You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
JEE-NEETની પરીક્ષાને લઈને સરકાર અને વિદ્યાર્થીઓ આમને-સામને કેમ?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ મંગળવારે કહ્યું કે જેઈઈ મેઇન અને એનઈઈટીની પરીક્ષા નિર્ધારિત સમયે લેવાશે.
દરમિયાન ઘણા રાજકીય નેતાઓ અને રાજ્ય સરકારો બાદ ચર્ચિત પર્યાવરણકાર્યકર ગ્રૅટા થનબર્ગે પણ ભારતીય વિદ્યાર્થીઓની એનઈઈટી અને આઈઈટી-જેઈઈ પરીક્ષાને આગળ વધારવાની માગને સમર્થન આપ્યું છે.
થનગર્બે એક ટ્વીટમાં કહ્યું, "આ ખોટું છે કે ભારતીય વિદ્યાર્થીઓને કોવિડના સમયમાં રાષ્ટ્રીયસ્તરની પરીક્ષામાં બેસવા માટે કહેવાઈ રહ્યું છે. અને જ્યારે લાખો લોકો પૂરથી પ્રભાવિત છે, ત્યારે આ વિદ્યાર્થીઓની પરીક્ષાને સ્થગિત કરવાની માગને સમર્થન આપું છું."
વિદ્યાર્થીઓએ બંને રાષ્ટ્રીય પરીક્ષાઓની તારીખને આગળ વધારવાની માગ સુપ્રીમ કોર્ટમાં પણ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નહોતી.
આથી કેન્દ્ર સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આ વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો.
આખરે શું છે આખો મામલો?
ભારતમાં આઈઆઈટી અને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે દર વર્ષે રાષ્ટ્રીયસ્તરે બે પરીક્ષા- આઈઆઈટી જેઈઈ અને નીટનું આયોજન કરાય છે.
આ વર્ષે પણ આઈઆઈટી જેઈઈની પરીક્ષા 1થી 6 ડિસેમ્બર વચ્ચે અને નીટની પરીક્ષા 13 ડિસેમ્બરે થવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશભરમાં આઈઆઈટી માટે 11 લાખ વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યાં છે અને નીટ માટે 16 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.
આ પરીક્ષા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત કોરોના સંક્રમણ મામલે દુનિયાભરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે અને અત્યાર સુધીમાં 58 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
સરકારે કોરોના વાઇરસ સંક્રમણની ગતિ રોકવા માટે ઘણી જગ્યાએ અવરજવરનાં સાધનો પર પ્રતિબંધ લગાવ્યો છે.
સાથે જ ટ્રેન સેવાઓ હજુ સુધી સામાન્ય થઈ નથી. એવામાં સવાલ એ છે કે વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં બેસવા માટે પરીક્ષાકેન્દ્ર સુધી કેવી રીતે પહોંચશે?
એટલા માટે કે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્ર પર પહોંચવા માટે 100-150 કિલોમિટરનું અંતર કાપવું પડે છે.
આથી વિદ્યાર્થીઓની માગ છે કે આ પરીક્ષાની તારીખ આગળ ધપાવવી જોઈએ, જેથી સ્થિતિ સામાન્ય થતાં પરીક્ષા આપી શકાય.
જોકે સરકારનું વલણ એવું છે કે આવું કરવાથી યુવાઓનું એક વર્ષ બગડી જશે.
શું કહે છે વિદ્યાર્થીઓ?
બીબીસીએ આઈઆઈટી જેઈઈ અને નીટ પરીક્ષા માટે તૈયારી કરતા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીને આ વિવાદ પર તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી.
12મા ધોરણમાં 94 ટકા અંક લાવનારાં મૃણાલિકા કહે છે, "ભારત આ સમયે કોવિડના હિસાબે દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે."
"એ તો નક્કી છે કે પરીક્ષાકેન્દ્ર પર ભીડ થશે. અમને નથી ખબર કે કોણ કોવિડથી સંક્રમિત છે. એ વાતની પૂરી શક્યતા છે કે અમારા ઘરમાં વાઇરસ ફેલાઈ જશે."
"મારો એક નાનો ભાઈ છે, મારા પપ્પા છે જે પહેલાં જ એક વાર બીમાર પડી ચૂક્યા છે. જો હું એક વાર સાજી પણ થઈ ગઈ તો પણ મારાથી તેમને સંક્રમણ ફેલાઈ શકે છે."
"મારું ન્યુક્લિયર ફેમિલી છે. પણ ઘણાં બાળકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. ત્યાં તેમનાં દાદાદાદી પણ રહેતાં હોય છે, જે આ રીતે સંક્રમિત થઈ શકે છે."
ટ્રેનસેવા સામાન્ય ન થવાને કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી જગ્યાએ પૂરને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ થઈ શકે છે.
બિહારમાં રહેતાં આર્યા શાંડિલ્ય કહે છે, "અમારા પ્રદેશમાં 38 જિલ્લા છે, પણ પટના અને ગયામાં કુલ બે કેન્દ્ર છે અને બિહારમાં છ સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ છે."
"આ માહિતી અત્યારની છે. આગળ શું થશે એ ખબર નથી. એવામાં સવાલ એ છે કે વિદ્યાર્થી પોતાના પૂરપ્રભાવિત જિલ્લામાંથી બહાર નીકળીને પરીક્ષાકેન્દ્ર સુધી કેવી રીતે પહોંચશે."
"જો અમને પરીક્ષાકેન્દ્ર સુધી લઈ જનારાં અમારાં માતાપિતા, દાદા-દાદીને કંઈ થઈ જાય તો શું તમે હૉસ્પિટલનો ખર્ચ ઉઠાવશો? જો અમે પોતાનાને ગુમાવી દઈશું તો શું તેની ભરપાઈ કરી શકશો? નહીં, તમે આવું નહીં કરો."
તો બિહારના એક વિદ્યાર્થી ઉજ્જવલ કહે છે કે તેમનું ઘર પરીક્ષાકેન્દ્રથી ત્રણસો કિલોમિટર દૂર છે.
તેઓ કહે છે, "મારા ઘરથી પરીક્ષાકેન્દ્રનું અંતર ત્રણસો કિમી છે. બસો ચાલતી નથી. પરિવહન સાધન નથી. તો અમને જણાવવામાં આવે કે અમે પરીક્ષાકેન્દ્ર સુધી કેવી રીતે પહોંચી શકીએ?"
"અમે ત્યાં પહોંચી જઈએ તો પણ ત્યાંની સ્થિતિમાં ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે કરી શકીશું?"
પશ્ચિમ બંગાળમાં રહેતા સાયંતન બિશ્વાસ પરીક્ષાકેન્દ્ર પહોંચ્યા બાદ ત્યાં રહેવામાં થતી મુશ્કેલીઓને સમજવાનો આગ્રહ કરે છે.
બિશ્વાસ કહે છે, "માની લો કે અમે પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચી પણ ગયા, તો બીજો સવાલ એ છે કે ઘરથી 100-200 કિલોમિટર દૂર જઈને અમે ત્યાં રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરશું?"
"અને બધા લોકો જશે કેવી રીતે? કેમ કે બધા લોકો તો ભાડે ગાડી કરીને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચી ન શકે. કેમ કે લૉકડાઉનમાં ઘણા લોકોની નોકરીઓ ગઈ છે."
"તેમના પર આર્થિક સંકટ છે. આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં તમામ જગ્યાએ પૂરને કારણે રસ્તાઓ જ નથી. એવામાં એ લોકો 100-200 કિલોમિટરનું અંતર કાપીને પરીક્ષાકેન્દ્ર સુધી કેવી રીતે પહોંચી શકશે?"
શું કહે છે કે રાજકીય પક્ષો?
એક તરફ વિદ્યાર્થીઓને સત્તા પક્ષથી લઈને વિપક્ષ તરફથી સમર્થન મળતું દેખાઈ રહ્યું છે, તો હવે રાજ્ય સરકારોએ સત્તાવાર રીતે આ પરીક્ષાની તારીખ આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો આગ્રહ કર્યો છે.
દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પહેલેથી કેન્દ્ર સરકારને આ પરીક્ષા રદ કરવાની અપીલ કરી ચૂક્યા છે.
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક પણ કેન્દ્રીય શિક્ષણમંત્રીને પત્ર લખીને આ પરીક્ષાઓ સ્થગિત કરવાની વાત કરી ચૂક્યા છે.
તેઓએ પોતાના પત્રમાં લખ્યું છે, "કોવિડ-19ના સમયમાં જેઈઈ મેઇન અને નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું પરીક્ષાકેન્દ્ર જવું ઘણું અસુરક્ષિત છે. આથી એ નિવેદન છે કે પરીક્ષાની આયોજનતિથિ સપ્ટેમ્બરથી આગળ વધારવામાં આવે."
ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ સાથે વાત કરીને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંને પરીક્ષા આગળ વધારવાની માગ કરી છે.
આ મામલે વિદ્યાર્થીઓની સાથે આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ જોડાતી જોઈ શકાય છે. જેમ કે પર્યાવરણના મુદ્દાને ઉઠાવનારાં ગ્રૅટા થનબર્ગે પણ પોતાના સત્તાવાર એકાઉન્ટથી ટ્વીટ કરીને આ મામલે વિદ્યાર્થીઓની માગનું સમર્થન કર્યું છે.
સરકારના દાવામાં કેટલો દમ?
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગત 21 ઑગસ્ટે પ્રેસ રિલીઝના માધ્યમથી પરીક્ષા માટેની તૈયારીઓ અંગે જણાવ્યું હતું.
એજન્સીએ જણાવ્યું છે કે તેણે પરીક્ષા પહેલાં અને બાદમાં પરીક્ષાકેન્દ્રની સાફસફાઈ માટે સારી વ્યવસ્થા કરેલી છે અને નવા હેન્ડ ગ્લવ્ઝ અને માસ્ક વગેરે આપવાની વ્યવસ્થા પણ કરી છે.
સાથે જ પરીક્ષાકેન્દ્રની જાળવણી માટે એક વિસ્તુત દિશાનિર્દેશ પણ જાહેર કર્યા છે.
આ પ્રેસ રિલીઝમાં સુપ્રીમ કોર્ટના એ આદેશનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જેમાં કોર્ટે પરીક્ષા આગળ વધારવા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.
જોકે તમામ વિદ્યાર્થીઓ હજુ પણ કારકિર્દી માટે જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નજરે આવતા નથી.
આ ઉંમરનાં બાળકોનું કારકિર્દી કાઉસેલિંગ કરનારા અનિલ સેઠી માને છે કે બાળકો માટે આ સ્થિતિમાં પરીક્ષા આપવી બહુ મોટી સમસ્યા છે.
તેઓ કહે છે, "ઘણી જગ્યાએ પાણી ભરાયેલું છે. અહીંથી તહીં જવા માટે પરિવહનનાં સાધનો ઉપલબ્ધ નથી. લૉકડાઉન પણ ચાલી રહ્યું છે, ઘણી જગ્યાએ. અને બાળકો આ પરીક્ષા આપી રહ્યા હશે તો તેમને માસ્ક પહેરી રાખવો પડશે. અને માની લો તેઓ સંક્રમિત થઈ ગયા તો શું થશે? આથી બાળકો માટે આ યોગ્ય નથી."
"મારું માનવું છે કે પરીક્ષાની તારીખોને આગળ વધારવી જોઈએ. કોર્ટ ભલે મનાઈ કરી દે, પરંતુ સરકાર ઇચ્છે તો તેને સ્થગિત કરી શકે છે, કેમ કે બાળકો પર ઘણી નકારાત્મક અસર થવાની છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો