નીલકંઠ ભાનુ પ્રકાશ : વિશ્વનું સૌથી ઝડપી 'માનવ કૅલક્યુલેટર' બનનારા ભારતીયની કહાણી

    • લેેખક, મનીષ પાંડે
    • પદ, ન્યૂઝબીટ રિપોર્ટર

તમે કદાચ એવું કહી શકો કે નીલકંઠ ભાનુ પ્રકાશનું સ્થાન ગણિતમાં એવું છે જેવું દોડમાં ઉસૈન બોલ્ટનું.

20 વર્ષની ઉંમરે તેમણે ભારત માટે પહેલી વખત કૅલક્યુલેશન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મૅડલ જિત્યો છે.

તેમનું કહેવું છે કે ગણિત કે એક મોટી માનસિક રમત છે અને તેનું લક્ષ્ય લોકોમાંથી ગણિતનો ડર બહાર કાઢવાનું છે.

ભાનુ તેમના ગણિતની ગણતરીઓ માટે જાણીતા છે અને તેઓ સતત સંખ્યાઓ વિશે વિચારતા રહે છે. તેઓ હવે વિશ્વના સૌથી ઝડપી હ્યૂમન કૅલક્યુલેટર બની ગયા છે.

તેઓ ગણિતને ઝડપી દોડ સાથે સરખાવે છે. તેઓ કહે છે કે જે લોકો ઝડપથી દોડે છે તેમને કોઈ પ્રશ્નો પૂછતું નથી પરંતુ ગણિતના મામલામાં લોકોને હંમેશાં પ્રશ્નો હોય છે.

તેમણે બીબીસી રેડિયો 1 ન્યૂઝબિટ સાથે વાત કરતાં કહ્યું કે આપણે ઉસૈન બોલ્ટની જેમ કોઈ 100 મિટરની દોડ 9.8 સેકન્ડમાં પૂરી કરી લે છે ત્યારે ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે એવું નથી કહેતા કે જ્યારે દુનિયામાં કાર અને પ્લેન છે ત્યારે ઝડપથી દોડવાનો અર્થ શો છે?

તેમણે કહ્યું, "તમારું શરીર અકલ્પનીય કંઈક કરે ત્યારે એ લોકોને પ્રોત્સાહિત કરે છે અને ગણતરી અને ગણિતના મામલામાં પણ આવું જ છે."

'ગણતરી તમારા મગજને સતત વ્યસ્ત રાખે છે'

તમને એવું લાગશે કે તેઓ કદાચ જન્મથી જ ગણિતમાં હોશિયાર છે, પરંતુ ના ભાનુના કેસમાં આવું નથી.

પાંચ વર્ષની ઉંમરે તેમનો એક અકસ્માત થયો હતો. માથામાં ઈજાના કારણે તેમણે એક વર્ષ સુધી પથારીવશ રહેવું પડ્યું હતું.

આ સમયે તેમની ગણિત સાથેની અદ્ભુત સફર શરૂ થઈ હતી.

'મારાં માતાપિતાને લાગતું હતું કે કદાચ હું માનસિક રીતે બીમાર થઈ જઈશ'

'તેથી મેં આ સ્થિતિથી બચવા માટે ગણિતની ગણતરીઓને પસંદ કરી, જેથી હું મારા મગજને વ્યસ્ત રાખી શકું.'

ભાનુના કહેવા પ્રમાણે તેઓ એક મધ્યમવર્ગીય પરિવારામાંથી આવે છે. તેમને સારી નોકરી કે ધંધો શરૂ કરવાનો વિચાર હતો.

તેમનું કહેવું છે કે ગણિત જેવા વિષયમાં આગળ વધવાનો તેમને પહેલાં વિચાર નહોતો આવ્યો.

નંબર અને ગણતરી સાથેના તેના પ્રેમને કારણે ભાનુ હવે થોડા જ સમયમાં ગણિતમાં ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે.

'ખૂબ મોટી માનસિક રમત'

મોટા ભાગના સ્પર્ધકોની જેમ ભાનુ પણ પોતાની સફળતા પાછળ તેમની તૈયારી કરવાની મહેનતને શ્રેય આપે છે.

તેમનું કહેવું છે કે આ માત્ર ડેસ્ક પર બેસીને ભણવા જેટલું જ નથી. આ એક મોટી માનસિક રમત છે.

તેઓ કહે છે, "મેં મારી જાતને કોઈ જલદીથી ગણતરી કરતા ગણિતશાસ્ત્રીની જેમ નહીં પરંતુ એક ઝડપતી વિચારી શકતા વિચારકની જેમ તૈયાર કરી છે."

ભાનુ આના માટે સ્કૂલ સિવાયના સમયમાં લગભગ છથી સાત કલાક સુધી તૈયારી કરતા હતા.

જોકે, સ્પર્ધામાં જિત્યા બાદ હવે તેઓ પહેલાંની જેમ સામાન્ય રીતે પ્રેક્ટિસ કરતા નથી, પરંતુ તેઓ કહે છે કે દરેક સમયે તેઓ નંબર વિશે વિચાર્યા કરે છે.

ભાનુ કહે છે, "હું ઊંચા વાગતા સંગીત સાથે, લોકોની સાથે વાત કરતાં-કરતાં અને ક્રિકેટ રમતાં-રમતાં પ્રેક્ટિસ કરું છું. જેથી એ સમયે તમારું મગજને અનેક વસ્તુઓની સાથે કેળવી શકાય."

'લોકોને પ્રોત્સાહિત કરવા માટે'

ગણિત સાથેનો તેમનો સંબંધ માત્ર રેકૉર્ડ બ્રેક કરવા પૂરતો નથી. તેમને એ કરવું ગમે છે ખરું.

ભાનુ કહે છે, 'વિશ્વને ગણિતશાસ્ત્રીઓની જરૂર છે એવું કહેતી વખતે રેકૉર્ડ અને ગણતરીઓ માત્ર એક રૂપક બનીને રહી જાય છે. ગણિત આપણા માટે મજાનો વિષય હોવો જોઈએ, એવો વિષય જેને આપણે પ્રેમ કરીએ.'

તેમનું મુખ્ય લક્ષ્ય લોકોમાંથી ગણિતનો ડર બહાર કાઢવાનું છે. તેમનું કહેવું છે કે લોકો આંકડાઓથી ડરે છે.

તેઓ કહે છે કે ગણિતશાસ્ત્રીઓ સમાજથી દૂર રહેનારા તરીકે જાણીતા છે. પણ આંતરરાષ્ટ્રીયસ્તરે સ્પર્ધામાં ભાગ લેવાનો અર્થ એ છે કે તેમની ફરજ છે કે તેઓ ગણિતનો પ્રચાર કરે.

ચાર વિશ્વ રેકૉર્ડ અને બીજા ઘણી સિદ્ધીઓ સાથે ભાનુના પરિવારને તેમના પર ગર્વ છે.

તેઓ પોતાને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનું શ્રેય તેમના પરિવારને આપે છે.

ભાનુ કહે છે, "જ્યારે મેં પહેલી ઇન્ટરનેશનલ ચૅમ્પિયનશિપ જીતી, ત્યારે મારા કાકાએ કહ્યું હતું કે મારે દુનિયામાં અત્યાર સુધીના તમામ લોકોથી વધારે ઝડપી બનાવાનો પ્રયત્ન કરવો જોઈએ."

"મેં પહેલાં આવું ક્યારે વિચાર્યું ન હતું કે હું દુનિયાનું સૌથી ઝડપી હ્યુમન કૅલક્યુલેટર બનીશ."