જામનગર કથિત ગૅંગરેપ કેસ : પીડિતાના પરિવારની પીડા, 'હવે તો દાખલો બેસાડો, ન્યાય અપાવો'

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"હવે તો દાખલો બેસાડો, ઝડપી ન્યાય આપાવો અને દોષીઓને એવી સજા ફટકારો કે બીજી કોઈ વ્યક્તિ આવું કંઈ કરવાની હિમ્મત ન કરે."

આ શબ્દો જામનગરની 15 વર્ષીય કિશોરીના એક સ્વજનના છે. આ કિશોરીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સાથે ચાર વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું.

ખૂબ જ ગરીબ પરિવારમાં રહેતી આ છોકરીએ પોતાના પરિવારજનોને તેમની આપવીતી જણાવી ત્યારે આ મજૂર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીડિતાના પરિવારના એક સભ્યે જણાવ્યું કે તેઓ સરકાર પાસેથી એક જ આશા રાખે છે કે આ ગરીબ દીકરીને સરકાર ઝડપી ન્યાય આપે અને સમાજમાં એવો દાખલો બેસાડે કે હવે પછી કોઈ વ્યક્તિ આવું કામ કરવાની હિંમત ન કરે.

આ વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તો પરિવારને પોલીસ તરફથી તમામ મદદ મળી રહી છે અને તમામ આરોપીઓને પકડી લેવાયા છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

કથિત રીતે બળાત્કારનો ભોગ બનેલાં 15 વર્ષનાં કિશોરી હજી સુધી સ્તબ્ધ છે અને હજી પણ કોઈની સાથે વાત કરતાં નથી. તેઓ એકલાં જ રહેવાનું પસંદ કરે છે.

બીજી ઑક્ટોબરે જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ છોકરીને એક સરકારી દવાખાનામાં મેડિકલ તપાસ માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન તેમણે પોલીસને જણાવ્યું હતું ચાર વ્યક્તિઓએ તેમને બેભાન કર્યા બાદ દુષ્કર્મ કર્યું હતું.

આ છોકરીને બે દિવસ સુધી દવાખાનામાં રાખવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે તેમનાં માતા અને ભાઈ-બહેનો સાથે રહે છે.

પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે એક લાંબી બીમારી બાદ આશરે પાંચ મહિના પહેલાં તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને હાલમાં આ કિશોરી જ ઘરનો મોટા ભાગનો ખર્ચ આસપાસના વિસ્તારોમાં મજૂરી કરીને ચલાવે છે.

કેવું છે પીડિતાનુંજીવન?

પ્રતીકાત્મક તસવીર

પરિવારજનો કહે છે કે તેમના માટે આફત આવી પડી છે, પીડિતાનાં માતા સતત બીમાર રહે છે અને તેમને સાર-સંભાળની ખૂબ જરૂર છે.

તેઓ જ્યારે કામે જાય ત્યારે આ પીડિતા તેમની સાથે કામે જાય છે અને પીડિતા પોતે પણ આસપાસના વિસ્તારોમાં મજૂરીકામ કરે છે.

પીડિતાના પિતાના મૃત્યુ બાદ પરિવાર સાવ નિરાધાર થઈ ગયો છે. તેમના કાકાઓ છે, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોવાથી આ પીડિતા જ પોતાનું અને પોતાનાં નાનાં ભાઈ-બહેનનું ગુજરાન ચલાવે છે.

પીડિતાનો તેમજ તેમના કાકાનો પરિવાર પણ એક મજૂર પરિવાર છે અને દિવસે 150થી 200 રૂપિયાની મજૂરી કરીને પોતાનું પેટિયું રળે છે.

પરિવારજનો પ્રમાણેપીડિતા સાથે શું થયું હતું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી ગુજરાતીએ પરિવારજનો પાસેથી પીડિતાની તબિયત અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે શારીરિક રીતે તેમની તબિયત સારી છે, પરંતુ માનસિક રીતે તેઓ બિલકુલ ભાંગી ગયાં હોય તેવું લાગે છે અને સતત ડર અનુભવે છે.

એક પરિવારજને અમને કહ્યું, "આ બનાવ બન્યો તેના બે દિવસ સુધી તેઓ બેભાન જેવાં જ હતાં અને તેમના મોઢા પાસેથી કોઈક દવાની દુર્ગંધ આવતી હતી."

"તેનાં માતાએ તેને પૂછ્યું હતું કે શું થયું છે અને હિંમત આપી ત્યારે તેણે જણાવ્યું કે તેને બેભાન કરીને તેની સાથે ચાર લોકોએ દુષ્કર્મ કર્યું હતું."

આ આખી ઘટનાના જાણ તેમના માતાએ તેમના જેઠને કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જોકે આ પરિવારને હજી સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મળી નથી.

line

શું આગાઉ પણ તેની સાથે દુષ્કર્મ થયું હતું?

પરિવારના એક સભ્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે છોકરીની વાતો સાંભળ્યાં બાદ તેમને શંકા છે કે આ આગાઉ પણ આ છોકરી સાથે દુષ્કર્મ થયું હશે.

તેઓ કહે છે, "અત્યારે તેની જે હાલત છે, અગાઉ પણ આવી હાલત રહેતી હતી. પરંતુ તેની ઉપર કોઈનું ધ્યાન ગયું નહોતું. હજી પણ છોકરી ખૂબ જ ભયમાં છે, માટે કંઈ વધારે બોલતી નથી, પરંતુ પરિવારજનો માને છે કે સમય જતાં તે હજી વધારે માહિતી આપી શકશે."

શું હતી આખી ઘટના?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પોલીસ ફરિયાદની વિગતો પ્રમાણે ચાર વ્યક્તિ પર આ છોકરીએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે.

જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 376(D)ની સામૂહિક બળાત્કારની કલમો સહિત પોક્સોની વિવિધ કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધાઈ છે.

આ લખાય છે, ત્યાં સુધીમાં પોલીસે મોહિત આંબલિયા સિવાય બીજા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.

આ કેસની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગઢવી કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ચોથા આરોપીને પણ અમે રાઉન્ડ-અપ કરી લીધો છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થઈ જશે. અમે ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપીઓને પકડી લીધા હતા."

ગઢવી વધુમાં કહે છે કે આરોપીઓએ પીડિતાને ફોન કરીને બોલાવ્યાં હતાં અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે જામનગરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નીતિશ પાંડે સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આરોપીઓમાંથી એક આરોપીએ આ છોકરી સાથે મિત્રતા કેળવીને તેને છેતરીને બોલાવી હતી અને આ ઘટના બની હતી.

જોકે પોલીસ હજી સુધી એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા.

બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક ટ્વીટ મારફતે આ ઘટનાને ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના સાથે સરખાવી હતી.

તો બીજી તરફ મહિલા કૉંગ્રેસની એક ટીમે જામનગર પોલીસ સ્ટેશનમાં જ આ ગુનામાં પકડાયેલા લોકોની સામે પ્રદર્શન કરીને તેમને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો