You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી. આર. પાટીલે 38 કૉર્પોરેટરને એકસાથે કેમ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા?
ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે છ મ્યુનિસિપાલિટીમાંથી પાર્ટીના 38 કૉર્પોરેટરોને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે.
બુધવારે પાર્ટીએ જણાવ્યું કે મ્યુનિસિપાલિટીમાં પ્રેસિડન્ડ અને વાઇસ પ્રેસિડન્ટના પદ પર હાલમાં થયેલી ચૂંટણીમાં પાર્ટીના આદેશની અવગણના કરી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આ છ મ્યુનિસિપાલિટીમાં ભાજપનું શાસન હતું પરંતુ આ 38 સભ્યોના વિદ્રોહને કારણે ભાજપને આમાંથી પાંચ મ્યુનિસિપાલિટી હાર મળી હતી અને એક મ્યુનિસિપાલિટીમાં માત્ર એક વોટના અંતરે વિજય મેળવ્યો હતો.
આ છ મ્યુનિસિપાલિટીમાં સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, પાટણ જિલ્લામાં હારિજ, બનાસકાંઠામાં થરાદ, કચ્છમાં રાપર, રાજકોટમાં ઉપલેટા અને ભાવનગરમાં તળાજા સામે છે. ભાજપના હાથમાં માત્ર હારિજ મ્યુનિસિપાલિટી આવી હતી.
મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા પર આધારિત વેબ સિરીઝ પર વિવાદ
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે ઑનલાઇન વીડિયો મંચ નેટફ્લિક્સને બુધવારે કહ્યું કે ''શું તે 'બૅડ બૉઇઝ બિલિયનૅર્સ' વેબ સિરીઝને તેની રિલીઝ પહેલાં પીએમબી સ્કૅમના આરોપી મેહુલ ચોકસીને ઉપલબ્ધ કરાવી શકે છે?''
મેહુલ ચોકસીના વકીલે આ વેબ સીરીઝની રિલીઝને ટાળવાની અરજી કરી છે.
જસ્ટિસ નવીન ચાવલાએ નેટફ્લિક્સના વકીલને કહ્યું કે તેઓ ચોકસીને આની પ્રીસ્ક્રીનિંગ કૉપી ઉપલબ્ધ કરાવવા અંગે વિચારે અને વિવાદ પર પૂર્ણવિરામ મૂકે. આ અંગે આગળની સુનાવણી 28 ઑગસ્ટે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીતાંજલી જેમ્સના સાથે સંકળાયેલા મેહુલ ચોક્સી અને હીરાના વેપારી નીરવ મોદી પર પંજાબ નૅશનલ બૅન્કના 13,500 કરોડ રૂપિયાથી વધારેની હેરાફેરીનો આરોપ છે. ચોકસી અને નીરવ મોદી હાલ ભારતમાં નથી.
ભારતમાં નેટફ્લિક્સ પર આ વેબ સીરીઝ બીજી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. જેમાં ભારતના કુખ્યાત ઉદ્યોગપતિઓના લાલચ, દગાબાજી અને ભ્રષ્ટાચારને બતાવવામાં આવ્યા છે.
આમાં મેહુલ ચોકસી સિવાય વિજય માલ્યા, નીરવ મોદી, સુબ્રત રૉય અને બી રાજુ રામલિંગમના વિવાદિત મામલાની વાત પણ કરવામાં આવી હોવાની શક્યતા છે.
અમદાવાદમાં મહિલાને બીજી વખત કોરોના સંક્રમણ
ગુજરાત અને તેલંગણામાં એવા કેસ સામે આવ્યા છે જેમાં ફરીથી કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય.
અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ અમદાવાદમાં એક મહિલા જેમને એપ્રિલ મહિનામાં કોરોનાનો ચેપ લાગ્યો હતો તેઓ ફરીથી કોરોના પૉઝિટિવ થયાં છે.
હૉંગકૉંગ યુનિવર્સિટીએ દુનિયામાં દર્દીને ફરીથી કોરોના સંક્રમણ થયું હોય એવા પ્રથમ કેસ પર શોધપત્ર બહાર પાડ્યું છે. ત્યારે ગુજરાતમાં એક અને તેલંગણામાં બે એવા કેસ સામે આવ્યા છે જેમાં ફરી કોરોનાનો ચેપ લાગ્યો હોય.
અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલે દાવો કર્યો છે કે 54 વર્ષનાં એક મહિલા જેમને એપ્રિલમાં કોરોના થયો હતો. તેમના RT-PCR ટેસ્ટમાં લેવાયેલા સ્વૉબમાં ફરીથી કોરોના ચેપ જોવા મળ્યો છે.
તેમને હાઇપરટેન્શન અને હાઇપરથાઇરૉઇડ બંને છે પરંતુ કોરોના સંક્રમણનાં લક્ષણો દેખાતાં નથી.
સુરત : રોડની પાસે કર્યા પિતાના અંતિમસંસ્કાર
સુરતના એના ગામમાં હડપતિ આદિવાસી સમુદાયના એક રહેવાસીએ ગામની મુખ્ય સડકની પાસે જ પોતાના પિતાના અંતિમસંસ્કાર કર્યા હતા. જે બદલ તેમની સામે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ 45 વર્ષના મોહનકુમાર રાઠોડનું અવસાન થયું હતું ત્યાર પછી સ્મશાનના સંચાલકોએ અંતિમંસંસ્કાર માટે પૂરી ફીની માગણી કરી હતી.
મોહનકુમારના પુત્ર પૂરી ફી આપી શકે તેમ નહોતા જેથી સંચાલકોએ અંતિમસંસ્કારની પરવાનગી નહોતી આપી.
જે બાદ તેમણે પોતાના સમુદાયના લોકો સાથે ગામની મુખ્ય સડકની પાસે જ પોતાના પિતાના અંતિમસંસ્કાર કર્યા હતા. આ ઘટના બાદ હડપતિ સમાજ અને ગામના અન્ય ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
રિયા ચક્રવર્તીની સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કેસ નોંધ્યો
અભિનેતા સુશાંત સિંહના મૃત્યુના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બુધવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીની સામે ગુનાહિત કેસ દાખલ કર્યો છે.
રિયા ચક્રવર્તી સહિત અન્ય ત્રણ લોકોની વિરુદ્ધ પણ પ્રતિબંધિત સામગ્રી લેવા બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને પ્રવર્તન નિદેશાલય તરફથી સુશાંત સિંહનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અન્ય લોકો અંગે વૉટ્સઍપ ચૅટની માહિતી આપવામાં આવી હતી. જેમાં કૅનાબિડિઓલ, એલએસડી જેવા નશીલા પદાર્થની જાણકારી હતી.
રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહના ઘરે રહેતા સ્ટાફના સભ્યો તેમનાં મૃત્યુના મામલામાં શંકાના ઘેરામાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો