ગુજરાત : કોરોનાથી સાજા થયેલા દરદીઓ દૃષ્ટિ ગુમાવી રહ્યા છે?

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"મને જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોના થયો હતો અને એ પછી હું સ્વસ્થ થઈ ગયો હતો. સ્વસ્થ થયા પછી મને જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું."
આ શબ્દો અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા સત્તાવન વર્ષના એક દરદીના છે.
નામ ન આપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે "એ પછી તરત મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તેમણે મારી સારવાર શરૂ કરી હતી. અત્યારે હજી દૃષ્ટિ સંપૂર્ણ તો આવી નથી ગઈ. જોવામાં સમસ્યા છે જ પણ પહેલાં કરતાં હવે સ્થિતિ થોડી સારી છે. મને આશા છે કે ધીમેધીમે મારી દૃષ્ટી આવી જશે."
જે લોકોને કોરોના થયો હોય તેમાંના કેટલાક લોકોમાં આજકાલ એવા કેસ સામે આવી રહ્યા છે કે કોરોનામાંથી તો તેઓ સ્વસ્થ થઈ જાય છે, પછી તેમને આંખે ઝાંખું દેખાય છે અથવા તો ડબલ દેખાય છે અથવા તો અચાનક દેખાતું બંધ થઈ જાય છે.
કોરોના પછી આંખમાં સમસ્યા ઊભી થઈ હોય એવા અન્ય એક કેસની વાત કરીએ.
સુરતમાં નાના વરાછા વિસ્તારમાં રહેતા રાઘવભાઈ દોમડીયાને કોરોના થયો હતો.
પંચાવન વર્ષના રાઘવભાઈ કોરોનામાં તો સ્વસ્થ થઈ ગયા હતા પણ આંખની સમસ્યા ઊભી થઈ હતી.
બીબીસી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે "બે મહિના પહેલા મને કોરોના થયો હતો. કોરોનામાંથી તો હું બેઠો થઈ ગયો હતો. કોરોનામાં સ્વસ્થ થયા બાદ આઠ દિવસ પછી મને આંખમાં કાળાં ધાબાં દેખાવાં માંડ્યા હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દેખાવાનું થોડું ઝાંખું થઈ ગયું હતું. કોરોનામાંથી બેઠો થઈ ગયો હતો એનો આનંદ હતો ત્યાં આંખે કાળાં ધાબાં દેખાતાં હું ગભરાઈ ગયો હતો. મેં તરત ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. ડૉક્ટરે મને ટીપાં વગેરે લખી દીધાં. હવે સારૂં છે."
અમદાવાદ અને સુરતમાં આવા કેટલાક કેસ નોંધાયા છે. જેમાં દરદી કોરોનામાંથી બેઠા થઈ ગયા બાદ દસ-પંદર દિવસે આંખે ધૂંધળું દેખાતું હોય.
શરૂઆતમાં જે દરદીનો કિસ્સો વર્ણવ્યો છે તેમની સારવાર કરનારા અમદાવાદના ડૉ. પાર્થ રાણાનો બીબીસીએ સંપર્ક કર્યો હતો.
કોરોનામાં સ્વસ્થ થયા પછી જોવા મળતી દૃષ્ટિની આ સમસ્યા વિશે વિગતે જણાવતાં તેમણે કહ્યું હતું કે "કોરોના દરમિયાન શરીરની અંદર સાયટોકાઈન સ્ટોર્મની પ્રક્રિયાને લીધે શરીરમાં લોહીના ગઠ્ઠા બને છે. જ્યારે દરદી કોરોનામાંથી સાજા થાય છે ત્યારે આ ગઠ્ઠા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવાનું ચાલુ કરે છે."
"કેટલાક લોકોને હૃદયની નળીમાં ભરાઈ જાય તો હાર્ટઍટેક પણ આવે છે. કેટલાકને પગની લોહીની નળીમાં ભરાઈ જાય છે. હાલમાં એવા કેટલાક કેસ સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે આંખનું જે નેત્રપટલ એટલે કે રેટિનાની લોહીની નળી જે વાળ જેટલી એટલે કે 150 માઇક્રોનની હોય છે એમાં પણ એ ગટ્ઠા ફસાઈ જતાં હોય છે. એને લીધે દરદીને જોવામાં તકલીફ પડે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ. પાર્થ કહે છે, "ધમનીમાં જો બ્લૉકેજ થાય તો અચાનક જ આંખે અંધારપટ છવાવા માંડે છે એટલે દરદી તરત સારવાર માટે આવે છે. રક્તવાહિનીમાં જો બ્લૉકેજ હોય તો એમાં તરત અંધાપો વર્તાતો નથી. એમાં ધીમેધીમે આંખે ઝાંખુ દેખાવા માંડે છે."
ડૉક્ટર સલાહ આપે છે કે આવું થાય ત્યારે ઘણી વખત દરદી એમ માનીને રાહ જુએ છે કે આપોઆપ સરખું થઈ જશે, પરંતુ દરદીએ આવું ન કરવું જોઈએ.
ડૉ. પાર્થ રાણા પાસે અત્યાર સુધી આવા પાંચેક કેસ આવ્યા છે.
જોકે કોરોના પછી એને લીધે જ નેત્રપટલની સમસ્યા હોઈ શકે એ નિષ્કર્ષ પર પહોંચતા તેમને સમય લાગ્યો હતો.
તેઓ જણાવે છે કે "કોરોનાને લીધે પણ આ પ્રકારની અસર સંભવી શકે છે એ નિષ્કર્ષ પર છેલ્લા બે મહિનામાં જ અમે પહોંચ્યા છીએ. એવા ઘણા ડૉક્ટર છે જેમને ખયાલ નથી કે આ કોરોનાને લીધે થયું છે કે કોરોના વગર થયું છે. એટલે કેસ આવે તો કોરોનાને કારણે કે એના વગર દરદીને આ સમસ્યા છે તે તારણરેખા-ડિમાર્કેશન લાઇન હજી બની નથી."

મૂળે સમસ્યા ક્યાં છે?

ડૉ. પાર્થ રાણા કહે છે કે "કોરોના જોવા મળ્યો એના શરૂઆતના મહિનામાં એવું પણ હતું કે દરદી પોતાની મેડિકલ હિસ્ટ્રી છુપાવતા હતા. તેમને પહેલાં કોરોના થયો હોય અને સ્વસ્થ થયા પછી આંખે ધૂંધળું દેખાતું હોય તો અગાઉ કોરોના થયો છે એવું કેટલાક દરદી ડૉક્ટરને કહેતા નહોતા. તેથી ડૉક્ટર પણ કોરોના સાથે સાંકળીને આને નિહાળતા નહોતા."
સુરતના ઑપ્થેલ્મોલૉજિસ્ટ એટલે કે નેત્રવિશેષજ્ઞ ડૉ. પથિક બરવાળિયા પાસે એવો એક કેસ આવ્યો હતો. જેમાં રેટિનાની સમસ્યા દરદીને હતી અને પછી એવું પણ બહાર આવ્યું હતું કે તે દરદી કોરોના પૉઝિટિવ હતા.
ડૉ. પથિક બરવાળિયા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "મારી પાસે એક કેસ દૃષ્ટિની સમસ્યાનો આવ્યો હતો. એ વખતે કોરોનાની અટકળ નહોતી લગાવી. આંખના પડદા સુધી લોહી પહોંચાડતી નળીમાં લોહી બંધ થઈ જતાં દરદીને એક આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું. એ વખતે લોહીના ગઠ્ઠા ઓગાળવાનાં ઇન્જેક્શન વગેરે અમે શરૂ કરી દીધાં હતાં."
"પાંચ દિવસ પછી બીજી આંખમાં આ જ સમસ્યા થતાં અમને શંકા ગઈ કે તેમનું સિસ્ટમિક ચેક અપ થવું જોઈએ. બંને આંખમાં દેખાવાનું બંધ થવા પાછળ અન્ય કોઈ સમસ્યા પણ હોઈ શકે છે. અમે એ દરદીને સિટી સ્કેન અને મગજનો એમઆરઆઈ (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) કરવા માટે મોકલ્યા હતા. તે દરદી પાછા ન આવતાં અમે ફૉલોઅપ માટે તેમને ફોન કર્યો તો માલૂમ પડ્યું કે તેમને પૅરાલિલીસનો નાનો આંચકો આવ્યો હતો અને મગજના ડૉક્ટરને ત્યાં દાખલ કરવા પડ્યા હતા."
"એ હૉસ્પિટલમાં કોરોનાની તપાસ ફરજિયાત હતી. જ્યાં એ દરદી કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. એ દરદી લાંબા ગાળા સુધી હૉસ્પિટલમાં હતા અને પછી તેમનું અવસાન થયું હતું. એ પછી અમારી પાસે આવા કેસ આવતા અને અમે તેમની મેડિકલ હિસ્ટ્રી પૂછતાં તો મોટા ભાગના દરદીને દસ-પંદર દિવસ અગાઉ કોરોના થયો હોય એવું જોવા મળતું હતું."

ઉંમર અને ઝાંખપને શું લેવાદેવા?

ડૉ. પાર્થ રાણાના કહેવા અનુસાર, તેમની પાસે જે કેસ આવ્યા છે એ ચાલીસથી સિત્તેર વર્ષની વયના દરદીઓના જ હતા. જોકે, આ સમસ્યા આ જ વયજૂથના લોકોને થાય છે એવું ન કહી શકાય. શક્ય છે કે જો વધારે કેસ રિપોર્ટ થાય તો આ અંગે વધારે સ્પષ્ટતા થાય.
ડૉ. પાર્થ કહે છે કે જે કોમોર્બિડ વ્યક્તિ હોય એટલે કે જેમને ડાયાબિટીસ કે લિવર કે બ્લડપ્રેશર વગેરેની સમસ્યા હોય તો કોરોનાની અસર તેમના પર ગંભીર થઈ શકે છે.
તો ડૉ. પથિક બરવાળિયા પણ કહે છે કે ઉંમર વધારે હોય કે તમાકુનું સેવન કરતા હોય કે ડાયાબિટીસ હોય તો તેમને દૃષ્ટિની ઝાંખપની સમસ્યાની શક્યતા વધુ રહે છે.
કોઈને રેટિનામાં તકલીફ સર્જાઈ હોય તો કોરોનાને કારણે જ છે એવું કહી શકાય?
આ સવાલના જવાબમાં ડૉ. પાર્થ રાણા કહે છે કે "કોરોનાના દરદીમાં લોહીના જે ગઠ્ઠા થાય છે એ જ રેટિનામાં ભરાય છે એવી અમારી પાસે તસવીરો છે. અમે આંખની એન્જિયોગ્રાફી કરીએ છીએ. એના ઓટોફોકસ ફોટા હોય કે રેટિનાના ફોટા હોય તેમાં લોહીના ગઠ્ઠા જોવા મળી રહ્યા છે. આને અમે ગયા વર્ષના ડેટા સાથે સરખાવીએ તો ગયા વર્ષના ગત બે મહિનાના આંકડા અને આ વર્ષનાં બે મહિનાના આંકડા નોંધપાત્ર રીતે વધી ગયા છે. થોડા વખતમાં અમે વિગતવાર ડેટા લેશું એટલે સાબિત થઈ શકશે. જેમ કોરોના એ નવી વ્યાધિ છે એમ ડૉક્ટર તરીકે અમારા માટે પણ આ નવું નિદાન છે. અમે પણ શીખી રહ્યા છીએ કે કઈ રીતે આગળ વધવાનું છે."
રેટિનાની સમસ્યા કોરોના સાથે કેવી રીતે સંલગ્ન છે એ વિશે વધુ પ્રકાશ પાડતાં ડૉ. પથિકે પોતાના એક દરદીનું દૃષ્ટાંત આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે "મારી પાસે એક ડાયાબિટીસ દરદી છેલ્લા પંદર મહિનાથી આંખના પડદા પર ગ્રેડ-ટુ અંતર્ગત ચેકઅપ માટે આવતા હતા. આ સમસ્યામાં અમારે તેને કોઈ સારવાર આપવી પડતી નહોતી. જો ગ્રેડ બદલાય તો સારવારની જરૂર પડે. પંદર મહિનાથી દરદી આવતા હતા પણ ક્યારેય તેમનો ગ્રેડ બદલાતો નહોતો, કારણ કે તેમનું ડાયાબિટીસ કાબૂમાં હતું."
"લૉકડાઉન દરમિયાન દરદીને કોરોના થયો અને કોરોનામાંથી સાજા થયા બાદ બાદ રૂટિન ચેકઅપ માટે અમારી પાસે આવ્યા તો તેમની આંખોના પડદાનો ગ્રેડ બદલાઈ ગયો હતો. ડાયાબિટીસ તો અગાઉની જેમ જ કંટ્રોલમાં હતું, છતાં તેમનો ગ્રેડ બદલાયો એટલે લેઝર ટ્રીટમેન્ટ લેવાની અમે સલાહ આપી. આને આધારે કહી શકાય કે કોરોના પછી આ સ્થિતિ સામે આવી હતી. જે લોકોને ડાયાબિટીસને લીધે આંખોના પડદા ખરાબ છે પણ સારવાર આપવાની જરૂર નથી એવા દરદી કોરોના પછી સારવાર આપવાની શ્રેણીમાં આવી જાય છે."

'ઝાંખપને નબળાઈ ગણીને અવગણવી ન જોઈએ'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કોરોનામાં સ્વસ્થ થયા પછી દરદીને ઘણા દિવસ નબળાઈ લાગે છે. આને લીધે ડૉક્ટર પણ ઘણી વખત થાપ ખાઈ જાય છે.
ડૉક્ટર ક્યારેક આ સમસ્યાને કોરોના પછીની નબળાઈમાં ખપાવી દે છે અને દરદી માટે વધુ મુશ્કેલી સર્જાય છે. સુરતમાં આવો એક કેસ નોંધાયો હતો.
ડૉ. પથિક બરવાળિયા કહે છે કે "અમારી પાસે એક દરદી એવો આવ્યો હતો કે જેને કોરોનાની સારવાર દરમિયાન જ આંખે ઝાંખપનો અનુભવ થતો હતો. એ વખતે તેને એવું કહેવામાં આવ્યું હતું કે કોરોનાની નબળાઈને લીધે આવું હશે. નિવારણ ન થતાં એને મારી પાસે મોકલવામાં આવ્યો અને ચેક કરતાં માલૂમ પડ્યું કે આંખોમાં લોહી પહોંચાડતી જે નળી છે એમાં બ્લૉકેજ છે. એવું પણ બને છે કે કોરોના મોટી બીમારી છે તેથી દરદીની અન્ય સમસ્યા પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે. તેથી જો કોરોનાના દરદી જોવામાં ઝાંખપ કે દૃષ્ટિની કોઈ સમસ્યાની વાત કરે તો એને માત્ર નબળાઈ ગણીને અવગણવી ન જોઈએ."

આંખોમાં ધૂંધળુ દેખાય તો...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોઈને ધૂંધળું દેખાય કે બબ્બે દેખાય કે સાવ દૃષ્ટિ જ જતી રહે તો એને કોરોનાના લક્ષણ ગણી શકાય?
ડૉ. પથિક કહે છે કે "ના. આને કોરોનાનાં કોઈ લક્ષણ તરીકે ન ગણી શકાય પણ કોરોનાને કારણે થતી સમસ્યા ગણી શકાય, કારણ કે મોટે ભાગે કોરોનાના દરદીમાં દસ-પંદર દિવસ પછી આ સમસ્યા જોવા મળે છે."
"કોરોનાના ઘણા દરદી ઍસિમ્પ્ટોમેટિક હોય છે. ઍસિમ્પ્ટોમેટીક એટલે કોરોનાના એવા દરદી જેને તાવ, શરદી, ઉધરસ જેવાં લક્ષણ નથી પણ તે કોરોના પૉઝિટિવ છે. તેથી એવું પણ બની શકે કે કોઈ દરદી ઝાંખપની સમસ્યા લઈને આવે તો એ કદાચ ઍસિમ્પ્ટોમેટિક કોરોનાનો પેશન્ટ પણ હોઈ શકે. આવું બહુ ઓછું જોવા મળે છે પણ એને નજરઅંદાજ ન કરી શકાય. મોટા ભાગના દરદીમાં આંખોમાં ઝાંખપની સમસ્યા કોરોનામાંથી સાજા થયા બાદ દસ-પંદર દિવસ પછી જોવા મળે છે."
આંખમાં નંબર કે આંખમાં કોઈ સારવાર કરાવી હોય એ અંગે ડૉ. પાર્થ રાણાએ કહ્યું હતું કે "ના, આ સમસ્યા આંખ સંબધિત નથી. કોરોના પછી લોહીમાં જે ગઠ્ઠા જામે છે એને લીધે થાય છે. તેથી આંખોમાં નંબર વધારે હોય તો આ સમસ્યાની શક્યતા વધુ રહે છે એવું નથી."
તેઓ કહે છે, "મને પણ કોરોના થયો હતો અને એ પછી આંખોમાં થોડી ઝાંખપ વર્તાઈ ત્યારે એમ કહેવાયું હતું કે કોરોનાને લીધે જે નબળાઈ હોય છે એને લીધે આવું થાય છે. પરંતુ આના માટે લોહીના ગઠ્ઠા જવાબદાર છે. તેથી નબળાઈ માનીને એને હળવાશથી ન લેવું."
"ડૉક્ટરોએ પણ સમજવાની જરૂર છે કે કોરોના પછી કોઈ દરદી ડૉક્ટરને કહે કે તેમને જોવામાં તકલીફ પડી રહી છે તો એ કોરોનાની નબળાઈને કારણે જ છે એમ ન માનવું. કારણ કે પછી દરદી ચલાવ્યે રાખે તો મોટું નુકસાન નોતરી શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












