મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની : એ 10 લાજવાબ નિર્ણય જેણે ભારતને હારેલી મૅચ જિતાડી દીધી

ઇમેજ સ્રોત, Reuters
ક્રિકેટમાં એવી કોઈ ટ્રૉફી નથી જેના પર મહેન્દ્રસિંહ ધોનીએ કબજો ન કર્યો હોય.
50 ઓવરની મૅચમાં ધોની વર્લ્ડકપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂક્યા છે.
20 ઓવરની રમતમાં તેઓ વર્લ્ડ ટી-20 અને આઈપીએલ અને ચૅમ્પિયન્સ લિગ પણ જીતી ચૂક્યા છે.
ટેસ્ટ મૅચમાં તેઓ ટીમ ઇન્ડિયાને નંબર-વનનો તાજ અપાવી ચૂક્યા છે.
એક નજર નાખીએ ધોનીના એ 10 મહત્ત્વના નિર્ણયો પર, તેઓએ ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે.

1- જોગિન્દરને બનાવ્યા હીરો
2007 વર્લ્ડકપ ટી-20ની ફાઇનલમાં જો મહેન્દ્રસિંહ ધોનીએ જોગિન્દર શર્માને અંતિમ ઓવર ન આપી હોત તો દુનિયાને કદાચ યાદ ન રહેત કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો હિસ્સો હતા.
ફાઇનલની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 13 રનની જરૂર હતી. ભારતને માત્ર એક વિકેટની જરૂર હતી. જોકે ક્રીઝ પર ઇનફૉર્મ મિસબાહ ઉલ હક ઊભા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં ધોનીએ અનુભવી હરભજનસિંહની જગ્યાએ જોગિન્દર શર્માને ઓવર આપી. જોગિન્દર શર્માની ઓવરના ત્રીજા બૉલે લેવાયેલી મિસબાહની વિકેટથી ધોનીએ ખેલેલો દાવ હંમેશાં માટે યાદગાર બની ગયો.

2- બૉલ આઉટમાં બલ્લે-બલ્લે
2007ના વર્લ્ડ ટી-20ના લીગ રાઉન્ડમાં પાકિસ્તાન સામે ભારતની મૅચ ટાઈ થઈ હતી.
મૅચનો નિર્ણય બૉલ આઉટથી થવાનો હતો. બૉલ આઉટમાં બૉલરે એક જ વારમાં બૉલ ફેંકીને વિકેટ્સ હિટ કરવાની હતી.
પાકિસ્તાને રેગ્યુલર બૉલરને પસંદ કર્યા, જ્યારે ધોનીએ હરભજનસિંહની જગ્યાએ વીરેન્દ્ર સેહવાગ અને રૉબિન ઉથપ્પા જેવા પાર્ટટાઇમ બૉલર પર દાવ અજમાવ્યો અને મૅચ જીતી બતાવી હતી.

3- ધોનીનો છગ્ગો અને ઇન્ડિય ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, Getty Images
2011ના વર્લ્ડકપની ફાઇનલમાં કુલશેખરાના બૉલ પર ધોનીનો જીત અપનાવનારો છગ્ગો કોણ ભૂલી શકે છે?
ભારતને 28 વર્ષ બાદ વર્લ્ડકપ અપાવનારા ધોનીએ ફાઇનલમાં અણનમ 91 રન બનાવ્યા. એ મૅચમાં જો ધોનીનું બૅટ ન ચાલત તો તેઓ ટીકાકારોના નિશાને હોત.
એટલા માટે કે ફાઇનલ પહેલાં ધોનીનું બૅટ ખામોશ હતું. તેઓ અર્ધસદી પણ બનાવી શક્યા નહોતા.
ફાઇનલમાં ધોની ઇનફૉર્મ યુવરાજની જગ્યાએ ખુદને પ્રમોટ કરીને પાંચમા નંબરે બૅટિંગ કરવા આવ્યા હતા.
કારણ એ હતું કે એક તો ક્રીઝ પર ડાબોડી બૅટ્સમૅન ગૌતમ ગંભીર હતા અને ડાબોડી-જમણેરી હાથના ખેલાડીઓનો તાલમેલ રાખવા માગતા હતા.
બીજું કારણ એ હતું કે ધોની માનતા હતા કે તેઓ શ્રીલંકાના સ્પિનરો સામે સરળતાથી રન બનાવી શકતા હતા. ધોનીએ જે વિચાર્યું એ જ થયું.

4- બૉલર યુવરાજ પર દાવ
યુવરાજસિંહની ઓળખ બૅટ્સમૅનની છે. જોકે ધોનીએ 2011ના વર્લ્ડકપમાં યુવરાજને રૅગ્યુલર બૉલરની જેમ ઉપયોગ કર્યો અને આ દાવથી તેઓ વિરોધીઓને ઘેરવામાં સફળ રહ્યા.
યુવરાજે 9 મૅચમાં 75 ઓવર નાખી અને 15 વિકેટ લીધી. તેઓએ ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલમાં બે-બે વિકેટ લીધી હતી.

5- 'છૂપા રુસ્તમ' અશ્વિન-રૈના
2011ના વર્લ્ડકપમાં ધોનીએ સુરેશ રૈના અને આર. અશ્વિનને શરૂઆતની મૅચમાં છુપાવી રાખ્યા અને નૉકઆઉટ દોરમાં 'સરપ્રાઇઝ પૅકેજ'ની જેમ ઉપયોગ કર્યો.
અશ્વિન 2011ના વર્લ્ડકપમાં માત્ર બે મૅચ રમ્યા હતા. તેમાં એક મૅચ ઑસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ હતી. આ મૅચમાં ધોનીએ અશ્વિન પાસે બૉલિંગની શરૂઆત કરાવી હતી.
બે વિકેટ લેનારા અશ્વિને ઑસ્ટ્રેલિયાની બાજી બગાડી નાખી હતી. સુરેશ રૈનાએ પણ ઑસ્ટ્રેલિયા સામે અણનમ 34 રન બનાવીને જીતમાં યોગદાન આપ્યું હતું.
રૈનાએ પાકિસ્તાન સામે સેમિફાઇનલમાં પણ અણનમ 36 રન બનાવ્યા હતા.

6- નિશાના પર નેહરા

ઇમેજ સ્રોત, Getty Images
2001ના વર્લ્ડકપની શરૂઆતની મૅચોમાં ફાસ્ટ બૉલર આશિષ નેહરા પ્રભાવી સાબિત નહોતા થયા, પરંતુ પાકિસ્તાન સામે સેમિફાઇનલમાં ધોનીએ તેમને મોકો આપ્યો હતો.
એ પણ ઑસ્ટ્રેલિયા સામે અસરદાર રહેતા અશ્વિનની જગ્યાએ. ધોનીનો આ દાવ પણ હિટ રહ્યો હતો.
10 ઓવરમાં માત્ર 33 રન આપીને બે વિકેટ લેનારા નેહરા ફાઇનલમાં વિકેટ અપાવવામાં મદદરૂપ સાબિત થયા હતા.

7- રંગ લાવ્યો યંગિસ્તાન પરનો ભરોસો

ઇમેજ સ્રોત, Pti
ઑસ્ટ્રેલિયામાં 2008માં થયેલી ટ્રાઈ સિરીઝ માટે ધોનીએ પસંદગીકારો સામે માગ રાખી કે તેઓ યુવા ટીમને પસંદ કરે.
ધોનીનું માનવું હતું કે ઑસ્ટ્રેલિયાનાં મોટાં મેદાનમાં મોટી ઉંમરના ખેલાડીઓ રન રોકવામાં નિષ્ફળ જશે.
ધોનીની ટીકા તો બહુ થઈ, પણ આ નિર્ણયના દમ પર તેઓ ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર ટ્રાઈ સિરીઝ ટ્રૉફી જિતાડી શક્યા હતા.
આ જીતમાં ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને પ્રવીણ કુમાર જેવા યુવા ખેલાડીઓનો રોલ મહત્ત્વનો રહ્યો હતો.

8- ઈશાંત બન્યા શાન
2013માં ઇંગ્લૅન્ડમાં રમાયેલી આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં વરસાદને કારણે ફાઇનલ મૅચ 20-20 ઓવરની કરાઈ હતી. ભારતે ઇંગ્લૅન્ડને જીત માટે 130 રનનો પડકાર આપ્યો હતો.
મોર્ગન અને બોપારાની શાનદાર બેટિંગને કારણે ઇંગ્લૅન્ડની ટીમ જીત તરફ આગળ વધતી હતી.
યજમાન ટીમને અંતિમ ત્રણ ઓવરમાં માત્ર 28 રન કરવાના હતા. એવામાં ધોનીએ પોતાના સૌથી ખર્ચાળ બૉલર ઈશાંત શર્માને બૉલિંગ આપી.
નિર્ણય અટપટો હતો, પણ ઈશાંતે એક જ ઓવરમાં મોર્ગન અને બોપારાને આઉટ કરીને ઇંગ્લૅન્ડની જીતની આશા તોડી નાખી.

9- રોહિતનું નસીબ બદલ્યું
મિડલ ઑર્ડરમાં રમતા રોહિત લાંબા સમયથી પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન નહોતા કરી રહ્યા.
ધોનીએ વન ડેમાં રોહિતને ઓપનરના રૂપમાં પ્રમોટ કર્યા અને તેઓ ખીલી ઊઠ્યા. એક ઓપનર તરીકે રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટના સૌથી ખતરનાક બૅટ્સમૅન તરીકે ઊભર્યા.

10- દરેક ચાલ હિટ

ઇમેજ સ્રોત, Pti
ભારતીય ક્રિકેટ ટીમ સિવાય ધોનીએ આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સને પણ સૌથી સફળ ટીમ બનાવી.
થોડા સમય પહેલાં જ તેઓએ એ જાણકારી સાર્વજનિક કરી હતી કે ટીમ પ્રમોટર એન. શ્રીનિવાસનની ઇચ્છા હોવા છતાં ટીમ તરફથી એક ખેલાડીને અનુબંધિત કરવાથી ઇન્કાર કરી દીધો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













