ઈશાન કિશન : હારેલી ટીમનો એ ‘હીરો’, જેની બેટિંગે સચીન તેંદુલકરનું દિલ જીત્યું

ઇમેજ સ્રોત, BCCI/IPL
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
સોમવારનો દિવસ ઈશાન કિશનનો રહ્યો હતો. ચાર ઓવરમાં 80 રનની જરૂર હોય ત્યારે એમ જ લાગે કે આ શક્ય નથી અને ટીમ હારી જશે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચમાં આમ જ બન્યું.
ઈશાન કિશનની બેટિંગે સચીન તેંદુલકરનું પણ દિલ જીતી લીધું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈને ચાર ઓવરમાં 80 રનની જરૂર હતી અને પરિણામ લગભગ નક્કી જ હતું કે આરસીબીની ટીમ જીતી જશે પણ કેઇરોન પૉલાર્ડ અને ઈશાન કિશને અહીંથી ઝંઝાવાતી પ્રારંભ કર્યો અને તેઓ ટાર્ગેટની લગોલગ પહોંચી ગયા.
આરસીબીએ ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રનનો પ્રભાવશાળી સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં મુંબઈની ટીમે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 201 રન કર્યા હતા. આમ સ્કોર સરભર રહ્યો અને મૅચ ટાઈમાં પરિણમી હતી.
પરિણામ માટે સુપર ઓવરની મદદ લેવાઈ, જેમાં પૉલાર્ડ કંઈ કરી શક્યા નહીં અને મુંબઈ માત્ર સાત રન કરી શક્યું જોકે જસપ્રિત બુમરાહે લડાયક ઓવર ફેંકી અને બૅંગલોરને આઠ રન કરવા માટે છેક છેલ્લા બૉલ સુધી રમવું પડ્યું હતું.

...ને પછી બાજી પલટાઈ ગઈ

ઇમેજ સ્રોત, Bcci/ipl
મુંબઈની બેટિંગ ચાલી રહી હતી અને તેમને જીતવા માટે 202 રન કરવાના હતા. 15 ઓવર બાદ ટીમને પાંચ ઓવરમાં 90 અને પછી ચાર ઓવરમાં 80 રન કરવાના આવ્યા ત્યાં સુધી બૅંગલોરના આસાન વિજયની અટકળ થતી હતી.
અહીથી બાજી પલટાઈ હતી. ઍડમ ઝેમ્પાની બૉલિંગમાં પૉલાર્ડે એક ઓવરમાં 27 રન ફટકારી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામે છેડેથી ઈશાન કિશનનો પણ પૂરો સહકાર મળતો હતો. હકીકતમા કિશનને કારણે જ આ આક્રમક કૅરેબિયન બૅટસમૅનમાં હિંમત આવી હતી.
17મી ઓવરમાં પૉલાર્ડ અને કિશને મળીને ચહલની બૉલિંગમાં 22 રન ફટકારી દીધા. આમ બે ઓવરમાં 49 રન આવ્યા બાદ મૅચ રોમાંચક બની ગઈ હતી અને હવે આ મૅચ નિરસ નહીં રહે તેની ખાતરી થઈ હતી.
છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી અને છેલ્લી ઓવરના પાંચમા બૉલે ઉસુરુ ઉદાનાએ કિશનને આઉટ કર્યો તે વખતે મૅચમાં ત્રીજા પરિણામની શક્યતા ફૂટી નીકળી હતી કે આ મૅચ ટાઈ પણ થઈ શકે છે.
અંતે છેલ્લાં બૉલે પૉલાર્ડે ચાર રન ફટકાર્યા અને મૅચ ટાઈ પડી.
જોકે સુપર ઓવર એટલી રોમાંચક ન હતી. પૉલાર્ડ સુપર ઓવરમાં ચાર બૉલમાં પાંચ રન કરી શક્યા હતા, જ્યારે આ મૅચમાં માત્ર બૅટ્સમૅન તરીકે જ ટીમમાં સામેલ કરાયેલા હાર્દિક પંડ્યા સમયને અનુરૂપ બેટિંગ કરી શક્યા ન હતા.

99 પર આઉટ
ઈશાન કિશન આ દરમિયાન તેમની સદી ચૂકી ગયા હતા. નવ સિકસર સાથે 58 બૉલમાં 99 રન ફટકારીને આ યુવાન બૅટ્સમૅને પૂરવાર કરી દીધું હતું કે ભારતમાં ટૅલેન્ટની કોઈ કમી નથી.
આઈપીએલમા 99 રનના સ્કોરે આઉટ થનારા તે ત્રીજા બૅટ્સમૅન હતા. અગઉ વિરાટ કોહલી અને પૃથ્વી શો આ રીતે 99 રનના સ્કોરે આઉટ થઈ ચૂક્યા છે.
અગાઉ બૅંગલોર માટે ત્રણ બૅટ્સમૅને અડધી સદી ફટકારી હતી, તેમાં ડી વિલિયર્સ સૌથી પ્રભાવશાળી રહ્યા હતા.
તેમણે માત્ર 24 બૉલમાં જ 55 રન ફટકારી દીધા હતા, જેમાં ચાર સિક્સરનો સમાવેશ થતો હતો. જ્યારે એરોન ફિંચે 35 બૉલમાં બાવન અને ઑપનર દેવદત્ત પડ્ડિકલે 40 બૉલમાં બે સિક્સર સાથે 54 રન ફટકાર્યા હતા.
ઇનિંગ્સના અંતે શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરીને દસ જ બૉલમાં ત્રણ સિક્સર ફટકારી દીધી હતી.
મુંબઈ માટે જસપ્રિત બુમરાહ ફરીથી નિષ્ફળ રહ્યા હતા તેમણે ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા તો જેમ્સ પેટ્ટિન્સને ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા. બંનેને કોઈ સફળતા મળી ન હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












