You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન-સાઉદી અરેબિયાની તૂટી રહેલી દોસ્તીમાં ભારત કેમ બની રહ્યું છે ખાસ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાનના આર્મી ચીફે સોમવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અનેક ટોચનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.
કાશ્મીરને લઈને પાકિસ્તાનની નીતિઓને કારણે હાલ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. પાકિસ્તાનના સેનાપ્રમુખની મુલાકાત આ તણાવને ઓછો કરવાની દિશામાં એક પહેલ તરીકે જોવામાં આવે છે.
પાકિસ્તાન ઇચ્છે છે કે વિવાદિત કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયા ભારત પર કડક વલણ અપનાવે.
સાઉદી અરેબિયાએ તાજેતરમાં પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ રોકવાની જાહેરાત કરી હતી જેને લીધે પાકિસ્તાનને મુશ્કેલી પડી શકે છે.
પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે જનરલ કમર જાવેદ બાજવાની સાઉદી મુલાકાત સૈન્ય મામલાઓ સંબંધિત છે. જોકે, પાકિસ્તાનની સેના અને સરકાર સાથે જોડાયેલા અધિકારીઓને ટાંકીને સમાચાર સંસ્થા રૉયટર્સે કહ્યું કે બાજવા સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરશે.
અધિકારીઓનું કહેવું છે કે જો સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપવામાં આવતી મદદને મુદ્દે પોતાનું વલણ ન બદલ્યું તો પાકિસ્તાન સેન્ટ્રલ બૅન્કની વિદેશી મુદ્રાની હાલત ગંભીર થઈ શકે છે.
બાજવાએ સાઉદી અરેબિયાના ઉપ રક્ષામંત્રી ખાલિદ બિન સલમાનની મુલાકાત લીધી છે અને 'બેઉ દેશો વચ્ચે સાઉદી-પાકિસ્તાનના દ્વિપક્ષિય સંબંધો, સૈન્ય સહયોગ અને ક્ષેત્રિય સુધારાઓ પર ચર્ચા કરી. '
આ જાણકારી ખાલિદ બિન સલમાને ટ્વિટર પર આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સલમાને ટ્વિટર પર લખ્યું , ''આજે મેં મારા ભાઈ પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ કમર બાજવા સાથે મુલાકાત કરી. અમે દ્વિપક્ષીય સંબંધો, સૈન્ય સહયોગ અને ક્ષેત્રિય શાંતિ પર સમાન વિચારો અંગે વાત કરી. ''
સાઉદી અરેબિયાના રક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં કહ્યું , "સાઉદી અરેબિયાના સેનાપ્રમુખ મેજર જનરલ ફૈયાદ બિન હમાદ અલ રુવાઇલીએ પાકિસ્તાનના સેનાપ્રમુખનું સ્વાગત કર્યું છે."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''મુલાકાત દરમિયાન સૈન્ય સહયોગ અને સહિયારા હિતો અંગે ચર્ચા થઈ.''
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પારંપરિક રીતે મિત્રદેશો છે. વર્ષ 2018ના અંતમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ત્રણ અબજ ડૉલરનું કરજ આપ્યું હતું અને 3.2 અબજ ડૉલરની તેલ ખરીદીની ગૅરંટી લીધી હતી.
જોકે, પાકિસ્તાને સાઉદી અરેબિયા પર કાશ્મીર મુદ્દે દખલ દેવાનું દબાણ કર્યું એ પછી સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પાસેથી એક અબજ ડૉલરની જલદી વસૂલી કરી છે અને અન્ય એક અબજ ડૉલરનું કરજ જલદી ચૂકવવા માટે કહ્યું છે.
અલબત્ત, સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે જ્યારે આ મામલે સાઉદી સરકારની મીડિયા ઑફિસ પાસેથી ટિપ્પણી માગવામાં આવી તો કોઈ જવાબ નથી આવ્યો.
પાકિસ્તાનની સરખામણીમાં ભારત-સાઉદી અરેબિયા વચ્ચે વ્યાપક વેપાર
સાઉદી અરેબિયાએ તેલની ખરીદી માટે કરજની પાકિસ્તાનની વિનંતીને પણ અવગણી દીધી છે.
સૈન્ય અને નાણા મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી રૉયટર્સને આપી હતી.
પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ''મને લાગે છે કે અમારો હેતુ અમારી વિદેશનીતિમાં કોઈ બદલાવ નથી આવ્યો એ સાઉદી અરેબિયાને સમજાવવાનો છે. ''
ભારત અને પાકિસ્તાન બેઉ સમગ્ર કાશ્મીર પર પોતાનો દાવો કરે છે. આ સમયે આ વિવાદિત ક્ષેત્ર બેઉ દેશો વચ્ચે વિભાજિત છે અને એના પર બેઉ દેશોનું પોતપોતાનું નિયંત્રણ છે. કાશ્મીર પર પૂર્ણ નિયંત્રણને લઈને બેઉ દેશો ત્રણ યુદ્ધ લડી ચૂક્યાં છે.
પાકિસ્તાને અનેક વાર માગણી કરવા છતાં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કંટ્રીઝ યાને કે ઓઆઈસીએ અત્યાર સુધી કાશ્મીર મામલે સામાન્ય વાત જ કરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરીને સાઉદી અરેબિયા ભારત સાથેના પોતાના વેપારી હિતોને પ્રભાવિત કરવા નથી માગતું.
પાકિસ્તાન અને ચીનના ઇકોનૉમિક કૉરિડોરમાં પોતાના લાંબા સમયના પ્રતિદ્વંદી ઈરાનની ભાગીદારી પણ સાઉદી અરેબિયાને ચિંતિત કરી શકે છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનો કારોબાર 3.6 અબજ ડૉલરનો છે જ્યારે ભારત અને સાઉદી અરેબિયા 27 અબજ ડૉલરનો વેપાર કરે છે. આ સ્થિતિમાં સાઉદી અરેબિયા પાકિસ્તાન માટે ભારતને નારાજ ભાગ્યે જ કરી શકે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ તાજેતરમાં એવું કહ્યું હતું કે જો સાઉદી અરેબિયા કાશ્મીરને મુદ્દે બેઠક નથી બોલાવતું તો પાકિસ્તાન અન્ય ઇસ્લામિક દેશો સાથે મળીને આ મુદ્દે વાત કરશે.
પાકિસ્તાનની મુશ્કેલી કે નબળાઈ?
ગત વર્ષે પાકિસ્તાન ઇસ્લામિક દેશોના એક સમૂહમાંથી સાઉદી અરેબિયાના કહેવાથી પાછળ હઠી ગયું હતું.
સાઉદી અરેબિયાએ આ સમૂહને ઓઆઈસીમાં પોતાનાં નેતૃત્ત્વ સામે પડકાર માન્યો હતો.
જનરલ કમર બાજવાની અગાઉ સાઉદી અરેબિયાની મુલાકાત પાકિસ્તાનના પ્રભાવશાળી ધર્મગુરૂ હાફિજ તાહિર અશરફીએ કરી છે. એમનું કહેવું છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ઉત્સાહની આશા છે.
એમણે કહ્યું કે, સાઉદીના શાહ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો પાકિસ્તાન સાથેના સંબંધ ખૂબ જૂનો ઇતિહાસ છે.
અશરફી રૉયટર્સને કહ્યું કે 'અમે સામસામે છીએ એવું કહી દેવામાં આવે એવી ખરાબ સ્થિતિ છે એમ મને નથી લાગતું. '
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત તરીકે કામગીરી કરનાર હુસૈન હક્કાનીએ ટ્વિટર પર સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંબંધો પર આવેલા તણાવ વિશે લખ્યું છે. એમણે કહ્યું કે, 'સાઉદી પર હુમલો કરતાં અગાઉ એમની પાસેથી લીધેલી મદદ અંગે વિચારવું જોઈતું હતું.'
એમણે લખ્યું કે ''આપણે બસ એમ કહેતાં રહીએ છીએ કે અમેરિકાએ બરબાદ કરી દીધાં, સાઉદીએ બરબાદ કરી દીધાં. આપણે આર્થિક મદદ માટે મોં તાક્યા કરીએ છીએ અને લઈએ છીએ. ''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો