ફેસબુક વિવાદ : FBએ શું ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ફેસબુક હાલમાં ભારતમાં રાજકીય વિવાદોમાં ફસાયું છે.

અમેરિકાના અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત અહેવાલ મુજબ ફેસબુકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વૈચારિક રીતે સંઘની નજીક મનાતા સત્તાપક્ષ ભાજપને મદદ કરી છે.

હવે વિપક્ષ આ મુદ્દાને લઈને આક્રમક બની ગયો છે.

શુક્રવારે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં છપાયેલા એક અહેવાલમાં ફેસબુકના અમુક તાજેતરના અને અમુક તત્કાલીન કર્મચારીઓના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો હતો.

દાવા અનુસાર ફેસબુકે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની હેટ સ્પીચ અને કોમી પોસ્ટને નજરઅંદાજ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપની માલિકી પણ ફેસબુક પાસે જ છે.

નિષ્પક્ષતા મામલે ફેસબુક પર સવાલ

વિશ્લેષકોનું માનવું છે કે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ તરફથી ફેસબુક પર લગાવવામાં આવેલા આરોપ બાદ તેની નિષ્પક્ષતાને લઈને સવાલો થઈ રહ્યા છે.

આ સવાલોને પગલે ભારતનાં 2014 અને 2019ના ચૂંટણી અભિયાનોને પણ શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યાં છે. આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી.

વરિષ્ઠ પત્રકાર અને લેખક પરંજોય ગુહા ઠાકુરતાનાં ગત વર્ષે આવેલાં પુસ્તકમાં ફેસબુક અને ભાજપના સંબંધોની તપાસ કરવામાં આવી છે.

ઠાકુરતા કહે છે કે તેમને વિશ્વાસ છે કે ફેસબુક અને વૉટ્સઍપે ગત બે લોકસભા ચૂંટણીઓને પ્રભાવિત કરી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલથી ભારતમાં ફેસબુકની ભૂમિકા અંગે તેમની તપાસની ખાતરી થઈ ગઈ છે.

તેઓ ઉમેરે છે, “ભારતમાં 40 કરોડ ફેસબુક યુઝર્સ છે અને 90 કરોડ મતદારો. દેશમાં ચૂંટણી પહેલાં, દરમિયાન અને બાદમાં પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ થવા દેવાયો.”

“લોકોએ કોને મત આપ્યો અને કેવી રીતે મત આપ્યો તેની પર નિશ્ચિત રીતે અસર રહી.“

“સંક્ષેપમાં કહીએ તો આજની તારીખમાં ફેસબુક અને વૉટ્સઍપ જેવી રીતે કામ કરી રહ્યું છે તેનો ખતરો ન માત્ર ભારત પરંતુ વિશ્વના લોકતંત્ર પર મંડરાઈ રહ્યો છે."

ફેસબુકની બેવડી નીતિ?

આલોચકોનું કહેવું છે કે ફેસબુક અલગ-અલગ દેશો માટે અલગ-અલગ નિયમો અને ગાઇડલાઇન્સ બનાવે છે.

ફેસબુક બીજા દેશોમાં સત્તાધારી પાર્ટીઓ સામે પોતાનાં હથિયારો નાખી દે છે અને જ્યાં તેનું મુખ્યાલય છે ત્યાંનાં રાજકારણથી દૂર રહે છે. આ તેની બેવડી નીતિ છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપ કર્યો છે કે તે ફેસબુક અને વૉટ્સઍપને નિયંત્રિત કરી રહી છે.

રાહુલ ગાંધીએ સંસદની સંયુક્ત કમિટી પાસે આ મુદ્દે તપાસ કરાવવાની માગણી કરી છે.

પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં મંત્રી રવિશંકર પ્રસાદે સરકારનો બચાવ કરતા કહ્યું કે આ પ્લૅટફૉર્મ્સને નિયંત્રિત કરવામાં તેમની સરકારની કોઈ ભૂમિકા નથી.

પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું, “જે લૂઝર ખુદ પોતાની પાર્ટીનાં લોકોને પણ પ્રભાવિત નથી કરી શકતા તેઓ એવું કહે છે કે આખી દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરે છે.”

અમેરિકા સ્થિત મુખ્યાલયથી ફેસબુકે એક નિવેદન જાહેર કરી તમામ આરોપોનું ખંડન કર્યું છે.

નિવેદનમાં તેણે કહ્યું, “અમને ખ્યાલ છે કે આ દિશમાં હજુ પગલાં લેવા પડશે. પરંતુ અમે અમારી પ્રક્રિયાને સતત ઑડિટ કરતા રહીએ છીએ અને તેને લાગુ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે જેથી અમારી નિષ્પક્ષતા અને ચોક્કસાઈ પર આંચ ન આવે.”

ફેસબુક અને ભાજપના સંબંધોની તપાસ

ફેસબુક અને ભાજપના સંબંધો મુદ્દે ઠાકુરતા કહે છે, “ગત વર્ષે મેં જ્યારે ફેસબુક અને ભાજપના સંબંધો ઉપર પુસ્તક લખ્યું તો મીડિયાએ તેને નજરઅંદાજ કર્યું. હવે જ્યારે એક વિદેશી અખબારે આ મુદ્દો ઉઠાવ્યો તો મીડિયાને તેમાં ખૂબ જ રસ પડી રહ્યો છે.”

ઠાકુરતાએ બીબીસીને જણાવ્યું કે ફેસબુક અને મોદીના પક્ષની મિત્રતા ખૂબ જૂની છે. આ મિત્રતા મોદી માટે સત્તાની સીડી સાબિત થનાર 2014ની લોકસભાની ચૂંટણી પહેલાંની છે.

તેમણે ઉમેર્યું, “2013માં જ્યારે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી જ ફેસબુક અને ભાજપ વચ્ચે સારા સંબંધો બની ગયા હતા. મેં લખ્યું છે કે કેવી રીતે ફેસબુકના ઉચ્ચ અધિકારીઓએ ભાજપના આઈટી સેલ અને સોશિયલ મીડિયા વિંગ અને પીએઓમાં મોદીના નજીકના લોકો સાથે મળીને કામ કર્યું.”

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ ફેસબુકના એક ઉચ્ચ અધિકારીના હવાલાથી કહ્યું છે કે જો આ પ્લૅટફૉર્મ હેટ સ્પીચ અને અન્ય નિયમોના ઉલ્લંઘન પર ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ઘ પગલાં લેત તો દેશમાં કંપનીની કારોબારી સંભાવનાઓને નુકસાન પહોંચી શક્યું હોત.

આ અહેવાલમાં લખ્યું છે કે ફેસબુક પાસે ભાજપનો સાથ દેવાની એક ‘વિસ્તૃત પૅટર્ન‘ છે. પરંતુ ભાજપ આ આરોપોનું ખંડન કરી રહ્યું છે.

ફેસબુકથી લોકતંત્રને ખતરો?

અમેરિકા અને યુરોપના નેતાઓએ લોકતંત્રના સિદ્ધાંતોને કથિત રીતે નુકસાન પહોંચાડવા બદલ ફેસબુક અને અન્ય પ્લૅટફૉર્મ્સને શંકાના ઘેરામાં લીધાં છે.

બ્રિટનમાં હ્યુમન રાઇટ્સ કમિટીના અધ્યક્ષ હૈરિયટ હરમનનું કહેવું છે, “સામાન્ય રીતે સાંસદ એવું માની રહ્યા છે કે સોશિયલ મીડિયા જે પણ કરી રહ્યું છે તેનાથી લોકતંત્રને નુકસાન પહોંચી રહ્યું છે.”

આ પ્રકારના ઘણા મામલાઓ ચારેય તરફથી ફેસબુક અને વૉટ્સઍપ પર તેની કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવાનું દબાણ કરી રહ્યા છે.

ટ્વિટર પર લોકો ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને સલાહ આપી રહ્યા છે કે તેઓ ભારતમાં કંપનીની ગરબડને સુધારે. જોકે ગરબડ કરવાનો આરોપ તો ટ્વિટર ઉપર પણ છે.

ગત દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ સામે કોઈ કાર્યવાહી ન કરવા પર ઝકરબર્ગની ટીકા થઈ હતી.

ફેસબુક સાથે પ્રાથમિક સમયમાં કામ કરી ચૂકેલા 30 કર્મચારીઓએ જાહેર રીતે એક પત્ર લખીને કહ્યું હતું કે ટ્રમ્પની પોસ્ટને ન મૉડરેટ કરવાનો ફેસબુકનો નિર્ણય બરાબર નહોતો. આ પત્રમાં ફેસબુક પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લાગ્યો હતો.

‘સોશિયલ મીડિયોનો ઉદ્દેશ્ય માત્ર પૈસાની કમાણી’

ઠાકુરતાનું કહેવું છે કે સોશિયલ મીડિયાનો રાજકીય કે અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી હોતો. તેનો ઉદ્દેશ્ય માત્ર ‘નફો અને પૈસા કમાવવાનો હોય છે’.

ફેસબુકે હાલમાં જ રિલાયન્સ જિઓ પ્લૅટફૉર્મમાં 43,575 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જેથી ભારતમાં તેનો વિસ્તાર વધી શકે.

યુઝર્સની દૃષ્ટિએ ફેસબુકનું સૌથી મોટું બજાર ભારત છે. દેશમાં 1.3 અબજની વસતિમાંથી 25 ટકા લોકો ફેસબુકના યુઝર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો