સૌરાષ્ટ્ર કોરોના વાઇરસનું નવું એપિસેન્ટર બની રહ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં કોરોનાના કેસ હવે એક લાખને પાર પહોંચી ગયા છે. ગુરુવારે નવા નોંધાયેલા 1325 કેસની સાથે સમગ્ર દેશમાં પૉઝિટિવ કેસની બાબતમાં ગુજરાત 11મા ક્રમનું રાજ્ય બની ગયું છે.
'ધઘ હિંદુ'ના એક અહેવાલ અનુસાર 19મી માર્ચના રોજ રાજકોટ અને સુરતમાં કોરોના વાઇરસના પ્રથમ કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદથી સમગ્ર રાજ્યમાં આ જીવલેણ વાઇરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોના મતે પહેલાં અમદાવાદ અને સુરત જેવાં મોટાં શહેરોમાંથી આ વાઇરસ હવે સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો અને ગામડાં સુધી પહોંચી ગયો છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ 19મી માર્ચના રોજ આ વાઇરસનો પ્રથમ કેસ આવ્યા બાદ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ભારે વધારો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેસ વધી રહ્યા છે?

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત થયેલા આંકડા અનુસાર સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી ગુરુવારની સ્થિતિ પ્રમાણે રાજકોટમાં સૌથી વધુ 5908, જામનગરમાં 3055, ભાવનગરમાં 2990, જૂનાગઢમાં 1849, અમરેલીમાં 1377, સુરેન્દ્રનગરમાં 1226, ગીર-સોમનાથમાં 1020, મોરબીમાં 994, બોટાદમાં 527, પોરબંદરમાં 334 અને દેવભૂમિદ્વારકામાં 308 કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે.
આમ આ જિલ્લામાં કોરોનાના કુલ 19588 કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં મૃત્યુદરની વાત કરીએ તો અત્યાર સુધી કોરોનાના કારણે 278 મૃત્યુ નોંધાયાં છે.

કેવી રીતે સૌરાષ્ટ્રમાં કેસ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રમાં મોટા ભાગે રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં પરિસ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. આ ચાર જિલ્લામાં જ સૌરાષ્ટ્રના કુલ કેસના અડધા કરતાં પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાછલા અમુક દિવસના આંકડાની વાત કરીએ તો 30 ઑગસ્ટની પરિસ્થિતિ મુજબ રાજકોટમાં 5387, જામનગરમાં 2563, ભાવનગરમાં 2791 અને જૂનાગઢમાં 1732 કેસ નોંધાયેલા હતા.
આમ, છેલ્લા ચાર દિવસોમાં જ આ જિલ્લામાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આગળ નોંધ્યું તેમ સૌરાષ્ટ્રમાં કોરોનાનો પ્રથમ કેસ 19મી માર્ચના રોજ સામે આવ્યો હતો. ત્યાર બાદ 15 એપ્રિલની સ્થિતિ પ્રમાણે રાજકોટમાં 27, ભાવનગરમાં 26, જામનગરમાં માત્ર એક અને જૂનાગઢમાં એક પણ કેસ નહોતો.
જ્યારે 15 મેના આંકડા અનુસાર રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 78, ભાવનગરમાં 103, જામનગરમાં 34 અને જૂનાગઢમાં 4 હતી.
આંકડા પરથી એવું જાણવા મળે છે કે, 1 જૂનથી અનલૉક-1 શરૂ થયા બાદથી આ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો.

'અનલૉક બાદ વધ્યા કેસ'

ઇમેજ સ્રોત, BBC Sport
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં વણસતી જતી કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરતાં રાજકોટના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર, ડૉ. મિતેષ ભંડેરી જણાવે છે :
"હાલ રાજકોટમાં કોરોનાના કેસમાં વધારા પાછળ ટ્રાન્સમિશનમાં વધારો જવાબદાર છે."
"પહેલાં અમુક ચોક્ક્સ પૉકેટમાં જ કોરોનાના કેસ જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે સંક્રમણના મામલા આ પૉકેટની બહાર પણ વધવા લાગ્યા છે."
ભાવનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર રમેશ સિંહા અનલૉક બાદ લોકોમાં ઘટેલી જાગૃતિને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારા માટેનું એક કારણ ગણાવે છે.
તેઓ કહે છે, "લૉકડાઉન ખૂલ્યા બાદ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો. ધંધા-રોજગાર ચાલુ થઈ જવાના કારણે એકબીજા સાથેનો સંપર્ક વધ્યો જે કારણે શરૂઆતમાં કેસ વધ્યા હતા, પરંતુ અત્યારે કેસની સંખ્યા સ્થિર બની છે."
જોકે, જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર તુષાર સુમેરા અનલૉકના કારણે જુનાગઢમાં કોરોનાની પરિસ્થિતિ ખરાબ થઈ હોય તેવું નથી માનતા.
તેઓ કહે છે, "આ એક ખૂબ જ ચેપી પ્રકારનો વાઇરસ છે, જે ખાંસી કે છીંક મારફતે પણ ફેલાઈ શકે છે. તેથી આ પ્રકારના ચેપી વાઇરસના દર્દીઓની સંખ્યા વધી એ માટે માત્ર અનલૉકની પ્રક્રિયાને જવાબદાર ન ગણાવી શકાય."

'ટેસ્ટિંગમાં વધારાના કારણે વધ્યા કેસ'

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના કેસમાં વધારા માટેનાં કારણો અંગે વાત કરતાં ડૉ. ભંડેરી જણાવે છે કે, "પહેલાંની સરખામણીમાં ટેસ્ટિંગમાં દસ ગણો વધારો કરાયો છે. જેના કારણે વધુ કેસ સામે આવી રહ્યા છે."
"આ સિવાય રાજકોટમાં કોરોનાના કેસ શોધવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જે કારણે વધુમાં વધુ કેસ સામે આવી રહ્યા છે."
મેડિકલ ઑફિસર રમેશ સિંહા પણ ભાવનગર જિલ્લામાં ટેસ્ટિંગમાં કરાયેલા વધારાને કોરોનાના વધુ કેસ માટે કારણભૂત માને છે.
તેઓ કહે છે કે, "પહેલાં અમે દરરોજ માત્ર 150 પરીક્ષણ કરતા હતા, અત્યારે અમે 1000 પરીક્ષણ કરીએ છીએ. ટેસ્ટિંગની સાથોસાથ કૉન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ ઝડપી બનાવાઈ છે."
"આવનારા સમયમાં કોરોનાની પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણમાં આવી જશે."
આ વાત સાથે તુષાર સુમેરા પણ સંમત થાય છે.
તેઓ જણાવે છે કે, "જુનાગઢમાં કોરોનાના કેસ એટલા માટે વધુ છે, કારણ કે પહેલાંની સરખામણીએ તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી દેવાઈ છે."

સ્થળાંતર બન્યું ચેપનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતના સમયમાં સ્થળાંતરને કારણે રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વણસી એવો મત વ્યક્ત કરતાં ડૉ. ભંડેરી જણાવે છે :
"રાજકોટમાં આસપાસનાં શહેરોમાં રહેતા કામદારો અને શ્રમિકો પાછા ફર્યા અને તેના કારણે શરૂઆતના તબક્કે રાજકોટમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું હતું."
"હવે આવા સંક્રમણના કેસને કારણે જ હાલ અમુક પૉકેટમાં કોરોનાના કેસ આવી રહ્યા છે."
જોકે, જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ વાત સાથે સંમત નથી થતા.
તેઓ સ્થળાંતર કે અન્ય કોઈ પણ એક કારણને અમુક વિસ્તારમાં ચેપમાં વધારા માટે કારણભૂત માનવાથી ઇન્કાર કરે છે.

'કેસની સંખ્યા સ્થિર'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુમેરા જણાવે છે, "જિલ્લામાં પહેલાંની સરખામણી કેસની સંખ્યામાં સ્થિરતા જોવા મળી રહી છે."
કોરોના વાઇરસની લાક્ષણિકતા વિશે વાત કરતાં તેઓ કહે છે :
"આ વાઇરસ હવાથી ફેલાય છે. જેથી જ્યારે લોકો એકબીજાને મળે ત્યારે હંમેશાં આ પ્રકારના વાઇરસનો ચેપ લાગવાનો ભય રહેલો જ હોય છે. પરંતુ હવે સ્થિતિ પહેલાં કરતાં કાબૂમાં છે."
"અત્યારે આ વાઇરસ કોઈ ચોક્કસ ઝોનમાં ફેલાઈ નથી રહ્યો એ વાત નીંધનીય છે."
"હાલ છૂટાછવાયા વિસ્તારોમાં કેસ મળી રહ્યા છે. હૉટસ્પૉટ ઝોન નથી જોવા મળી રહ્યા એ મહત્ત્વપૂર્ણ છે."
રમેશ સિંહા પણ ભાવનગર ખાતે પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરે છે.
તેઓ કહે છે કે, "જૂન માસમાં વધારો દેખાયા બાદ હવે પરિસ્થિતિ કાબૂમાં છે. હવે દરરોજ 25-30ની સંખ્યામાં કેસ મળી રહ્યા છે અને કેસની સંખ્યા સ્થિર થઈ છે."

માળખાકીય સુવિધાનો અભાવ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. ભંડેરી જણાવે છે, "રાજકોટ એ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં મેડિકલ હબ તરીકે જાણીતું છે. જે કારણે આસપાસના જિલ્લામાંથી પણ ઘણા દર્દીઓ રાજકોટમાં આવીને કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જે કારણે કેસની સંખ્યા વધારે દેખાઈ રહી છે."
આ સિવાય રાજકોટમાં માળખાકીય સુવિધાઓની મર્યાદા વિશે વાત કરતાં તેઓ કહે છે, "અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરોમાં કૉર્પોરેશનની પોતાની હૉસ્પિટલો છે. તેમજ અન્ય સરકારી સંસ્થાનો પણ ત્યાં વધુ પ્રમાણમાં છે. પરંતુ રાજકોટમાં એવું નથી, જે કારણે પણ રાજકોટમાં થોડી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે."
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય પણ આ વાત સાથે સંમત થતાં જણાવે છે કે, "સમગ્ર સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને સુરતની સરખામણીએ આરોગ્યને સંબંધિત માળખાકીય સુવિધાઓનો અભાવ હતો."
"શરૂઆતમાં ઘણા જિલ્લામાં ટેસ્ટિંગ માટેની પ્રાથમિક સુવિધાઓ નહોતી. આવી માળખાગત સુવિધાઓના અભાવને કારણે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની."
વરિષ્ઠ ડૉ. દેવરાજ ચીખલિયા આ મુદ્દે વાત કરતાં કહે છે કે, "શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં મોટા પાયે ટેસ્ટિંગ કરાય તેવી સુવિધાઓ નહોતી. જે કારણે કોરોનાના ટેસ્ટ માટે ખૂબ રાહ જોવી પડતી. જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે."

અવરજવરની છૂટને કારણે ફેલાયો ચેપ

ઇમેજ સ્રોત, Getty Images
આચાર્ય લૉકડાઉન બાદ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવરની પરવાનગીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ચેપના ફેલાવા માટેનું કારણ માને છે.
તેઓ કહે છે કે, "લૉકડાઉન બાદ સરકારે સંક્રમિત વિસ્તારોમાંથી પોતાના વતન જવા માટે અપાયેલી છૂટને કારણે સૌરાષ્ટ્રના ખૂણેખૂણામાં વાઇરસ પહોંચી ગયો છે."
"અમદાવાદ, મુંબઈ અને સુરત જેવાં શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા. તેથી જે વિસ્તારોમાં કોરોના નહોતો ત્યાં પણ પહોંચી ગયો."
"વધુમાં પરિસ્થિતિની ગંભીરતા ન સમજાવાના કારણે લોકોએ અને તંત્રએ પણ બેદરકારી દાખવી તેના કારણે પણ આજે સૌરાષ્ટ્રમાં કોરોનાના ચેપની આ પરિસ્થિતિ ઊભી થઈ છે."
વરિષ્ઠ ડૉક્ટર દેવરાજ ચીખલિયા પણ જગદીશ આચાર્યની વાત સાથે સંમત થાય છે.
તેઓ જણાવે છે કે, "લૉકડાઉન બાદ કોરોનાના હૉટસ્પૉટ ગણાતા જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા. જે કારણે આ ચેપી રોગ સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયો."
"લૉકડાઉનના કડક અમલના સમય દરમિયાન જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લામાં કોરોનાના કેસ બિલકુલ નહોતા."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












