વડોદરા SSG હૉસ્પિટલ આગ : વૅન્ટિલેટરથી કોવિડ વૉર્ડના ICUમાં આગ લાગી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં મંગળવારે આગ લાગવાની ઘટના ઘટી હતી.

ICU વૉર્ડમાં જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યાં મંગળવારે સાંજે અંદાજે સાત વાગ્યે આગ લાગવાની ઘટના ઘટી હતી.

મંગળવારના રાત્રે 11 વાગ્યા સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં કોઈએ જીવ ગુમાવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં તથા જામનગર અને બોડેલી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પણ આગ લાગી હતી, એ ક્રમમાં રાજ્યમાં કોવિડ વૉર્ડમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે.

આ આગ કેવી રીતે લાગી એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રત્યક્ષદર્શી, હૉસ્પિટલ સ્ટાફ અને ફાયર ઑફિસરનો સંપર્ક સાધ્યો હતો.

વૅન્ટિલેટરમાંથી આગ?

આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી હતી એ વખતે ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક પત્રકાર બાદલ દરજીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આગ લાગી હતી એ વૉર્ડમાંથી બળી ગયેલું વૅન્ટિલેટર બહાર કાઢવામાં આવ્યું હતું. તેના કારણે જ વૉર્ડમાં આગ લાગી હતી."

તેમણે બળી ગયેલા વૅન્ટિલેટરની તસવીર પણ બીબીસીને આપી હતી.

આ અંગે વધારે તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ વડોદરાના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ અંગે ખરાઈ કરી હતી.

પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું, "એસએસજી હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં આગ લાગી હતી, જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરાઈ રહી હતી."

આગ કેવી રીતે લાગી એ અંગે વાત કરતાં બ્રહ્મભટ્ટે તેમણે કહ્યું, "ICUમાં વૅન્ટિલેટર મશીનના એક પાર્ટમાંથી આગ લાગી હતી. જોકે એની પાછળનું કારણ શું છે એ અંગે તપાસ કરવામાં આવશે."

'વૅન્ટિલેટરમાં સ્પાર્ક થયો અને જોતજોતામાં ધુમાડો ફેલાઈ ગયો'

સ્થાનિક મીડિયા ચેનલો સાથે વાત કરી રહેલા હૉસ્પિટલના એક કર્મચારીએ તેમની ઓળખાણ હૉસ્પિટલના ફાયર સ્ટાફના ઇન્ચાર્જ તરીકેની આપી હતી.

આગને બુઝાવવાની કામગીરીમાં તેઓ અને તેમની ટીમ સામેલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આગ કેવી રીતે લાગી હતી એ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, "આગ વૅન્ટિલેટર મશીનમાં લાગી હતી, એમાં સ્પાર્ક થયો અને આગ લાગી. જોતજોતામાં તો ધુમાડો વધવા લાગ્યો."

"મેં અને મારી ટીમના સભ્યોએ સૌથી પહેલાં વૉર્ડની કાચની બારીઓ તોડી નાખી, જેથી ધુમાડો બહાર નીકળી જાય અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન પણ અમે કર્યો."

જે વૅન્ટિલેટરમાં આગ લાગી છે, તે વૅન્ટિલેટર ધમણ-1 હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે.

આ અંગે સ્પષ્ટતા કરવા માટે બીબીસી ગુજરાતીએ એસએસજી હૉસ્પિટલના પદાધિકારીઓ પૈકી ડૉ. રંજન ઐયર અને ડૉ. ઓસ્માન બેલિમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમના તરફથી પ્રત્યુત્તર મળ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે ધમણ વૅન્ટિલેટરની ગુણવત્તા અંગે આ અગાઉ પણ આક્ષેપો થયા છે. જોકે આ ઘટનામાં ધમણ વૅન્ટિલેટર હતું કે કેમ, એ અંગે ખરાઈ કરી શકાઈ નથી.

કોવિડ-19 વોર્ડમાં આગની ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં વહેલી સવારે આઈ.સી.યુ.માં આગ લાગી હતી, જેમાં પાંચ પુરુષ તથા ત્રણ મહિલા સહિત આઠ દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

આ ખાનગી હૉસ્પિટલમાં તેઓ કોવિડ-19ની સારવાર લેવા માટે દાખલ થયા હતા. સારવાર લઈ રહેલા 40 જેટલા અન્ય દર્દીને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી. જેમાં કોઈ દર્દીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

દર્દીને પહેલાં હૉસ્પિટલના અન્ય ભાગમાં તથા બાદમાં અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

તા. 25મી ઑગસ્ટે વહેલી સવારે જામનગરની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ ગુરુ ગોવિંદસિંઘ હૉસ્પિટલના આઈ.સી.યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ)માં આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તથા દર્દીઓને અન્ય ઇમારતમાં ખસેડવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં કોવિડ-19 સિવાયની બીમારીઓથી પીડાતા દરદી દાખલ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો