લદ્દાખમાં ભારત-ચીનનાં સૈન્યે કર્યો હતો 100-200 રાઉન્ડ ગોળીબાર અને અણ્ણા આંદોલન ભાજપ-સંઘપ્રેરિત હોવાનો પ્રશાંત ભૂષણનો દાવો - TOP NEWS

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે 10 સપ્ટેમ્બરે રશિયામાં થયેલી સમજૂતી પહેલાં ચીન અને ભારતનાં સૈન્યે પૅગોંગ ત્સા તળાવના ઉતર કિનારે 100-200 ગોળીઓ ચલાવી હતી.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર આ ગોળીબાર ચુશુલ સબ સૅક્ટરમાં કરાયેલા ગોળીબાર કરતાં વધુ તીવ્ર હતો.

આ સમગ્ર મામલથી વાકેફ એક સરકારી અધિકારીએ અખબારને જણાવ્યું કે આ ઘટના પૅગોંગ ત્સો તળાવના ઉત્તરે ઘટી હતી.

તેમણે જણાવ્યું, "આ બન્ને પક્ષો વચ્ચે 100-200 રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ હતી."

આ પહેલાં સાત સપ્ટેમ્બરે સુશુચ સબ સૅક્ટરમાં કરાયેલા ગાળીબારને લઈને ભારત અને ચીને એક નિવેદન જાહેર કર્યું હતું.

જે અનુસાર 45 વર્ષમાં આવું પ્રથમ વખત ઘટ્યું હતું કે જ્યારે એલએસી પર ગોળીબાર કરાયો હોય.

ભારતીય સૈન્યે આ અંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું :

"સાત સપ્ટેમ્બર, સોમવારે ચીની સૈન્ય એલએસી પર ભારતની એક સ્થિતિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું હતુ. જ્યારે આપણા સૈનિકોએ તેમને ભગાડ્યા ત્યારે તેમણે હવામાં ગોળીબાર કરીને આપણા સૈનિકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો."

આ પહેલાં ચીને દાવો કર્યો હતો કે સોમવારે એલએસી પર તહેનાત ભારતીય સૈનિકોએ ફરી એક વાર ગેરકાયદે વાસ્તવિક સીમારેખાને પાર કરી હતી અને ચીની સરહદ પર તહેનાત સૈનિકોએ વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા હતા.

ડુંગળીના ભાવ 100 રૂપિયે પહોંચવાની શક્યતા

ડુંગળીના ભાવે આગામી દિવસોમાં એટલે કે ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં 100 રૂપિયે કિલો થઈ શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એપીએમસીનાં સૂત્રોથી લખ્યું કે આ વર્ષે છૂટક ભાવ ઑક્ટોબરના અંત સુધીમાં પ્રતિકિલોએ 100 રૂપિયાને પહોંચે તેવી સંભાવના છે. જથ્થાબંધ બજારમાં પહેલેથી ડુંગળીના ભાવમાં 15થી 20 ટકા અને છૂટક બજારમાં 20 ટકાનો વધારો થયો છે.

મંગળવારે મહુવા હોલસેલ માર્કેટમાં કિલો ડુંગળીનો ભાવ રૂપિયા 25 અને અમદાવાદ એપીએમસીમાં 15થી 30 રૂપિયાની વચ્ચે હતો. મંગળવારે છૂટક વેચાણમાં ડુંગળીનો ભાવ કિલોદીઠ આશરે 50 રૂપિયા હતો.

ભાવનગર એપીએમસીના પદાધિકારી ભીખાભાઈ ઝઘડિયાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને અસર થઈ છે.

તેમણે કહ્યું, 'ગુજરાતમાં જ નહીં, પરંતુ ડુંગળી ઉગાડનારાં અન્ય રાજ્યોમાં પણ પાકને નુકસાન થયું છે.'

ઉલ્લેખનીય છે કે ઘરેલુ માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી છે.

ભારત-ચીન સીમાવિવાદ અંગે રાજનાથ સિંહનું નિવેદન

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હાલની સ્થિતિ અનુસાર ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી અને અંદરના વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ અને ગોળાબારૂદ તહેનાત કર્યા છે.

સંરક્ષણમંત્રીએ ભારત-ચીન સીમાવિવાદ અંગે સંસદમાં નિવેદન આપતાં કહ્યું, "પૂર્વ લદ્દાખ અને ગોગરા, કોંગકા લા અને પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પણ ઘણા ગતિરોધવાળા વિસ્તારો છે. એલએસીમાં ચીને અંદરના વિસ્તારમાં મોટી સંખ્યામાં સેના અને હથિયાર તહેનાત કર્યાં છે. આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે."

