ગુજરાતમાં રૂપાણી સરકારની નવી ઔદ્યોગિક નીતિ નવી રોજગારી સર્જી શકશે?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, vijay Rupani/fb

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરાઈ. નવી ઔદ્યોગિક નીતિમાં રાજ્યમાં નવા ઉદ્યોગો માટે જમીન, ઉદ્યોગોને સબસિડી તથા મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને અનુલક્ષીને કેટલીક જાહેરાતો કરાઈ છે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ નીતિનો ઉદ્દેશ ગુજરાતના ઉદ્યોગોને ફરીથી ઊર્જાવાન બનાવવાનો છે.

તેમણે આ નીતિ વિશે આગળ વાત કરતાં કહ્યું હતું, "ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત આવનારા સમયમાં રાજ્યમાં વધુ નોકરીઓનું નિર્માણ, ઉત્પાદનવૃદ્ધિ અને ઉદ્યોગો માટે અનુસંધાનપ્રેરિત ઇકૉસિસ્ટમનું નિર્માણ જેવા મુદ્દા કેન્દ્રમાં હશે, જેથી 'આત્મનિર્ભર ગુજરાત' બનાવવાનો હેતુ પાર પાડી શકાય."

આ તમામ હેતુઓની સિદ્ધિ માટે નવી ઔદ્યોગિક નીતિ કેટલી અસરકારક નીવડશે જાણવા માટે અમે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.

તે પહેલાં જાણીએ ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિની કેટલીક જાહેરાતો વિશે.

line

ગુજરાત ઉદ્યોગનીતિ 2020ની જાહેરાતો

  • ગુજરાતની નવી ઉદ્યોગનીતિ પ્રમાણે મોટા ઉદ્યોગોને મળતા સ્ટેટ GST વળતરના લાભો રદ કરી તાલુકાની કૅટગરી પ્રમાણે રોકાણ સામે ઓછામાં ઓછા ચાર ટકાથી માંડી મહત્તમ 12 ટકા રોકડ સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પછાત તાલુકામાં વધુ અને વિકસિત તાલુકામાં ઓછી સબસિડી અપાશે. આ કૅશ સબસિડી મહત્તમ 40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
  • નવા ઉદ્યોગોને પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં માફીની યોજના યથાવત્ રાખવાની જાહેરાત કરાઈ છે.
  • સરકારી જમીન ઉદ્યોગોને 50 વર્ષ સુધીની સમયમર્યાદા માટે ભાડાપટે આપી શકાશે, આ જાહેરાત અંતર્ગત આવી રીતે ભાડે અપાયેલ જમીનના બજારમૂલ્યના 6 ટકા જેટલું ભાડું વસૂલવામાં આવશે.
  • ગુજરાત સરકારે નવી ઉદ્યોગનીતિ અંતર્ગત કોરોનાની મહામારી અને અન્ય કારણોથી ખાસ કરીને ચીન અને વિશ્વના અન્ય દેશોમાંથી ગુજરાતમાં પોતાના ઉદ્યોગ ખસેડવા માંગતા એકમોને ખાસ સહાય કરવાની જાહેરાત કરી છે.
  • મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્સાહન આપવા ધિરાણના 25 ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે, જેની મહત્તમ મર્યાદા 35 લાખ રૂપિયા હશે.
  • મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નૉલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં સરકાર દ્વારા આ હેતુ માટે થયેલ ખર્ચના 65 ટકા સુધીની સહાય કરવાની જાહેરાત કરી છે. આવી સહાયની મહત્તમ મર્યાદા 50 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.
  • સ્ટાર્ટઅપ માટે સીડ કૅપિટલની સહાય 10 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરી દેવાઈ છે.
  • ખાનગી ડેવલપરોને ખાનગી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે મૂડીરોકાણના 25 ટકાની સહાય મહત્તમ 30 કરોડની મર્યાદામાં કરાશે.
  • આ સિવાય નવી નીતિમાં થ્રસ્ટ સૅક્ટરનું કૉર સૅક્ટર અને સનરાઇઝ સૅક્ટર એવાં બે જૂથોમાં વિભાજન કરાયુ છે. જે પૈકી કૉર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઑટોમોટિવ, સિરામિક, ટેક્સટાઇલ, ફાર્મા, ઍગ્રોફૂડ, કેમિકલ વગેરે સામેલ હશે. જ્યારે સનરાઇઝ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો, વૅસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી મટિરિયલ તેમજ સોલર-વિન્ડ ઇક્વિપમેન્ટ સામેલ હશે.
  • નવી નીતિમાં થ્રસ્ટ સૅક્ટરમાં આવતા ઉદ્યોગોને વિશેષ સહાય કરવાની જાહેરાત કરાઈ છે.
  • કામદારોના કૌશલ્યવર્ધન માટે પ્રતિ વ્યક્તિ અને ટ્રેનિંગ કોર્સ દીઠ 15 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરાઈ છે.
line

રોજગારીસર્જન માટે કારગત નીવડશે નવી ઔદ્યોગિક નીતિ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયેલ દાવા અનુસાર ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ રોજગારીસર્જનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે કે કેમ તે અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક સબેશ્ચિયન મોરિસ સાથે વાત કરી.

તેઓ રાજ્યની નવી નીતિ નવીન રોજગારીસર્જન માટે વધુ અસરકારક નહીં નીવડે તેવો મત વ્યક્ત કરતાં જણાવે છે :

"કોઈ પણ રાજ્યે રોજગારીસર્જન માટે જાહેરખર્ચ વધારવો પડે, પરંતુ ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આ દિશામાં પૂરતાં પગલાં નથી લેવાયાં. નીતિનિર્ધારણ એ લાંબાગાળાના વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ શકે, પરંતુ હાલના સમય પ્રમાણે અર્થતંત્રની સમસ્યાઓ નીવારવા માટે ટૂંકાગાળાના ઉપાયો પ્રયોજવાની જરૂર છે, જેમાં જાહેરખર્ચ વધારવાની જરૂર છે. જો આવું નહીં કરાય તો આ તમામ નીતિઓ માત્ર કાગળ પર જ રહી જશે."

અર્થશાસ્ત્રી સુનિલ પારેખ પણ માને છે કે રોજગારીસર્જન મુદ્દે હાલની કોરોનાની પરિસ્થિતિને જોતાં ટૂંકા ગાળામાં ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ કારગત નહીં નીવડે.

જોકે, તેઓ આ નીતિ અંગેનો આશાવાદ વ્યક્ત કરતાં કહે છે કે, લાંબાગાળે આ નીતિ નવીન રોજગારીસર્જન ક્ષેત્રે ચોક્કસ અસરકારક સાબિત થશે.

આ મુદ્દે વધુ વાત કરતાં તેઓ જણાવે છે કે, "હાલ ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહનોની એટલા માટે ઓછી અસર રહેશે, કારણ કે હાલ અર્થતંત્રમાં મોટા ભાગનાં ઉત્પાદનોની વધુ માગ નથી. જો માગ વધે તો જ નવીન રોજગારીસર્જન શક્ય છે. હાલ લોકો માત્ર જીવનજરૂરી વસ્તુઓ ખરીદી રહ્યા છે અને અન્ય વસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે, જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી નવીન રોજગારીસર્જનના મોરચે વધુ સફળતા હાંસલ કરવામાં આ નીતિ સફળ નહીં રહી શકે."

હાલ પ્રવર્તી રહેલી આર્થિક સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર પર વધુ જવાબદારી હોવાની વાત કરતાં પ્રોફેસર મોરિસ જણાવે છે કે, "હાલની આર્થિક સમસ્યાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય અને પૂરતા ઉપાય કરવામાં આવે તે જરૂરી છે."

"જ્યાં સુધી કેન્દ્ર સરકાર રાજ્યોને પોતાના જાહેરખર્ચમાં વધારો કરવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી રાજ્યો ખર્ચમાં વધારો કરવાના નથી. હાલ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને GDPના 0.5 ટકા જેટલો જાહેરખર્ચ કરવાની અને પરવાનગી અપાઈ છે, જો આ પ્રમાણમાં વધારો નહીં કરવામાં આવે તો નવીન રોજગારીસર્જનનો હેતુ ક્યારેય સિદ્ધ નહીં થઈ શકે."

જોકે, તેઓ સ્પષ્ટપણે માને છે કે અત્યારની પરિસ્થિતિમાંથી બહાર નીકળી નવીન રોજગારીસર્જન પૂરતા પ્રમાણમાં થાય એ જોવાની વધુ જવાબદારી કેન્દ્ર સરકારના નાણાખાતા અને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની છે.

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ રાજ્યમાં રોજગારનિર્માણ માટે કેટલી અસરકારક નીવડશે?

આ પ્રશ્ન અંગે પોતાનો મત સ્પષ્ટ કરતાં સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટિવ્સનાં ડાયરેક્ટર અને પ્રોફેસર ઇંદિરા હિર્વે જણાવે છે :

"આ નવી ઔદ્યોગિક નીતિ રાજ્યમાં નવી રોજગારી પેદા નહીં કરી શકે. કારણ કે હાલ રાજ્યમાં MSMEની પરિસ્થિતિ ખરાબ છે. આ સ્થિતિને સુધારવા માટે બજારમાં માગ સર્જાય એ જરૂરી છે. જો બજારમાં પૂરતી માગનું સર્જન નહીં થાય તો ન તો MSMEની પરિસ્થિતિ સુધરશે કે ન તો નવી રોજગારીનું નિર્માણ શક્ય બનશે."

આ સિવાય તેઓ માને છે કે, નવી ઔદ્યોગિક નીતિમાં ઔદ્યોગિક કામદારોની પરિસ્થિતિ સુધરે એ દિશામાં પણ બિલકુલ ધ્યાન અપાયું નથી.

line

MSMEના પુનરુત્થાનમાં કેટલો ભાગ ભજવી શકશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકાર દ્વારા વર્તમાન ઔદ્યોગિક નીતિમાં MSME માટે જાહેર કરાયેલ નાણાકીય સહાય યોજનાઓની અર્થતંત્ર પરની અસર વિશે વાત કરતાં પ્રોફેસર મોરિસ જણાવે છે :

"MSMEને વધુ ધિરાણ અને સહાય માટેની જોગવાઈ કરવાથી લાંબા ગાળે તેનાં સારાં પરિણામ જરૂર મળી શકશે, પરંતુ ટૂંકા ગાળામાં આ પગલાથી કોઈ ફેર પડવાનો નથી."

"લાંબા ગાળામાં આ નીતિ ફાયદાકારક સાબિત થાય તે માટે તેમાં કેટલાક મુદ્દા ઉમેરવાની જરૂર છે. આ નીતિ હાલ તબક્કે મેક્રૉઇકૉનોમિક્સના કેટલાક મુદ્દા નથી આવરતી. જેમ કે, લાંબા ગાળામાં વ્યાજદરને ઘટાડવાની જરૂર છે, વિનિમયદરમાં સુધારો લાવવો જોઈએ, ચીન અને અન્ય દેશો સાથેની સ્પર્ધાને લગતા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની દિશામાં કામ થવું જોઈએ."

"અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ગમે તે વસ્તુની આયાત સરળતાથી કરી શકે છે, આ કારણે ગુજરાતમાં MSME પર વધુ દબાણ સર્જાયું છે, જેથી આ ક્ષેત્રના એકમોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે."

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિની MSMEના વિકાસ પર પડનારી અસરો અંગે વાત કરતાં અર્થશાસ્ત્રી ડૉ. જયનારાયણ વ્યાસ જણાવે છે કે, "આ માત્ર નીતિ છે, જે એક ચોક્કસ દિશામાં આગળ વધવા માટેનું વિઝન છે, પરંતુ આ વિઝન કેટલું અસરકારક નીવડશે એ હવે પછીના સમયમાં તેના અમલીકરણ અંગેની વ્યવસ્થાઓ અને તેના માટેના સરકારી હુકમો અને ત્યાર બાદ જે રીતે સરકારી તંત્ર તેના અમલીકરણ માટે જે રીતે કાર્યવાન્વિત થાય તેની પર છે."

પ્રોફેસર હિર્વે જણાવે છે, "આ ઔદ્યોગિક નીતિમાં MSME માટે કેટલાંક પ્રોત્સાહનો જરૂર છે, જોકે તેનો લાભ મોટા ભાગે મધ્યમ કદના ઉદ્યોગોને થશે. સાવ નાના ઉદ્યોગોને આ નીતિની જોગવાઈઓથી કોઈ લાભ થવાનો નથી."

line

માત્ર શહેરોમાં જ ઉદ્યોગો સ્થપાશે?

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત ઉદ્યોગો માત્ર શહેરોમાં કેન્દ્રિત બનશે કે શહેરથી દૂરના પછાત વિસ્તારોને પણ નવા ઉદ્યોગોની સ્થાપના થકી લાભ મેળવવાની તકો ઊભી થશે?

આ પ્રશ્ન અંગે ડૉ. જયનારાયણ વ્યાસ જણાવે છે, "આ પહેલી વખત ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાઈ હોય એવું નથી."

"ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી અમદાવાદ જેવાં મોટાં શહેરોની આસપાસ વધુ રોકાણ થયું છે."

"જોકે, સમયાંતરે મોટાં શહેરોમાંથી નીકળી ઉદ્યોગો અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહેલાંથી પહોંચી ગયા હતા."

"આમ, ગુજરાતમાં પહેલાંથી જ શહેરો સિવાય આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાય તે માટેનાં પ્રોત્સાહનો જોવા મળતાં હતાં અને આ નીતિમાં પણ આવી જ જોગવાઈ છે."

સુનિલ પારેખ આ અંગે વાત કરતાં જણાવે છે, "નાના ઉદ્યોગો હંમેશાં ક્લસ્ટરમાં જ ટકી અને વિકાસ સાધી શકતા હોય છે, આ નીતિમાં પણ પછાત તાલુકાઓમાં નવા ઉદ્યોગો શરૂ કરવા માટે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ શરૂ કરવા માટે ઘણી સહાયો અને રાહતો જાહેર કરવામાં આવી છે."

"આ પગલાથી પછાત તાલુકાઓમાં ક્લસ્ટર ડેવલપમૅન્ટ થકી નવા ઉદ્યોગો સ્થાપવા માટે ઘણ પ્રોત્સાહનો અપાયા છે, જે ચોક્ક્સપણે લાભદાયક સાબિત થઈ શકે છે."

line

'પ્રવાસી મજૂરોની સમસ્યાનું નિરાકરણ નહીં'

મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ઔદ્યોગિક નીતિમાં પ્રવાસી મજૂરો અને ઔદ્યોગિક મજૂરોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ ન કરાયા હોવાની વાત કરતાં પ્રોફેસર ઇંદિરા હિર્વે જણાવે છે :

"ગુજરાતમાં સરકાર વાતો કરે છે કે અમારે ત્યાં પૂરતા પ્રમાણમાં રોજગારી છે, પરંતુ એ રોજગારીની ગુણવત્તા પર ધ્યાન અપાતું નથી."

"જે પરિસ્થિતિઓને કારણે પ્રવાસી મજૂરો વતનમાં જતા રહ્યા, તેઓ પાછા આવે ત્યાર બાદ પણ જો આ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થાય તો તેનો અર્થ એ થાય કે આપણે આ સંકટ પરથી કોઈ બોધપાઠ નથી લીધો."

ઔદ્યોગિક મજૂરો માટે જરૂરી સુવિધાઓ ગણાવતાં તેઓ કહે છે કે, "મજૂરો માટે મકાનો, સારું પગારધોરણ અને તમામ પ્રકારની સામાજિક સુરક્ષાઓ તેમને મળી રહે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. પરંતુ ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિમાંથી ઔદ્યોગિક અને પ્રવાસી મજૂરોના આ મુદ્દાઓ ગાયબ છે. જેનો સમાવેશ થવો જોઈએ."

તેઓ જણાવે છે કે કામદારો માટે ચોક્કસ કામની પરિસ્થિતિ અને જીવનધોરણ સુનિશ્ચિત કર્યા વગર અપાયેલ રોજગાર એ રોજગાર નથી. તેમના મતે ગુજરાતમાં મળતા રોજગારની ગુણવત્તા ઘણી ખરાબ છે.

"ગુજરાત પ્રવાસી મજૂરોની બાબતે સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે આવા મજૂરોએ રાજ્યના વિકાસમાં આટલો મોટો ફાળો આપ્યો હોય, ત્યારે રાજ્ય સરકારની એ કાનૂની જવાબદારી બની જાય છે કે તેમના જીવનધોરણની ગુણવત્તા જળવાય એવી પરિસ્થિતિઓ અને વળતર તેમને મળે."

લૉકડાઉન દરમિયાન મજૂરોએ જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેને કારણે હજુ સુધી ઘણા મજૂરો રાજ્યમાં પોતાના કામના સ્થળે પરત ન ફર્યા હોવાની વાત પ્રોફેસર હિર્વે કહે છે.

"હવે ઓછી સંખ્યામાં મજૂરો આવી રહ્યા છે, જેની બે પ્રતિક્રિયાઓ જોવા મળી છે, એક તો એ કે ઉદ્યોગોમાં રોબૉટિક્સનો ઉપયોગ વધી ગયો અને બીજી એ કે ઘણા ઉદ્યોગો ઑટોમૅશન તરફ આગળ વધવા લાગ્યા છે."

"આ વલણને જોતાં ઔદ્યોગિક નીતિમાં એ વાત સામેલ કરવાની જરૂર હતી કે જો આટલા મોટા પ્રમાણમાં ઑટોમૅશન અને રોબૉટિક્સનો ઉપયોગ થશે તો આવી પરિસ્થિતિમાં લોકોને રોજગારી આપવી શક્ય નહીં રહે. આ દિશામાં પણ વિચારવાની જરૂર હતી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો