You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાએ ગરીબ અને અમીર વચ્ચેનું અંતર કઈ રીતે વધારી દીધું?
બીબીસીએ કરેલા એક સર્વેક્ષણ અનુસાર, કોરોના વાઇરસ મહામારીની સૌથી વધુ અસર ગરીબ દેશો પર થઈ છે. જેના કારણે વૈશ્વિક અસમાનતા વધી છે.
11મી માર્ચે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરાયો. તેના છ મહિના પછી બીબીસીએ જુદાજુદા દેશો પર આ મહામારીની શી અસર પડી એ જાણવા માટે લગભગ ત્રીસ હજાર લોકોનો સર્વે કર્યો હતો.
મહામારીના સંક્રમણને રોકવા માટે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું અને એના કારણે એ એ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. દુનિયાના ગરીબ ગણાતા દેશો અને યુવાનો એમ કહે છે કે મહામારીને કારણે તેઓ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી ગરીબ દેશોના 69 ટકા લોકોએ જણાવ્યું કે તેમની આવક ઘટી ગઈ છે. સામે પક્ષે સર્વેનો ભાગ બનેલા ધનાઢ્ય દેશોના 45 ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે. આ સર્વેમાં કોરોનાને કારણે લિંગ અને જાતિની અસમાનતા પર પડેલી અસરોની નોંધ પણ કરાઈ છે.
જેમાં જણાયું કે પુરુષોની સાપેક્ષ મહિલાઓની સ્થિતિ વધારે ખરાબ થઈ છે, તો અમેરિકામાં ધોળા લોકોના પ્રમાણમાં કાળા લોકો વધારે સંક્રમિત થયા છે. 'ગ્લોબસ્કૅન' દ્વારા જૂન 2020માં બીબીસી માટે 27 દેશોમાં આ સર્વે કરાયો ત્યારે એ દેશોના કેટલાય વિસ્તારોમાં સંક્રમણના કિસ્સા ખૂબ જ વધી રહ્યા હતા.
સર્વેમાં 27000થી પણ વધુ લોકોને કોવિડ-19 અને તેમના જીવન પરની તેની અસરો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગ્લોબસ્કૅનના ચીફ ઍક્ઝિક્યુટિવ ક્રિસકોલ્ટરે બીબીસીને જણાવ્યું, " આ મહામારીને કારણે જે કેટલાંક પ્રકારનાં નિવેદન આવ્યાં એમાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણે બધા ઘણા વિકટ સમયમાં જીવી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "પરંતુ અમારા સર્વેમાં આનાથી જુદી માહિતી પણ અમને મળી છે. ઘણા બધા અલગઅલગ દેશોમાં જે લોકો પહેલાંથી જ વંચિત હતા તેમના પર આ મહામારીની સૌથી વધારે ખરાબ અસર પડી છે."
દુનિયામાં અસમાનતા વધી
સર્વેમાં એ માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે, ગરીબ દેશોના લોકો પર મહામારીની ગંભીર અસર થઈ છે અને એણે લોકો વચ્ચે પહેલેથી હતી એ અસમાનતાને વધારી છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન એટલે કે 'ઓઈસીડી' અને એના બિન-સભ્ય દેશોની વચ્ચે તફાવત વધી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓઈસીડી એવું સંગઠન છે જેમાં દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય 37 દેશોનો સમાવેશ થાય છે. સર્વેમાં એ પણ ખબર પડી કે, બિન-ઓઈસીડી સભ્ય દેશોમાં રહેનારા અને સર્વેમાં ભાગ લેનારા 69 ટકા લોકોની આવક મહામારીને કારણે ઘટી છે, જ્યારે ઓઈસીડીના સભ્ય દેશોમાં રહેનારા 45 ટકા લોકોએ આવક ઘટી હોવાની વાત સ્વીકારી છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે, યુરોપ અને ઉ. અમેરિકામાં રહેનારની તુલનાએ લેટિન અમેરિકા, એશિયા અને આફ્રિકામાં રહેનારા લોકો કોરોનાની વધુમાં વધુ અસર થઈ હોવાની વાત કરે છે. જાણકારી મુજબ, કેન્યામાં 91 ટકા, થાઇલૅન્ડમાં 81 ટકા, નાઇઝિરિયામાં 80 ટકા, દક્ષિણ આફ્રિકામાં 77 ટકા અને વિયેતનામમાં 74 ટકા લોકો આર્થિક રીતે અસરગ્રસ્ત થયા છે.
આ દેશોમાં પહેલેથી જ ઓછી આવક પર ગુજરાન ચલાવતા લોકો મહામારીને કારણે આવક વધારે ઘટી હોવાની વાતને સમર્થન આપી શકે છે. જોકે, સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, ગરીબ દેશોની તુલનાએ ઑસ્ટ્રેલિયા, કૅનેડા, જાપાન, રશિયા અને બ્રિટનમાં રહેનારા વધારે આવક મેળવનારા લોકો પણ આર્થિક પાયમાલીનો ભોગ બન્યા છે.
યુવાનો અને વૃદ્ધો પર થયેલી અસર
સર્વે અનુસાર, કોરોના મહામારીએ યુવાનો અને વૃદ્ધો વચ્ચેના અંતરને પહેલાં કરતાં વધારી દીધું છે. યુવા પેઢી એવું કહે છે કે, વયસ્કોની તુલનાએ તેમને વધારે તકલીફ પડી છે. એવું એટલા માટે કે, મહામારી દરમિયાન કામ કરવાની, લોકોને મળવાની અને ભણવાની તક ઓછી થઈ છે.
1990ના દશકના મધ્યથી લઈને 2010ના શરૂઆતના ગાળામાં જન્મેલા (જનરેશન ઝેડ) સર્વેમાં ભાગ લેનાર 55 ટકા લોકો અને 1980ની શરૂઆતના ગાળાથી લઈને 1990ના દશકના મધ્ય ભાગ સુધીમાં જન્મેલા (જેમને મિલેનિયલ્સ કહેવાય છે.) સર્વેમાં ભાગ લેનારા એવું માને છે કે, મહામારીને લીધે એમનું જીવન અસરકારક રીતે પ્રભાવિત થયું છે.
એવું જ સર્વેમાં ભાગ લેનારા 1965થી 1980 દરમિયાન જન્મેલા લોકો (આ પેઢીને જનરેશન ઍક્સ પણ કહેવાય છે.) અને 1946થી 1964ની વચ્ચે જન્મેલા ભાગ લેનારા(આ પેઢીને બેબી બૂમર્સ પણ કહે છે.)ઓએ જણાવ્યું કે, એમને પણ લાગે છે કે એમના જીવનને મહામારીએ ખરાબ રીતે અસર કરી છે.
સર્વેમાં ભાગ લેનારા જનરેશન ઝેડના લોકોએ કહ્યું કે, એમના પર ખરાબમાં ખરાબ આર્થિક અસર પડી છે. આમાંના 63 ટકા લોકોએ જણાવ્યું કે, એમની આવક ઘટી ગઈ છે. જ્યારે બેબી બૂમર્સના 42 ટકા લોકોએ આવક ઘટી હોવાનું જણાવ્યું. વૃદ્ધોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર આ મહામારીની વધારે ખરાબ અસર નથી પડી એવી સંભાવના વધુ છે.
વૈશ્વિક સ્તરે જ્યાં 39 ટકા વૃદ્ધોને મહામારીની અસર થઈ છે ત્યાં સર્વેમાં સામેલ લગભગ 56 ટકા બેબી બૂમર્સે કહ્યું કે એમના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર મહામારીની કોઈ અસર નથી થઈ.
બીબીસી સર્વેમાં જાણવા મળેલી બીજી બાબતો
- લગભગ 57 ટકા લોકો એટલે કે દર દશમાંથી છ લોકોએ એમ કહ્યું છે કે એમની આર્થિક હાલત પર કોરોનાની અસર થઈ છે.
- મહિલાઓ કહે છે કે પુરુષોની તુલનામાં તેમની પર મહામારીની વધારે અસર થઈ છે અને તેમની આવક વધારે ઘટી ગઈ છે. મહિલાઓ અને પુરુષોની આવકમાંનો તફાવત જોઈએ તો જર્મનીમાં મહિલાઓની 32 ટકા અને પુરુષોની 24 ટકા, ઇટાલીમાં મહિલાઓની 50 ટકા અને પુરુષોની 43 ટકા અને બ્રિટનમાં મહિલાઓની 45 ટકા સામે પુરુષોની 38 ટકા આવક ઘટી હોવાનું જોવા મળે છે.
- કાળા અમેરિકનો લોકોમાંથી 14 ટકાનું કહેવું છે કે તેઓ અથવા તેમના પરિવારમાંના કોઈ સદસ્ય કોવિડ-19થી સંક્રમિત થયા છે. એમની તુલનામાં ગોરા અમેરિકનોમાં સંક્રમિતનું પ્રમાણ સાત ટકા છે.
- બાળકો હોય તેવાં દંપતી પર આ મહામારીની ખાસ્સી અસર થઈ છે. સર્વેમાં સામેલ આવાં 57 ટકા દંપતીએ જણાવ્યું કે તેઓ કોરોનાથી અસરગ્રસ્ત થયાં છે. સામે, બાળકો વગરનાં દંપતીમાંથી 41 ટકા લોકો મહામારીની અસરગ્રસ્ત થયાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો