You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેસબુકે ભાજપ સાથે 'મીલિભગત'ના આરોપ પર આપ્યો આ જવાબ
ફેસબુક પર રવિવારે આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફેસબુક ભારતના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને કાર્યકરોનાં 'નફરત ફેલાવતાં ભાષણ' પર નરમ વલણ રાખે છે.
આ સમગ્ર મામલા પર ફેસબુકે કહ્યું છે કે 'હેટ સ્પીચ' વિરુદ્ધ તેમની નીતિ સ્વતંત્ર છે અને એને કોઈ પક્ષ કે વિચારધારા પ્રત્યે નરમાશ કે ગરમી સાથે સંબંધ નથી.
ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, "અમે નફરત ફેલાવતાં ભાષણોને રોકીએ છીએ. આ અંગે અમારી એક વૈશ્વિક નીતિ છે અને એને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંબંધ નથી. આ અંગે વધારે કામ કરવાની જરૂર છે. આ મામલામાં અમે નિષ્પક્ષતાથી કામ કરી રહ્યા છીએ."
શું છે આખો વિવાદ?
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વૉલ સ્ટ્રીટ જનરલે હાલમાં જ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેનું શિર્ષક હતું, 'ફેસબુક હેટ સ્પીચ રૂલ્સ કૉલાઇડ વિધ ઇન્ડિયન પૉલિટિક્સ.'
આ લેખમાં દાવો કરાયો હતો કે ફેસબુક, શાસક ભાજપ સંબંધિત નેતાઓની હેટ-સ્પીચના મામલે ઢીલું વલણ દાખવે છે. રિપોર્ટમાં તેલંગણાથી ભાજપના સાંસદ ટી. રાજાસિંહની એક પોસ્ટને ટાંકવામાં આવી હતી, જેમાં તેમણે લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને સમર્થન આપ્યું હતું.
રિપોર્ટમાં મામલાની જાણકારી રાખનારા ફેસબુકના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ સાથેની વાતચીતના આધારે કેટલીય વાતો લખવામાં આવી છે.
જેમાં દાવો કરાયો હતો કે ફેસબુકના ઇન્ટરનલ સ્ટાફે નક્કી કર્યું હતું કે પૉલિસી અંતર્ગત રાજાને બૅન કરી દેવા જોઈએ.
જોકે, ભારતમાં ફેસબુકનાં ટોચના અધિકારી અનખી દાસે શાસક ભાજપના નેતાઓ પર હેટ-સ્પીચ રૂલ્સ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો એ પણ જાણવું જરૂર છે કે ફેસબુક પોસ્ટ અને કન્ટેન્ટને લઈને એક કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ પણ બનાવેલું છે.
આ સ્ટાન્ડર્ડ અનુસાર ફેસબુક દાવો કરે છે કે લોકોને ધમકાવનારા વિચાર અભિવ્યક્તિ કરવાથી લોકોમાં ડર, અલગાવ કે ચૂપ રહેવાની ભાવના આવી શકે છે અને ફેસબુક આ રીતની વાતોની મંજૂરી આપતું નથી.
ફેસબુક પોતાની ગાઇડલાઇનમાં એ પણ કહે છે કે કેટલાક કિસ્સાઓમાં કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડની વિરુદ્ધના કન્ટેન્ટની પરમિશન આપે છે, એ શરતે કે એ સાર્વજનિક હિતનો મામલો હોય અને એવા નિર્ણયોની પહેલાં આંતરરાષ્ટ્રીય માનવાધિકારોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
વૉલસ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, ફેસબુક ઇન્ડિયાનાં પબ્લિક પૉલિસી ડાયરેક્ટર અનખી દાસે સ્ટાફને કહ્યું કે ભાજપ નેતાઓની પોસ્ટ પર કાર્યવાહી કરવાથી દેશમાં કંપનીને નુકસાનના ધંધાને નુકસાન થશે.
અનખી દાસનાં બહેન રશ્મિ દાસ જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલાં છે.
રશ્મિ દાસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી જવાહરલાલ નેહુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘના ઉમેદવાર તરીકે 1996માં મહાસચિવ તરીકે પસંદ થયાં હતાં.
રિપોર્ટ છપાતા રાજકારણ ગરમાયું
અમેરિકાના એક પ્રમુખ અખબારના તાજેતરના રિપોર્ટને ટાંકીને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વૉટ્સઍપનું નિયત્રણ કરે છે અને નફરત ફેલાવે છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને સંચાર, ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી પ્રૌદ્યોગિકીના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ આરોપનો આકરા શબ્દોમાં જવાબ આપ્યો.
પ્રસાદે ટ્વીટ કર્યું, "જે લૂઝર પોતાના પક્ષમાં પણ લોકોને પ્રભાવિત નથી કરી શકતા તેઓ આ વાતને ટાંકતા રહે છે કે આખી દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરી રહ્યા છે."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર તેને લઈને નિશાન સાધ્યું છે.
જોકે રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર જૂના આરોપોને ગણાવીને કહ્યું કે "ચૂંટણી પહેલાં ડેટાને હથિયાર બનાવવા માટે કેમ્બ્રિજ ઍનાલિટિકા અને ફેસબુક સાથે તમારી સાઠગાંઠ રંગેહાથ ઝડપાઈ હતી અને હવે તમારી હિંમત અમને સવાલ કરવાની થઈ ગઈ છે?"
રવિશંકર પ્રસાદે ઊલટું રાહુલ ગાંધીને એ પણ સવાલ કરી નાખ્યો કે આખરે રાહુલ ગાંધીએ બેંગલુરુ હિંસાની નિંદા કેમ ન કરી.
તેઓએ કહ્યું, "સાચું તો એ છે કે આજે માહિતી સુધી પહોંચ અને અભિવ્યક્તિની આઝાદીનું લોકતાંત્રીકરણ થઈ ગયું છે. તેને હવે તમારા પરિવારના સેવક નિયંત્રિત નથી કરતા એટલે તમને દર્દ થાય છે. આમ પણ હજુ સુધી બેંગલુરુ હિંસાને લઈને તમારી નિંદા સાંભળી નથી. તમારી હિંમત ક્યાં ગાયબ થઈ ગઈ?"
કૉંગ્રેસે જેપીસી તપાસની માગ કરી ફેસબુકમાં આ ગંભીર આરોપ લગાવતી રિપોર્ટ પર તેજ થયેલી ચર્ચા વચ્ચે કૉંગ્રેસ નેતા અજય માકને રવિવારે એક પત્રકારપરિષદ કરી હતી.
જેમાં તેઓએ ફેસબુક અને વૉટ્સઍપ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફોર્મની સંયુક્ત સંસદીય સમિતિ પાસેથી તપાસની માગ કરી છે.
તેઓએ કહ્યું કે આ વાતની તપાસ થવી જોઈએ કે શું આ પ્લૅટફોર્મ ચૂંટણી દરમિયાન ભાજપની મદદ કરતું હતું.
તેઓએ ફેસબુક મુખ્યાલયથી પણ વૉલસ્ટ્રીટ જનરલની સ્ટોરીને ધ્યાનમાં લેતાં તપાસ કરવાની માગ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો