FCRA : નરેન્દ્ર મોદી સરકારને NGO સામે વાંધો શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

ફૉરન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) ઍમેન્ડમેન્ટ બિલ 2020 એટલે કે એફસીઆરએ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. નવા બિલ મુજબ બિનસરકારી સંગઠનો એટલે કે એનજીઓ પોતાનાં વહીવટીકાર્યોમાં 50 ટકા વિદેશીભંડોળને બદલે માત્ર 20 ટકા ભંડોળનો ઉપયોગ કરી શકશે.

બિલ મુજબ એનજીઓ પોતાની પાસે રહેલી ગ્રાન્ટ બીજી એનજીઓને નહીં આપી શકે. એનજીઓને મળતું વિદેશથી ફંડ માત્ર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હી શાખામાં જ સ્વીકારવામાં આવશે.

આવા અનેક નવા નિયમો સાથે સંસદમાં સુધારેલું એફસીઆરએ બિલ રજૂ કરવામાં આવ્યું છે. નવું બિલ દેશમાં કાર્યરત તમામ એનજીઓ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. નવા બિલના કારણે નાની એનજીઓ લગભગ ખતમ થઈ જશે.

એનજીઓ દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનું કામ કરે છે, પરંતુ સિવિલ સોસાયટીના લોકોનું માનવું છે કે નવા નિયમો એનજીઓને મજબૂત કરવાને બદલે કમજોર કરી નાખશે. આ લોકોનું માનવું છે કે ભારતમાં એનજીઓ માટે વાતાવરણ બગડી રહ્યું છે.

સંસદમાં બિલ રજૂ કરતી વખતે સરકારે કહ્યું કે વિદેશથી મળતા ભંડોળનું નિયમન થવું જોઈએ જેથી ભંડોળનું દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતાં અટકાવી શકાય.

સરકાર મુજબ આ કાયદા પાછળનો હેતુ મજબૂત વ્યવસ્થાતંત્ર બનાવવાનો છે જેથી વિદેશીદાન પર પ્રતિબંધ મૂકી શકાય અને વિદેશીભંડોળના સ્થાનાંતરણ માટેના સ્પષ્ટ નિયમો બનાવી શકાય. આ સિવાય એફસીઆરએ ખાતું ખોલાવવું અને ફરજિયાત આધાર નંબર આપવાની પ્રક્રિયાનો અમલ કરાવવું પણ સામેલ છે.

પરંતુ આ પહેલી વખત નથી જ્યારે દેશની સિવિલ સોસાયટી મુશકેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હોય. છેલ્લાં છ વર્ષમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેના કારણે એનજીઓ મુક્ત રીતે કામ નથી કરી શકતાં. એનજીઓ નવા કાયદાને સિવિલ સોસાયટીને નબળા કરવાના સૌથી મોટા પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

નવા કાયદા વિશે વાત કરતા ઑક્સફામ ઇન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે બીબીસીને જણાવ્યું, "સરકારને ક્યારેય સિવિલ સોસાયટી પ્રત્યે પ્રેમ નથી રહ્યો અને રહેવું પણ નહીં જોઈએ. અમારું કામ સત્તામાં રહેલા લોકોને સખત સવાલો પૂછવાનું છે. 2011માં મનમોહન સિંઘ સરકારે એફસીઆરએ કાયદામાં સુધારો કરીને વધુ મુશ્કેલ બનાવ્યું હતું."

તેઓ જણાવે છે કે વિદેશીભંડોળ પર નજર રાખવા માટે 1976માં ઇન્દિરા ગાંધી દ્વારા એફસીઆરએ ઍક્ટની રચના કરવામાં આવી હતી. પરંતુ છેલ્લાં છ વર્ષથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે સિવિલ સોસાયટીને રાષ્ટ્રનિર્માણમાં સરકારને ટેકો આપનારા ભાગીદાર તરીકે નહીં, પરતું વિરોધી તરીકે જોવામાં આવે છે.

સિવિલ સોસાયટી પ્રશ્નો ઊભા કરે છે અને જરૂર પડે ત્યાં સરકારોને સમર્થન પણ આપે છે, પરંતુ આજે તેમને વિરોધી તરીકે જોવામાં આવે છે.

"મૂળભૂત તફાવત વિચારસરણીમાં છે. જો કોઈ ટીકા કરે તો તેમને વિરોધી માની લેવામાં આવે છે અને પછી યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. એવા નિયમો ઘડવામાં આવે છે જેથી તેઓ કામ ન કરી શકે. ખરેખર એક નૅરેટિવ તૈયાર કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ નૅરેટિવ વિરુદ્ધ કહે તો તેમના માટે કોઈ સ્થાન નથી. આના માટે કાનૂની માર્ગ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે."

21 સપ્ટેમ્બર સોમવારે લોકસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ બિલ વિશે કહ્યું હતું કે, "આ બિલ કોઈ ધર્મ અથવા એનજીઓ વિરુદ્ધ નથી. આ બિલ વિદેશીભંડોળના દુરુપયોગને રોકવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારત માટે આ બિલ જરૂરી છે."

એનસીપીના નેતા સુપ્રિયા સૂલેના પ્રશ્નના જવાબમાં રાયે કહ્યું હતું કે, "ઘણી એનજીઓ મોટા વહીવટી ખર્ચના નામે 3થી 4 એસી લગાવે છે અને મોટી કાર ખરીદે છે. આ લોકો કયા સમાજનું ભલું કરી રહ્યા છે. ઘણી એનજીઓ તેમના પરિવારના સભ્યોને સંગઠનમાં સ્થાન આપે છે અને તેમને પગાર પણ ચૂકવે છે."

"આધાર નંબર ફરજિયાત બનાવવા પર કહ્યું કે, આધાર ઓળખકાર્ડ છે અને જો કોઈ એનજીઓ પોતાનું ઓળખકાર્ડ શેર નથી કરતું તો આ ગંભીર બાબત છે અને શંકા ઉપજાવે છે. સરકાર ભાર આપી રહી છે કે આ બિલનો હેતુ વિદેશીભંડોળ વિશે વધુ 'પારદર્શિતા' લાવવો છે અને તેના દુરુપયોગને અટકાવવાનો છે."

line

શું સરકાર પાસે ભંડોળના દુરુપયોગ અંગેનો ડેટા છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ ઍન્ડ ફિલાન્થ્રોપીના વડા ઇંગ્રિડ શ્રીનાથ કહે છે, "દેશના સિવિલ સોસાયટીને અંકુશમાં લેવાનું આ સૌથી મોટું પગલું છે અને ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સરકાર કહી રહી છે કે આ બિલ વિદેશીભંડોળના દુરુપયોગને અટકાવવા માટે લાવવામાં આવ્યું છે, પરંતુ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા અથવા ડેટા આપવામાં આવ્યો નથી."

"શું સરકાર પાસે માહિતી છે કે કઈ સંસ્થા દ્વારા ખોટા કામ માટે વિદેશીભંડોળનો ઉપયોગ થયો છે. જેણે ભંડોળનો દુરુપયોગ કર્યો શું તેમની સામે કોઈ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે? આવાં કાર્યોમાં કેટલા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે? સરકાર પાસે પોતાની દલીલ સાબિત કરવા માટે શું ડેટા છે?"

તેઓ જણાવે છે કે એનજીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતાં લોકો માટે આધાર નંબર ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન સમાન છે, જેમાં અદાલતે જણાવાયું છે કે આધાર ફરજિયાત નહીં હોઈ શકે.

"આ પરિસ્થિતિમાં એનજીઓના વડા બનવા માટે અથવા બોર્ડમાં સભ્ય બનવા માટે કોઈ આગળ નહીં આવે કારણ કે કોઈ નથી ઇચ્છતું કે તેમની વ્યક્તિગત માહિતી જાહેર થાય."

"સરકાર દાતાને અંકુશમાં કઈ રીતે રાખી શકે? જો કોઈ દાતા તાલીમ, તકનીકી પાસાઓ માટે અનુદાન આપવા માગે છે, તો શું સરકાર હવે નિર્ણય લેશે કે દાતાએ કોને દાન આપવું જોઈએ અને કોને નહી. માત્ર એનજીઓને કાબૂ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે."

"શું સરકાર કંપનીઓને કહે છે કે તેમને માર્કેટિંગ, સંશોધન અને ઉત્પાદનો પર કેટલાં રૂપિયા ખર્ચ કરવા જોઈએ? કઈ સત્તાના આધારે સરકાર એનજીઓને કહેવા માગે છે કે તેઓ કઈ રીતે, ક્યાં અને કેટલા પૈસા ખર્ચી શકે છે."

line

આ પરિવર્તન પાછળનો રાજકીય હેતુ શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નવા સુધારામાં ભંડોળની પેટા ગ્રાન્ટ આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો અર્થ થયો કે હવે મોટી એનજીઓ નાના એનજીઓને ભંડોળ આપી શકશે નહીં. સામાન્ય રીતે ઘણી વખત એનજીઓ સાથે મળીને કામ કરે છે અને મોટી સંસ્થાઓ નાની સંસ્થાઓને આર્થિક રીતે મદદ કરે છે.

સબ ગ્રાન્ટિંગ પરના પ્રતિબંધ અંગે અમિતાભ કહે છે, "સબ ગ્રાન્ટ પર પ્રતિબંધ મૂકવો એટલે મોટી એનજીઓ હવે નાની એનજીઓને ગ્રાન્ટ આપતી નહીં શકે. બિલ થકી સંકલન સાથે કામ કરવાની કલ્પના નાબૂદ કરવામાં આવી રહી હતી. હવે દિલ્હી, બેંગલુરુ, મુંબઈમાં બેઠેલી મોટી સંસ્થાઓએ નવા લોકોની ભરતી કરીને સંસ્થાને ફેલાવવી પડશે."

દાખલા તરીકે જો અમને પાંચ કરોડ દાન પેટે મળે તો અમે દૂરસ્થ વિસ્તારોમાં કાર્યરત નાના સંસ્થાઓમાં રકમ વહેંચી નાખીએ, જેથી તે વિસ્તારમાં પાયાના કામો થઈ શકે. પરંતુ હવે આ શક્ય રહેશે નહીં.

"નવા સુધારામાં આ ફેરફારો કેમ કરવામાં આવ્યા છે તે હજી સુધી સમજાતું નથી. પરંતુ તેમ છતાં કાયદો બની ગયો છે. સરકાર દ્વારા એક પછી એક એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેની પાછળ કોઈ તર્ક નથી."

"રાજકીય ઉદ્દેશ સમજ્યા વિના આ નવા સુધારણા સમજવું અઘરું છે. જો હું દિલ્હીમાં બેઠો-બેઠો દુમકા-ઝારખંડ, બિલાસપુર-છત્તીસગઢમાં કામ કરતી સંસ્થાને પૈસાની ફાળવણી કરું છું, તો આમાં સરકારને શું વાંધો છે? હેતુ તો જરૂરિયાતમંદોને મદદ કરવાનો જ છે.''

ઇંગ્રીટ શ્રીનાથ પણ સબ ગ્રાંટ પરના પ્રતિબંધ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, "નિયમો પ્રમાણે એફસીઆરએ હેઠળ નોંધાયેલી એનજીઓને જ સબ-ગ્રાન્ટ આપવામાં આવે છે."

"આ ડેટા સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પરંતુ હવે તમામ અનુદાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનાથી નાની સંસ્થાઓ ખતમ થઈ જશે. જે સંસ્થાઓ સીધો રીતે ભંડોળ મેળવી શકતી નથી અને ભંડોળ માટે સેવ ધ ચાઇલ્ડ, ઓક્સફામ, પ્રથામ, અક્ષયપત્ર જેવાં મોટાં સંગઠનો પર નિર્ભર છે, તેમનો આધાર છીનવાઈ ગયો છે."

નિયમો અનુસાર એફસીઆરએ હેઠળ નોંધાયેલી સંસ્થાઓને સબ-ગ્રાન્ટ આપી શકાય છે. દર ત્રણ મહિને એનજીઓએ તેના ભંડોળની વિગતો ગૃહમંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવો પડે છે.

અમિતાભ કહે છે, "મારું માનવું છે કે સિવિલ સોસાયટી પર બીજા ક્ષેત્ર કરતા વધુ જવાબદારી હોવી જોઈએ, કારણ કે અમે પ્રશ્નો પૂછીએ છીએ. પરંતુ શું નાના એનજીઓને ગ્રાન્ટ નહીં આપવાથી જવાબદારીમાં વધારો થશે? શું એસબીઆઈની નવી દિલ્હી શાખામાં જ વિદેશીભંડોળ આવવાથી જવાબદારી વધી જશે?

તમે કહી રહ્યા છો કે સરકારને સ્ટેટ બૅન્ક સિવાય કોઈ અન્ય બૅન્કની ખાતરી નથી. નવાઈ એ વાતની છે કે સરકાર પોતે કહી રહી છે કે આરબીઆઈના નિયમો હેઠળ કાર્યરત અન્ય રાષ્ટ્રીયકૃત બૅન્કો, મોટી ખાનગી બૅન્કો વ્યવહારમાં પારદર્શિતા નહીં લાવી શકે.

આ વાત પર હસવું આવે છે. જો શંકા હોય તો પ્રશ્નો પૂછો. દર ત્રણ મહિને અમને સરકારને જણાવવાનું હોય છે કે દાનમાં કેટલા પૈસા મળ્યા. હવે આનાથી વધારે જવાબદારી શું હોઈ શકે છે."

line

એનજીઓ માટે છ વર્ષમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા છે

મોદી

ઇમેજ સ્રોત, ANI

1976માં જ્યારે ઇન્દિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન હતાં, ત્યારે પહેલી વાર ફોરેન કૉન્ટ્રિબ્યુશન રેગ્યુલેટરી ઍક્ટ લઈ આવ્યાં હતાં. 2010માં વડા પ્રધાન મનમોહન સિંઘની સરકારે પહેલી વાર કાયદામાં સુધારો કર્યો હતો, જે અંતર્ગત કોઈપણ રાજકીય ક્ષેત્ર સાથે સંલગ્ન સંસ્થાઓના વિદેશીભંડોળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારથી એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જે સિવિલ સોસાયટીના લોકોના મતે સ્વીકાર્ય નથી.

line

20000 સંગઠનોનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2016માં 20000 એનજીઓનાં એફસીઆરએ લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. એટલે કે તેમના વિદેશીભંડોળ પર પ્રતિબંધ હતો. સરકારે કહ્યું કે આ સંસ્થાઓએ વિદેશીભંડોળને લગતા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

બૅન ઍન્ડ કંપનીના વર્ષ 2019માં બહાર પાડવામાં આવેલા ઇન્ડિયન ફિન્લાંટ્રફી ટ્રી અહેવાલ મુજબ 2015 અને 2018ની વચ્ચે એનજીઓ દ્વારા પ્રાપ્ત વિદેશીભંડોળમાં 40%નો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 2019માં કેન્દ્રીયપ્રધાન કિરન રિજિજુએ રાજ્યસભાના જણાવ્યું હતું કે ગ્રીનપીસ અને સાબરંગ ટ્રસ્ટ જેવાં મોટાં નામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2872 બિનસરકારી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંસ્થાઓના કાર્યને આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રશંસા મળી છે.

વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ "એનજીઓનાં ષડયંત્રનો ભોગ બન્યાં છે".

તેમણે કહ્યું હતું કે, "મને સત્તાથી દૂર કરવા અને મારી સરકારને ગબડવા માટે એનજીઓ ષડયંત્ર કરી રહ્યા છે. મેં કેટલીક એનજીઓ પાસેથી તેના વિદેશીભંડોળ વિશે માહિતી માગી છે એટલે તેઓ ગુસ્સે છે."

આ વર્ષે 1લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામને જ્યારે સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે નાણાંબિલમાં અનેક સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો. આમાંનો એક આવકવેરા કાયદામાં ફેરફાર હતો.

નવો નિયમ કહે છે કે હવે દરેક સંસ્થાની નોંધણી માત્ર પાંચ વર્ષ માટે માન્ય રહેશે. એટલે કે બધી બિનસરકારી સંસ્થાઓએ દર પાંચ વર્ષ પછી ફરીથી નોંધણી કરાવવી પડશે.

સંસદમાં આપેલા જવાબમાં સરકારે કહ્યું હતું કે 2015-16માં એનજીઓને 17,773 કરોડ વિદેશીભંડોળ મળ્યું હતું અને વર્ષ 2016-17માં આ રકમ ઘટીને 6,499 કરોડ હતી.

ઇંગ્રિડ શ્રીનાથ કહે છે, 'સરકારનો આ નવો કાયદો એવા સમયે આવ્યો છે જ્યારે એનજીઓને સૌથી વધુ આર્થિક મદદની જરૂર છે. કોરોનાને લીધે મોટી કંપનીઓ એટલી નુકસાની છે કે જ્યારે તેઓ તેમના કર્મચારીઓને કામ પર નથી રાખી શકતા, તો પછી સીએસઆર (કૉર્પોરેટ સામાજિક જવાબદારી) કઈ રીતે આપશે. સરકારે મદદ માટે હાથ લંબાવવો જોઈતો હતો પણ તેમને સિવિલ સોસાયટી પર ઘા કર્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો