ભારત ચીન સીમાવિવાદ : ચીની સૈનિકોની આ તસવીરમાં જાણવા જેવું શું છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

મંગળવારે સવારે ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી કેટલીક તસવીરો પ્રસારમાધ્યમોમાં વહેતી થઈ હતી, જે સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ હતી.

આ તસવીરમાં 25 જેટલા ચીની સૈનિકો બંદૂકો સાથે દેખાય છે. આ સિવાય તેમની પાસે લાકડીઓ જોઈ શકાય છે, જેની ઉપર ધારદાર હથિયાર લગાડવામાં આવેલાં છે.

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તસવીરો સોમવારે (સાતમી સપ્ટેમ્બર) લેવામાં આવી હતી. બી.બી.સી. સ્વતંત્ર રીતે આ તસવીરોના સ્થળ તથા સમયની પુષ્ટિ કરતું નથી.

ક્યાંની તસવીરો?

આ તસવીરો પૂર્વ લદ્દાખ ખાતે ભારતીય ચોકી મુખપરીના દક્ષિણ ભાગે લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભારત સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનના સૈનિકો એલ.એ.સી. (લાઇન ઑફ ઍક્ચ્યૂઅલ કંટ્રોલ)ની પેલી બાજુએ ઊભા હતા અને લગભગ 800 મીટરના અંતરેથી ચીની સૈનિકોની તસવીરો લેવામાં આવી હતી.

શું થયું હતું?

ભારતીયોના કહેવા પ્રમાણે, ચીનના સૈનિકો ભારતની પોસ્ટની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચેતવણી આપવામાં આવી હતી.

ભારતીય સૈનિકોએ ગોળીબાર કરવાની ચેતવણી ઉચ્ચારી હતી, પરંતુ ફારિંગ ન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતના કહેવા પ્રમાણે, ચેતવણી ચીની સૈનિકોએ તેમની કૂચ અટકાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "હજુ પણ કેટલાક ચીની સૈનિકોને આ વિસ્તારમાં જોઈ શકાય છે, પરંતુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે હવે તેઓ આગળ વધવાનો પ્રયાસ નથી કરી રહ્યા."

સૂત્રે ઉમેર્યું હતું, "આ ચીની ટુકડીએ જ ગોળીબાર કર્યો હતો કે અન્ય કોઈ ટુકડીએ ફાયરિંગ કર્યું હતું, તે સ્પષ્ટ નથી, પરંતુ આ તસવીર લેવામાં આવી તે પછી જ ચીનના સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો હતો."

ઘટનાની પૃષ્ઠભૂમિ?

મંગળવારે ચીનના વિદેશ મંત્રાલય તથા તેની સેનાની પશ્ચિમી કમાન્ડે ભારતીય સૈનિકો ઉપર એલ.એ.સી.ને પાર કરવાનો તથા ચેતવણીરુપ હવામાં ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

જેના જવાબમાં ભારતીય સેનાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું, "ભારતીય સેનાએ ક્યારેય એલ.એ.સી.ને પાર કરી નથી તથા ફાયરિંગ જેવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ નથી કરી." ભારતની સેનાએ ચાઇનિઝ સેના ઉપર 'સંધિઓનો ભંગ કરીને ખુલ્લેઆમ આક્રમક કવાયત હાથ ધરવાનો આરોપ મૂક્યો હતો.'

ભારત અને ચીન સ્વીકારે છે કે સીમા વિસ્તાર માટે નિર્ધારિત પ્રણાલીને કારણે દાયકાઓથી સરહદી વિસ્તારમાં ચેતવણી માટે પણ ગોળીબાર કરવાની જરૂર ઊભી નહોતી થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો