ગુજરાતમાં મનરેગાનું એવું કથિત કૌભાંડ જેમાં મૃતકોના નામે પૈસા જમા થયા

મનરેગા

ઇમેજ સ્રોત, CG DPR

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો દીકરો દશરથ 10મા ધોરણમાં ભણે છે અને મારી મોટી દીકરી ધર્મિષ્ઠાના ઘરે રહી તે પરીક્ષા આપતો હતો. તેના પાસે વધારે પૈસા હોવાથી તેણે બૅન્કમાં આરટીજીએસથી જમા કરાવ્યા હતા."

"જયારે અહીં આવીને તેણે બૅન્કમાં પાસબુક આપી ત્યારે ખબર પડી કે તેના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા છે અને ઉપડી પણ ગયા છે."

આ શબ્દો છે બોટાદના લખણા ગામના જેસંગભાઈ ડાભીના. જેસંગભાઈ ડાભીએ આ અંગે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ પણ કરી છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારી દીકરી ધર્મિષ્ઠાનાં લગ્ન થઈ ગયાં છે અને તે ઉજાળવાવ ગામમાં રહે છે."

"તેનાં લગ્ન થયા પછી અમે તેનું નામ રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાંથી કઢાવી દીધું હતું અને મારો દીકરો દસમાની પરીક્ષા માટે એના ઘરે ગયો હતો."

"જયારે એ ગામ પાછો આવ્યો ત્યારે એની પાસે એને મુસાફરી પૂરતા પૈસા રાખ્યા હતા અને બાકીના પૈસા બૅન્કમાં જમા કરાવ્યા હતા."

"લખણા આવીને તેણે બૅન્કમાં પાસબુક ભરાવી ત્યારે ખબર પડી કે એના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા હતા અને પછી તે ઊપડી પણ ગયા છે. તેમે જીવનમાં કોઈ દિવસ મનરેગામાં કામ નથી કર્યું"

line

કામ નથી કર્યું અને બૅન્કખાતામાં પૈસા જમા થયા

મનરેગા

ઇમેજ સ્રોત, CG DPR

આવું જ બન્યું છે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં રહેતા રામભાઈ રબારી નામના 11 વર્ષના છોકરા સાથે.

બનાસકાંઠાના એસ.પી. તરુણ દુગ્ગલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અહીંથી અમને ખોટા ફોટા સાથેનાં 16 નકલી જોબકાર્ડ મળ્યાં છે એમાં એક 11 વર્ષના છોકરા રામા રબારીનું જોબકાર્ડ મળ્યું છે.

દુગ્ગલ કહે છે, "છોકરો સગીર છે અને એને મનરેગામાં કામ નથી કર્યું છતાં એના ખાતામાં પૈસા જમા થઈને ઉપડી ગયા છે."

"અમારી તપાસમાં આ બહાર આવ્યું છે અને હજુ રદ થયેલાં 226 જોબકાર્ડમાં કેવી ગેરરીતિ થઈ છે એની તપાસ ચાલુ છે."

પાછલા અમુક દિવસોમાં ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્ટના અમલીકરણમાં થઈ રહેલા કથિત ભ્રષ્ટાચારને લઈને સતત ચર્ચામાં રહ્યો.

ગરીબોના કલ્યાણાર્થે રચાયેલ આ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને ન મળી રહ્યો હોવાની રાવ ઊઠી છે.

સંપૂર્ણ પારદર્શક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટેના તંત્રના પ્રયત્નો હાલ તેના પર લગાવાઈ રહેલા આરોપોને કારણે માત્ર પોકળ વાતો સાબિત થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે.

હવે અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે બધી માહિતી ઑનલાઇન પ્રાપ્ત હોવા છતાં આ યોજનામાં ભ્રષ્ટાચાર કઈ રીતે આચરાતો હશે?

line

ગ્રામીણ ગરીબોને રોજગારી આપતી યોજના મનરેગા

મનરેગા

ઇમેજ સ્રોત, TNRD.GOV.IN

મનરેગાએ બંધારણમાં આલેખાયેલ 'કામ કરવાના અધિકાર'નું મૂર્ત સ્વરૂપ કહી શકાય.

કૉંગ્રેસના વડપણવાળી UPA સરકારમાં વર્ષ 2005માં આ બિલ પાસ કરાયું હતું. જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોની પુખ્ત વયની કોઈ પણ એક વ્યક્તિને એક વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ માટે કૌશલ્યરહિત રોજગાર મેળવવાનો અધિકાર આપવાનો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કેટલાક કિસ્સામાં સમગ્ર વર્ષમાં રોજગાર મેળવવાના દિવસોની સંખ્યામાં વધારો કરીને 150 કરવાની પણ મંજૂરી અપાઈ છે.

તાજેતરમાં કોરોનાની પરિસ્થિતિને કારણે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે મનરેગા હેઠળ વાર્ષિક 100 દિવસના સ્થાને 200 દિવસ કામ મળે તેવી માગ કરી હતી.

line

કઈ રીતે થયું કથિત કૌભાંડ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગ્રામીણ ગરીબોને રોજગારી આપવાના હેતુથી ઘડાયેલ આ યોજનામાં અનેક વખત ગેરરીતિની ફરિયાદો ઊઠતી આવી છે.

ગુજરાતમાં મનરેગામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે કૉંગ્રેસના નેતા મનહર પટેલ જણાવે છે, "ગુજરાતમાં તલાટી અને ગ્રામસેવક દ્વારા મનરેગાના નામે રૂપિયા બનાવવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે."

"આમ તો ઑનલાઇન કોને કેટલા પૈસા ચૂકવાય એની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવે છે, જેથી પહેલી નજરે આ આખુંય કામ પારદર્શી અને ભ્રષ્ટાચારવિહોણું લાગે છે."

જોકે, આ યોજનાના અમલીકરણની હકીકત કંઈ જૂદી જ હોવાનું જણાવતાં તેઓ કહે છે, "વાસ્તવિકતા એ છે કે મનરેગામાં કામ કરતા મોટા ભાગના મજૂરો અભણ હોય છે."

"એમના અંગૂઠાની છાપ લઈ ગ્રામસેવક અને તલાટી પૈસા આપે છે. આ પૈસા પણ બૅંકમાં જમા તો થાય છે પણ મજૂર સુધી પહોંચે એ પહેલાં જ ઉપાડી લેવાય છે."

line

કઈ રીતે સામે આવ્યો સંપૂર્ણ મામલો?

DSP તરુણ દુગ્ગલ

ઇમેજ સ્રોત, Dhanesh Parmar

ઇમેજ કૅપ્શન, DSP તરુણ દુગ્ગલ

આ સમગ્ર મામલો કઈ રીતે પ્રકાશમાં આવ્યો? આ પ્રશ્નના જવાબમાં મનહર પટેલ જણાવે છે, "બોટાદ જિલ્લાના લખણા ગામના 15 વર્ષીય કિશોર દશરથ ડાભી દસમા ધોરણની પરીક્ષા આપવા માટે બહારગામ ગયો હતો."

"ગામ પરત ફરતાં RTGS મારફતે મોકલાવાયેલા પૈસા બૅન્કમાંથી ઉપાડવા જતાં તેને ખબર પડી કે તેના ખાતામાં મનરેગાના પૈસા જમા થતા હતા અને બારોબાર ઊપડી પણ ગયા હતા."

"દશરથે ક્યારેય આ યોજના અંતર્ગત કામ નહોતું કર્યું તેમ છતાં તેના ખાતામાં પૈસા જમા કરાવીને ઉપાડી લેવાયા હતા."

"આ અંગે તેણે તેના પિતાને વાત કરતાં આ સમગ્ર મામલો ઍન્ટિ-કરપ્શન બ્યૂરો પહોંચ્યો હતો. જ્યાં આ સંદર્ભે ફરિયાદ દાખલ કરાઈ હતી."

આ સિવાય બોટાદ જિલ્લાના નાગલપુર ગામમાં ગ્રામસેવક દ્વારા પોતાના સગાના ઓછા કામ બદલ વધુ પૈસા ચૂકવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ ગ્રામસેવકને બરતરફ કરાયા હતા.

મનહર પટેલ આ અંગે વધુ માહિતી આપતાં કહે છે, "આ કૌભાંડ ઝડપથી પકડાતું નથી, કારણકે ગામડાંના અભણ લોકો ખાતું ખોલાવવા અને જૉબકાર્ડ બનાવવા અંગૂઠો મારી દે છે અને ઘણા ખોટાં જૉબકાર્ડ બની જાય છે."

"જયારે વેબસાઇટ પર તો મજૂરો ને પૈસા બરાબર ચૂકવાતા હોવાનું દેખાય છે પણ જૉબકાર્ડમાં ખોટાં નામ અને ફોટા સાથે પૈસાની લેવડદેવડ થાય છે એની કોઈ ને ખબર પડતી નથી .આ મામલાની તપાસ ચાલ્યા કરે છે, જેમાં માંડ એક કે બે લોકો ને સજા થાય છે."

line

જેલમાં બંધ કેદીના ખાતામાં જમા થયા પૈસા

પરબત પટેલ

ઇમેજ સ્રોત, Dhanesh Parmar

ઇમેજ કૅપ્શન, પરબત પટેલ

બનાસકાંઠામાં પણ આવું જ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.

બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા જિલ્લામાં કથિતપણે ચાલી રહેલા કૌભાંડ અંગે વાત કરતાં કહે છે કે, "જ્યારે અમારી જાણમાં આ સમગ્ર વાત આવી ત્યારે તપાસમાં બાલુન્દ્રા ગામની ફરિયાદમાં અમને ગરબડ જણાતાં વધુ તે દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે, "જિલ્લાના તમામ 11 તાલુકામાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે હતું કે પાલનપુર પાસે આવેલા સેલમપુરા ગામમાં એક કાચાકામનો કેદી જે જેલમાં હતો તેના નામે મનરેગા અંતર્ગત પૈસા જમા કરાવીને ઉપાડી લેવાયા હોવાની વાત સામે આવી હતી."

આ અંગે વધુ માહિતી આપતાં તેઓ જણાવે છે કે, "આ ઉપરાંત કુમાસણ ગામમાં ત્રણ મૃતકોના નામે મનરેગા અંતર્ગત પૈસા જમા થયા હોવાનું બહાર આવ્યું છે."

ફરિયાદ અંગે લેવાયેલ પગલાં બાબતે વાત કરતાં દહિયા જણાવે છે કે, "મૂળ ફરિયાદ બાલુન્દ્રા ગામની હતી, જે બાદ મનરેગાનાં 226 જૉબકાર્ડ ડિલિટ થયાં છે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. તાત્કાલિક અસરથી ગામના તલાટી અને ગ્રામસેવકની ધરપકડ કરવામાં આવી છે."

line

11 વર્ષીય બાળકના નામે જમા થયા મનરેગાનાં નાણાં

અજય દહિયા

ઇમેજ સ્રોત, Dhanesh Parmar

ઇમેજ કૅપ્શન, અજય દહિયા

આ સમગ્ર મામલા અંગે બનાસકાંઠાના DSP તરુણ દુગ્ગલે માહિતી આપતા કહ્યું હતું કે, "અમને અમીરગઢના બાલુન્દ્રા ગામમાંથી મળેલી ફરિયાદમાં વ્યાપક ગેરરીતિ સામે આવી છે. જેમાં 11 વર્ષીય રામ રબારી નામના બાળકનું બનાવટી ખાતું ખોલાવી મનરેગા હેઠળ તેમાં નાણાં જમા કરાવી ઉપાડી લેવાયાં હોવાનું સામે આવ્યું છે."

તેઓ આ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "આ ગામમાં મનરેગા હેઠળ કામ કરનારા 827 લોકોના જૉબકાર્ડ બનાવાયાં હતાં. જે પૈકી ગ્રામસેવક અને તલાટી દ્વારા 226 જૉબકાર્ડ ડિલિટ કરાયાં હોવાનું સામે આવ્યું છે."

તેઓ મામલાની તપાસમાં સામે આવેલી વધુ વિગતો જણાવતા કહે છે કે, "આ 226 પૈકી 167 લોકો કામે ન આવ્યા હોવાની ચોપડે બનાવટી નોંધ કરાઈ છે. હજુ આ મામલામાં વધુ તપાસ ચાલુ છે."

"અમને 16 બનાવટી જૉબકાર્ડ પણ મળ્યાં છે. ગ્રામસેવક અને તલાટીની ધરપકડ કરાઈ છે. તેમણે કઈ બૅંકમાંથી કેટલાં નાણાંની લેવડદેવડ કરી હતી તે જાણવા તપાસ કરાઈ રહી છે."

line

બારોબાર ઊપડી ગયા પૈસા

બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

મનરેગામાં આ કૌભાંડ અંગે બાલુન્દ્રા ગામના અયુબખાન સુમરા જણાવે છે કે, "અમને હવે ખબર પડી કે અમારા ગામમાં ખોટાં જોબકાર્ડ બનાવી બૅંકમાંથી પૈસા ઉપાડી લીધા છે અમે આ અંગે ફરિયાદ પણ કરી છે."

તેમજ બાલુન્દ્રા ગામના ભીખાભાઈ સેની આ વિશે વાત કરતાં કહે છે કે, "મારી પત્ની કયારેય મનરેગા માં કામ કરવા ગઈ નથી, તેમ છતાં એના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા અને પછી ઊપડી ગયા છે" આ અંગે અન્ય એક સ્થાનિક કિરણ રામા વસ્તા જણાવે છે કે, "જયારે અમારા ખાતામાં પૈસા આવ્યા અને ઊપડી ગયાની ખબર પડી ત્યારે અમે આ અંગે ગ્રામસેવકને વાત કરી પણ અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન આપતું નહોતું એટલે અમે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ત્યાર બાદ હવે કાર્યવાહી થઈ છે."આ અંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આ સમગ્ર મામલા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "મનરેગાનો આશય ગરીબ લોકોને રોજગારી મળે એ છે અને અમે લોકોને કામ આપી રહ્યા છીએ, કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરનારને છોડવામાં નહી આવે."

"આ અંગે મેં જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર ને કડક પગલાં લેવાની સૂચના આપી છે, ભ્રષ્ટાચાર ન થાય એટલે સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન કરાઈ છે તેમ છતાં કોઈ છીંડાં શોધીને ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરાશે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો