You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતમાં કોવિડ-19થી થનારાં કેટલાં મૃત્યુની ગણના નથી થતી?
- લેેખક, સૌતિક વિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના વાઇરસથી 51,000થી વધુ મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ રીતે ભારત કોરોના વાઇરસથી થનારા મૃત્યુના હિસાબે દુનિયાનો ચોથો સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ બની ગયો છે.
જોકે ભારતમાં દર 10 લાખ લોકોએ થનારા મૃત્યુની સંખ્યા 34 છે, જે યુરોપ કે ઉત્તર અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુઓના દરથી ઘણી ઓછી છે.
કોવિડ-19 દર્દીઓમાં થનારાં મૃત્યુને માપવાના કેસ ફેટેલિટી રેટ કે સીએફઆર હાલમાં અંદાજે બે ટકા છે.
એટલે સુધી કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મૃતકોનો આંકડો દર 40 દિવસમાં બમણો થઈ રહ્યો છે.
યુવાવસતી ઓછા મૃત્યુદરનું કારણ?
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રૅસિડન્ટ કે. શ્રીનાથ રેડ્ડી જણાવે છે, "કેસની સંખ્યા વધી હોવા છતાં મૃત્યુદર ઓછો થઈ રહ્યો છે."
ઘણા મહામારી વિજ્ઞાનીઓ આ ઓછા મૃત્યુદરનું કારણ દેશની યુવાવસતીને ગણાવે છે.
મોટી ઉંમરના લોકો સામાન્ય રીતે સંક્રમણના હિસાબે વધુ જોખમમાં હોય છે.
આ સ્પષ્ટ નથી કે અન્ય કોરોના વાઇરસોથી થયેલા અગાઉના સંક્રમણોથી પેદા થયેલી ઇમ્યુનિટી જેવાં અન્ય ફૅક્ટર પણ આ ઓછા મૃત્યુદર માટે જવાબદાર છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ આ એવા દક્ષિણ એશિયન દેશોમાં ઓછા મૃત્યુદરની એક જ પૅટર્ન તરફ ઇશારો કરે છે જ્યાં ભારત જેવી યુવાવસતી છે. જોકે બાંગ્લાદેશમાં પ્રતિ 10 લાખે મૃતકોનો આંકડો 22 છે, જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો 28 છે.
ભારત સ્પષ્ટ રીતે યુરોપ અને અમેરિકા કરતાં સારી સ્થિતિમાં છે.
પરંતુ, અસલિયત શું છે?
તેમ છતાં વર્લ્ડ બૅન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુ કહે છે, "આ વાતથી ખુદને સાંત્વના આપવી બેજવાબદારભર્યું ગણાશે."
બસુ કહે છે કે ભૌગોલિક તુલનાઓના મહત્ત્વની સીમાઓ હોય છે.
તેઓ કહે છે, "જેવું તમે આવું કરો કે તમને ખબર પડે કે ભારતમાં કેવી ખરાબ સ્થિતિ છે. ચીનમાં કોવિડ-19થી દર 10 લાખ લોકોએ માત્ર 3નાં મૃત્યુ થયાં છે. દક્ષિણ એશિયામાં ભારતથી ખરાબ સ્થિતિમાં માત્ર અફઘાનિસ્તાન છે. પછી જે રીતે ટ્રેન્ડ આવી રહ્યા છે એ જોતાં ભારત આ મામલે અફઘાનિસ્તાનને પણ પાછળ છોડી દેશે."
પ્રો બસુ કહે છે કે ભારતની ગણતરી એ દેશોમાં થાય છે જ્યાં કોરોનાનો ગ્રાફ નીચે આવી રહ્યો નથી. તેમના અનુસાર, માર્ચના અંતથી લઈને અત્યાર સુધીમાં કેસ અને મૃત્યુમાં ન માત્ર વધારો થયો છે, પણ તેનો દર પણ ઘણો ઊંચો જઈ રહ્યો છે."
શું મૃત્યુને છુપાવાઈ રહ્યાં છે?
વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે ભારતમાં ઓછા મૃત્યુદરથી આખી કહાણીની ખબર પડતી નથી. કેટલાક લોકોનું માનવું છે કે ઘણાં રાજ્યોમાં મોટા પાયે આ મૃત્યુનું રિપોર્ટિંગ થતું નથી.
ઘણાં રાજ્યોમાં ડબલ્યુએચઓના દિશાનિર્દેશોથી ઊલટું શંકાસ્પદ કેસને ગણવામાં આવતા નથી.
બીજું કે કેટલાંક રાજ્યો કોવિડ-19નાં મૃત્યુને દર્દીઓમાં પહેલેથી મોજૂદ બીમારીથી થનારું મૃત્યુ ગણાવે છે. સ્વાસ્થ્ય સંબંધિત મામલાના પત્રકાર પ્રિયંકા પુલ્લાની તપાસ અનુસાર, ગુજરાત અને તેલંગણા મોટા પાયે કેસોને ગણતરીથી બહાર રાખતા જોવા મળે છે.
ગુજરાતના વડોદરામાં ગત બે મહિનામાં મૃત્યુની સંખ્યામાં માત્ર 49 ટકાનો વધારો થયો છે, જ્યારે કેસ 329 ટકાની તેજ ગતિથી આગળ વધી રહ્યા છે.
માત્ર બે ટકા ટેસ્ટથી તસવીર સ્પષ્ટ નહીં
ત્રીજું, કેટલાંક શહેરોમાં સરકારી આંકડા અને સ્મશાનસ્થળ અને કબ્રસ્તાનના આંકડાઓમાં તફાવત જોવા મળે છે.
આથી જે રીતે દેશમાં અંદાજે બે ટકા વસતીના જ ટેસ્ટ થઈ રહ્યા છે એ જોતાં શું ભારતમાં ઘણાં મૃત્યુની નોંધ જ થતી નથી?
સાથે જ ભારતમાં ચારમાંથી એક મૃત્યુનું કારણ જ કાગળોમાં નોંધાય છે. એક દિલ્હી આધારિત થિન્ક ટેન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ઉમેન સી. કુરિયન કહે છે, "ચોક્કસ રીતે મૃત્યુની ઓછી ગણના થઈ રહી છે, કેમ કે આપણે ત્યાં એક નબળી સર્વેલન્સ સિસ્ટમ છે. પરંતુ સવાલ એ છે કે કયા આધારે આપણે ઓછી ગણના કરી રહ્યા છીએ."
યુનિવર્સિટી ઑફ મિશિગનના બાયોસ્ટેટિસ્ટિક્સ અને એપિડેમિયોલૉજીના પ્રોફેસર ભ્રમર મુખરજી કહે છે, "એ જાણ મેળવવી મુશ્કેલ છે કે કયા આધારે મૃત્યુની ઓછી ગણના થઈ રહી છે, કેમ કે તેના કોઈ ઐતિહાસિક આંકડાઓ નથી અને આ અવધિમાં વધુ મૃત્યુની કોઈ ગણના નથી."
મોટાં ભાગનાં મૃત્યુ સામાન્ય સ્તરથી ઉપર મોટા પાયે થયેલાં મૃત્યુ છે. તેમાં કેટલાંક કોવિડ-19ને કારણે થયાં હોઈ શકે છે.
મૃત્યુના પાછલા આંકડા જાહેર કરવાની અરજી
ડૉક્ટરો, રિસર્ચરો અને વિદ્યાર્થી સમેત 230થી વધુ ભારતીયોએ કમસે કમ ત્રણ વર્ષનાં મૃત્યુની જાણકારી જાહેર કરવા અધિકારી સમક્ષ અરજી કરી છે, જેથી વધુ મૃત્યુનું આકલન કરી શકાય.
તેઓ ઇચ્છે છે કે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાની ગણના અલગથી કરાય, જેથી બીમારીઓથી મરનારનો એક સાચો આંકડો મળી શકે.
ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતમાં દોઢ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થાય છે.
મૃત્યુની ઓછી ગણના માત્ર ભારત સુધી સીમિત નથી. જુલાઈમાં 28 દેશોનાં મૃત્યુ આંકડાથી ખબર પડી કે કોવિડ-19થી મૃત્યુ પામનારાઓના નોંધાયેલા આંકડાઓ કરતાં કમસે કમ 1,61,000 વધુ લોકોનાં મૃત્યુ કોરોના વાઇરસના સમયમાં થયાં છે. ભારત આ સર્વેમાં સામેલ નહોતું.
મોબાઇલ કૉલ રેકર્ડથી મળી શકે છે મદદ
યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોના પ્રભાષ ઝા કહે છે, "વધુ આવક અને સારા મેડિકલ સર્ટિફિકેશનવાળા દેશોમાં વિશ્લેષણથી ખબર પડે છે કે રોજ મૃત્યુ પામનારની સંખ્યા 30-60 ટકા સુધી ઓછી ગણાઈ રહી છે.
ઝાએ ભારતના મહત્ત્વાકાંક્ષી મિલિયન ડેથ સ્ટડીનું નેતૃત્વ કર્યું છે. એ દુનિયામાં પ્રીમેચ્યોર મોર્ટેલિટીના સૌથી મોટા સ્ટેડીઝમાંથી એક હતો.
ડૉ. ઝા કહે છે કે ટેલિકૉમ્યુનિકેશન્સ કંપનીઓએ માર્ચથી કૉલ રેકર્ડ ડેટા જાહેર કરવો જોઈએ, જેથી ખબર પડી શકે કે લૉકડાઉનમાં પોતાનાં કામકાજનાં શહેરોથી નીકળીને લાખો ભારતીય ક્યાં ચાલ્યા ગયા.
ટેલિકૉમ્યુનિકેશન્સ ડેટાના ઉપયોગથી સરકાર છુપાયેલા વયસ્કનાં મૃત્યુની ખબર માટે હૉટસ્પૉટ વિસ્તારોમાં ટીમો મોકલી શકે છે.
તેઓ એમ પણ કહે છે કે નગરપાલિકાઓએ પણ બધાં કારણોથી થયેલાં મૃત્યુની સંખ્યાને જાહેર કરવી જોઈએ અને તેના તુલના ગત વર્ષોમાં થયેલાં મૃત્યુથી કરવી જોઈએ.
ડૉ. ઝા કહે છે, "જો ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામેલાની યોગ્ય રીતે ગણના નહીં કરાય તો આ બીમારીનો ગ્રાફ નીચે કેવી રીતે લાવી શકાશે?"
જ્યારે આ મહામારી ખતમ થઈ જશે ત્યારે કોરોના વાઇરસથી થયેલાં મૃત્યુની સંખ્યા જ એકમાત્ર માધ્યમ હશે, જેનાથી ખબર પડશે કે અલગઅલગ દેશોએ આ બીમારી સામે કેવી રીતે લડાઈ લડી અને તેઓ કેટલા સફળ રહ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો