યુપી : 13 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર, ખેતરમાંથી મળ્યો મૃતદેહ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં 13 વર્ષની એક દલિત કિશોરી પર બળાત્કાર કર્યા બાદ નિર્દયતાપૂર્વક હત્યા કરીને મૃતદેહને શેરડીના ખેતરમાં ફેંકી દેવાની ઘટના ઘટી છે.
પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.
લખીમપુર ખીરીના પોલીસ અધિક્ષક સત્યેન્દ્ર કુમારે બીબીસીને જણાવ્યું, "ઈસાનગર ચોકીક્ષેત્રના પકરિયા ગામમાં આ ઘટના ઘટી છે."
"કિશોરી શુક્રવારે બપોરે શૌચ માટે નીકળી હતી પણ જ્યારે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ પોલીસને જાણ કરી."
"પરિવારજનો સાથે પોલીસે તપાસ શરૂ કરી તો કિશોરીનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોનો માગને આધારે ફરિયાદ દાખલ કરાઈ છે. પકરિયા ગામમાં રહેતા બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
એસ.પી. સત્યેન્દ્ર કુમારે જણાવ્યું પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કિશોરી સાથે બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે કિશોરીનો મૃતદેહ ક્ષત-વિક્ષત સ્થિતિમાં મળી આવ્યો હતો અને બળાત્કાર બાદ તેની સાથે બર્બરતા આચરવામાં આવી હતી.
પરિવારજનોનું કહેવું છે કે કિશોરીની આંખો પર ઘા હતા. ગળામાં એનો દુપટ્ટો કસાયેલો હતો અને બન્ને પગ બંધાયેલા હતા.
જોકે, પોલીસે પરિવારજનોના આ આરોપોનું ખંડન કર્યું છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ઘા અને ઉઝરડાનાં નિશાન ચોક્કસથી છે જોકે, 'આંખો કાઢી લેવી' કે 'જીભ કાપી લેવી' જેવી વાતો સામે નથી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ.પી.એ જણાવ્યું કે પોલીસે આરોપીઓને ગૅંગરેપ અને હત્યાના આરોપમાં ધપકડ કરી છે. તેમના વિરુદ્ધ એનએસએ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાશે.

આ મામલે યુપીનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.
તેમણે ટ્વીટ કર્યું, "યુપીના લખીમપુર ખીરીના એક ગામમાં દલિત સગીરા પર બળાત્કાર અને બાદમાં નૃશંસ હત્યા અત્યંત દુઃખદ અને શરમજનક છે."
"આવી ઘટનાઓથી સપા અને વર્તમાન સરકારમાં શું અંતર રહ્યું? સરકાર આઝમગઢ સાથે જ ખીરીના દોષિતો વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરે, બીએસપીની આ જ માગ છે."
ગત સપ્તાહે દિલ્હીને અડીને આવેલા હાપુડમાં પણ છ વર્ષની એક બાળકી પર બળાત્કારની ઘટના ઘટી હતી. પોલીસે આ મામલે રવિવાર સવારે એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું, "દલપત નામના આ આરોપીને તપાસ માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોલીસકર્મીઓની પિસ્તોલ આંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો."
"પોલીસ દ્વારા કરાયેલી જવાબદી કાર્યવાહીમાં તેના પગમાં ગોળી વાગી છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરાવાયો છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












