી અપેક્ષા ન જ રાખી શકાય. છતાં, એ હકીકત છે કે 2002 પછીનાં થોડાં વર્ષોમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી મુસલમાનો પ્રત્યેનો સરકારી અભાવ (તેનાથી વધારે ભારે શબ્દ પણ વાપરી શકાય) સરેરાશ લોકો સમજી જાય એ રીતે વ્યક્ત કરતા રહ્યા.
2002ની કોમી હિંસા, પહેલી વાર તેનું ટીવી ચેનલ પર પ્રસારણ અને તેમાં મુખ્ય મંત્રી મોદીની સક્રિય કે નિષ્ક્રિય ભૂમિકા અંગે મુખ્યત્વે અંગ્રેજી પ્રસાર માધ્યમોએ નરેન્દ્ર મોદી પર પુષ્કળ માછલાં ધોયાં.
તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ પોતાની ટીકાને ગુજરાતની ટીકા તરીકે રજૂ કરી. કોમવાદી વલણને ગુજરાતગૌરવ, હિંદુગૌરવ તરીકે રજૂ કરવામાં આવ્યું. બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારના સંજોગો કરતાં ધ્રુવીકરણનું ચક્કર અનેક ગણા વધારે જોશથી ફરતું થયું.
દરેક બાબતને 'મોદીતરફી' કે 'મોદીવિરોધી'માં વહેંચવાનું શરૂ થયું. રાષ્ટ્રીય નેતાગીરીની મહત્ત્વાકાંક્ષાની દિશામાં સક્રિય પ્રયાસ માટે મુખ્ય મંત્રી તરીકે મોદીએ વિકાસનું મહોરું ધારણ કર્યું, ત્યારે ઘણા લોકોને લાગ્યું કે કોમવાદની બોલબાલા બાજુ પર રહી જશે. આવું માનવામાં નરેન્દ્ર મોદીના ઘણા ભૂતપૂર્વ ટીકાકારોનો, દિલ્હી-મુંબઈ-પરદેશનાં મોટાં માથાંનો પણ સમાવેશ થતો હતો.
આ સમયગાળા દરમિયાન બીજા ઘણાખરા રાજકીય પક્ષોની નીતિ રાબેતા મુજબ સગવડીયા રહી. સૅક્યુલરિઝમને આગળ કરીને કૉંગ્રેસ સાથે સત્તામાં ભાગ લેતાં અને કૉંગ્રેસના વંશવાદ-ભ્રષ્ટાચારના વિરોધનો દાવો કરીને ભાજપ સાથે સત્તાની ભાગીદારી કરતાં તેમને કશો સંકોચ ન થયો. મુસલમાન સમુદાય પણ ધ્રુવીકરણની ગંભીર અસરથી મુક્ત ન રહ્યો. તે અલગ અભ્યાસનો અને લેખનો વિષય છે.
2002ની કોમી હિંસા પછી કશા પશ્ચાતાપ કે 'કલિંગબોધ' વિના, ન્યાય મેળવવા ઇચ્છતા પીડિતોની સાથે નહીં, પણ સામે હોવાની છાપ ઊભી કરીને, મુખ્ય મંત્રી મોદીની આગેવાની હેઠળ ભાજપે 'મુવ ઑન' (ગઈગુજરી ભૂલીને આગળ વધો)ની અને વિકાસની માળા જપવાનું શરૂ કર્યું. તેમને ચૂંટણીમાં જીત મળે એટલી સંખ્યામાં મતદારો મળતા રહ્યા, બલ્કે વધ્યા પણ ખરા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નરેન્દ્ર મોદીને ન્યાય ખાતર એટલું નોંધવું જોઈએ કે હિંદુ-મુસલમાન કોમવાદ કે મુસ્લિમદ્વેષ તેમણે પેદા કર્યાં ન હતાં. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી, ત્યારે ઘણા હિંદુઓને આનંદ અને ગૌરવની મિશ્ર લાગણી થઈ હતી. ત્યારે મોદી ચિત્રમાં ન હતા. હા, અડવાણીની રથયાત્રા વખતે નરેન્દ્ર મોદી તેમના જમણા હાથ જેવા હતા. 2002ની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ડગુમગુ ગાદીને ટેકો કરનાર અડવાણી હતા.
પછીનાં વર્ષોમાં નરેન્દ્ર મોદીએ એક સમયે પીએમ-ઇન-વેઇટિંગ (વાટ જોતા ભાવિ વડાપ્રધાન) ગણાતા અડવાણીને એવા ખૂણે હડસેલી દીધા કે બાબરીકાંડના મુખ્ય આરોપી અને રાજકીય કોમવાદનું પ્રતીક ગણાતા અડવાણીને ઘણા બિનસાંપ્રદાયિકોની સહાનુભૂતિ મળી. નરેન્દ્ર મોદીના રાજકારણની સરખામણીમાં તેમને 'બિચારા' અડવાણી સહાનુભૂતિને પાત્ર લાગ્યા.

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
2002 પછીના અરસામાં સાતત્યપૂર્વકના સરકારી વલણથી મુસલમાનદ્વેષ બાબરીકાંડ પછીની નવી ઊંચાઈએ પહોંચ્યો. સૌથી મોટો ફરક એ પડ્યો કે બાબરીકાંડ પછીનાં થોડાં વર્ષોમાં પ્રગટ મુસલમાનદ્વેષ સપાટી પર તો શમી ગયો હતો, જ્યારે ગુજરાત 2002 પછીનાં વર્ષોમાં તેને ઇચ્છનીય, આવકાર્ય અને ધીમે ધીમે ગુજરાતહિત-હિંદુહિત માટે અનિવાર્ય તેમ જ વાજબી ગણવામાં આવ્યો.
કોમવાદી હોવા સાથે સંકળાયેલી થોડીઘણી શરમ જતી રહી. એ લાગણી ગુજરાતી પૂરતી મર્યાદિત ન રહી. જુદાં જુદાં કારણોસર મુસ્લિમદ્વેષ ધરાવતા બીજા રાજ્યોના લોકો નરેન્દ્ર મોદીને મહાન નેતા અને ગુજરાતને આદર્શ રાજ્ય ગણવા લાગ્યા. તે માટે વિકાસનો મુદ્દો તો એક બહાનું હતું- મુખ્ય કારણ કોમી ધ્રુવીકરણ હતું. પરંતુ ફક્ત ગુજરાતી જ નહીં, ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પણ આટલું સાદું સત્ય સમજવા તૈયાર ન હતા.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછીના સમયગાળામાં 'મોદીતરફી કે મોદીવિરોધી?'નું ધ્રુવીકરણ ચરમસીમા નજીક પહોંચ્યું.
'લવજેહાદ' અને ગૌરક્ષા જેવાં પરિબળો મુસ્લિમદ્વેષને પોષવા, ભડકાવવા અને વાજબી ઠરાવવા માટે ખપમાં લેવાતાં રહ્યાં. સોશિયલ મીડિયા અને સાયબર સેલની પ્રચંડ આસુરી તાકાતનો સહારો તેમાં ભળ્યો.
આમ, રામજન્મભૂમિ આંદોલનથી અને બાબરી મસ્જિદ તોડી પાડવાથી જે પ્રકારના હિંદુ-મુસલમાન ધ્રુવીકરણની ગણતરી રાખવામાં આવી હશે, તે આટલાં વર્ષે વાસ્તવિકતા બની છે. એ ફક્ત મુસલમાનોની કે સર્વધર્મસમભાવ-બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવતા લોકોની નહીં, દેશની પણ કમનસીબી છે - અને કમનસીબીને ગૌરવ ગણીને હરખાવું, એ બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષે જોવા મળતી વાસ્તવિકતા.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












