પાકિસ્તાન-સાઉદી અરેબિયાના તણાવ પાછળ માત્ર કાશ્મીર જ જવાબદાર?

મોહમ્મદ બિન સલમાન અને ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન સલમાન અને ઇમરાન ખાન
    • લેેખક, શુમાઇલા ઝાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

ગત વર્ષે જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી હતી કે વડા પ્રધાન ઇમરાન ખાન અનુસાર જો તેઓ પાકિસ્તાનથી ચૂંટણી લડે તો સફળ થઈ જાય.

જ્યારે મોહમ્મદ બિન સલમાન મુલાકાતે આવ્યા ત્યારે તેમની ઘણી આગતાસ્વાગતા થઈ અને તેઓ બહુ ભાવથી મળ્યા અને પાકિસ્તાનીઓને જણાવ્યું કે તેમને સાઉદી અરેબિયામાં પોતાનો પ્રતિનિધિ ગણે.

આ મુલાકાતમાં મુશ્કેલીમાં ઘેરાયેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે 20 અબજ ડૉલરના કરાર પર હસ્તાક્ષર થયા અને એવું લાગ્યું કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ઐતિહાસિક સંબંધોને નવો મુકામ મળી ગયો છે.

લગભગ 18 મહિના બાદ 5 ઑગસ્ટ, 2020માં ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થવાને એક વર્ષ પૂરું થવા પર પાકિસ્તાન જ્યારે 'પ્રતાડિત દિવસ' મનાવી રહ્યું હતું ત્યારે તેમના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ખાનગી ન્યૂઝચેનલ 'એઆરવાય' પર એક પ્રોગ્રામમાં વાત કરતાં પબ્લિક પ્લૅટફોર્મ પર પહેલી વાર સાઉદી અરેબિયાની નીતિ પર ખૂલીને નિરાશા વ્યક્ત કરી.

તેઓએ કહ્યું, "સાઉદી અરેબિયા અને અમારે સારા સંબંધો છે. આબરૂ અને પ્રેમના સંબંધ છે."

"પાકિસ્તાની મક્કા અને મદીનાની સુરક્ષા માટે જીવ આપવા તૈયાર છે. આજે હું એ મિત્રદેશ (સાઉદી અરેબિયા)ને કહી રહ્યો છું કે પાકિસ્તાનના મુસલમાન અને એ પાકિસ્તાનીઓ જે તમારા માટે લડીને મરવા તૈયાર છે, આજે તેઓ તમને કહી રહ્યા છે કે તમે (કાશ્મીર મામલા પર) એ નેૃતત્વની ભૂમિકા અદા કરો, જે મુસલમાન તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે અને જો ન કરી તો હું ઇમરાન ખાનને કહીશ કે હવે રાહ નહીં જોવાય."

"આપણે આગળ વધવું પડશે. સાઉદી અરેબિયાની સાથે કે તેના વિના."

પાકિસ્તાનના વિદેશમંત્રી તરફથી ખુલ્લેઆમ સાઉદી અરેબિયાને ફરિયાદ પર કૂટનીતિકોમાં હોબાળો થઈ ગયો.

આ નિવેદનને ન માત્ર સાઉદીમાં પણ પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાના સમર્થક જૂથોએ પણ નાપસંદ કર્યું.

કેટલાક રાજનીતિજ્ઞો, ન્યૂઝએન્કરો અને ધાર્મિક સંગઠનો તરફથી તેને વિદેશમંત્રીનું અંગત મંતવ્યું ગણાવ્યું, તો ક્યાંક તેને વડા પ્રધાન પર અન્ય લૉબીના પ્રભાવનું પરિણામ ગણાવાયું.

જોકે વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે સાઉદી અરેબિયા સાથે કોઈ મતભેદ નથી અને તેની સાથે મજબૂત ભાઈચારાના સંબંધો બનેલા છે.

તેમનું કહેવું હતું કે બધા દેશો પોતાની વિદેશનીતિ અનુસાર નિર્ણયો કરે છે અને સાઉદી અરેબિયાની પણ પોતાની નીતિ છે.

વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીના આ નિવેદન બાદ પડદા પાછળની કૂટનીતિ હરકતમાં આવી ગઈ.

સાઉદી રાજદૂતે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું અને સૌથી મહત્ત્વનો સંપર્ક પાકિસ્તાનની ફોજના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો થયો, જેમની સાથે થોડા દિવસ પછી સાઉદી રાજદૂત નવાફ સઇદ-અલ-માલિકીએ રાવલપિંડીમાં પાકિસ્તાનના સેનાના મુખ્યાલયમાં મુલાકાત કરી.

line

કુઆલાલમ્પુરનો મામલો

મુસ્લીમ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પોતાના નિવેદનમાં ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીની પણ ટીકા કરી, જેના સૌથી મોટી કર્તાહર્તા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે.

જ્યારથી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયો છે, પાકિસ્તાન સતત આ મામલે ઇસ્લામિક દેશના સંગઠનના વિદેશમંત્રીઓનું સત્ર બોલાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેને કોઈ સફળતા મળી નથી.

શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું, "હું ફરી એક વાર ઓઆઈસીને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરીશ કે જો તમે વિદેશમંત્રીઓની બેઠક ન બોલાવી શકો, તો હું મજબૂરીમાં અમારા વડા પ્રધાનને કહીશ કે એ મુસ્લિમ દેશ જે કાશ્મીર મામલે અમારા પક્ષે ઊભા રહેવા માગતા હોય અને કાશ્મીરના પંડિતોનો સાથ આપવા માગતા હોય, તેનું સત્ર બોલાવે. પછી તે ઓઆઈસીના ફોરમ પર હોય કે ન હોય."

શાહ મહમૂદ કુરૈશીનો ઇશારો તુર્કી અને મલેશિયા તરફ હતો.

ડિસેમ્બર 2019માં એ સમયે મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદના કહેવા પર ઇમરાન ખાન કુઆલાલમ્પુર શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા.

આ સંમેલનમાં તુર્કી, ઇન્ડોનેશિયા, કતાર અને પાકિસ્તાન સમેત ઘણા મુસ્લિમ દેશોના નેતાઓને બોલાવાયા હતા અને એવું લાગતું હતું કે ઓઆઈસીથી હઠીને એક વિચાર રાખવા માટે મુસ્લિમ દેશોનો એક મંચ તૈયાર થઈ રહ્યો છે. જેમાં સાઉદી અરેબિયા કેન્દ્રસ્થાને નહીં હોય.

પાકિસ્તાને શરૂઆતમાં તો નવા પ્લૅટફોર્મનું સમર્થન કર્યું હતું, પરંતુ પછી અચાનક ઇમરાન ખાને બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

આવું સાઉદી અરેબિયાના દબાણમાં કરવામાં આવ્યું હતું, જે નહોતું ઇચ્છતું કે પાકિસ્તાન જેવો મહત્ત્વપૂર્ણ મુસ્લિમ દેશ પોતાની રાજકીય, રાજદ્વારી અને સૈન્યતાકાત કોઈ અન્યના ખાતામાં નાખે.

શાહ મહમૂદ કુરૈશીએ પુષ્ટિ કરી કે કુઆલાલમ્પુર ન જવાનો 'આટલો મોટો નિર્ણય' પાકિસ્તાને સાઉદી અરેબિયાના દબાણમાં આવીને લીધો હતો.

"સાઉદી અરેબિયાએ દબાણ કર્યું અને અમે મોટું મન રાખીને (મલેશિયાને) સમજાવવાની કોશિશ કરી. હું મહાતિર મોહમ્મદનો આભાર માનું છું, જેઓએ ખોટું ન લગાડ્યું અને એ સમયે પણ તેઓ અમારી મુશ્કેલીઓ અને મજબૂરીઓને સમજી ગયા."

શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે સમય આવી ગયો છે કે ઓઆઈસી વચ્ચે બચાવ અને આંખ મિંચામણાંથી બહાર નીકળીએ અને એ નિર્ણય કરીએ કે તે આ સંવેદનશીલ મુદ્દા પર પાકિસ્તાનનો સાથ આપવા માગે છે કે નહીં.

line

'પાકિસ્તાનના લોકો ઓઆઈસીથી આશા રાખે છે'

મોહમ્મદ બિન સલમાન મુલાકાતે આવ્યા ત્યારે તેમની ઘણી આગતાસ્વાગતા થઈ

ઇમેજ સ્રોત, PAK PM OFFICE

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન સલમાન મુલાકાતે આવ્યા ત્યારે તેમની ઘણી આગતાસ્વાગતા થઈ

આગળના દિવસે, પાકિસ્તાન વિદેશમંત્રાલયમાં સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન જ્યારે પત્રકારોએ વિદેશમંત્રીના નિવેદન પર સ્પષ્ટીકરણ માગ્યું અને પૂછ્યું કે શું આ રાજદ્વારી પરંપરાની વિરુદ્ધ નથી, તો પ્રવક્તાએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક ભાઈચારાના સંબંધનો હવાલો આપ્યો અને પૂર્વમાં ઓઆઈસીની ભૂમિકાનાં વખાણ કર્યાં, તેમજ તેઓએ એ પણ કહ્યું :

"પાકિસ્તાનના લોકો ઓઆઈસીથી આશા રાખે છે અને તેઓ ઇચ્છે છે કે ઓઆઈસી વૈશ્વિકસ્તરે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ઉજાગર કરવા માટે અગ્રણી ભૂમિકા નિભાવે. અમે તેના માટે કોશિશ ચાલુ રાખીશું અને આશા રાખીએ છીએ કે આ સંબંધમાં સકારાત્મક કાર્યવાહી થશે."

પાકિસ્તાનના સૂચનામંત્રી શિબલી ફરાઝે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશમંત્રીના નિવેદનને તેમનું અંગત મંતવ્ય ન માન્યું અને કહ્યું કે "જો વિદેશનીતિનો કોઈ હેતુ પૂરો ન થતો હોય તો સ્વાભાવિક છે કે તમારે તમારી રણનીતિ બદલવી પડે છે."

તેઓએ આગળ કહ્યું, "કાશ્મીર મામલે અમે જોયું છે કે ઘણા દેશોનાં રાષ્ટ્રીય હિતો અમારાં રાષ્ટ્રીય હિતોને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં તમે એવા દેશોને પસંદ કરો છો, જેનાં રાષ્ટ્રીય હિત તમારાં હિતો સાથે મેળ ખાતાં હોય."

line

સાઉદી અરેબિયા, ભારત અને અમેરિકા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વિશ્લેષક ગના મેહર કહે છે કે કાશ્મીર મામલે સાઉદી અરેબિયા અને ખાસ કરીને મોહમ્મદ બિન સલમાનનો ભારત અને અમેરિકા તરફનો ઝુકાવ સ્પષ્ટ છે અને તે સહેજ પણ હેરાન કરનારી વાત નથી.

તેઓએ બીબીસીને જણાવ્યું, "સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે વેપારી સંબંધ છે, એટલું જ નહીં ભારત સાથે પાકિસ્તાનની તુલનામાં સાઉદી અરેબિયાનો વધુ વેપાર છે."

"હવે દુનિયા મુસ્લિમ સમુદાય અને અન્ય દેશોના બ્લૉક વચ્ચે વિભાજિત નથી. આ એવી દુનિયા છે, જ્યાં દરેક દેશ પોતાનાં રાષ્ટ્રીય હિત માટે નવું ગઠબંધન અને નીતિઓ બનાવી રહ્યું છે."

તેમનું આગળ કહેવું હતું કે "આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાની મુસ્લિમ ઓળખ હવે પવિત્ર સ્થળોના સંરક્ષક થવા સુધી સીમિત થઈ ગઈ છે. મોહમ્મદ બિન સલમાનના શાસનમાં અમેરિકાની સાથે સાઉદી અરેબિયાના સંબંધો અને વેપારી હિત તેમની વિદેશનીતિનો મુખ્ય સ્તંભ છે."

ગના મેહર કહે છે કે પાકિસ્તાને આ સમયે પોતાની નીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે, કેમ કે સાઉદી અરેબિયાને કારણે પાકિસ્તાન ઈરાન જેવા અન્ય દેશો સાથે પોતાના સંબંધોને મહત્ત્વ આપી શકતું નથી.

ગના અનુસાર, પાકિસ્તાને મધ્ય પૂર્વની સમસ્યાની જગ્યાએ પોતાના ક્ષેત્રમાં ઉત્તમ સંબંધ બનાવવાની કોશિશ કરવી જોઈએ.

line

પાકિસ્તાન, ચીન અને ઈરાન

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાનું પાકિસ્તાનના પક્ષમાં ખૂલીને સમર્થન ન કરવું છે.

જોકે ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કહાણી માત્ર કાશ્મીર અંગે નથી અને બંને દેશો વચ્ચે 'અંતર'નું એક કારણ ઈરાનના ચાબહાર પૉર્ટને ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર (CPEC)નો હિસ્સો બનાવવામાં પાકિસ્તાનની ભૂમિકા પણ છે.

પહેલાં ચાબહાર રેલવેપરિયોજનાનું નિર્માણ ભારતના સહયોગથી કરાઈ રહ્યું હતું, પરંતુ હવે ઈરાને રક્ષા અને આર્થિક મહત્ત્વ રાખતી આ પરિયોજનાથી ભારતને અલગ કરી નાખ્યું છે.

હવે ચીન આ રેલવે પ્રોજેક્ટમાં રોકાણ કરશે. પાકિસ્તાન સમજે છે કે આ તેની સુરક્ષા અને ક્ષેત્રમાં તેના વેપાર અને રાજનીતિક હિતોમાં સારું છે.

વિશ્લેષક ડૉક્ટર રિઝવાન નસીરે આ અંગે કહ્યું, "જો પાકિસ્તાને કોશિશ કરી છે કે ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર ઈરાન સાથે જોડાઈ જાય અને ચાબહાર પૉર્ટ પણ સી-પૅક અંતર્ગત આવે તો સાઉદી અરેબિયામાં આના પર પ્રતિક્રિયા જરૂરી છે."

"ઈરાન અને સાઉદી અરેબિયા વૈચારિક વિરોધી છે અને બંને વચ્ચે યમનથી લઈને સીરિયા સુધી ઘણાં પ્રૉક્સી (અપ્રત્યક્ષ યુદ્ધ) ચાલી રહ્યાં છે."

રિઝવાન નસીર આગળ કહે છે કે સાઉદી અરેબિયા અમેરિકાનું સહયોગી છે અને અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધ લાદ્યા છે.

આથી એવી કોઈ પણ પરિયોજના જે ઈરાનને આર્થિક રીતે ફાયદો કરાવે કે ચીનની 'વન બેલ્ટ વન રોડ' પરિયોજનાને મજબૂત કરે છે, તો અમેરિકા પણ તેને નાપસંદ જ કરશે."

તેઓએ કહ્યું, "પાકિસ્તાને આ પગલું સદભાવના અને પોતાના ક્ષેત્રના હિતમાં ભર્યું છે, પરંતુ સાઉદી અરેબિયા અને તેના સહયોગીઓ, અમેરિકા અને ભારત માટે તેને સહન કરવું બહુ મુશ્કેલ છે."

"ખાસ કરીને સાઉદી અરેબિયા માને છે કે પાકિસ્તાન હંમેશાં તેનાં હિતોને પહેલા રાખશે."

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ કારણે જ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે જે ત્રણ અબજ ડૉલર આપ્યા હતા, તેની સમય પહેલાં પરત આપવાની માગ કરી છે. તેમાં પાકિસ્તાને ચીનની મદદથી લગભગ એક અબજ ડૉલર પરત પણ કર્યા છે.

એક અબજ ડૉલર સમય પહેલાં પરત આપવાના સવાલ પર સૂચનામંત્રી શિબલી ફરાઝે બીબીસીને કહ્યું :

"બૅન્કોમાં પડેલા પૈસા તો ગમે ત્યારે પરત કરી શકાય છે. આ સામાન્ય વાત છે. બની શકે કે તેમને (સાઉદી અરેબિયા)ને ખુદને જરૂર હોય. આપણે સકારાત્મક પક્ષ પર નજર રાખવી જોઈએ. હજુ પણ તેણે પૂરા પૈસા પરત લીધા નથી. હજુ પણ અમારી બૅન્કોમાં તેમના પૈસા પડેલા છે."

line

સેનાની કૂટનીતિ

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, KBSALSAUD

ઈ.સ. 2018માં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કરજ ચૂકવવા અને ડિફૉલ્ડર થવાથી બચાવવા માટે 6.2 અબજ ડૉલરનું ઋણ આપ્યું હતું.

કહેવાય છે કે સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને વર્તમાન તણાવ બાદ સેના જ આ મુદ્દાને ઉકેલવા માટે આગળ આવી છે.

સાઉદી રાજદૂતને મળ્યાના થોડા દિવસો બાદ જનરલ બાજવાના સાઉદી અરેબિયાની મુલાકાતના સમાચાર આવ્યા હતા.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર બાબર ઇફ્તિખારે એક પત્રકારપરિષદમાં કહ્યું કે આ મુલાકાત નિયમિત રક્ષા સહયોગ માટે છે અને તેના અંગે વધુ પડતી કોઈ અટકળો લગાવવાની જરૂર નથી.

સૈન્યપ્રવક્તાએ એ પણ કહ્યું કે મુસ્લિમ દુનિયામાં સાઉદી અરેબિયાની ભૂમિકા પર કોઈને પણ શંકા ન થવી જોઈએ.

સેનાના પ્રવક્તાનું કહેવું હતું, "પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના લોકોનું દિલ એકસાથે ધબકે છે અને આ સંબંધો પર સવાલ કરવાનું કોઈ કારણ નથી."

line

'આક્રમક નહીં સન્માનજનક રણનીતિ'

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્લેષકોનું કહેવું છે કે મુસલમાનોના સૌથી પવિત્ર સ્થળ મક્કાસ્થિત 'કાબા' અને મદીનાની મસ્જિદ-એ-નબવીના સંરક્ષક હોવાને કારણે સાઉદી અરેબિયાનું પાકિસ્તાનીઓનાં દિલમાં એક વિશેષ સ્થાન છે અને પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને સાઉદી અરેબિયાએ હંમેશાં સહારો આપ્યો છે.

જોકે યમનથી લઈને સીરિયા સુધી છદ્મયુદ્ધમાં વ્યસ્ત સાઉદી અરેબિયા માટે પાકિસ્તાનની રક્ષાસહાયતા બહુ મહત્ત્વપૂર્ણ છે.

વિશેષજ્ઞોનું એ પણ માનવું છે કે સાઉદી સરકાર તરફથી રચિત સૈન્યગઠબંધનના કમાન્ડરના રૂપમાં પૂર્વ પાકિસ્તાની સેનાપ્રમુખ જનરલ રાહિલ શરીફની નિયુક્તિ આ રક્ષા નિર્ભરતા અને વિશ્વાસનું એક મોટું ઉદાહરણ છે.

વિશેષજ્ઞો અનુસાર, આ કારણે જ પાકિસ્તાન-સાઉદી સંબંધોમાં ઊભરતા આ સંકટને કાબૂમાં લેવા જનરલ બાજવાથી ઉત્તમ ભૂમિકા કોઈ નિભાવી શકતું નહોતું.

આશા રખાય છે કે જનરલ બાજવાની મુલાકાતથી અસ્થાયી રીતે કડવાશમાં કમી આવશે. ઘણા સાઉદી સમર્થક જૂથોએ શાહ મહમૂદ કુરૈશીના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું અને તેમને વિદેશમંત્રાલયથી અલગ કરવાની વાત પણ કહી.

પરંતુ શું આ જીભમાંથી નીકળેલા આવેશપૂર્ણ શબ્દો હતો કે પછી 'ગૂડ કૉપ અને બેડ કૉપ'ની રણનીતિ હેઠળ જાણીજોઈને આપેલું નિવેદન હતું?

વિશ્લેષક ડૉક્ટર રિઝવાન નસીર અનુસાર, "વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી એક અનુભવી રાજનીતિજ્ઞ છે. અને તેમનું નિવેદન, શબ્દોની પસંદગી અને લહેકો અને એટલે સુધી કે સમયની પસંદગી પણ અર્થહીન નહીં પણ જાણીવિચારીને કરેલી હતી."

ગના મેહન કહે છે, "પાકિસ્તાનના રાજનેતાઓ, મદરેસાઓ, ધાર્મિક નેતાઓ અને ખાસ કરીને વહાબી (કુરાને માનવાવાળો એક મુસ્લિમ સંપ્રદાય) પર સાઉદી અરેબિયાનો પ્રભાવ કોઈથી છૂપો નથી."

આથી તેઓ વિચારે છે કે આ એક સમજીવિચારીને કરેલી રાજનીતિ હતી, જે આક્રમક નહીં પણ સન્માનજનક હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો