IPL 2020: પૉલાર્ડે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ જ્યારે મુશ્કેલ બાઉન્ડ્રી પર છગ્ગા ફટકાર્યા

ઇમેજ સ્રોત, BCCI/IPL
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આઈપીએલની વર્તમાન ટી20 ક્રિકેટ સિઝનમાં નવયુવાનો સારો દમ દાખવી રહ્યા છે. એક સમયે તો એમ જ લાગતું હતું કે હવે રાહુલ, મયંક અગ્રવાલ, રાહુલ તિવેટીયા, ઇશાન કિશન, શુભમન ગિલ જેવા ખેલાડીઓનો જમાનો આવી ગયો છે પરંતુ ગુરુવારની મૅચમાં રોહિત શર્મા અને કૅઇરોન પૉલાર્ડે પુરવાર કરી દીધું હતું કે હજી પણ તેમનામાં એકલા હાથે મૅચ ખેંચી જવાનો દમખમ છે.
એક તરફ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ક્રિસ ગૅઇલને બેંચ પર જ બેસાડી રાખે છે અને યુવાનોને તક આપે છે ત્યારે બીજી તરફ મુંબઈની ટીમ આવા અખતરા કરવાને બદલે પૉલાર્ડ પર જ આધાર રાખે છે અને તેનું તેમને ફળ પણ મળી રહે છે.
ગુરુવારે રમાયેલી મૅચમાં મુબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરીને 191 રનનો સ્કોર ખડકી દીધો હતો જે પંજાબ માટે મૅચના કોઈ પણ તબક્કામાં વટાવવો શક્ય નહોતો. કિંગ્સ ઇલેવને અંતે 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા અને તેનો 48 રનથી પરાજય થયો હતો.
આ સિઝનમાં એમ કહેવાતું હતું કે શારજાહમાં મૅચ હોય તો સિકસર આસાનીથી ફટકારી શકાય છે અને દુબઈ કે અબુધાબી ખાતે લાંબી બાઉન્ડ્રીને કારણે સિક્સર ફટકારવામાં તકલીફ પડે છે પરંતુ કૅઇરોન પૉલાર્ડ નામના આ કૅરેબિયન ખેલાડી માટે કોઈ બાઉન્ડ્રી નડતી હોતી નથી.

ઇમેજ સ્રોત, BCCI/IPL
તેમણે ગુરુવારે આસાનીથી છગ્ગા ફટકાર્યા હતા. તેમણે છેલ્લી ઓવરમાં ચાર સિકસર ફટકાર્યા, જેમાં છેલ્લા ત્રણ બોલમાં સળંગ ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે.
રોહિત શર્માએ મુંબઈને મજબૂત પ્રારંભ કરાવી આપ્યો હતો. તેમના સાથી ઓપનર ક્વિન્ટન ડી કૉક પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા પરંતુ રોહિત પર તેની કોઈ અસર પડી નહોતી.
કોઈ મહાન બૅટ્સમૅનની માફક રોહિતે પણ તેમની ઇનિંગ્સ જમાવીને જ આગળ ધપવાનો પ્રયાસ કર્યો હતો. હજી આ જ મૅચમાં અજિત અગરકરે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ક્રિસ ગૅઇલ પ્રારંભમાં તેમની ઇનિંગ્સ બિલ્ડ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને એક વાર જામી જાય ત્યાર બાદ તેમને અટકાવવા મુશ્કેલ બની જાય છે. આવુ જ કઈંક રોહિત શર્માએ કર્યું હતું.
મુંબઈના કૅપ્ટને તેની ઇનિંગ્સ બિલ્ડ કરી હતી અને ત્યાર બાદ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે 45 બૉલમાં ત્રણ સિકસર ફટકારીને 70 રન ફટકાર્યા હતા. ઇશાન કિશને આજે ધીમી રમત દાખવી હતી. અગાઉની મૅચમાં અશક્યને શક્ય કરી દેખાડનારા કિશન આ મૅચમાં 87.50ના સ્ટ્રાઇક રેટથી રમ્યા હતા જે આઈપીએલમાં કોઈ પણ તબક્કે સ્વીકાર્ય નથી હોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે છેલ્લી ત્રણ ઓવરમાં પૉલાર્ડ અને હાર્દિક પંડયાએ જે ઝંઝાવાત સર્જ્યો હતો તેને કારણે મુંબઈની ટીમે પડકારજનક સ્કોર ખડક્યો હતો. આમ તો પંજાબની ઇનિંગ્સની 20 ઓવરને અંતે મૅચ પૂરી થઈ હતી પરંતુ તેનું પરિણામ તો મુંબઈની ઇનિંગ્સની 20 ઓવર પૂરી થઈ ત્યારે જ નક્કી થઈ ગયું હતું કેમ કે પોલાર્ડના ઝંઝાવાતે પંજાબના બૉલર્સ અને ટીમના તમામ ખેલાડીને હતપ્રભ કરી નાખ્યા હતા અને તેનો માનસિક આઘાત ત્યાર પછીના ત્રણ કલાક બાદ પણ રહ્યો હતો.
ઇશાન કિશન ધીમા રહ્યા હતા પરંતુ ઇનિંગના અંત ભાગમાં કૅઇરોન પૉલાર્ડ અને હાર્દિક પંડયાએ બધું સાટું વાળી દીધું હતું. પૉલાર્ડે છેલ્લી ઓવરમાં ચાર અને છેલ્લા ત્રણ બૉલમાં સળંગ ત્રણ સિક્સર ફટકાર્યા હતા.

ઇમેજ સ્રોત, BCCI/IPL
તેમણે ચાર સિક્સર સાથે માત્ર 20 બૉલમાં 47 અને હાર્દિક પંડ્યાએ 11 બૉલમાં ત્રણ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 30 રન ફટકાર્યા હતા. બંનેએ માત્ર 23 બૉલમાં 67 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.
કિંગ્સ ઇલેવને આ પ્રકારની બૅટિંગની કલ્પના કરી નહીં હોય કેમ કે 17 ઓવર સુધી મૅચમા તેઓની પકડ હતી અને મૅચ બેલેન્સ હતી પરંતુ પૉલાર્ડે આવીને આ સંતુલન બગાડી નાખ્યું હતું.
192 રનના ટાર્ગેટ સામે રમતાં કિંગ્સ ઇલેવન પંજાબે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ઇન ફૉર્મ બૅટ્સમૅન લોકેશ રાહુલ 17, મયંક અગ્રવાલ 25, કરુણ નાયર શૂન્ય અને ગ્લૅન મૅક્સવેલ 11 રન કરી શક્યા હતા. નિકોલસ પૂરણે લડત આપીને 44 રન ફટકાર્યા હતા પરંતુ બાકીના બૅટ્સમૅનનો તેમને સહકાર સાંપડ્યો નહોતો.
અગાઉ મુંબઈ માટે રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 45 બોલમાં ત્રણ સિક્સર અને આઠ બાઉન્ડ્રી સાથે 70 રન ફટકાર્યા હતા જોકે તેનો સાથી ક્વિન્ટન ડી કોક ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આ મૅચ સાથે મુંબઈ ઇન્ડિયન્સના પણ ચાર પોઇન્ટ થયા છે. અન્ય ચાર ટીમના પણ આટલાં જ પોઇન્ટ છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આજના 48 રનના વિજયને કારણે મુંબઈની ટીમનો નેટ રનરેટ બહેતર બન્યો છે અને પોઇન્ટ ટેબલમાં તે મોખરે પહોંચી ગઈ છે.
મુબઈ હવે તેની આગામી મૅચમાં રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે તો એ જ દિવસે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો કરશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