તેમણે જણાવ્યું કે ચીનની કાર્યવાહીના જવાબમાં સેનાએ આ વિસ્તારમાં ઉપયુક્ત જવાબી તહેનાતી કરી છે, જેથી ભારતનાં સુરક્ષાહિતો સંપૂર્ણ સુરક્ષિત રહે.

સિંહે કહ્યું કે "એલએસી પર તણાવ વધતાં બને તરફથી સૈન્ય કમાન્ડરોએ 6 જૂન, 2020માં મિટિંગ કરી. એ વાતે સહમતી બની હતી કે જવાબી કાર્યવાહી દ્વારા ડિસઍન્ગેજમેન્ટ કરાશે. બંને પક્ષો એ વાતે પણ સહમત થયા કે એલએસીનો સ્વીકાર કરાશે અને કોઈ એવી કાર્યવાહી નહીં કરાય, જેનાથી યથાસ્થિતિ બદલાય."

"આ સહમતીનું ઉલ્લંઘન કરીને ચીન દ્વારા 15 જૂને ગલવાન ઘાટીમાં એક હિંસક સંઘર્ષની સ્થિતિ પેદા કરાઈ. આપણા બહાદુર સિપાઈઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું, સાથે જ ચીની પક્ષને પણ મોટું નુકસાન પહોંચાડ્યું અને પોતાની સીમાની સુરક્ષામાં સફળ રહ્યા."

'નકલી સમાચાર' ફેલાવવાને કારણે પ્રવાસી મજૂરોનું પલાયન

કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે દેશમાં લગાવેલા લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું પલાયન 'નકલી સમાચાર' ફેલાવવાને કારણે થયું.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ માલા રાયને લેખિત સવાલના જવાબમાં ગૃહમંત્રાલયે આ જવાબ આપ્યો હતો.

તેમણે પૂછ્યું હતું કે 25 માર્ચના લૉકડાઉન પહેલાં પ્રવાસી મજૂરોની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્યાં હતાં. તેને કારણે હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા પોતાના ઘરે જવા મજબૂર થયા અને કેટલાયે આ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો.

ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પોતાના જવાબમાં કહ્યું, 'મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો અને લોકોનું પલાયન લૉકડાઉનના સમયને લઈને ફેલાયેલા સમાચારોને કારણે થયું.'

લોકસભામાં જવાબ આપતાં નિત્યાનંદ રાયે એમ પણ કહ્યું કે જોકે સરકાર તેને લઈને ખૂબ ચિંતિત હતી અને એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કર્યા કે લૉકડાઉન દરમિયાન કોઈ પણ નાગરિક ભોજન, પીવાના પાણી અને સ્વાસ્થ્ય સુવિધા વગેરેથી વંચિત ન રહે.'

ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેમની પાસે પ્રવાસી મજૂરોના મોતના આંકડા નથી.

પ્રશાંત ભૂષણના આઈએસીને લઈને સવાલ

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનને લઈને કેટલાક દાવા અને સવાલો કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આપ (આમ આદમી પાર્ટી)ના સ્થાપક સદસ્ય અને નાગરિક અધિકારના વકીલ પ્રશાંત ભૂષણે દાવો કર્યો છે કે યુપીએ સરકારને હઠાવવા માટે 'ઇન્ડિયા અગેઇસ્ટ કરપ્શન (આઈએસી) આંદોલન'ને “ભાજપ અને આરએસએસનો ટેકા” હતો.

ઇન્ડિયા ટુડે ટીવી માટેના રાજદીપ સરદેસાઈને આપેલા ઇન્ટરવ્યૂ તેઓએ આ વાત કરી હતી.

પ્રશાંત ભૂષણ આઈએસીના મુખ્ય સદસ્ય હતા અને 2015માં તેમને યોગેન્દ્ર યાદવની સાથે કથિત "પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ" બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું, "મને આજે (આરએસએસ-ભાજપની ભૂમિકા) વિશે કોઈ શંકા નથી. તેઓ (અણ્ણા હઝારે) પણ કદાચ આના વિશે જાગૃત નહોતા. અરવિંદને તે અંગેની જાણકારી હતી એ અંગે મને બહુ શંકા છે. મને લાગે છે કે હું અરવિંદના પાત્રને પૂરતું સમજી શક્યો નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો