RR vs KXIP : રાહુલ તિવેટીયાના એ પાંચ છગ્ગા જેણે રાજસ્થાનને 'સૌથી મોટી' જીત અપાવી

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
કંગાળ અને ધીમી બેટિંગ કરનારો બૅટ્સમૅન કેવી રીતે ટીમને વિશાળ ટાર્ગેટ સુધી પહોંચાડી શકે પરંતુ આ શક્ય બન્યું અને 'આઈપીએલમાં ગમે ત્યારે રમતનું પાસું પલટાઈ શકે', એ ઉક્તિ સાચી પડી. રવિવારે શારજાહ ખાતે રમાયેલી આઈપીએલની મૅચમાં રાહુલ તિવેટીયાએ આ પરાક્રમ કરી દેખાડ્યું.
224 રનના ટાર્ગેટ સામે રમતી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન સામે લગભગ હાર માની જ લીધી હશે કેમ કે એ વખતે સંજુ સેમસન 42 બૉલમાં આક્રમક 85 રન ફટકારીને આઉટ થઈ ગયા હતા અને રાહુલ તિવેટીયા 21 બૉલમાં 14 રન સાથે રમતા હતા.
ત્રણ ઓવર બાદ રાજસ્થાને ચાર વિકેટે મૅચ જીતી લીધી એટલું જ નહીં પરંતુ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને મૅચ જીતી હતી.

તિવેટીયાની ઝંઝાવાતી ઇનિંગ
રાહુલ તિવેટીયા આ દરમિયાન ઝંઝાવાતી ઇનિંગ રમ્યા, તેમણે બાકીના દસ બૉલમાં 39 રન ફટકાર્યા અને રાજસ્થાન રૉયલ્સે છેલ્લી પાંચ ઓવરમાં 86 રન ફટકારી દીધા.
રાજસ્થાનનો આ વિજય અવિશ્વસનીય ગણાશે કેમ કે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ માટે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી.
બંનેએ ટીમના વિજયનો પાયો નાખ્યો હતો અને મૅચની કુલ 37 ઓવર પૂરી થઈ ત્યાં સુધી તો પંજાબન ટીમ જ જીતની સ્થિતિમાં હતી.
કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 223 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં 17 ઓવર સુધી હારની અણી પર રમ રહેલા રાજસ્થાન રૉયલ્સે 19.3 ઓવરમાં છ વિકેટે 226 રન કરીને મૅચ જીતી લીધી હતી.
જોઝ બટલર સસ્તામાં આઉટ થઈ ગયા બાદ સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસને અફલાતુન બેટિંગ કરી હતી. ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન સ્મિથ 27 બૉલમાં 50 રન ફટકારીને આઉટ થઈ ગયા પરંતુ રાજસ્થાનને ટાર્ગેટની નજીક લાવવામાં અને ટીમ જીતી શકે તેવી આશા પેદા કરવામાં સંજુ સેમસનનો ફાળો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે 42 બૉલમાં સાત સિક્સર અને ચાર બાઉન્ડરી સાથે 85 રન ફટકાર્યા હતા. આ ઝમકદાર ઇનિંગ્સનો અંત મોહમ્મદ શમીએ આણ્યો હતો.
સેમસન આઉટ થયા તેના 17 બૉલ બાદ મોહમ્મદ શમીએ ફરીથી ટીમને એક વિકેટ અપાવી હતી. આ વિકેટ હતી રાહુલ તિવેટીયાની પરંતુ આ દરમિયાન જે ધમાલ મચી હતી તે અવિશ્વસનીય હતી.
આ વચ્ચેના 16 બૉલમાં રાજસ્થાને 71 રન ફટકાર્યા હતા અને મૅચનું પરિણામ બદલાઈ ગયું હતું.

પાંચ સિક્સરે મૅચ પલટી
રાજસ્થાન રૉયલ્સના રાહુલ તિવેટીયાએ રવિવારની મૅચમાં કૅરેબિયન ઝડપી બૉલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી.
તે ઓવરના પાંચમા બૉલે એકેય રન ન આવ્યો. તેમની પાસે ઓવરના તમામ છ બૉલ પર સિકસર ફટકારવાની તક હતી પરંતુ પાંચમા બૉલે એ તક ચૂકી ગયા.
જોકે આઈપીએલમાં એક ઓવરમાં પાંચ સિકસર ફટકારનારા તિવેટીયા માત્ર ત્રીજા જ બૅટસમૅન બન્યા છે.
અગાઉ ક્રિસ ગેઇલે બે વખત આ કરામત દેખાડી હતી. 2010ની ચોથી એપ્રિલે મનોજ તિવારીએ કોલકાતા માટે રમતી વખતે કિંગ્સ ઇલેવન પંજાબના રવિ બોપારા સામે પહેલા બૉલે સિંગલ લીધા બાદ બાકીના પાંચ બૉલમાં ક્રિસ ગેઇલે પાંચ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત તેમણે એક રન પણ લીધો હતો. એ ઓવરમાં કુલ 33 રન આવ્યા હતા.
આ જ રીતે 2012ની 17મી એપ્રિલે બૅંગ્લોરમાં રમાયેલી આરસીબી અને પુણે વચ્ચેની મૅચમાં ગેઇલે તેમની 175 રનની યાદગાર ઇનિંગ્સ દરમિયાન રાહુલ શર્માની બૉલિંગમાં આવું કર્યું હતું.
એ વખતે પહેલો બૉલ સૌરભ તિવારી રમ્યા હતા, જેમણે સિંગલ લીધા બાદ બાકીના પાંચ બૉલ પર ગેઇલે પાંચ સિક્સર ફટકારી હતી.
રવિવારે કોટ્રેલની બૉલિંગમાં રાહુલ તિવેટીયાએ સળંગ ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી હતી અને છેલ્લા બૉલે ફરીથી સિક્સર ફટકારી દીધી હતી.

મયંગ અગ્રવાલ અને લોકેશ રાહુલની ભાગીદારી

ઇમેજ સ્રોત, ANI
અગાઉ મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે અત્યંત આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ આઈપીએલના ઇતિહાસમાં પહેલી વિકેટ માટેની ત્રીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી નોંધાવતાં 183 રન ઉમેર્યા હતા.
મયંક અગ્રવાલે તો માત્ર 45 બૉલમાં જ તેમની સદી પૂરી કરી દીધી હતી. એક સમયે તેમણે હરીફ ટીમના તમામ બૉલરને આસાનીથી ફટકાર્યા હતા.
તેમણે 50 બૉલમાં દસ બાઉન્ડરી અને સાત સિક્સર સાથે 106 રન ફટકાર્યા હતા તો લોકેશ રાહુલે પણ કમાલ કરી હતી.
અગાઉ બેંગ્લોર સામે સદી નોંધાવનારા રાહુલે રવિવારે 54 બૉલમાં 69 રન ફટકાર્યા હતા. બાકી હતું તો નિકોલસ પૂરને છેલ્લી ઓવરમાં ધમાલ મચાવીને ત્રણ સિક્સર સાથે આઠ જ બૉલમાં અણનમ 25 રન ફટકારી દીધા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












